ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અષ્ટાવક્રના પાણિગ્રહણની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અષ્ટાવક્રના પાણિગ્રહણની કથા

ભૂતકાળમાં મહાતપસ્વી અષ્ટાવક્રે વિવાહની ઇચ્છાથી મહાત્મા વદાન્ય નામના ઋષિ પાસે તેમની કન્યાનું માગું કર્યું. સુપ્રભા નામની તે કન્યા પૃથ્વી પર અનુપમ રૂપવાળી હતી. રૂપ, શીલ, ચારિત્ર્યવાળી તે સાધ્વી હતી. વસંત ઋતુમાં જેવી રીતે પુષ્પિત વનસૌંદર્ય મનને હરી લે છે તેવી રીતે તે કન્યાના દૃષ્ટિપાતે તેમનું મન હરી લીધું. વદાન્ય ઋષિએ તેમને કહ્યું, ‘હું કેવી રીતે તમને મારી કન્યા આપીશ તે સાંભળો. અત્યારે તમે પવિત્ર ઉત્તર દિશામાં જાઓ, ત્યાં તમે તેને જોશો.’

અષ્ટાવક્રે તેમને પૂછ્યું, ‘ત્યાં જઈને મારે કોનું દર્શન કરવાનું છે? તમે મને કહો, અત્યારે તમે જે કહેશો તે હું કરીશ.’

વદાન્ય ઋષિ બોલ્યા, ‘કુબેરની અલકાપુરી ઓળંગી, તમે હિમાલયને પણ ઓળંગી જશો, ત્યારે તમે સિદ્ધ અને ચારણોથી પુજાતા રુદ્રનું સ્થાન જોશો. તે સ્થળ હર્ષયુક્ત, નૃત્ય કરતા, અનેક મુખવાળા પાર્ષદો અને દિવ્યાંગ રાગયુક્ત પિશાચો તથા અનેક પ્રકારના વન્ય પ્રમથગણોને જોશો. પાણિતાલ, સુતાલ, શમ્યાતાલ વગેરે દ્વારા પ્રસન્નચિત્ત નૃત્યકારો દ્વારા મહાદેવ પુજાય છે. તે પર્વત પર નિવાસ કરવો ઈશ્વરને ગમે છે એટલે તે લોક દિવ્ય કહેવાય છે એવું સાંભળ્યું છે. મહાદેવ ત્યાં નિત્ય વસે છે, તેમનો પરિષદગણ સદા ત્યાં નિવાસ કરે છે. દેવી પાર્વતીએ શંકર માટે અહીં દુષ્કર તપ કર્યું હતું. એટલે આ ભગવાનનું અને દેવીનું ઇષ્ટ સ્થળ છે એવું કહેવાય છે. ત્યાં મહાદેવના સમીપે જ ઉત્તર ભાગમાં એક મોટો કૂવો છે, ઋતુ, કાલરાત્રિ અને દિવ્ય માનવીઓ મૂર્તિમાન થઈને મહાદેવની ઉપાસના કરે છે. તમે એ સ્થાનને વટાવી આગળ જજો.

પછી તમે મેઘ સમાન નીલ વર્ણનું, મનોહર, રમણીય વન જોશો. ત્યાં એક સ્ત્રીને જોશો. તે તપસ્વિની, મહાભાગા વૃદ્ધા દીક્ષાપરાયણ છે, તે દર્શનીય છે, પૂજનીય છે. જ્યારે તમે એનું દર્શન કરીને પાછા આવશો ત્યારે મારી કન્યાનું પાણિગ્રહણ કરી શકશો. જો મારું કહ્યું કરવા માગતા હો તો ત્યાં જાઓ.’

અષ્ટાવક્રે કહ્યું, ‘હે સાધુ, તમે જે કહ્યું છે તે જ હું કરીશ, તમારું વચન સત્ય થાઓ.’

