ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/સત્યભામા અને પારિજાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સત્યભામા અને પારિજાત

રુક્મિની દેવીના ઉપવાસવ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીકૃષ્ણનો સમગ્ર પરિવાર રૈવતક પર્વત પર ગયો. શ્રીકૃષ્ણે દેવીનો બહુ આદર કર્યો અને તે વેળા નારદ ઋષિ ત્યાં આવ્યા, ભગવાને તેમની પૂજા કરી. ઋષિએ શ્રીકૃષ્ણના હાથમાં પારિજાત પુષ્પ મૂક્યું અને ભગવાને તે પુષ્પ રુક્મિની દેવીને આપ્યું. દેવીએ એ પુષ્પ માથામાં પરોવ્યું. એને કારણે દેવીની શોભા અનેકગણી વધી ગઈ. નારદ મુનિ બોલ્યા, ‘આ પુષ્પ તારા જ માટે હતું. તારા સ્પર્શથી આ પુષ્પ બધી રીતે અલંકૃત થઈ ગયું. આ પુષ્પને કારણે તું અત્યંત પૂજનીય થઈ ગઈ. આ પુષ્પ એક વરસ સુધી કરમાશે નહીં. તે એક વર્ષ સુધી સુવાસિત રહેશે, જેટલી ઠંડી કે ગરમી જોઈએ તે બધી આ પુષ્પ આપશે, મનમાં જે શ્રેષ્ઠ રસ જોઈતા હશે તે પણ આ આપશે. આ પુષ્પનું સેવન સૌભાગ્ય આણે છે. વળી, જેટલાં બીજાં પુષ્પ જોઈતાં હશે તે પણ આપશે. તું આ પુષ્પમાં જેટજેટલાં રૂપરંગ જોવા માગીશ તે બધાં મળશે. આ પુષ્પ ઐશ્વર્ય આપશે, પુત્રદાયક છે. તારી ઇચ્છા પ્રમાણે આ પુષ્પ નાનું-મોટું, હલકું-ભારે, સ્થૂળ-સૂક્ષ્મ થઈ જશે. અપ્રિય ગંધ નિવારશે. રાતે તે દીપક થશે. સંકલ્પ કરવાથી તે વસ્ત્ર, પુષ્પહાર, મંડપ આપશે. આ હશે ત્યાં સુધી દેવતાઓની જેમ કદી વૃદ્ધાવસ્થા, ભૂખતરસ, થાક તારી પાસે નહીં આવે. વિચાર કરીશ તો તારાં પ્રિય વાદ્ય, સંગીત, ગીત સામે પ્રસ્તુત કરશે. એક વર્ષ પૂરું થતાં તે જતું રહેશે. બ્રહ્માએ અસુરદ્રોહી દેવતાઓના સત્કાર માટે પારિજાતમાં આ બધું સીંચ્યું છે. હિમાલયકન્યા પાર્વતી સદા આ પુષ્પો ધારણ કરે છે. વળી, અદિતિ, શચી, સાવિત્રી, લક્ષ્મી તથા બીજી દેવપત્નીઓ આ પુષ્પ ધારણ કરે છે. એ બધા માટે પણ એક જ વર્ષનો સમય છે, આજે મને સમજાયું છે કે આ સોળહજાર સ્ત્રીઓમાં તું સૌથી વધારે પ્રિય છે. આજે તારા હાથમાં જ ભગવાને પુષ્પ આપ્યું એટલે સત્રાજિતપુત્રી સત્યભામાને સમજાશે કે કોનું સૌભાગ્ય વધારે છે. આજે જાંબુવતી અને શ્રીકૃષ્ણની બીજી પત્નીઓ નિસ્પૃહ થઈ જશે. તેં તો પ્રાણથી વિશેષ વસ્તુ મેળવી છે.’

