ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દક્ષયજ્ઞની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દક્ષયજ્ઞની કથા

હિમાલયની પાસે ગંગાદ્વાર છે, ત્યાં ઋષિઓ અને સિદ્ધ પુરુષોનો વાસ છે, પ્રજાપતિ દક્ષે ત્યાં પોતાના યજ્ઞનું આયોજન કર્યું હતું. આ સ્થળ ગંધર્વો અને યક્ષોથી ભરેલું હતું. વિવિધ વૃક્ષ, લતા ચારે બાજુ હતાં, ધર્માત્માઓમાં શ્રેષ્ઠ દક્ષ ઋષિઓથી ઘેરાયેલા હતા. પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગલોકના નિવાસીઓ પણ ત્યાં હતા, બધા જ પ્રજાપતિને હાથ જોડીને સેવા કરવા ઊભા હતા. દેવદાનવ, ગંધર્વ, પિશાચ, નાગ, રાક્ષસ, હાહા-હુહુ ગંધર્વો, તુંબુરુ, નારદ, વિશ્વાવસુ, વિશ્વસેન, તથા અન્ય ગંધર્વો — અપ્સરાઓ હતાં. આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, મરુત્ગણ — આ બધા જ ઇન્દ્રની સાથે યજ્ઞમાં ભાગ લેવા પધાર્યા હતા. ઉષ્મપા (સૂર્યકિરણોનું પાન કરનારા), સોમપા (સોમરસ પીનારા) ધૂમપા (યજ્ઞમાં ધૂમ પીનારા) અને આજ્યપા (ઘી પીનારા) પિતૃઓ અને ઋષિઓ પણ બ્રહ્માની સાથે પધાર્યા હતા. આ ઉપરાંત ચાર પ્રકારનાં પ્રાણીઓ — જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ ત્યાં હતા. નિમંત્રિત બધા દેવતાઓ પત્નીઓ સાથે વિમાનમાં બેસીને આવ્યા ત્યારે પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. તે બધા દેવતાઓને ત્યાં જોઈને દધીચિ ઋષિ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘જ્યાં રુદ્ર નથી તે ન યજ્ઞ છે, ન ધર્મ છે. આનું આયોજન કરનારાઓના વધ થશે, તેઓ બંધનમાં પડશે. અહો કાળનો કેવો વિપર્યય છે! આ યજ્ઞમાં અત્યંત ઘોર વિનાશ થશે, પરંતુ મોહવશ થઈને કોઈને દેખાતું નથી, સમજાતું નથી.’ આમ કહીને મહાયોગીએ સમાધિ લગાવીને જોયું તો તેમને મહાદેવ અને વરદા પાર્વતીનાં દર્શન થયાં. તેમની પાસે નારદ મહાત્મા પણ દેખાયા, તે જોઈને તેમને બહુ સંતોષ થયો. તેમને પ્રતીતિ થઈ કે આ દેવતાઓ એકમતિ છે એટલે જ શંકરને નિમંત્રિત કર્યા નથી. આનો ખ્યાલ આવ્યો એટલે ઋષિ ત્યાંથી દૂર ગયા અને ત્યાંં રહીને બોલ્યા, ‘અપૂજ્યની પૂજા કરવાથી અને પૂજ્યની પૂજા ન કરવાથી મનુષ્યહત્યા જેટલું પાપ લાગે છે. હું કદી અસત્ય બોલ્યો નથી અને બોલવાનો નથી. દેવતાઓ અને ઋષિઓની વચ્ચે સત્ય બોલું છું. ભગવાન શંકર જગતના ષ્ટા છે, બધા જીવોના રક્ષક છે, તમે જોજો — આ યજ્ઞમાં અગ્ર ભોક્તા તરીકે તેઓ આવશે.’

દક્ષે કહ્યું, ‘હાથમાં શૂળ અને માથે જટા રાખનારા ઘણા રુદ્ર અમારે ત્યાં છે. તેઓ અગિયાર સ્થળે રહે છે. તેમના સિવાય કોઈ મહેશ્વરને હું ઓળખતો નથી.’

દધીચિએ કહ્યું, ‘તમે બધાએ ભેગા મળીને આવો નિર્ણય કર્યો છે એટલે મહાદેવને નિમંત્રણ નથી. પણ હું શંકરથી શ્રેષ્ઠ કોઈ દેવને જોતો નથી. જો આ સત્ય હોય તો દક્ષનો આ વિપુલ યજ્ઞ નાશ પામશે.’