ત્યાર પછી ભગવાન ઉત્કર્ષશાળી ઉત્તર દિશામાં સિદ્ધ, ચારણોવાળા ગિરિશ્રેષ્ઠ હિમાલય પર ગયા. ત્યાં જઈને ધર્મદાયિની બાહુદા નામની નદીના કાંઠે પ્રવેશ્યા. અત્યંત વિમળ અશોક તીર્થમાં સ્નાન કરી, દેવતાઓનું તર્પણ કરી ત્યાં સુખપૂર્વક કુશશય્યા પર નિવાસ કરવા લાગ્યા. રાત્રિ વીત્યા પછી તે દ્વિજવરે સવારે ઊઠીને સ્નાન કર્યું, વેદમંત્રોથી સ્તુતિ કરી અગ્નિ પ્રગટાવ્યો અને યજ્ઞ કર્યો. પછી ઇન્દ્રાણી કૂવે જઈ ત્યાં વિશ્રામ કરવા બેઠા. ત્યાર પછી કૈલાસ પર્વતની દિશામાં ગમન કર્યું. ત્યાં જઈને દેદીપ્યમાન એક કાંચનદ્વાર જોયું અને મહાત્મા કુબેરનાં કમળપુષ્પોથી શોભતી મંદાકિની જોઈ. ત્યાર પછી કમળપુષ્પોવાળી નદીનું સદા રક્ષણ કરતા મણિભદ્ર વગેરે રાક્ષસ ભગવંતને જોઈને ઊભા થયા. તેમણે પણ તે ભીમપરાક્રમી રાક્ષસોનું અભિવાદન કરી કહ્યું, ‘ધનપતિ કુબેરને શીઘ્ર મારા આગમનના સમાચાર આપો.’

એ રાક્ષસોએ એમ કર્યું અને ભગવંતને કહ્યું, ‘રાજાઓના રાજા કુબેર પોતે તમારી પાસે આવી રહ્યા છે. ભગવાનને તમારા આગમનની અને કારણની જાણ છે. તમે આ તેજથી પ્રજ્વલિત મહાભાગને જુઓ.’

ત્યાર પછી વિશ્રવાપુત્રે (કુબેર) અનિંદિત બ્રહ્મર્ષિ અષ્ટાવક્ર પાસે આવીને વિધિવત્ કુશળ સમાચાર પૂછ્યા.

‘હે દ્વિજ, તમે સુખપૂર્વક આવી પહોંચ્યા છો ને? મારી પાસે તમે કઈ આશા રાખો છો? તમે જે કહેશો તે કરીશ. હે દ્વિજોત્તમ, તમે સ્વેચ્છાથી મારા ભવનમાં પ્રવેશો. અહીં સત્કૃત અને કૃતકાર્ય થઈને નિર્વિઘ્ને ગમન કરશો.’

કુબેર દ્વિજોત્તમને સાથે લઈને પોતાના ભવનમાં પેઠા અને ત્યાં જઈને તેમણે આસન, પાદ્ય અને અર્ઘ્ય આપ્યા. ત્યાં બંને બેઠા પછી મણિભદ્ર વગેરે યક્ષ, ગંધર્વ, રાક્ષસો વગેરે સેવકો ત્યાં બેઠા. બધા બેઠા એટલે કુબેરે કહ્યું, ‘જો તમારી ઇચ્છા હોય તો અપ્સરાઓ નૃત્ય કરે. તમારી સેવા અને તમારું આતિથ્ય કરવા મારું પરમ કર્તવ્ય છે.’ ત્યારે મુનિએ મધુર વાણીમાં કહ્યું, ‘ભલે.’

પછી ઉર્વરા, મિશ્રકેશી, રંભા, ઉર્વશી, અલંબુસા, ઘૃતાચી, ચિત્રા, ચિત્રાંગદા, રુચિ, મનોહરા, સુકેશી, સુમુખી, હાસિની, પ્રભા, વિદ્યુતા, પ્રશમા, દાન્તા, વિદ્યોતા, રતિ — અને એવી અન્ય ઉત્તમ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વગણ વિવિધ વાદ્યો વગાડવા લાગ્યો. દિવ્ય ગીત સંવત્સર આરંભાયો, મહાત્મા મહાતપસ્વી ઋષિ દેવલોકોના એક વર્ષ સુધી ત્યાં બેઠા અને આનંદિત રહ્યા.