સત્યભામાની દાસીઓ ત્યાં હતી. એમને જોઈને જ નારદમુનિએ બધી વાતો મલાવી મલાવીને રજૂ કરી અને એ બધી વાતો શ્રીકૃષ્ણના અંત:પુરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. શ્રીકૃષ્ણની બીજી પત્નીઓએ તો રુક્મિનીના સૌભાગ્યનાં બહુ વખાણ કર્યાં પણ સત્યભામા શોક્યનો મહિમા સાંખી ન શકી. તેણે રાતા રંગની સાડી ઉતારીને સફેદ સાડી પહેરી. વધારે પ્રજ્વલિત થતા અગ્નિની જેમ દેખાવાલાગી. તેનો ઈર્ષ્યાગ્નિ વધુ ને વધુ ઉત્કટ થઈ રહ્યો હતો. જેવી રીતે તારા વાદળ પાછળ ઢંકાઈ જાય તેમ સત્યભામા કોપભવનમાં ચાલી ગઈ. લલાટે શ્વેત વસ્ત્રપટ લગાડી દીધું. લલાટની કિનારીએ રાતું ચંદન લગાવી દીધું. પછી પલંગ પર બેસીને તેણે બધાં ઘરેણાં ઉતારી દીધાં, એક ચોટલો વાળી લીધો. ‘તમને અકારણ ક્રોધ થયો છે’ એમ કહીને દાસીઓએ તેને કોપભવનની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ સત્યભામાએ પોતાના હાથમાંના કમળને નખ વડે છૂંદી નાખ્યું.

પછી નારદ રુક્મિની પાસે બેઠા હતા એટલે કોઈ બહાનું કાઢીને શ્રીકૃષ્ણ ત્યાંથી સત્યભામાના ભવનમાં જતા રહ્યા. તે ભવન વિશ્વકર્માએ ઊભું કર્યું હતું. સત્યભામા તો શ્રીકૃષ્ણની બહુ માનીતી હતી, વળી તે માનિની પણ હતી. તેઓ સત્યભામા રિસાઈ હશે એમ માનીને ભય પામીને ત્યાં ગયા. સેવકને બારણે ઊભો રાખ્યો, નારદમુનિના સત્કાર માટે પ્રદ્યુમ્નને કહ્યું. દૂરથી જ તેને કોપભવનમાં પ્રવેશતી જોઈ. તે દાસીની જેમ પડી રહીને લાંબા લાંબા નિ:શ્વાસ લઈ રહી હતી. પોતાના નખ વડે કચડી નાખેલું કમળ હલાવ્યા કરતી અને વચ્ચે વચ્ચે તે અટ્ટહાસ્ય કરતી હતી. પછી તે ભારે ચંતાિતુર થઈ જતી હતી. તે તો સર્વાંગસુંદર હતી, તેનાં નેત્ર કમળને ઝાંખાં કરતાં હતાં. દાસીના હાથમાંથી ચંદન લઈને તે તેની છાતીએ લગાવતી હતી અને ક્યારેક નિર્દય બનીને તેને ફટકારતી પણ. પલંગ પરથી ઊભી થઈને વારે વારે પડી જતી હતી. સત્યભામા પોતાનું મોં વસ્ત્રથી ઢાંકી દઈને તે તકિયા પર આડી પડી. આ જ અવસર મોકાનો છે એમ માની શ્રીકૃષ્ણ ત્યાં ગયા. દાસીઓને સૂચના આપી કે કશું બોલવું નહીં. દાસીઓને આમતેમ જવાની પણ ના પાડી. પછી તે સત્યભામા પાસે ઊભા રહ્યા. હાથમાં વીંઝણો લઈને તે પવન નાખવા લાગ્યા. પારિજાત પુષ્પને કારણે તે સુવાસિત થયા હતા. એ સુવાસ લઈને સત્યભામાએ પૂછ્યું, ‘આ શું છે?’

તે ઊભી થઈને બેસી ગઈ, શ્રીકૃષ્ણને ન જોયા, દાસીઓને પૂછ્યું, ‘આ સુગંધ ક્યાંથી આવે છે?’ પણ દાસીઓ કશું ન બોલી. શ્રીકૃષ્ણને ન જોયા એટલે તેણે અનુમાન કર્યું કે આ સુવાસ પૃથ્વીમાંથી જ આવે છે. પણ આટલી બધી ઉત્કટ સુવાસ હોય ખરી? પછી ચારે બાજુ જોયું ત્યારે શ્રીકૃષ્ણ દેખાયા. તેની આંખો ઊભરાઈ આવી અને એટલું જ બોલી, ‘તમારા શરીરમાંથી આવી સુવાસ પ્રગટે તે સ્વાભાવિક છે. તેમના પ્રત્યે પ્રેમ હોવા છતાં તે રોષે ભરાઈ. લાંબો નિ:શ્વાસ નાખીને મોં નીચું કર્યું. અને થોડી વાર તો બીજે જોતી બેસી રહી. બોલી, ‘તમે બહુ સુંદર દેખાઓ છો.’ પછી કમલદલ પરથી ઝાકળ સરે તેમ તેનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

