ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉપરિચરની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉપરિચરની કથા

ભૂતકાળમાં દેવતાઓએ શ્રેષ્ઠ બ્રહ્મર્ષિઓને કહ્યું, ‘અજ વડે યજ્ઞ કરવો એવું વિધાન છે.’ અહીં અજનો અર્થ બકરો થાય છે, બીજું કોઈ પશુ નહીં.’

ઋષિઓએ કહ્યું, ‘વેદની શ્રુતિ છે કે બીજ દ્વારા યજ્ઞ કરવો. બીજ એટલે જ અજ. એટલે બકરાનો વધ કરવો અયોગ્ય છે. યજ્ઞમાં પશુવધ કરવો સાધુઓનો ધર્મ નથી, આ સત્યયુગ સર્વશ્રેષ્ઠ છે, તો આમાં કેવી રીતે પશુહિંસા થઈ શકે?’

આમ દેવતાઓ અને ઋષિઓનો વિવાદ ચાલતો હતો ત્યારે અંતરીક્ષચર નૃપશ્રેષ્ઠ રાજા ઉપરિચર સમગ્ર બલવાહન સાથે ત્યાં આવી ચઢ્યા. બ્રાહ્મણો આકાશગામી વસુને સહસા ગમન કરતા જોઈને દેવતાઓને કહેવા લાગ્યા, ‘આ રાજા આપણી સમસ્યાનું નિવારણ કરશે. મહાત્મા વસુએ વિધિપૂર્વક યજ્ઞ કર્યો છે, તે દાનપતિ, શ્રેષ્ઠ અને સર્વ પ્રાણીઓના હિતરક્ષક છે, તે મહાન વસુ શાસ્ત્રથી વિરુદ્ધ કેવી રીતે કહેશે?’

દેવતાઓએ અને ઋષિઓએ આમ વિચારીને તેઓ વસુરાજ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે રાજન, અજ અથવા ઔષધિ — આ બેમાંથી શાના વડે યજ્ઞ કરવો જોઈએ? અમારી સમસ્યાનો ઉકેલ આપો. તમારો ઉત્તર અમારા માટે પ્રમાણ બનશે.’

રાજા ઉપરિચરે હાથ જોડીને કહ્યું, ‘તમારી વચ્ચે કોનો કયો મત છે તે કહો.’

ઋષિઓએ કહ્યું, ‘હે રાજા, ધાન્ય વડે જ યજ્ઞ કરવો જોઈએ, એવું અમે માનીએ છીએ. દેવતાઓ એમ માને છે કે પશુ વડે જ યજ્ઞ કરવો જોઈએ. અમારા બેમાંથી કોની વાત સાચી છે તે તમે અમને કહો.’

ઉપરિચરે દેવતાઓનો અભિપ્રાય જાણીને તેમનો પક્ષ સ્વીકાર્યો, અજનો અર્થ બકરો છે એટલે તેના વડે જ યજ્ઞ કરવો યોગ્ય છે.’ એટલે સૂર્યસમાન તેજસ્વી મુનિઓએ ક્રોધિત થઈને વિમાનમાં બેઠેલા દેવપક્ષપાતી વસુને કહ્યું,

‘હે રાજન, તમે જે કારણે દેવતાઓનો પક્ષ લીધો છે તે જ નિમિત્તે તમે સ્વર્ગમાંથી પતન પામો. આકાશમાં વિહાર કરવાની તમારી શક્તિ નાશ પામો. અમારા શાપને કારણે તમે પૃથ્વી ભેદીને નીચે જશો.’

તે જ ઘડીએ રાજા નીચે પડ્યા અને ભૂમિના વિવર (છિદ્ર)માં પ્રવેશ્યા, પણ ભગવાન નારાયણની આજ્ઞાથી તેમની સ્મૃતિ નષ્ટ ન થઈ.

