ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સિંહણે ઉછેરેલું શિયાળનું બચ્ચું
‘કોઈ વનપ્રદેશમાં સિંહનું એક જોડું રહેતું હતું. એમાંની સિંહણે બે પુત્રોને જન્મ આપ્યો. સિંહ પણ નિત્ય પશુઓેને મારી લાવીને સિંહણને આપતો હતો. એક વાર તેને કંઈ મળ્યું નહિ. તે વનમાં ભમતો હતો ને સૂર્ય પણ અસ્ત પામ્યો. પછી ઘેર આવતાં તેને એક શિયાળનું બચ્ચું મળ્યું. ‘આ બાળક છે’ એમ ગણીને તેને પ્રયત્નપૂર્વક દાઢની વચમાં રાખીને તે તેણે જીવતું જ સિંહણને સોંપ્યું. પછી સિંહણે કહ્યું, ‘હે કાન્ત! અમારે માટે કંઈ ભોજન આણ્યું છે?’ સિંહ બોલ્યો, ‘પ્રિયે! આજે આ શિયાળના બચ્ચા સિવાય બીજું કોઈ પ્રાણી મને મળ્યું નથી. એને બાળક ધારીને મેં એનો વધ કર્યો નથી. કહ્યું છે કે
પ્રાણ જતા હોય તો પણ સ્ત્રી, સંન્યાસી, બ્રાહ્મણ, બાળક અને વિશેષે કરીને વિશ્વાસુ મનુષ્યો ઉપર કદી પ્રહાર કરવો નહિ.
અત્યારે એનુંભક્ષણ કરીને પથ્ય આહાર કર. પ્રભાતે બીજું કંઈક મેળવીશ.’
સિંહણે કહ્કહ્યું, ‘હે કાન્ત! તમે બાળક ધારીને એને માર્યો નહિ, તો હું મારા ઉદરપોષણ માટે એને શી રીતે મારું? કહ્યું છે કે
પ્રાણત્યાગ કરવાનો સમય ઉપસ્થિત થયો હોય તો પણ અકૃત્ય કરવું નહિ. અને કૃત્ય — કરવા યોગ્યનો ત્યાગ કરવો નહિ; એ સનાતન ધર્મ છે.
માટે મારો આ ત્રીજો પુત્ર થશે.’ એમ કહીને તેનું પણ પોતાના સ્તનના દૂધથી સિંહણે પોષણ કર્યું. એ પ્રમાણે જેઓ પોતાની જાતિના ભેદને જાણતાં નહોતાં એવાં તે ત્રણે બાળકો એક સાથે વિહાર કરતાં પોતાની બાલ્યાવસ્થા ગાળતાં હતાં. પછી એક વાર વનમાં ભમતાં તેઓએ વનહસ્તી જોયો. તેને જોઈને સિંહના તે બન્ને પુત્રો કોપાયમાન મુખવાળા થઈને તેની તરફ દોડ્યા. એ સમયે શિયાળના પુત્રે કહ્યું, ‘અહો! આ તો તમારો કુલશત્રુ હાથી છે, માટે એની સામે ન જશો.’ એમ કહીને તે ઘર તરફ દોડ્યો. મોટો ભાઈ ભય પામ્યો, એટલે પેલા બે પણ નિરુત્સાહ થઈ ગયા. અથવા ખરું કહ્યું છે કે
ઉત્તમ ધૈર્ય અને ઉત્સાહવાળા એક જ પુરુષથી સૈન્ય રણ પ્રત્યે ઉત્સાહવાળું થાય છે, અને તે ભાગે તો ભંગાણ પામે છે. એ જ કારણથી મહાબળવાન, શૂરવીર, ધૈર્યવાળા અને ઉત્સાહી યોદ્ધાઓને રાજા ઇચ્છે છે, અને કાયરોનો ત્યાગ કરે છે.
પછી તે બન્ને જણાએ હસતાં હસતાં માતાપિતાની પાસે પોતાના મોટાભાઈનું ચરિત્ર કહ્યું કે, ‘હાથીને જોઈને તે દૂરથી જ નાસી ગયો હતો.’ એટલે તે સાંભળીને કોપાયમાન થયેલું તથા જેના હોઠરૂપી પલ્લવ કંપતા હતા એવું તે શિયાળનું બચ્ચું ત્રણ શિખામાં ભવાં ચડાવીને તેઓનો તિરસ્કાર કરતું આકરાં વચન બોલવા લાગ્યું. આથી સિંહણે તેને એકાન્તમાં લઈ જઈને સમજાવ્યો કે, ‘વત્સ! કદાપિ આવું બોલીશ નહિ; આ તારા નાના ભાઈઓ છે.’ એટલે વધારે ક્રોધે ભરાઈને તે તેને કહેવા લાગ્યો, ‘શું હું એમનાથી શૌર્યમાં, રૂપમાં અને વિદ્યાભ્યાસમાં ઊણો છું કે જેથી તેઓ મારો ઉપહાસ કરે છે? માટે મારે અવશ્ય એમનો વધ કરવો જોઈએ.’ એટલે તેનું જીવન ઇચ્છતી સિંહણે તેને કહ્યું,
‘હે પુત્ર! તું શૂર છે, વિદ્યાવાન છે, અને દેખાવડો છે. પણ જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તેમાં હાથીને હણવામાં આવતો નથી.
વળી તું શિયાળનો પુત્ર છે, અને મેં દયા લાવીને મારું દૂધ પાઈને તને ઉછેરેલો છે. માટે આ બે જણા તું શિયાળ છે એમ જાણે નહિ ત્યાં સુધીમાં તું ઝટ જઈને તારી જાતિમાં ભળી જા; નહિ તો આ બન્ને વડે હણાઈને તું મૃત્યુના માર્ગે જઈશ.’ તે વચન સાંભળીને જેનું મન ભયથી વ્યાકુળ થયું હતું એવો તે પણ ક્ષણવારમાં નાસી ગયો.
માટે આ રાજપૂતો, તું કુંભાર છે એમ જાણે નહિ ત્યાં સુધીમાં તું પણ ઝટ ચાલ્યો જા; નહિ તો તેઓ તરફથી તું વિડંબના પામીશ.’ કુંભાર પણ એ સાંભળીને જલદી નાસી ગયો.