પછી શ્રીકૃષ્ણ એકદમ દોડીને પલંગ પર ગયા અને પ્રિયાનાં નેત્રોમાંથી ઝરતાં અશ્રુ બંને હાથમાં ઝીલી પોતાના વક્ષ:સ્થળે લગાડી દીધાં. પછી બોલ્યા, ‘નીલ કમલદલ જેવાં નેત્રવાળી ભામિની, જેવી રીતે કમળ પરથી જળ વરસે તેવી રીતે તારાં આ બંને નેત્રમાંથી અશ્રુજળ ટપકે છે. તારું મોં પ્રભાતના ચંદ્ર જેવું અને બપોરના કમળ જેવું કેમ દેખાય છે? આજે શ્વેત વસ્ત્ર જ કેમ? શરીરે આભૂષણ કેમ નથી?’ એમ ઘણી બધી રીતે સત્યભામાને પૂછ્યા જ કર્યું. ‘તું મારી સામે થોડો પણ દૃષ્ટિપાત કરતી નથી. આખું જગત જાણે છે કે હું તારો દાસ છું. મેં તારું શું અપ્રિય કર્યું છે કે તું આમ વર્તે છે? હું સત્ય કહું છું કે મન, વચન કે કર્મથી તારી આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કર્યું નથી. બધી પત્નીઓને હું ચાહું છું પણ તારા જેટલો પ્રેમ કોઈના પર નથી. મારો પ્રેમ મરી ગયા પછી પણ એવો જ રહેશે. પૃથ્વીમાં ક્ષમા, આકાશમાં શબ્દ જેવી રીતે અટલ છે તેવી રીતે તારા માટેનો પ્રેમ અટલ છે.’

પછી સત્યભામાએ આંસુ લૂંછીને કહ્યું, ‘મારા મનમાં તો એવો વિશ્વાસ જ હતો કે તમે મારા છો પણ આજે સમજાયું કે તમારા મનમાં મારા માટે જરાય સ્નેહ નથી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમે મારા દ્વિતીય છો અને તમારા માટે હું પણ દ્વિતીય છું, એમ માનીને મેં મારા જન્મને સાર્થક માન્યો હતો પણ હવે શું કહું? તમારું હૃદય હું સારી રીતે જાણી ગઈ છું. તમે માત્ર વાણીથી મને ભમાવો છો, તમારો પ્રેમ બનાવટી છે. હું તો સાવ સરળ છું અને તમારા પ્રત્યે ભક્તિ રાખું છું. પણ તમે છળકપટ કરો છો. વધારે તો શું કહું? જો તમે મારા પર કૃપા કરવા માગતા હો તો મને આજ્ઞા આપો. હું તપ કરીશ.’ આમ કહીને સત્યભામા ફરી આંસુ સારવા લાગી.

એટલે શ્રીકૃષ્ણે ફરી સત્યભામાને કહ્યું, ‘તારા દુઃખને કારણે મારું હૈયું દાઝે છે, તારા દુઃખનું કારણ શું છે?’

પછી સત્યભામા નીચું મોં કરીને કહેવા લાગી, ‘તમે આપેલું સૌભાગ્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હું મસ્તક ઊંચું રાખીને ચાલતી હતી. પણ આજે બધા મારો ઉપહાસ કરે છે. મારી દાસીઓએ મને બધી વાત કરી છે. દેવર્ષિ નારદે પારિજાતનું જે પુષ્પ તમને આપ્યું તે તમે તમારી પ્રિયાને આપીને મારી ઉપેક્ષા કરી. તમે રુક્મિનીને તે આપીને તમારો તેના માટેનો પ્રેમ વ્યક્ત કર્યો. તમારી સામે જ નારદે તેની પ્રશંસા કરી અને તમે આનંદપૂર્વક એ સાંભળતા રહ્યા. જો તેઓ તેની પ્રશંસા જ કરવા માગતા હતા તો પછી આ અભાગિનીનું નામ શું કામ લીધું?