બીજી બાજુ દેવતાઓ એકઠા થઈને ઉપરિચર વસુના શાપવિમોચન નિમિત્તે ચિંતા કરવા લાગ્યા, આ રાજાના સુકૃતનું ફળ છે. તે મહાત્મા રાજા આપણા કારણે શાપગ્રસ્ત થયા છે. આપણે એકત્ર થઈને તેમનું અતિપ્રિય કરવું જોઈએ. દેવતાઓ આ વિશે પ્રયત્નશીલ થાય, એવો મનોમન નિશ્ચય કરીને ઉપરિચરને કહેવા લાગ્યા, ‘હે રાજન્, તમે બ્રહ્મણ્ય દેવદેવતા તથા અસુરોના ગુરુ હરિમાં ભક્તિ રાખો છો એટલે તેઓ તમારા પર પ્રસન્ન થઈને તમને શાપમુક્ત કરશે. મહાત્મા બ્રાહ્મણોનું સમ્માન કરવું જોઈએ. તેમના તપોબળનું જ આ ફળ છે. તમે આકાશમાંથી ભ્રષ્ટ થઈને પાતાળમાં પડ્યા છો ત્યારે અમે એક અનુગ્રહ (કૃપા) કરીશું. જ્યાં સુધી તમે ભૂમિના વિવરમાં રહેશો ત્યાં સુધી મહાત્મા બ્રાહ્મણોની સહાયથી યજ્ઞ સમયે ઉત્તમ રીતે હોમની વસુધારા પામશો, અમારા ધ્યાનથી તમને વસુધારાની પ્રાપ્તિ થશે, તેને કારણે તમને ગ્લાનિ સ્પર્શશે નહીં. ભૂમિ વિવરમાં રહેશો તે દરમિયાન તમને ભૂખતરસ નહીં લાગે. વસુધારાનું પાન કરવાથી તમે તેજપુંજ દ્વારા પરિપૂર્ણ થશો. અમારી પ્રીતિને કારણે તમે બ્રહ્મલોકમાં જશો.’

દેવતાઓ આમ રાજાને વેરદાન આપી પોતપોતાના સ્થાને ગયા. તપોધન ઋષિઓ પણ પોતાના આશ્રમોમાં ગયા. ઉપરિચરે વિષ્વક્સેન ભગવાનની સતત પૂજા કરી અને નારાયણ મુખોચ્ચારિત મંત્રજાપ કરવા લાગ્યા. ભૂમિવિવરમાં નિવાસ છતાં પંચ મહાકાળમાં પંચયજ્ઞ દ્વારા સુરપતિ હરિની પૂજા કરતા હતા. ભગવાન નારાયણ તે અનન્ય ભક્ત, જિતાત્મન રાજાની ભક્તિથી પ્રસન્ન થયા. વરદ ભગવાન વિષ્ણુ તે સમયે નિકટ વસતા, મહાવેગશાળી ગરુડને કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, તું મારી આજ્ઞાથી મારામાં અનુરક્ત ધર્માત્મા સમ્રાટ રાજા વસુ પાસે જા. તેઓ બ્રાહ્મણોના પ્રકોપને કારણે વસુધાતલમાં પ્રવેશ્યા છે. તો પણ બ્રાહ્મણો તેમના વડે સદા સમ્માનિત રહ્યા છે, એટલે તું રાજા પાસે જા. હે ગરુડ, ભૂમિવિવરમાં સુરક્ષિત રહેલા તે અધશ્ચર (પાતાળવાસી)ને મારી આજ્ઞાથી ત્વરાથી ખેચર (આકાશગામી) કરો.’

એટલે મારુતવેગી (પવનવેગી) ગરુડે પાંખો વીંઝીને જ્યાં વસુ વસતા હતા તે સ્થાનમાં પ્રવેશ કર્યો. વિનતાપુત્ર સહસા તેમને ઉપાડીને આકાશમાં ઊડ્યા અને ત્યાં છોડી દીધા. તે જ મુહૂર્તથી તે રાજા ફરી ઉપરિચર બન્યા અને તે નૃપોત્તમ બ્રહ્મલોકમાં ગયા.

(શાંતિપર્વ, ૩૨૪)