દક્ષે કહ્યું, ‘મહર્ષિ, જુઓ આ સુવર્ણપાત્રમાં મંત્રોથી પવિત્ર કરેલી બધી હવિ છે. આ યજ્ઞેશ્વર વિષ્ણુને સમર્પિત છે. તેમના જેવું કોઈ નથી. હું હવિ તેમને અર્પણ કરીશ. તેઓ જ હવિ અર્પિત કરવા માટેના સુપાત્ર છે.’

બીજી બાજુ પાર્વતીએ કહ્યું, ‘હું કયું વ્રત કરું, શાનું દાન કરું, કયું તપ કરું કે જેના પ્રભાવે મારા પતિને યજ્ઞનો અડધો કે ત્રીજો ભાગ મળે.’ ક્ષોભથી બોલતી પત્નીને સાંભળી શંકર હર્ષ પામ્યા અને બોલ્યા, ‘હે કૃશોદરી, તું મને જાણતી નથી... હું બધા યજ્ઞોનો ઈશ્વર છું. મારા સંદર્ભે કેવાં વચન બોલાવાં જોઈએ તે તું નથી જાણતી. હે વિશાલનેત્રા, જેમનું ચિત્ત એકાગ્ર નથી, તે ધ્યાનહીન અસાધુ લોકો મારા સ્વરૂપને જાણતા નથી. આ મોહને કારણે ઇન્દ્ર આદિ દેવતાઓ સમેત ત્રણે લોક મૂઢ થઈ ગયા છે. યજ્ઞમાં પ્રસ્તોતા મારી સ્તુતિ કરે છે. સામગાન કરનારા બ્રાહ્મણો રથન્તર સામના રૂપમાં મારો મહિમા ગાય છે: વેદજ્ઞ વિપ્રો મારું યજન કરે છે, ઋત્વિજો યજ્ઞભાગ મને અર્પણ કરે છે.’

દેવીએ કહ્યું, ‘પ્રાકૃત પુરુષ પણ સ્ત્રીઓની મંડળીમાં પોતાની પ્રશંસા કરે છે, પોતાની શ્રેષ્ઠતાનું ગીત ગાય છે, આમાં જરાય સંશય નથી.’

શંકરે કહ્યું, ‘દેવી, તનુમધ્યમા, વરારોહા, વરવર્ણિની, હું આત્મપ્રશંસા નથી કરતો, મારો પ્રભાવ જો. યજ્ઞ નિમિત્તે હું એક સૃષ્ટિ સર્જું છું તે જો.’

પ્રાણથીય પ્રિય એવી પત્ની ઉમાને આમ કહીને ભગવાન મહેશ્વરે પોતાના મોંમાંથી એક અદ્ભુત પ્રાણી પ્રગટાવ્યું, તે તેમનો હર્ષ વધારનાર હતું. તેમણે તેને આજ્ઞા કરી, ‘જા, દક્ષયજ્ઞનો વિનાશ કર.’ પછી તો ભગવાનના મોઢામાંથી નીકળેલા સિંહ જેવા પરાક્રમીએ પાર્વતીના દુઃખ અને ક્રોધના નિવારણ માટે રમતાં રમતાં દક્ષયજ્ઞનો વિનાશ કર્યો.

ભવાનીના ક્રોધમાંથી પ્રગટેલી મહાકાલી મહાકાય મહેશ્વરી પણ પોતાનું પરાક્રમ દેખાડવા તેની સાથે નીકળી પડી. મહાદેવની અનુમતિ જાણીને તેણે મસ્તક નમાવી પ્રણામ કર્યાં. તે વીરભદ્ર શૌર્ય, બળ અને રૂપમાં સંપન્ન હતો. ભગવાનનો તે વીર બધું કરવામાં સમર્થ હતો, તેનો ક્રોધ જ મૂર્તિમાન થઈને તે વીરના રૂપે પ્રગટ થયો હતો. તેનાં બળ, વીર્ય, શક્તિ અને પુરુષાર્થનો ક્યાંય અંત નહોતો. પાર્વતીના ક્રોધ અને દુઃખનું નિવારણ કરવાવાળો તે વીરભદ્ર નામે વિખ્યાત થયો. તેણે પોતાના રોમમાંથી રૌમ્ય નામના ગણેશ્વરો પ્રકટ કર્યા. તેઓ રુદ્રના જેવા હતા એટલે બધાનાં બળ-પરાક્રમ રુદ્ર જેવા જ હતાં. તે ભયાનક રૂપધારી, વિશાલકાય રુદ્રગણે સેંકડો અને હજારોની ટોળીઓ બનાવીને પોતાની કિકિયારીઓથી આકાશને ગજવ્યું અને દક્ષયજ્ઞનો નાશ કરવા ટૂટી પડ્યા. તે ભયાનક ધ્વનિઓથી ત્યાં આવેલા દેવતાઓ ત્રસ્ત થઈ ઊઠ્યા. પર્વતો ભાંગી ગયા, વસુંધરા કાંપવા લાગી, પવન વાવા લાગ્યો, સમુદ્ર ખળભળી ઊઠ્યો. તે સમયે અગ્નિ પ્રદીપ્ત થયો નહીં, સૂર્યપ્રકાશ ઝાંખો થઈ ગયો, ગ્રહ, નક્ષત્રો, ચન્દ્ર પ્રકાશતા બંધ થયા. દેવતા, ઋષિ, મનુષ્યો સંતાઈ ગયા, દક્ષથી અપમાનિત થયેલ રુદ્રગણે યજ્ઞશાળામાં આગ લગાડી. બીજા ઘોર ભૂત યજ્ઞના લોકોને મારવા લાગ્યા. કેટલાકે યૂપ ઉખાડ્યા, યજ્ઞસામગ્રીને બીજા રુદ્રોએ કચડી નાખી.