ત્યાર પછી રાજા વૈશ્રવણ (કુબેર) ભગવંતને કહેવા લાગ્યા, ‘હે વિપ્ર, જોતજોતાંમાં અહીં આગળ જ એક સંવત્સર (વર્ષ)થી વધુ સમય વીતી ગયો. હે બ્રહ્મન્, આ વિષયનું નામ ગાંધર્વ છે, તે મનોહર છે, અત્યારે તમારી ઇચ્છા હોય તો આમ જ ચાલવા દઈએ, અથવા તમે જે કહો તે. તમે પૂજનીય અતિથિ છો, આ ગૃહ પણ તમારું જ છે. તમારી જે આજ્ઞા હશે તેમ કરીશ, અમે સૌ તમારે અધીન છીએ.’

એટલે ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, ‘હે ધનેશ્વર, યથાયોગ્ય રીતે મારી પૂજા થઈ છે, હવે હું જઈશ. હે ધનાધિપ, હું પ્રસન્ન છું, તમે જે કંઈ કર્યું તે તમને શોભે એવું જ હતું. તમારી કૃપા અને મહાત્માની આજ્ઞાથી હવે હું જઉં છું. તમે બુદ્ધિમાન અને સમૃદ્ધ રહેજો.’

ત્યાર પછી ભગવાન ત્યાંથી ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા અને કૈલાસ, મંદર અને હિમાલય પર્વત પર વિહાર કરવા લાગ્યા. તે બધા જ મહા શૈલોને (પર્વતોને) ઓળંગી ઉત્તમ કિરાતસ્થાને પહોંચ્યા, સ્થિર ચિત્તે તે સ્થાનની પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવીને પ્રણામ કર્યા. પૃથ્વી પર ઉત્તરના એ સ્થાનથી તેઓ પવિત્ર આત્મા થઈ ગયા. તે પર્વતની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને પ્રસન્નતાથી ઉત્તર દિશામાં સમથળ ધરતી પર ચાલવા લાગ્યા, ત્યાર પછી તેમણે એક બીજું રમણીય વન જોયું. બધી ઋતુઓનાં ફૂલ, ફળ, મૂળ, પક્ષીઓવાળું તે વન હતું, વનપ્રાન્તો અનેક સ્થળે શોભતા હતા. ભગવાને ત્યાં એક દિવ્ય આશ્રમ જોયો. ત્યાં વિવિધ રત્નોથી શોભતો કાંચનપર્વત હતો, મણિમય ભૂમિ પર સુંદર સરોવર હતું, તે ઉપરાંત બીજાં પણ સુરમ્ય દૃશ્યો જોઈને મહર્ષિનું મન અતિ પ્રસન્ન થઈ ઊઠ્યું. તેમણે ત્યાં કુબેરભવનથી પણ ચઢિયાતું, અદ્ભુત, સુંદર, રત્નોથી શોભતું એક દિવ્ય કાંચનગૃહ જોયું. તે સ્થળે ઉત્તમ વિવિધ પ્રાસાદો પર્વતોની જેમ શોભતા હતા, વિવિધ રત્નો હતાં, સુંદર વિમાન હતાં. મંદાર પુષ્પોથી ઊભરાતી મંદાકિની નદી ત્યાં વહેતી હતી. સ્વયંપ્રભાવાળા મણિ અને હીરાથી તે ભૂમિ સુશોભિત હતી. અનેક સુંદર મણિતોરણ, મોતીઓની માળા, મણિરત્નોથી વિભૂષિત; મનોહર, દર્શનીય, રમ્ય વસ્તુઓથી આ આશ્રમ બહુ મનોહર હતો. ઋષિએ ચારે બાજુ સર્વત્ર મનોહર દૃશ્ય જોયું, ત્યારે તેમને ચિંતા થઈ કે હું ક્યાં રહીશ? ત્યાર પછી દ્વારે જઈને બોલ્યા, ‘અહીં જે કોઈ હોય તે જાણે કે હું અતિથિ તરીકે આવ્યો છું.’ ત્યારે તેમની વાત સાંભળીને અનેક રૂપધારિણી, મનોહર સાત કન્યાઓ ઘરમાંથી બહાર આવી. તેમણે જે જે કન્યાને જોઈ તે તે કન્યાએ તેમનું મન હરી લીધું, મનને રોકવામાં અસમર્થ થયા અને તેઓ દુઃખી થયા. ત્યાર પછી તે ધીમત વિપ્રના મનમાં ધૃતિ પ્રગટી અને ત્યારે તે પ્રમદા (યુવતી)ઓએ તેમને કહ્યું, ‘ભગવાન, તમે ઘરમાં આવો.’