જો પહેલાં પ્રેમ કરીને પછીથી સંતાપવી જ હોય તો હવે મને તપ કરવાની આજ્ઞા આપો. સ્વપ્નમાં પણ હું જે માની ન શકું તે તમારા દેખતાં દેખતાં જ બન્યું. મને દુઃખ તો એ વાતનું કે તમે ત્યાં બેસીને તમારી વહાલી મહારાણીજીની પ્રશંસા સાંભળતા રહ્યા. તમે તો એક વેળા કહ્યું હતું કે શ્રેષ્ઠ વ્યક્તિઓ સંસારમાં સમ્માન માટે જ જીવે છે. એટલે હું અપમાનિત થઈને જીવવા માગતી નથી. જે મારી રક્ષા કરે તેનાથી જ આજે મને ભય લાગે છે. તમે મને ત્યજી દેશો તો મારી કેવી ગતિ થશે? મને જાણ નથી કે મેં દેવતાઓનું શું પ્રિય કે અપ્રિય કર્યું કે હું પ્રિયા હતી તે અપ્રિયા થઈ ગઈ. હું આ રૈવતક પર્વતનું દર્શન ક્યારે કરી શકીશ? તમારા દ્વેષ અને દુર્ભાગ્યને કારણે હવે અહીંના સુવાસિત વાયુનો લાભ મને ક્યારે મળશે? તમારા ખોળામાં રહીને મહાસાગરમાં જલક્રીડા કરવાનો લહાવો મને ક્યારે મળશે? તમે તો મને કહ્યા કરતા હતા કે તારાથી વધુ પ્રિય હોય એવું કોઈ નથી. તમારી એ વાતો ક્યાં ગઈ? હવે કોણ એ બધું યાદ રાખશે?

જ્યારે તમે મારું સમ્માન કરતા હતા ત્યારે મારાં સાસુ મારો આદર કરતાં હતાં. હવે તમે મને અપમાનિત કરી એટલે સત્યા રાણીને તે દુર્ભાગ્યશાળી માનશે. તમે મને બીજાઓની બરાબરની પણ ગણતા નથી તો મારા આ ઉત્કટ પ્રેમનો કયો અર્થ? તમે આટલા બધા કપટી અને ધૂર્ત છો એ હું જાણતી ન હતી. તમે તો મારી શોક્યનો પક્ષ લેનારા અને મારા જેવી ભલીભોળી સ્ત્રીઓને ઠગનારા છો. તમે સ્વર, વર્ણ, ચેષ્ટા અને આકૃતિની પાછળ તમારું મૂળ સ્વરૂપ છુપાવી રાખ્યું હતું. તમે ચોર છો, આજે પકડાઈ ગયા. વાસ્તવમાં તમે લુચ્ચા છો.’

આમ ઈર્ષ્યાળુ બનેલી સત્યાને ધીરજ બંધાવતા શ્રીકૃષ્ણ બોલ્યા, ‘આમ ન બોલ, નારદ મુનિએ આમ જ મારું પ્રિય કરવા મને પુષ્પ રુક્મિનીના દેખતાં જ આપ્યું અને મેં ઉદાર બનીને રાણીને આપી દીધું. જો તારી દૃષ્ટિએ આ અપરાધ હોય તો તું એક અપરાધ સહી લે. તારે જો પારિજાત જ જોઈતું હશે તો હું એ આપીશ જ. પારિજાતનું વૃક્ષ સ્વર્ગમાંથી લાવીને તને આપીશ, તારે જેટલો સમય રાખવું હોય તેટલો સમય તું રાખજે.’

ભગવાનની આ વાત સાંભળીને સત્યભામા બોલી, ‘જો તમે આમ વૃક્ષ લાવી આપશો તો મેં આ ક્રોધ ત્યજી દીધો અને હવે મારું સુખ અનેક ગણું વધી જશે. સંસારની બધી સ્ત્રીઓ કરતાં મારું ગૌરવ વધી જશે.’

