ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સુથાર અને તેની વ્યભિચારિણી પત્ની
કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેની પત્ની વ્યભિચારિણી હોઈ લોકો તેના ઉપર અપવાદ મૂકતા હતા. તે પણ તેની પરીક્ષા માટે વિચાર કરતો હતો કે, ‘મારે એનું પરીક્ષણ કેવી રીતે કરવું? અથવા એમ પરીક્ષા કરવી યોગ્ય નથી. કેમ કે નદીઓની, કુળોની, મહાત્મા મુનિઓની તથા સ્ત્રીઓનાં દુશ્ચરિતની પરીક્ષા કરવી નહિ. મુનિએ વસુના વીર્યથી ઉત્પન્ન થયેલી માછીમારની પુત્રી (સત્યવતી)નું સેવન કર્યું હતું, અને તેથી સેંકડો ગુણોના નિવાસસ્થાનરૂપ વ્યાસ ઉત્પન્ન થયા. વધારે શું કહેવું? શ્રીમાન એવા તેમણે વેદોની વ્યવસ્થા કરી અને નાશ થવા આવેલા કુરુવંશના તેઓ જનક થયા. અહોહો! કર્મની ગતિઓ વિષમ છે.
કુળોની બાબતમાં કહ્યું તેના ઉદાહરણરૂપે મહાત્મા પાંડવોની ઉત્પત્તિ પણ તપાસવા જેવી નથી, કારણ કે તેઓ ક્ષેત્રજ (એક માતામાં જુદા જુદા પુરુષોથી ઉત્પન્ન થયેલા) પુત્રો હતા. સ્ત્રીના દુશ્ચરિતની પણ જો તપાસ કરવામાં આવે તો તે સ્ત્રીઓના અનેક દોષોને પ્રકટ કરે છે. તેમ જ
અગ્નિ શીતળ થાય અથવા ચંદ્ર ઉષ્ણ થાય, તથા દુર્જન હિતકારી થાય તો સ્ત્રીઓ સતીત્વવાળી હોય.
તો પણ લોકાપવાદ ઉપરથી, તે પવિત્ર છે કે અપવિત્ર છે, તેની તપાસ કરું. કહ્યું છે કે
જે વેદોમાં એ શાસ્ત્રોમાં જોવામાં કે સાંભળવામાં આવેલું નથી, તથા જે આ બ્રહ્માંડમાં છે તે સર્વ આ લોક જાણે છે.’
એ પ્રમાણે વિચાર કરીને તેણે સ્ત્રીને કહ્યું, ‘પ્રિયે! હું સવારે પરગામ જવાનો છું. ત્યાં મને કેટલાક દિવસ લાગશે. માટે તું મારે લાયક કંઈક ભાથું તૈયાર કર.’ આ સાંભળીને ચિત્તમાં હર્ષ પામેલી તેણે પણ ઉત્કંઠાથી સર્વ કાર્યોનો ત્યાગ કરીને ઘી અને સાકરવાળું અન્ન તૈયાર કર્યું. અથવા આ ખરું કહ્યું છે કે
વાદળાંથી ઘેરાયેલા દિવસોમાં, ગાઢ અંધકારમાં, જેમાં મુશ્કેલીએ ચાલી શકાય એવી નગરની શેરીઓમાં, પતિ પરદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણીને પરમ સુખ થયા છે.
પછી સવારે ઊઠીને સુથાર પોતાના ઘરમાંથી નીકળ્યો. તેને નીકળેલો જોઈને જેનું વદન હસતું હતું એવી તેણે અંગસંસ્કાર કરીને એ દિવસ મુશ્કેલીએ પસાર કર્યો. પછી બીજે દિવસે કોઈ વિટને ઘેર જઈને તે વિનંતીપૂર્વક કહેવા લાગી કે, ‘મારો તે દુરાત્મા પતિ પરગામ ગયો છે, માટે આજે બધા લોકો સૂઈ જાય ત્યારે તું મારે ઘેર આવજે.’ એ પ્રમાણે નક્કી થયા પછી તે સુથાર અરણ્યમાં દિવસ ગાળીને રાત્રે પાછલે બારણેથી પોતાના ઘરમાં પ્રવેશ્યો, અને શય્યાની નીચે છાનોમાનો ભરાઈ રહ્યો. એ સમયે પેલો દેવદત્ત આવીને શયનમાં બેઠો. તે જોઈને ક્રોધે ભરાયેલા ચિત્તવાળો સુથાર વિચાર કરવા લાગ્યો, ‘શું ઊઠીને એને મારી નાખું? અથવા એ બન્ને ઊંઘી જાય ત્યારે તેમને રમતમાત્રમાં મારું? પણ એ સ્ત્રીનું ચરિત્ર જોઉં અને પેલાની સાથે એનો વાર્તાલાપ સાંભળું.’
