ભારતીયકથાવિશ્વ−૪/વાયુપુરાણ/શુક્રાચાર્ય અને અસુરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શુક્રાચાર્ય અને અસુરો


દૈત્યરાજ બલિના સમયે ત્રિલોકનો ભાર તેમના પર આવી ચડ્યો. તે દિવસોમાં દેવદાનવ વચ્ચે ખાસ્સી મૈત્રી હતી. કેટલાય સમય સુધી ઉપદ્રવ વિના જીવન વ્યતીત થતું રહ્યું. તેનું આજ્ઞાપાલન દેવ અને દાનવ બંને કરતા હતા. પછી બંને વચ્ચે મોટો વિવાદ ઊભો થયો. યુદ્ધો થવાં માંડ્યાં. ક્યારેક દેવો જીતતા તો ક્યારેક દાનવો. યક્ષો અસુરોને પડતા મૂકી દેવો પાસે આવ્યા. પછી દાનવો શુક્રાચાર્ય પાસે ગયા. ‘આચાર્ય, અમારા દેખતાં દેખતાં જ અમારું રાજ્ય નષ્ટ થઈ ગયું. યજ્ઞાદિ શુભ કર્મ અમને ત્યજીને દેવતાઓ પાસે ચાલી ગયા. આવી સ્થિતિમાં અમે અહીં રહી શકતા નથી. રસાતલ જઈએ છીએ.’

અસુરોની વાત સાંભળીને શુક્રાચાર્યને બહુ દુઃખ થયું. ધીરજ બંધાવતાં તેઓ બોલ્યા, ‘અસુરલોકો, તમે ભય ન પામો. હું મારા તેજથી તમારા બધાની રક્ષા કરીશ. વૃષ્ટિ, ઔષધિઓ, પૃથ્વી, અન્ન, રત્ન વગેરે જે જે છે તે બધું મારા અંકુશમાં છે. તેમનો ચોથો ભાગ જ દેવો પાસે છે. મેં એ બધું તમારા માટે જ સાચવી રાખ્યું છે. આજે તમારા કલ્યાણાર્થે એ બધું સમપિર્ત કરી દઈશ.’

આમ શુક્રાચાર્ય વડે અસુરોને સુરક્ષિત જાણી દેવલોકો દુઃખી થયા અને વિજયની ઇચ્છાથી તેમણે અંદરોઅંદર ચર્ચા કરી કે આ અસુરોના ગુરુ શુક્રાચાર્ય પોતાના પરાક્રમથી આપણે જે જે કર્યું તે બધું વ્યર્થ કરી મૂકે છે. એ દરમિયાન આપણે અસુરો પર આક્રમણ કરીએ, તેઓ સબળ બની જાય તે પહેલાં બધાને મારી નાખીએ, જે બચી જશે તેમને પાતાલ ભેગા કરી દઈશું. આમ ઠરાવીને તેમણે અસુરો પર આક્રમણ કર્યું અને તેમનો બહુ સંહાર કર્યો. દેવતાઓથી ત્રાસીને દાનવો પાછા શુક્રાચાર્ય પાસે ગયા. ગુરુએ બીજાં યુદ્ધો યાદ કરીને કહ્યું, ‘તમે બહુ થોડી સંખ્યામાં બચ્યા છો તો હું તમારા વિજય માટે કોઈ મંત્ર લેવા મહાદેવ પાસે જઉં છું ત્યાં સુધી તમે પ્રતીક્ષા કરો. દેવપક્ષે તેમના ગુરુ બૃહસ્પતિ મંત્રો દ્વારા અગ્નિને સંતુષ્ટ કરી રહ્યા છે. એટલે આપણે પણ મંત્ર મેળવવા ભગવાન નીલલોહિત પાસે જઈએ. હું થોડા દિવસ પછી આવીશ. હું આવું ત્યાં સુધી તમે વલ્કલ પહેરી તપ કરો, એટલે દેવો તમારો સંહાર કરી નહીં શકે. મંત્રો મેળવીને હું આવું પછી આપણે દેવતાઓની સાથે યુદ્ધ કરીશું. વિજયી પણ બનીશું.’

શુક્રાચાર્યની વાત અસુરોએ માની લીધી. દેવતાઓ જ્યારે યુદ્ધ કરવા આવ્યા ત્યારે દાનવોએ કહ્યું, ‘હવે અમે સંસારની ઝંઝટોમાંથી મુક્ત થઈ ગયા છીએ. તમે જઈને સમસ્ત લોક પર અધિકાર જમાવો. અમે તો વલ્કલ પહેરી તપ કરીશું.’

દાનવોએ શસ્ત્ર હેઠાં મૂકી દીધાં એટલે દેવતાઓ પાછા ચાલ્યા ગયા.

શુક્રાચાર્યે મહાદેવ પાસે જઈને બૃહસ્પતિ ન જાણતા હોય એવા મંત્રોની માગણી કરી. દેવતાઓને પરાજિત કરી દાનવોને વિજયી બનાવવા આ મંત્રો જરૂરી છે.’