એટલે ભગવાને સત્યભામાનો રોષ દૂર કરવાનો ઉપાય વિચારી લીધો. સત્યભામા હવે રાજી થઈ ગઈ. પછી શ્રીકૃષ્ણ સ્નાનાદિથી પરવાર્યા અને નારદમુનિનું સ્મરણ કર્યું. મહાસાગરમાં સ્નાન કરી રહેલા નારદમુનિ પછી શ્રીકૃષ્ણ પાસે આવ્યા. ભગવાને સત્યભામા સાથે તેમની પૂજા કરી. શ્રીકૃષ્ણે ઝારી વડે પાણી રેડ્યું અને સત્યાએ મુનિના પગ ધોયા. પછી ભગવાને નારદમુનિને જમાડ્યા. નારદમુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી નારદમુનિએ પોતાના ચરણોમાં પગે પડનારી સત્યભામાને આશીર્વાદ આપ્યા, ‘તું અત્યારે જેવી છે તેવી પતિવ્રતા સદા બની રહેજે. મારા તપોબલથી વધુ સૌભાગ્ય પ્રાપ્ત કરજે.’ આ સાંભળી સત્યભામા બહુ આનંદિત થઈ. પછી તે શ્રીકૃષ્ણની પાછળ બેસી ગઈ. થોડી વારે નારદમુનિએ કહ્યું, ‘હવે હું ઇન્દ્રલોક જઈશ. ત્યાં દર મહિને શંકર ભગવાનના માનમાં અપ્સરાઓનાં નૃત્યગાન થાય છે. ભગવાન શંકર અને પાર્વતી અદૃશ્ય રહીને આ જુએ છે. ઇન્દ્રે વિશાળકાય પારિજાતનું પુષ્પ આપીને મને આ સમારંભમાં બોલાવ્યો છે. આ વૃક્ષ શચીને બહુ જ પ્રિય છે, કશ્યપ ઋષિએ અદિતિદેવીની સેવાથી પ્રસન્ન થઈને પારિજાત વૃક્ષ સર્જ્યું હતું. ઋષિએ જ્યારે અદિતિને વરદાન માગવા કહ્યું ત્યારે અદિતિએ કહ્યું, ‘હું સદા સૌભાગ્યશાળી રહું એવું કશું મને આપો. ઇચ્છા થાય ત્યારે હું અલંકારમંડિત થઉં. હું સદા કુમારી જ રહું.’ ત્યારે ઋષિએ પારિજાત સર્જ્યું. તે મનોવાંછિત બધું આપી શકે, નિત્ય સુવાસિત રહે છે, તેમાં બધા પ્રકારનાં પુષ્પ ખીલે છે. દેવતાઓની કોઈ સ્ત્રી હું લાવેલો એવું પારિજાત લે છે, કોઈ સ્ત્રી અનેક રૂપવાળાં પુષ્પ લે છે તો કોઈ એ વૃક્ષ પરથી માત્ર કમળપુષ્પ જ ચૂંટે છે. કશ્યપ ઋષિએ મંદારમાંથી પણ સત્ત્વ ઉમેર્યું હતું એટલે પારિજાત બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ વૃક્ષ મનાયું. આ વૃક્ષ વિષ્ણુપદી ગંગાકાંઠે પ્રગટ થયું હતું એટલે તેનું નામ પારિજાત. મંદારપુષ્પોથી જોડાવાને કારણે તેને મંદાર પણ કહ્યું. જે લોકો તેને ઓળખતા ન હતા તેમણે કહ્યું આ કોઈ દારૂ છે એટલે તેનું નામ કોવિદાર પણ પડ્યું, આમ આ દિવ્ય વૃક્ષ મંદાર, કોવિદાર અને પારિજાત એમ ત્રણ નામે જાણીતું થયું.’

આમ નારદને સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘સ્વર્ગમાં રુદ્રના પાર્ષદોને મળીને તમે પાકશાસન(ઇન્દ્ર)ને મારી આ વિનંતી કહેજો. તમે મારો અને ઇન્દ્રનો સંબંધ તો જાણો છો. હું આજ્ઞા કરું છું એમ ન કહેતા. મારો આવો સંદેશ પહોંચાડજો.

ભૂતકાળમાં અદિતિમાતાને પ્રસન્ન કરવા કશ્યપ ઋષિએ સર્વશ્રેષ્ઠ પારિજાત વૃક્ષનું સર્જન કર્યું હતું. માતાએ એ વૃક્ષ તમને સોંપ્યું હતું. આ વાત સાંભળીને મારી પત્નીઓ પણ દાન, ધર્મ અને મારી પ્રસન્નતા માટે તેનું દાન કરવા માગે છે. એટલે તમારા ભાઈએ આ પારિજાત વૃક્ષને દ્વારકા મંગાવ્યું છે. દાનકાર્ય સંપન્ન થતાં એ વૃક્ષ તમે સ્વર્ગમાં લઈ જજો.

