ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દક્ષયજ્ઞ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દક્ષયજ્ઞ

ભૂતકાળમાં સુમેરુ પર્વત પર ત્રિલોકપૂજિત, સર્વ રત્નોથી વિભૂષિત અને સવિતૃ મંડલાધિષ્ઠિત જ્યોતિષ્ક નામનું એક શિખર હતું. સર્વ લોકની વચ્ચે આ શિખર અપ્રમેય અને અઘર્ષણીય હતું. દેવાધિદેવ મહાદેવ સુવર્ણભૂષિત પર્યંકની જેમ તે સુવર્ણમય ધાતુથી વિભૂષિત પર્વતશિખરના તટ પર બિરાજતા હતા. શૈલરાજપુત્રી નિત્ય તેમની પડખે રહીને શોભાયમાન હતી, મહાનુભાવ દેવવૃંદ, અત્યંત તેજસ્વી વસુગણ, દેવોના વૈદ્ય બંને અશ્વિનીકુમારો, ગુહ્યકોથી ઘેરાયેલા કૈલાસના યક્ષોના રાજા કુબેર, અંગિરા, અન્ય દેવઋષિઓ, વિશ્વાસુ ગંધર્વ, મહર્ષિ નારદ અને પર્વત તથા અપ્સરાઓના ગણ ત્યાં આરાધના માટે આવતા હતા. તે સમયે વિવિધ સુગંધિત, સુખદ સ્પર્શવાળો, પવિત્ર, કલ્યાણપ્રદ વાયુ વાતો હતો. મોટાં મોટાં વૃક્ષ બધી જ ઋતુઓનાં પુષ્પથી સુશોભિત હતાં. વિદ્યાધર, સિદ્ધ, તપોધનો મહાદેવ, પશુપતિની ઉપાસના કરતા હતા. હે અનેક પ્રકારનાં ભૂતવૃંદ, મહારૌદ્ર રાક્ષસગણ, મહાબળવાન પિશાચ, મહાદેવનાં અનેક રૂપ તથા વિવિધ શસ્ત્રો ધરાવતા પ્રસન્ન ચિત્તવાળા સેવકો અનલ (અગ્નિ) જેવા તેજસ્વી હતા. ભગવાન નંદી પોતાના તેજથી પ્રદીપ્ત અને પ્રજ્વલિત શૂળ લઈને મહાદેવની આજ્ઞાનુસાર ત્યાં ઊભા હતા. સર્વ તીર્થોનાં જળમાંથી ઉદ્ભવેલી, સરિતાઓમાં શ્રેષ્ઠ એવી ગંગા મૂર્તિમાન થઈને તે દેવની ઉપાસના કરી રહી હતી. દેવર્ષિઓ અને અત્યંત મહાભાગ દેવતાઓ દ્વારા પુજાતા મહાદેવ ત્યાં નિવાસ કરતા હતા. થોડા સમય પછી દક્ષ નામના પ્રજાપતિએ પૂર્વોક્ત વિધિવિધાન પ્રમાણે યજ્ઞ કરવાનો સંકલ્પ કરી તેની તૈયારી કરવા માંડી. ઇન્દ્રાદિ દેવતાઓએ પરસ્પર સંમત થઈ તે યજ્ઞમાં જવાની અભિલાષા વ્યક્ત કરી. એવું કહેવાય છે કે મહાદેવની સંમતિથી મહાન દેવતાઓએ અગ્નિ સમાન પ્રજ્વલિત વિમાનો પર બેસીને ગંગાદ્વારમાં ગમન કર્યું હતું. તે સમયે શૈલરાજપુત્રી સાધ્વી દેવતાઓને જતા જોઈને પશુપતિ પતિને કહેવા લાગી, ‘હે તત્ત્વજ્ઞ ભગવન્, આ શક્ર અને બીજા બધા દેવ ક્યાં જાય છે? તે તમે યથાર્થ રીતે કહો. મને બહુ સંશય થાય છે.’

મહાદેવે કહ્યું, ‘મહાભાગ, દક્ષ પ્રજાપતિએ અશ્વમેધ યજ્ઞ માંડ્યો છે, દેવતાઓ તે યજ્ઞમાં જઈ રહ્યા છે.’

ઉમાએ કહ્યું, ‘તમે શા માટે તે યજ્ઞમાં નથી જતા? અને શા કારણે તમારે ત્યાં જવાનું નથી?’

મહાદેવે કહ્યું, ‘ભૂતકાળમાં દેવતાઓએ જ આવો નિશ્ચય કર્યો હતો. તેમણે બધા યજ્ઞોમાં મારો ભાગ રાખ્યો ન હતો. હે સુંદરી, પૂર્વઅનુષ્ઠાન પદ્ધતિના ક્રમથી દેવતાઓ ધર્માનુસાર મને યજ્ઞભાગ આપતા નથી.’

ઉમાએ કહ્યું, ‘હે ભગવન્, તમે બધાં જ પ્રાણીઓમાં ગુણોના સંદર્ભે અત્યંત પ્રભાવશાળી છો, તેજ, યશ અને શ્રી સંપત્તિમાં બધાથી અજય અને ઉત્તમ છો. (અઘૃષ્ય?) હે અનઘ મહાભાગ, યજ્ઞભાગથી તમને વંચિત કર્યા એટલે મને બહુ દુઃખ થાય છે, અપમાનથી મારું શરીર કાંપે છે.’