ભગવાને એ સાંભળી કહ્યું, ‘એ મંત્રો પામવા તમારે એક વર્ષ સુધી સાધના કરવી પડશે. એક હજાર વર્ષ સુધી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરો, માથું નીચે રાખી કુંડનો ધુમાડો પીઓ. જો આમ કરશો તો તમને મંત્રો મળશે.’

ભગવાનની વાત સાંભળીને શુક્રાચાર્યે તેમને પ્રણામ કર્યાં અને કુંડના ધુમાડાનું પાન કરવા માંડ્યું. હવે શુક્રાચાર્ય મહાદેવ પાસે ગયા તે વાત દેવતાઓ જાણી ગયા. દાનવો તપ કરે અને રાજ્યત્યાગ કરે તે તેમની એક વ્યૂહરચના છે એમ માની લીધું. એટલે તેઓ બૃહસ્પતિને આગળ કરીને શસ્ત્રો લઈને દાનવો પર તૂટી પડ્યા. દાનવો ભયભીત થઈને ભાગી ગયા. ‘આપણે જ શસ્ત્ર હેઠાં મૂકી દીધાં હતાં, તેમને આપણે જ વિજયની હારમાળા પહેરાવી દીધી હતી. આચાર્ય તપ કરતા બેઠા છે. આપણા સાવકા ભાઈઓ આપણને મારવા બેઠા છે. આપણે તો વલ્કલ પહેરીને તપ કરતા બેઠા છીએ. આ સંજોગોમાં આપણે દેવોને જીતી શકવાના નથી. તો આપણે ચાલો, શુક્રાચાર્યની માતા પાસે જઈએ. ગુરુ આવશે ત્યારે આપણે તેમને બધી વાત કરીશું. પછી દેવો સાથે યુદ્ધ પણ કરીશું.’ આમ વિચારી તેઓ શુક્રાચાર્યની માતા પાસે ગયા. તેમણે દાનવોને ધીરજ બંધાવી, ‘દાનવો, ભય ન પામો. નિર્ભય થાઓ. મારી પાસે હશો તો ભયનું કોઈ કારણ નથી.’ ત્યાં નિર્ભય થયેલા દાનવો સાથે દેવોએ યુદ્ધ કરી તેમનો મોટો સંહાર કર્યો. આ જોઈ શુક્રાચાર્યની માતા રોષે ભરાઈ અને દેવતાઓને તેમણે કહ્યું, હું તમારા ઇન્દ્રને લઈ લઉં છું,’ આમ કહી ઇન્દ્રને સ્થિર કરી દીધા અને આમતેમ તે ઘૂમવા લાગ્યાં. આવા ઇન્દ્રને જોઈ દેવલોકો ગભરાઈ ગયા અને ચારે બાજુ ભાગવા લાગ્યા. દેવતાઓ ભાગ્યા એટલે વિષ્ણુએ કહ્યું, ‘સુરેશ્વર, તમે મારા શરીરમાં પ્રવેશો.’ ઇન્દ્ર તેમના શરીરમાં પ્રવેશી ગયા. આમ થયું એટલે દેવી બહુ ગુસ્સે થયાં અને બોલ્યાં, ‘મઘવા, હવે હું તને વિષ્ણુની સાથે જ સળગાવી મૂકું છું. મારું તપોબળ જો.’

આમ શુક્રાચાર્યની માતા વડે પરાજિત થયેલા બંને દેવે ચર્ચા કરી. વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું, ‘હવે આપણે કેવી રીતે બચીશું?’

ઇન્દ્રે કહ્યું, ‘ભગવાન, આ આપણને બાળી નાખે તે પહેલાં તેને ખતમ કરી નાખો. હું તો અત્યારે બહુ અસમર્થ અને પરાજિત થયો છું. તમે એને મારો, વિલંબ ન કરો.’

વિષ્ણુ તે દેવીને આમ મારી નાખવા તૈયાર થયા તે જોઈને દેવી કોપ્યાં. ભગવાને આ આપત્તિગ્રસ્ત દશામાં સુદર્શન ચક્રને યાદ કર્યું. એટલે તે અસુરોનો વિનાશ કરનારું, ધારેલા લક્ષ્યને તરત જ વીંધનારું ચક્ર શુક્રાચાર્યની માતા સમક્ષ ઊભું રહી ગયું. તે લક્ષ્મીપતિ હોવા છતાં તેમણે તે દેવીનું મસ્તક ચક્ર વડે કાપી નાખ્યું.

આ નિર્દય સ્ત્રીહત્યા જોઈ મહર્ષિ ભૃગુ બહુ ક્રોધે ભરાયા. પોતાની પત્નીનું મૃત્યુ થયેલું જોઈ વિષ્ણુને શાપ આપ્યો, ‘ધર્મની મહત્તા જાણતા હોવા છતાં તમે એક સ્ત્રીની હત્યા કરી એટલે હવે સાત વખત મનુષ્યલોકમાં જન્મ લેશો.’

(૯૭)