તો આવો સંદેશ ઇન્દ્રને પહોંચાડજો. મને પારિજાત મળે એવો પ્રયાસ તમે કરજો.’

આ સાંભળીને નારદઋષિ બોલ્યા, ‘હું તમારો સંદેશ પહોંચાડીશ પણ મને નથી લાગતું કે ઇન્દ્ર પારિજાત આપે. ભૂતકાળમાં સમુદ્રમંથન થયું ત્યારે પ્રગટેલા પારિજાતને કૈલાસમાં લઈ જવા ઇન્દ્ર પાસે મને શંકર ભગવાને મોકલ્યો હતો. ત્યારે ઇન્દ્રે શંકર ભગવાનને કહ્યું હતું: આ વૃક્ષ શચીના ઉદ્યાનમાં ક્રીડા રૂપે ભલે રહે.’ ભગવાને ઇન્દ્રને વરદાન આપ્યું. પછી ઉમાને પ્રસન્ન કરવા બસો યોજનના વિસ્તારમાં પારિજાતની કંદરા જ ઊભી કરી દીધી. ત્યાં ન સૂર્યપ્રકાશ પહોંચી શકે ન ચંદ્રમા. નંદિનીની ઇચ્છા પ્રમાણે ઠંડી કે ગરમી પડે છે. મહાદેવના તેજથી તે વન જાતે જ પ્રકાશિત થાય છે. શંકરપાર્વતી, તેમના ગણ અને મારા સિવાય તે વનમાં કોઈ પ્રવેશી શકતું નથી. સ્વર્ગીય પારિજાત કરતાં મંદરાચલવાસી પારિજાતના ગુણ વિશેષ છે, શંકર ભગવાનના તેજને કારણે તે સુંદરતમ પારિજાત ઉમાને વધારે પસંદ છે. એક કાળે મદમસ્ત બનેલા અંધકે પારિજાત વનમાં પ્રવેશી આખું વન ઉજ્જડ કરી નાખ્યું હતું. વૃત્રાસુર કરતાં દસ ગણા બળિયા અંધકને મહાદેવે મારી નાખ્યો હતો.

એટલે આ પારિજાત ઇન્દ્ર તમને નહીં આપે. તે કલ્પવૃક્ષ છે એટલે ઇન્દ્રને અને શચીને મનવાંછિત જે જોઈએ તે આપે છે.’

આ સાંભળી ભગવાને કહ્યું, ‘શંકર ભગવાન તે વૃક્ષ કૈલાસ પર ન લઈ ગયા એ વાત સમજાય છે, પણ મુનિ, હું તો ઇન્દ્રનો નાનો ભાઈ છું. મેં સત્યભામાને પ્રસન્ન કરવા પારિજાત વૃક્ષ દ્વારકા લાવવાની પ્રતિજ્ઞા કરી છે. તમે અનેક રીતે તેને સમજાવો. મારા પ્રતિજ્ઞાભંગથી તો બધા લોકમાં હાહાકાર મચી જશે. મારા પર બધા લોકનું ઉત્તરદાયિતવ્ય છે, હું અસત્ય કેવી રીતે બોલી શકું? બધા દેવ, ગંધર્વ, રાક્ષસ, અસુર ભેગા થઈને આવે તો પણ મારો પ્રતિજ્ઞાભંગ નહીં કરી શકે. જો તમારી વિનંતી છતાં તે પારિજાત ન આપે તો હું તેના વક્ષ:સ્થલ પર ગદાનો પ્રહાર કરીશ. જો તે શાંતિથી નહીં માને તો મારે ઇન્દ્રલોક પર આક્રમણ કરવું પડશે. તમે મારો આ અટલ નિર્ધાર પણ જણાવી દેજો.’

પછી નારદમુનિ ત્યાં ગયા અને રાત રહી તે મહોત્સવ તેમણે જોયો પણ. ભગવાન શિવ બધા દેવ, ગણ, સ્કંદ, કાર્તિક, ઉમા વગેરેથી ઘેરાયેલા હતા. નૃત્યગાન પૂરાં થયાં એટલે ભગવાન શિવ કૈલાસ ગયા અને બીજા બધા પણ ગયા. પછી નારદમુનિ ઇન્દ્ર પાસે ગયા અને તેમણે ઊભા ઊભા જ કહ્યું, ‘અત્યારે હું વિષ્ણુભગવાનનો દૂત બનીને આવ્યો છું. મને તેમણે એક કાર્ય સોંપ્યું છે. તેમનું કષ્ટ દૂર કરવા આવ્યો છું.’ ઇન્દ્રે તેમની પૂજા કરીને ભગવાનનો સંદેશ પૂછ્યો.