દેવીએ પોતાના પતિને આમ કહ્યું અને શોકથી દાઝેલા અંત:કરણથી મૌન ધારણ કર્યું. ત્યાર પછી દેવીના હૃદયને પીડતા ભાવને જાણીને નન્દીને કહ્યું, ‘તું અહીં જ ઊભો રહે.’ સર્વ યોગેશ્વરોના યોગેશ્વર મહાતેજસ્વી પિનાકપાણિ મહાદેવે યોગબળથી મહાભયંકર અનુચરોની સહાયથી તે યજ્ઞનો વિધ્વંસ કર્યો. ભૂતોની વચ્ચે કોઈ કોઈએ અત્યંત દારુણ અવાજ કર્યો, કોઈ વિકટ રૂપે હસવા લાગ્યા, કોઈએ યજ્ઞસ્થળમાં રુધિર રેલાવી હવ્યવાહનને છલકાવી દીધું. કોઈ કોઈ વિકૃત મુખવાળા ગણોએ યજ્ઞના સ્તંભ ઉખાડીને ઘૂમવા લાગ્યા, કેટલાકે મોઢા વડે પરિચારકોને ગળી ગયા. તે યજ્ઞપુરુષ બધી રીતે વીંધાઈ જાત એટલે હરણનું રૂપ લઈને આકાશમાં ગયો. તે યજ્ઞપુરુષને મૃગરૂપે જતો જોઈ ભગવાને ધનુષબાણ લઈ તેનો પીછો કર્યો. ત્યારે ક્રોધને કારણે અત્યંત તેજસ્વી મહાદેવના કપાળે પ્રસ્વદેબિંદુ પ્રગટ્યાં. એ ટીપાં પૃથ્વી પર પડતાંવેંત કાલાનલ જેવો અત્યંત મહાન અગ્નિ પ્રગટ્યો. તે અગ્નિમાંથી એક ભયંકર પુરુષ પ્રગટ્યો. તે અત્યંત હ્રસ્વ શરીરવાળો હતો, તેના બંને નેત્ર રાતાં હતાં, મૂછો પીળી હતી. વાળ વધેલા હતા, બાજ અને ઘુવડની જેમ તેનું શરીર રોમવાળું હતું. તે લાલ વસ્ત્રવાળો, કાળા વર્ણનો કરાલ પુરુષ હતો. જેવી રીતે અગ્નિ તણખલાના ઢગલાને બાળી નાખે તેવી રીતે તે મહાસત્ત્વશાળીએ યજ્ઞને સળગાવી દીધો. બધા દેવતાઓ તેનાથી ભય પામીને દશે દિશાઓમાં ભાગી ગયા. તે સમયે એ પુરુષના ભ્રમણથી પૃથ્વી કાંપવા લાગી અને ખૂબ જ વિચલિત થઈ. લોકોને ભયભીત કરનારો હાહાકાર શબ્દ ચારે બાજુથી સંભળાયો, તે જોઈને પિતામહ મહાદેવની પાસે આવીને કહેવા લાગ્યા, ‘હે દેવેશ્વર પ્રભુ, બધા સુરલોકો તમને યજ્ઞભાગ આપશે, એટલે તમારો ક્રોધ ત્યજો. હે પરંતપ, આ બધા દેવતા અને ઋષિઓ તમારા ક્રોધથી શાંતિ મેળવી શકવાના નથી. હે ધર્મજ્ઞ, જે પુરુષ તમારા પ્રસ્વેદમાંથી પ્રગટ્યો છે તે લોક મધ્યે જ્વર નામે વિખ્યાત થઈ વિહરશે. હે પ્રભુ, તમારા એક જ ભૂત સ્વરૂપના તેજને ધારણ કરવામાં સમસ્ત પૃથ્વી પણ સમર્થ નથી. એટલે તેને વિભક્ત કરો. મહાદેવે પ્રજાપતિનું વચન સાંભળ્યું, પોતાને હવે યજ્ઞભાગ મળશે તે જાણ્યું, એટલે અમિત પૂર્ણ તેજસ્વી બ્રહ્માને શિવે કહ્યું, ‘ભલે.’ ત્યારે પિનાકપાણિ શંકર પ્રજાપતિ બ્રહ્માએ આપેલ ઉચિત યજ્ઞભાગને પામી પરમ પ્રીતિથી ઉત્સાહિત થયા. સર્વ ધર્મજ્ઞ શિવે બધાં પ્રાણીઓની શાંતિ માટે જ્વરને અનેક પ્રકારે વિભક્ત કર્યો, બધા જીવોમાં જુદી જુદી રીતે આ જ્વરને સ્થાપ્યો. હાથીઓમાં મસ્તકતાપ,પર્વતોમાં શિલાજિત, જળમાં શેવાળ, સાપોમાં કાંચળી, ગાયબળદની ખરીઓમાં ખારેક, પૃથ્વીમાં ક્ષાર, પશુઓમાં દૃષ્ટિની ઝાંખપ, ઘોડાઓના ગળામાં માંસખંડ, મોરમાં શિખાભેદ, કોકિલમાં નેત્રરોગ — આ બધા વિવિધ જ્વર એવું સાંભળ્યું છે કે ઘેટાંઓમાં પિત્તભેદ, પોપટોમાં હિક્કિડા જ્વર છે. શાર્દૂલો (વાઘ)માં શ્રમજ્વર છે, મનુષ્યોમાં તો જ્વર નામથી જ જાણીતો છે. આ જ્વર મનુષ્યોના જન્મ, મરણ અને જન્મ-મરણની વચ્ચે હમેશાં પ્રવેશે છે. ભગવાન મહાદેવનો આ તેજજ્વર અત્યંત દારુણ છે, આ જ્વર સર્વનિયંતા, સર્વ પ્રાણીઓ તેને નમે છે, માન આપે છે.

(શાંતિપર્વ, ૨૭૪)