ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સસરો અને તેના ચાર જમાઈ
સસરો અને તેના ચાર જમાઈ
આ પૃથ્વીતલ ઉપર વિકંટક નામે નગર છે. ત્યાં ઈશ્વર નામે મહાધનિક વેપારી રહેતો હતો. અવંતીપીઠથી તેના ચાર જમાઈઓ વિકંટકપુરમાં પરોણા તરીકે આવ્યા હતા. તેમનો તેણે ભારે ગૌરવપૂર્વક ભોજનવસ્ત્રાદિથી સત્કાર કર્યો. એ પ્રમાણે તેમને ત્યાં વસતાં છ માસ થઈ ગયા. પછી ઈશ્વરે પોતાની પત્નીને કહ્યું કે, ‘પરમ સત્કારથી પ્રસન્ન થયેલા આ જમાઈઓ પોતાને ઘેર જતા નથી. માટે શું કહેવું? અપમાન કર્યા વિના તેઓ નહિ જાય. માટે આજે ભોજન સમયે પગ ધોવા માટે પાણી આપવું નહિ; જેથી તેઓ અપમાન થયું જાણી ઘર ત્યજીને ચાલ્યા જશે.’ એ પ્રમાણે કરવામાં આવ્યું, એટલે પગ ધોવા માટે પાણી નહિ આપવારૂપી અપમાનથી ગર્ગ, નાનું આસન આપવાથી સોમ, અને હલકું ભોજન આપવાથી દત્ત ચાલ્યો ગયો. એમ ત્રણે જણ ઘરનો ત્યાગ કરીને ગયા. પણ ચોથો શ્યામલક જતો નહોતો, તેને ગળચી પકડીને બહાર કાઢ્યો.