નારદમુનિએ કહ્યું, ‘હું તમારા નાના ભાઈને મળવા દ્વારકા ગયો હતો, મેં તેમને બધાને ચકિત કરવા પારિજાતનું એક પુષ્પ આપ્યું. એની વિશિષ્ટતાથી બધી પત્નીઓને નવાઈ લાગી. મેં તેમને કશ્યપ-અદિતિની વાતો કરી. સત્યભામાને દાનપુણ્ય કરવાનું મન થયું એટલે શ્રીકૃષ્ણે તે વૃક્ષ લાવવાની પ્રતિજ્ઞા કરી. અને તેમણે કહ્યું કે મારે તે પારિજાતને અહીં લાવવું છે. સત્યભામાનો મનોરથ સફળ થવો જોઈએ. મનુષ્યો પણ આ વૃક્ષ જોઈ શકે એવો લહાવો આપો.’

ઇન્દ્રે તેમને પહેલાં તો આસન ગ્રહણ કરવા કહ્યું, નારદમુનિ બેઠા એટલે ઇન્દ્રે કહ્યું, ‘તમે મારો આટલો સંદેશ કહેજો.

મારા પછી તમારું જ સ્થાન છે. તમે તો પૃથ્વી પરથી ભાર ઉતારવા ગયા છો. પણ તમે તો માનવવ્યવહારોમાં જ રચ્યાપચ્યા છો. તમે જ્યારે પૃથ્વીનો ભાર ઉતારીને સ્વર્ગમાં આવશો ત્યારે તમારી પત્ની સત્યભામાના બધા મનોરથ પૂરા કરીશ. નાનાંમોટાં કાર્ય માટે સ્વર્ગનાં રત્ન પૃથ્વી પર ના લઈ જવાય, મને બ્રહ્મા શાપ આપે. એક વાર આ મર્યાદા દૂર થઈ જાય તો બધા જ મંડી પડશે. એક સ્ત્રીને રાજી રાખવા જો પારિજાત પૃથ્વી પર જાય તો સ્વર્ગના દેવો નારાજ થશે. શ્રીકૃષ્ણ અહીં રહીને સ્વર્ગમાં જે છે તે ભોગવી શકે. શ્રીકૃષ્ણ થોડા અભિમાની બની ગયા છે અને એને કારણે તે પાપી બન્યા છે. વળી પારિજાતનો લાભ એક વાર માનવોને મળી જશે તો તેઓ યજ્ઞયાગાદિ નહીં કરે. સત્યભામાને પ્રસન્ન કરવા અહીંથી તમે હાર, મણિ, વસ્ત્ર, અગરુ લઈ જાઓ, હું પારિજાત તો નહીં જ આપું.’

આ સાંભળીને નારદમુનિ બોલ્યા, ‘તમારા માટે મારા મનમાં બહુ આદર છે એટલે તમારા હિતની વાત કહું. હું તમારા આ વિચારને જાણતો હતો એટલે તો તમે મહાદેવને પારિજાત આપ્યું ન હતું. તમે જે જે વાત કરી તે બધી મેં તેમને જણાવી હતી, પણ કોઈ રીતે શ્રીકૃષ્ણ માન્યા ન હતા. તેમણે કહ્યું, મારી પ્રતિજ્ઞા કોઈ રીતે મિથ્યા નહીં થાય. તેઓ જો નહીં આપે તો હું તેમના વક્ષ:સ્થલ પર ગદાનો પ્રહાર કરીશ. હવે તમને જે ઠીક લાગે તે કરો. મારી દૃષ્ટિએ તો પારિજાત દ્વારકામાં ભલે જાય.’

રોષે ભરાઈને ઇન્દ્રે કહ્યું, ‘ભૂતકાળમાં પણ શ્રીકૃષ્ણે મારી વિરુદ્ધ ઘણું કર્યું છે. ખાંડવ વનમાં લગાડેલી આગ ઓલવવા મેં મેઘ મોકલ્યા પણ તેમણે બધા મેઘનું નિવારણ કર્યું. ગોવર્ધન પર્વતની ઘટનામાં પણ એવું જ થયું. હવે જો તે મારી છાતીમાં ગદા મારવાના જ હોય તો શું કરીશું? સ્ત્રીના કહેવામાં આવી જઈને શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા માગતા હશે તો ભલે. મને હરાવીને જ તે પારિજાત લઈ જશે.’