તે બ્રાહ્મણ એ સુંદરીઓ અને ભવનને જોઈ કુતૂહલવશ થયા અને ઘરમાં પ્રવેશ્યા. અંદર જઈને તેમણે એક સ્વચ્છ વસ્ત્રધારિણી અને સર્વ આભરણો સમેત એક વૃદ્ધાને પલંગ પર બેઠેલી જોઈ. એમને જોતાં જ વિપ્ર બોલ્યા, ‘તમારું કલ્યાણ થાઓ.’ તે સ્ત્રીએ પણ એવો જ પ્રતિભાવ આપ્યો અને વિપ્રવરને બેસવા કહ્યું...

અષ્ટાવક્રે કહ્યું, ‘બધી સ્ત્રીઓ અંંદર જતી રહે. જે અત્યંત જ્ઞાની અને પ્રશાંત ચિત્તવાળી હોય તે જ મારી પાસે રહે, બાકી સૌ પોતાની ઇચ્છા પ્રમાણે જાય.’

ત્યાર પછી તે બધી કન્યાઓ ઋષિની પ્રદક્ષિણા કરીને ઘરમાંથી જતી રહી, કેવળ તે વૃદ્ધા જ ત્યાં રહી.

ઋષિ પ્રકાશિત શય્યા પર સૂઈને વૃદ્ધાને કહેવા લાગ્યા, ‘હે ભદ્રા, રાત્રિ વીતી રહી છે એટલે તમે પણ સૂઈ જાઓ.’

પરસ્પર વાતચીત દરમિયાન જ્યારે વિપ્રે આમ કહ્યું ત્યારે બીજા દિવ્ય શયન પર વૃદ્ધા પણ સૂતી. ત્યાર પછી ઠંડી લાગે છે એવું નિમિત્ત શોધીને તે કાંપતી આવી અને મહર્ષિની શય્યા પર જઈ ચઢી. ભગવાને આવેલી વૃદ્ધાનું સ્વાગત કર્યુ, તેમનો સત્કાર કર્યો, અને તે વૃદ્ધાએ પ્રેમથી બંને હાથે ઋષિને આલિંગન આપ્યું. ઋષિને કાષ્ઠ અને ભીંતની જેમ નિર્વિકાર જોઈ, દુઃખી થઈ તે વૃદ્ધાએ તેમની સાથે વાર્તાલાપ આરંભ્યો. તેણે કહ્યું, ‘હે વિપ્રવર, પુરુષને પામીને સ્ત્રીઓ કામવિષયમાં ધૃતિ રાખે છે, એટલે કામવશ થઈને હું તમારી પાસે આવી છું, મારી ઇચ્છા પાર પાડો. હે વિર્ષિષ, તમે પ્રસન્ન થઈને મારી સાથે સમાગમ કરો, મને ભેટો, તમારાથી હું બહુ કામવશ થઈ છું. હે ધર્માત્મન્, તમારી તપસ્યાનું પ્રાથિત ફળ પ્રશંસનીય છે, એટલે જ તમને જોઈને તમારી સેવામાં છું. તમે મને સ્વીકારો. મારું આ ભવન ધન, બીજું જે જે જુઓ છો તે બધાના તમે સ્વામી, અને નિ:શંક મારા સ્વામી તો ખરા જ. તમે મારો સંગ કરો, હું તમારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ. હે વિપ્ર, સર્વ કામફળપ્રદ આ રમણીય વનમાં તમે મારી સાથે ક્રીડા કરો, હું તમારી વશીભૂત થઈશ, અહીં દિવ્ય, માનુષી કામ વિષયોનો ઉપભોગ કરીશું. પુરુષના સંસર્ગથી અમને જે પરમ ફળ પ્રાપ્ત થાય છે તેનાથી ચઢિયાતું સુખ સ્ત્રીઓ માટે કશું નથી. મન્મથપ્રેરિત (કામપ્રેરિત) સ્ત્રીઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે, કામસંતપ્ત થઈને ધગધગતી ધૂળ પર ચાલવાથી તેના પગ દાઝતા નથી.’