વાયુ અને મન જેવા વેગીલા પાર્ષદો આમતેમ દોડતા હતા, યજ્ઞને ઉપયોગી પાત્રો અને દિવ્ય આભરણોને ચૂરચૂર કરી નાખ્યા. વિખરાઈને નીચે પડતા ટુકડા આકાશમાંથી ખરતા તારા જેવા દેખાતા હતા. તે યજ્ઞભૂમિમાં જ્યાં ત્યાં દિવ્ય અન્ન, પાન અને ભોજન પદાર્થોના ઢગલા પર્વતો જેવા દેખાતા હતા. દૂધની નદીઓ વહેતી હતી, ઘી અને પાયસનો કીચડ થઈ ગયો હતો, દહીં અને મઠા પાણીની જેમ વહેતા હતા, ખાંડ-સાકર રેતીની જેમ વેરાયેલા હતા. ખટરસ વહેતા હતા, ગોળના સુંદર રેલા દેખાતા હતા, વિવિધ પ્રકારના ભક્ષ્ય હતાં, દિવ્ય પેય, લેહ્ય, ચોષ્ય એમ જે જે ભોજન મળ્યાં તે બધા રુદ્રગણો પોતાના વિચિત્ર મોં વડે ખાતા હતા, ચારે બાજુ ફંગોળતા હતા.

આ મહાકાય ભૂત રુદ્રના ક્રોધથી કાલાગ્નિ જેવા થઈને દેવતાઓની સેનાને ચારે બાજુથી ડરાવતા હતા અને ક્ષુબ્ધ કરતા હતા. અનેક પ્રકારની આકૃતિઓવાળા આ રુદ્રો રમતા હતા, સુર સ્ત્રીઓને ફંગોળતા હતા. બધા દેવતાઓએ પ્રયત્નપૂર્વક યજ્ઞની રક્ષા કરી તો પણ રુદ્રકર્માએ ચારે બાજુથી યજ્ઞને ભસ્મ કરી દીધો. ત્યાર પછી તેમણે ભૈરવનાદ કર્યો, તે બધાં પ્રાણીઓને માટે ભયંકર હતો. ત્યાર પછી તેમણે યજ્ઞપુરુષનું મસ્તક છેદી નાખ્યું અને સિંહનાદ કર્યો, મનોમન આનંદ કર્યો. ત્યારે બ્રહ્મા વગેરે દેવતાઓ અને દક્ષ પ્રજાપતિ — બધાએ હાથ જોડીને પૂછ્યું, ‘દેવ, તમે કોણ છો?’