પછી નારદમુનિએ તેમને બહુ સમજાવ્યા પણ ઇન્દ્ર ન જ માન્યા. નારદમુનિએ દ્વારકા આવીને બધી વાત કરી. એટલે શ્રીકૃષ્ણે યુદ્ધ કરવાનો પાકો નિશ્ચય કરી લીધો.

પછી શ્રીકૃષ્ણ સાત્યકિ સાથે ગરુડ પર બેઠા. તેમની પાછળ પ્રદ્યુમ્ન તૈયાર થયો. શ્રીકૃષ્ણે તો બધાના દેખતાં પારિજાતવૃક્ષને ભૂમિમાંથી ઉખાડીને ગરુડની પીઠ પર મૂકી દીધું. ઇન્દ્રને એ સમાચાર મળ્યા. એટલે ઐરાવત પર બેસીને તે નીકળ્યા અને તેમની પાછળ જયંત પણ નીકળ્યો. ઇન્દ્રને ભગવાને કહ્યું, ‘તમારી વહુરાણી માટે આ વૃક્ષ લઈ જઉં છું.’

પણ યુદ્ધ કર્યા વિના લઈ જવાશે નહીં એવું ઇન્દ્રે કહ્યું. પછી તો યુદ્ધ શરૂ થયું. શ્રીકૃષ્ણ ઇન્દ્ર સામે, પ્રદ્યુમ્ન જયંત સામે લડવા માંડ્યા. પછી પ્રવરે પારિજાતનું રક્ષણ કરવા યુદ્ધ કરવા માંડ્યું. જયંતે બહુ પ્રયત્ન કર્યા પણ પ્રદ્યુમ્ન પર કશી અસર ન થઈ. શ્રીકૃષ્ણથી બચવા માટે ઇન્દ્રે જયંતને અને પ્રવરને પોતાની આજુબાજુ ઊભા કરી દીધા.

અને ફરી બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. એટલે અદિતિએ બંને હાથ પકડી લીધા, અને કહ્યું, ‘એક નાની વાત માટે એકબીજાને મારવાનું ન હોય. પહેલાં તો તમે શસ્ત્ર ફેંકી દો અને હું જે કહુું તે માનો.’

બંને સ્નાન કરીને કશ્યપ અને અદિતિ પાસે ગયા. પછી અદિતિએ ઇન્દ્રને કહ્યું, ‘દ્વારકા જાઓ અને આ વૃક્ષ પણ લેતા જાઓ. સત્યભામાનું વ્રત પૂરું કરાવો. એનું વ્રત પૂરું થાય એટલે પાછું એ વૃક્ષ સ્વર્ગમાં રોપી દેજો.’

પછી શચીએ શ્રીકૃષ્ણની પત્નીઓ માટે અનેક વસ્ત્ર આપ્યાં. એ બધું લઈને શ્રીકૃષ્ણ રૈવતક પર્વતે ગયા અને ત્યાં વૃક્ષ રોપ્યું. આનર્તવાસીઓ તે જોઈને પ્રસન્ન થયા. તેની સુવાસથી રોગી નિરોગી થયા, અંધ જનો દેખતા થયા. પછી શ્રીકૃષ્ણ બધા વડીલોને મળ્યા. આ વૃક્ષ શ્રીકૃષ્ણની ઇચ્છા પ્રમાણે નાનું મોટું થઈ જતું હતું. સત્યભામા પણ બહુ પ્રસન્ન થઈ. તેણે પુણ્યક વ્રત કરીને નારદમુનિને દાન કર્યું. નારદમુનિએ શ્રીકૃષ્ણ પાસે કપિલા ગાય, તલની સાથે સુવર્ણ અને મૃગચર્મ માગ્યાં.

એક વરસ પારિજાત દ્વારકામાં રાખી સ્વર્ગમાં પહોંચાડી દીધું.

અદિતિએ બંને વચ્ચે મનમેળ કરાવી આપ્યો.

(વિષ્ણુપર્વ ૬૫-૭૬)