અષ્ટાવક્રે કહ્યું, ‘હે ભદ્રા, હું ક્યારેય પરસ્ત્રીગમન કરતો નથી. ધર્મશાસ્ત્રોમાં પરદારાગમનને અત્યંત દૂષિત કહ્યું છે. હે ભદ્રા, હું સત્યના સોગંદ ખાઈને કહું છું કે આ સંસાર આશ્રમમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા છે. હું વિષયોથી અનભિજ્ઞ છું, માત્ર ધર્માર્થે સંતતિ જોઈએ છે. હું પુત્રો દ્વારા શ્રેષ્ઠ લોકમાં જઈશ. હે ભદ્રા, તમે ધર્મ જાણો અને આનાથી દૂર રહો.’

સ્ત્રીએ કહ્યું, ‘હે દ્વિજ, અનિલ, અગ્નિ, વરુણ કે બીજા કોઈ દેવ સ્ત્રીઓને પ્રિય નથી, રતિશીલ નારીઓને તો માત્ર રતિપતિ જ પ્રિય છે. હજાર સ્ત્રીઓમાં એક સ્ત્રી સંયમી જોવા મળશે, અને લાખો સ્ત્રીઓમાં એકાદ પતિવ્રતા હશે. આ સ્ત્રીઓ પિતા, માતા, કુળ, બાંધવોને નથી જાણતી. ભર્તા પર ભક્તિ, પુત્રોમાં સ્નેહ અને દિયરોનો સમાદર તે નથી કરતી. જેવી રીતે નદીઓ તટને નિર્મૂળ કરે છે તેવી જ રીતે આ સ્ત્રીઓ રતિની ઇચ્છા કરીને કુળનો વિનાશ કરે છે, પ્રજાપતિએ આ મૂઢ સ્ત્રીઓના બધા દોષ જાણીને જ આ કહ્યું હતું.’

ત્યારે એકાગ્ર થઈને ઋષિએ તે સ્ત્રીને કહ્યું, ‘તમે ઇચ્છાનુસાર બેસો, ભોગની અભિલાષાથી સ્વેચ્છાચાર થાય છે. મારે શું કરવું તે કહો.’

તે સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવન્, દેશકાળ અનુસાર તમે અનુભવ કરીને જુઓ. હે મહાપ્રાજ્ઞ, તમે અહીં રહો, કૃતકૃત્ય થઈને જજો.’

બ્રહ્મર્ષિએ તેને કહ્યું, ‘ભલે, અહીં રહેવાનો ઉત્સાહ રહેશે ત્યાં સુધી તમારી સમીપ નિ:શંક રહીશ.’