‘બ્રહ્મન્, હું નથી રુદ્ર, નથી કોઈ દેવી, ન તો હું અહીં ભોજન કરવા આવ્યો છું. યજ્ઞ દેવીના ક્રોધનું કારણ બની ગયો છે, સર્વાત્મક પ્રભુ કોપાયમાન થયા છે. હું અહીં આવેલા બ્રાહ્મણોનું દર્શન કરવા કે કુતૂહલવશ થઈને આ યજ્ઞ જોવા પણ નથી આવ્યો, હું આ યજ્ઞનો વિધ્વંસ કરવા આવ્યો છું તે તમારે જાણવું જોઈએ. મારું નામ વીરભદ્ર છે, રુદ્રદેવના ક્રોધમાંથી હું જન્મ્યો છું, આ દેવી ભદ્રકાળી નામે વિખ્યાત છે, તે દેવીના ક્રોધમાંથી જન્મી છે. દેવદેવીએ અમને મોકલ્યા છે, એટલે અમે આ યજ્ઞભૂમિ પર આવ્યા છીએ. હે વિપે્રન્દ્ર, તમે ઉમાપતિ શંકર પાસે જાઓ, ભગવાનનો ક્રોધ પણ મંગલ છે, બીજાઓની પાસેથી મળેલું વરદાન પણ મંગલમય નથી હોતું.’ વીરભદ્રની વાત સાંભળીને ધર્મવેત્તાઓમાં શ્રેષ્ઠ દક્ષે ભગવાનને તુષ્ટ કરવા શિવસ્તુતિ કરવા માંડી, ‘જે સંપૂર્ણ જગતના શાસક, પાલક, મહાન આત્મા, શાશ્વત, સનાતન, અવ્યય (અવિકારી) છે, હું તેમની શરણાગતિ લઉં છું.’

ત્યારે અનેક નેત્રોવાળા, શત્રુજિત મહાદેવ પોતાના મોઢા દ્વારા પ્રાણ અને અપાન વાયુને અવરુદ્ધ કરીને બધી દિશાઓમાં દૃષ્ટિપાત કરતા સહસા અગ્નિકુંડમાંથી પ્રગટ્યા. પ્રલયકાળના અગ્નિ જેવા, હજારો સૂર્યની કાંતિ ધરાવતા શિવ દક્ષની સામે ઊભા અને સ્મિતપૂર્વક બોલ્યા, ‘બોલો, તમારું કયું કાર્ય કરું?’

ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ મહાદેવને વેદોનો મહાધ્યાય સંભળાવ્યો, ત્યાર પછી પ્રજાપતિ અશ્રુપૂર્ણ નેત્રે ભય અને શંકા ધારણ કરી બોલ્યા, ‘ભગવન્, જો તમે પ્રસન્ન થયા હો, તમારો પ્રિય હોઉં, તમારા અનુગ્રહને પાત્ર હોઉં કે તમે મને વરદાન આપવા માગતા હો તો આ યજ્ઞસામગ્રી દીર્ઘકાળથી એકઠી કરી રાખી હતી, એમાંથી જે આગમાં સળગાવી દીધી છે, ખવાઈ ગઈ છે, નષ્ટ કરી નખાઈ છે કે ચૂરચૂર કરીને ફંગોળી દીધી છે તે બધી વ્યર્થ ન જાય.’

ત્યારે ધર્માધ્યક્ષ, પ્રજાપાલક, વિરૂપાક્ષ, ત્રિનેત્રધારી, ભગનેત્રહારી દેવેશ્વરે ‘તથાસ્તુ’ કહ્યું, મહાદેવ પાસેથી વરદાન મેળવીને દક્ષે ધરતી પર પગ ટેકવીને પ્રણામ કર્યા અને એક હજાર આઠ નામ દ્વારા ભગવાનનું સ્તવન કર્યું.

(હવે શંકરના ૧૦૦૮ નામોનું સ્તવન)

મહાદેવની સ્તુતિ કરીને પ્રજાપતિ ચૂપ થઈ ગયા. ભગવાન પણ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, ‘હે સુવ્રતધારી દક્ષ, તમારી સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું. વધુ તો શું કહું? તમે મારી નિકટ રહેશો. મારી કૃપાથી તમને એક હજાર અશ્વમેધ તથા સો બાજપેય યજ્ઞનું ફળ મળશે.’ ત્યાર પછી વાક્યવિશારદ, લોકનાથ શંકરે પ્રજાપતિને આશ્વાસન આપતી ઉત્તમ વાત કહી, ‘દક્ષ, આ યજ્ઞમાં ઊભા થયેલા વિઘ્ન માટે દુઃખી ન થતા. ભૂતકાળમાં પણ તમારા યજ્ઞનો ધ્વંસ કર્યો હતો. આ ઘટના પણ પૂર્વકલ્પ અનુસારની છે. હું તમને વરદાન આપું છું, તે સ્વીકારો. પ્રસન્નવદન અને એકાગ્ર ચિત્તે મારી વાત સાંભળો.’

(એમ કહી શંકર પાશુમત વ્રતનો મહિમા સમજાવે છે)

(ગીતાપ્રેસ, શાંતિપર્વ, ૨૮૪)(આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)