એ સમયે તે સ્ત્રી ઘરનું બારણું બરાબર બંધ કરીને શયન ઉપર બેઠી. તે શયન ઉપર બેઠી એ સમયે સુથારના શરીરે તેનો પગ અડ્યો. એટલે તેણે વિચાર્યું, ‘નક્કી, એ દુરાત્મા સુથાર મારી પરીક્ષા માટે અહીં આવ્યો હશે. માટે હું એને કંઈક સ્ત્રીચરિત્ર બતાવું.’ તે એ પ્રમાણે વિચાર કરતી હતી એવામાં દેવદત્ત તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયો. પછી તે સ્ત્રીએ હાથની અંજલિ જોડીને એને કહ્યું કે, ‘મહાનુભાવ! તમારે મારા ગાત્રનો સ્પર્શ ન કરવો, કારણ કે હું પતિવ્રતા અને મહાસતી છું; નહિ તો હું શાપ આપીને તમને ભસ્મસાત્ કરીશ.’ તે બોલ્યો, ‘જો એમ છે તો તું શા માટે મને અહીં લાવી છે?’ તે બોલી, ‘અરે! એકાગ્ર મન રાખીને સાંભળો. હું આજે સવારે દેવતાદર્શન માટે ચંડિકાના મંદિરમાં ગઈ હતી. ત્યાં આકસ્મિક આકાશવાણી થઈ કે, ‘પુત્રિ! શું કરું? તું મારી ભક્ત છે, પણ છ માસની અંદર દૈવયોગે તું વિધવા થઈશ.’ એટલે મેં કહ્યું, ‘ભગવતિ! તમે જેમ આ વસ્તુ જાણો છો તેમ એનો પ્રતિકાર પણ જાણો છો. તો એવો કોઈ ઉપાય છે, જેથી મારા પતિ સો વર્ષ જીવે?’ એટલે તેણે કહ્યું, ‘વત્સે! ઉપાય છે, છતાં નથી; કારણ એ પ્રતિકાર તારે આધીન છે.’ તે સાંભળીને મેં કહ્કહ્યું, ‘દેવિ! એ ઉપાય મારા પ્રાણથી થઈ શકે તેમ હોય તો આદેશ કરો. હું તે કરીશ.’ પછી દેવીએ કહ્યું, ‘જો પરપરુષની સાથે એક શયનમાં બેસીને તું આલિંગન કરે તો તારા પતિનું અપમૃત્યુ તેનામાં જશે, અને તારો પતિ બસો વર્ષ જીવશે.’ એ કારણથી મેં તમને વિનંતી કરી હતી. માટે હવે જે કંઈ કરવાની તમારી ઇચ્છા હોય તે કરો. દેવતાનું વચન અન્યથા નહિ થાય એવો મારો નિશ્ચય છે.’
તેનું આ વચન સાંભળીને જેના શરીરે રોમાંચ થયાં હતાં એવો તે મૂર્ખ સુથાર પણ શય્યાની નીચેથી નીકળીને તેને કહેવા લાગ્યો, ‘ધન્ય છે, પવિત્ર સ્ત્રી! ધન્ય છે, પતિવ્રતા! ધન્ય છે, કુલનન્દિનિ! દુર્જનોનાં વચનથી જેના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ હતી એવો હું પરગામ જવાનું બહાનું કરીને આ ખાટલા નીચે છાનોમાનો છુપાઈને રહ્યો હતો. માટે આવ, મને આલિંગન આપ! એમ કહી, તેને આલિંગન કરી, ખાંધ ઉપર બેસાડી પેલા દેવદત્તને કહેવા લાગ્યો, ‘હે મહાનુભાવ! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છો. તમારી કૃપાથી મારું બસો વર્ષ જેટલું આયુષ્ય થયું છે. માટે તમે પણ મને આલિંગન કરીને મારા ખભા ઉપર બેસો.’ એ પ્રમાણે બોલતા તેણે, દેવદત્તની ઇચ્છા નહોતી તો પણ, તેને પરાણે ખભા ઉપર બેસાડ્યો. પછી તૂર્યના ધ્વનિ પ્રમાણે નાચતો સુથાર ઘેર ઘેર બારણામાં ફર્યો.