અંતે ઋષિ એ સ્ત્રીને જરાગ્રસ્ત જોઈને ચિંતા કરતા કરતા સંતપ્ત થયા. તે વિપ્રર્ષિએ તે સ્ત્રીના જે જે અંગો જોયાં, ત્યાં એમની દૃષ્ટિ રમતી ન હતી, તેના રૂપથી પરાજિત થતી હતી, તેમણે વિચાર્યું, આ ગૃહની અધિષ્ઠાત્રી દેવી છે, કોઈના શાપથી તે કુરૂપ થઈ છે, આની કુરૂપતાનું કારણ જાણવા સહસા પ્રયત્ન કરવો મારે માટે યોગ્ય નથી, આ વાત જાણવા માટે આમ જ ચિંતા કરતા કરતા વ્યાકુળ ચિત્તે ઋષિનો દિવસ પૂરો થયો. ત્યાર પછી તે સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવન્, સૂર્યનું સંધ્યારાગરંજિત રૂપ જુઓ, અત્યારે હું તમારા માટે શું લાવું?’

તેઓ બોલ્યા, ‘અત્યારે મારા માટે સ્નાન જળ લાવો. પછી હું એકાગ્ર ચિત્તે, જિતેન્દ્રિય બનીને સંધ્યાપૂજા કરીશ.’

ત્યાર પછી તે સ્ત્રીએ ઋષિને કહ્યું, ‘ભલે એમ કરીએ.’

તે દિવ્ય તેલ અને સ્નાનવસ્ત્ર લઈ આવી. મુનિની આજ્ઞાથી તે સ્ત્રીએ મહાત્માના શરીરે તેલ લગાડયું અને તે સ્ત્રીએ તેમને ઉઠાડ્યા એટલે તે સ્નાનશાલામાં ગયા, તે ઋષિ ઉત્તમ ભદ્રાસન પર બેઠા. આસન પર તેઓ બેઠા એટલે તે સ્ત્રીએ ધીમે ધીમે હાથના સુખસ્પર્શ દ્રારા ઋષિને સ્નાન કરાવ્યું અને તેમની આગળ વિધિવત્ દિવ્ય ઉપચારો ધર્યા.

મહાવ્રતી મુનિ તે સ્ત્રીએ આપેલા ઉષ્ણ જળથી નાહ્યા, અને તે સ્ત્રીના સુખદ સ્પર્શ વડે સેવા પામીને રાત વીતી ગઈ તે જાણી ન શક્યા. પછી મુનિ પરમ વિસ્મિત થઈને ઊભા થયા, તેમણે પૂર્વદિશામાં સૂર્યોદય જોયો. તેઓ વિચારમાં પડી ગયા કે આ મારો મોહ છે કે ખરેખર સૂર્યોદય થયો છે, ત્યાર પછી સૂર્યોપાસના કરીને તેમણે તે સ્ત્રીને કહ્યું, ‘હવે અત્યારે શું કરું?’

તે સ્ત્રી તેમના માટે અમૃત સમાન અન્ન લઈ આવી, ઋષિ તે અન્નના સ્વાદથી ખૂબ જ આકર્ષાયા, તે પર્યાપ્ત છે એમ માની ન શક્યા, એ પૂરું થઈ ગયું તેમ કહી ન શક્યા. દિવસ પૂરો થયો અને સાંજ પડી. ત્યાર પછી ભગવાનને શયન માટે કહ્યું, બંનેની જુદી જુદી શય્યાઓ પથરાઈ.

અષ્ટાવક્રે કહ્યું, ‘હે ભદ્રા, મારું મન પરસ્ત્રીમાં રાચતું નથી. હે ભદ્રા, તમે ઊભા થાઓ, આ પાપથી દૂર રહો.’

તે સ્ત્રી બ્રહ્મર્ષિએ પાછી કાઢી એટલે ધીરજપૂર્વક બોલી, ‘હું સ્વતંત્ર છું, એટલે મારો સમાગમ કરવાથી તમને ધર્મછળ નહીં લાગે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘સ્ત્રીઓ સ્વાધીન નથી, સ્ત્રીઓ ખરેખર પરાધીન છે, પ્રજાપતિનો મત છે કે સ્ત્રીઓ સ્વતંત્રતાને પાત્ર નથી.’

તે સ્ત્રી બોલી. ‘હે વિપ્ર, કામપીડા મને વ્યાકુળ કરી રહી છે, તમારા માટે મારી ભક્તિ જુઓ. જો મને સંતુષ્ટ નહીં કરો તો તમારા માટે તે અધર્મ કહેવાશે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘યથેચ્છાચારી મનુષ્યને બધાં પાપ આકર્ષે છે. હે ભદ્રા, હું ધીરજપૂર્વક મનને ધીર રાખી શકું છું, એટલે તમે તારી શય્યા પર જાઓ.’

સ્ત્રીએ કહ્યું, ‘હે વિપ્ર, હું મસ્તક નમાવી તમને પ્રણામ કરું છું, મારા પર કૃપા કરો. હું પાપરહિત, પૃથ્વી પર પડેલી મારા જેવી શરણાગતની રક્ષા કરો. જો તમે પરસ્ત્રીગમનમાં દોષ જુઓ છો તો હું આત્મસમર્પણ કરું છું, તમે મારું પાણિગ્રહણ કરો. હું સાચું કહું છું, તમને કોઈ દોષ નહીં લાગે, હું સ્વતંત્ર છું, જે અધર્મ થશે તે મને થશે.’

‘હે ભદ્રા, તમે સ્વતંત્ર કેવી રીતે? તમે મને સમજાવો. જગતમાં કોઈ સ્ત્રી એવી નથી જે સ્વતંત્ર રહેવા લાયક છે. કુંવારી હોય ત્યારે પિતા રક્ષણ કરે છે, યુવાવસ્થામાં પતિ રક્ષા કરે છે, વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષા કરે છે, એટલે સ્ત્રી સ્વતંત્ર રહી જ શકતી નથી.’

‘હું કુમારી અવસ્થામાં બ્રહ્મચર્ય પાળતી હતી. એટલે નિ:શંક કન્યા જ છું, હે વિપ્ર, બુદ્ધિહીન વાત ન કરો, મારી શ્રદ્ધા વિફળ ન કરો.’

અષ્ટાવક્રે કહ્યું, ‘જેવી મારી સ્થિતિ તેવી તમારી સ્થિતિ, જેવી તમારી સ્થિતિ તેવી મારી. વદાન્ય ઋષિ મને ઓળખવા માટે જે પરીક્ષા કરવા માગે છે તેમાં આ ખરેખર વિઘ્ન તો નથી ને?’

આ સ્ત્રીને પહેલાં વૃદ્ધાવસ્થામાં જોઈ, હવે તેને દિવ્ય આભરણો સહિત કન્યા રૂપે જોઉં છું, આ પરમ આશ્ચર્ય છે. આ મારા માટે શું કલ્યાણપ્રદ નીવડશે? આનું પરમ રૂપ પહેલાં કેવી રીતે જીર્ણ થયું હતું? અત્યારે તો એને કન્યા રૂપે જોઉં છું, પછી શું થશે? કામદમન કરવાનું સામર્થ્ય મારામાં છે, એ ધીરજથી કોઈ રીતે વિચલિત ન થઈને પહેલાં પ્રાપ્ત થયેલી કન્યાનો ત્યાગ નહીં કરું, મારી રુચિ પણ નથી, હું ધૈર્યપૂર્વક જ ધર્માનુસાર જ પત્ની પ્રાપ્ત કરીશ.

... ... ...

અષ્ટાવક્રે તે સ્ત્રીને પૂછ્યું, ‘તમે કેવી રીતે રૂપ પરિવર્તન કરો છો? અસત્ય ન બોલતાં. બ્રાહ્મણ પાસેથી માન પામવાની ઇચ્છા હોય તો સત્ય કહેજો.’

તે સ્ત્રી બોલી, ‘સ્વર્ગ કે પૃથ્વી — જે કોઈ સ્થાને વસો ત્યાં સ્ત્રીપુરુષોનો આવા જ અભિપ્રાય છે. હે સત્ય વિક્રમ, સાવધાન થઈને આ વિષે સાંભળો. હે નિષ્પાપ, તમે મને ઉત્તર દિશા સમજો. તમે સ્ત્રીચાપલ્ય જોયું,

હે સત્યપરાક્રમી, તમે ધર્મભ્રષ્ટ ન થઈને બધા લોક જીતી લીધા છે. તમને દૃઢ કરવા તમારી પરીક્ષા કરતી હતી. મૈથુન માટેનો જ્વર વૃદ્ધ સ્ત્રીઓને પણ હોય છે. અત્યારે પિતામહ તમારા પર પ્રસન્ન છે, દેવતાઓ પ્રસન્ન છે. જે કાર્ય માટે તમે અહીં આવ્યા તે સફળ થયું. તે કન્યાના પિતા વદાન્યે તમને ઉપદેશ આપવા મારી પાસે મોકલ્યા હતા, એ બધું કાર્ય પૂરું થયું. તમે બહુ સારી રીતે હવે ઘેર જાઓ, તમને હવે શ્રમ નહીં પડે. હે વિપ્ર, તે કન્યા તમને મળશે અને તે પુત્રવતી થશે. તમે જિજ્ઞાસાવશ મને પ્રશ્ન કર્યો અને મેં તમને તેનો ઉત્તર આપ્યો. બ્રાહ્મણની આજ્ઞા ત્રણે લોકમાં સદા અનુલ્લંઘનીય હોય છે. હે વિપ્રર્ષિ અષ્ટાવક્ર, તમે પુણ્યનો આ સંયમ કરીને જાઓ, હવે બીજું શું સાંભળવું છે? હું તે પણ યથાતથ કહીશ. હે દ્વિજશ્રેષ્ઠ, તમારે નિમિત્તે ઋષિએ મારા પર કૃપા કરી છે. તેમના સમ્માન માટે મેં તમને આટલું કહ્યું.’

તે વિપ્ર હાથ જોડીને ઊભા થયા, એમની આજ્ઞા પાળીને તેઓ પોતાને ઘેર પાછા આવ્યા. ઘરમાં વિશ્રામ કરીને, સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા, ન્યાયપૂર્વક તે બ્રાહ્મણ વદાન્યને મળવા નીકળ્યા. તે સમયે તેમણે વિપ્રને તેની યાત્રા વિશે પૂછ્યું, એટલે પ્રસન્ન થઈને બધી વાત કરી. ‘હું તમારી આજ્ઞા પ્રમાણે ગંધમાદન પર્વત પર ગયો, ત્યાંથી ઉત્તર દિશામાં ગયો, અને એક મહાન દેવી જોયાં. તેમણે મારી પરીક્ષા લીધી, તમારું નામ કહ્યું. પછી તેમની વાત સાંભળી, આજ્ઞા લીધી અને ઘેર આવ્યો.’

વિપ્રવર બોલ્યા, ‘તમે ઉત્તમ પાત્ર છો, એટલે નક્ષત્ર, તિથિ જોઈ મારી કન્યાનું પાણિગ્રહણ કરો.’

પરમ ધર્માત્મા અષ્ટાવક્રે, ‘ભલે એમ થાઓ.’ કહીને તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તે અત્યંત પ્રસન્ન થયા. તે દ્વિજવર, પરમ સુંદર કન્યાને ભાર્યારૂપે પામી શોકહીન અને પ્રસન્ન થઈને પોતાના આશ્રમમાં સુખે રહેવા લાગ્યા.

(અનુશાસન પર્વ ૨૦-૨૨)