ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/ઇલ રાજાની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇલ રાજાની કથા

(રામલક્ષ્મણ વાતો કરી રહ્યા છે ત્યારે રામ લક્ષ્મણને ઈલ રાજાની કથા કહે છે.)

એવું સાંભળ્યું છે કે કંદર્પ નામના પ્રજાપતિને ઇલ નામનો પુત્ર હતો. બાહ્લિક દેશનો તે રાજા હતો. અને સમગ્ર પૃથ્વી તેણે પોતાના અંકુશમાં આણી હતી. પ્રજાને સંતાન માનીને તેનું પાલન કરતો હતો. દેવતાઓ, અસુરો, નાગ, રાક્ષસો, ગંધર્વ, યક્ષ — બધા તેની પૂજા કરતા હતા. તેના ક્રોધથી ત્રણે લોક ધૂ્રજી ઊઠતા હતા. તે ઘણો ધર્મનિષ્ઠ અને પરાક્રમી હતો.

તે રાજા એક વખત મૃગયા માટે નોકરચાકર, વાહનો લઈને નીકળી પડ્યો. ઘણા બધા મૃગોને મારવા છતાં તે ધરાયો નહીં. શંકર ભગવાન ને કાર્તિક સ્વામીના જન્મસ્થાને તે પહોંચી ગયો. ત્યાં શંકર ભગવાન પાર્વતી અને બીજા અનુચરો સાથે વિહાર કરતા હતા. શંકર ભગવાન સ્ત્રીરૂપે વિહરતા હતા. તે વનમાં બધાં જ પ્રાણીઓ નારી રૂપે હતાં. તે જ વખતે કંદર્પ પુત્ર ઇલ મૃગયા રમીને ત્યાં જઈ ચઢ્યો. તેણે બધાં જ પ્રાણીઓને સ્ત્રીરૂપે જોયાં, પોતાને પણ સ્ત્રીમાં ફેરવાયેલી જોઈ. આ જોઈને તેને બહુ લાગી આવ્યું. આ ઉમાપતિની લીલા છે એ જાણી તે લાચાર થઈ ગયો. એટલે તે રાજા બધાને લઈને મહાદેવ પાસે ગયો. મહાદેવ સાથે પાર્વતી પણ હતાં. દેવે હસીને કહ્યું, ‘ઊઠો, રાજષિર્, પુરુષત્વ સિવાયનું વરદાન માગો.’ ભગવાને ના પાડી એટલે રાજા વધુ દુઃખી થયો, બીજું કોઈ વરદાન રાજાએ માગ્યું નહીં. પછી રાજાએ દુઃખી થઈને પાર્વતીને સાચા અંત:કરણથી પ્રાર્થના કરી. ‘હે વરદાયિની દેવી, તમે બધાને વરદાન આપો છો, તમારું દર્શન તો અમોઘ છે. તો અમારા પર કૃપા કરો.’

ભગવાનની સંમતિથી દેવીએ કહ્યું, ‘અડધું વરદાન ભગવાન આપે, અડધું હું આપું. એટલે પુરુષત્વ-સ્ત્રીત્વનું અડધું વરદાન માગ.’

દેવીની આ વાણી સાંભળીને રાજા આનંદ પામ્યા, ‘અનુપમ રૂપ ધરાવતાં હે દેવી, જો તમે પ્રસન્ન થયા હો તો હું એક મહિનો સ્ત્રી અને એક મહિનો પુુરુષ રહું એવું વરદાન આપો.’

રાજાની આવી ઇચ્છા જાણીને સુંદર મોંવાળાં દેવીએ હા પાડી. ‘જ્યારે તું સ્ત્રી હોઈશ ત્યારે પુરુષત્વ યાદ નહીં આવે અને પુરૂષ હોઈશ ત્યારે સ્ત્રીત્વ યાદ નહીં આવે.’ આમ રાજા એક મહિનો પુરુષ અને એક મહિનો ઇલા રૂપે રહેવા લાગ્યો.

તે ઇલ રાજા પહેલા મહિને સુંદર સ્ત્રી થઈને વનમાં વિહરવા લાગ્યો. કમળપત્ર જેવી તેની આંખો હતી. તે પગે ચાલીને લતા, પાદપ અને વૃક્ષોથી છવાયેલા વનમાં ફરતી હતી. વાહનો ત્યજીને તે પર્વત પાસે ફરતી હતી. ત્યાં વિવિધ પ્રકારનાં પક્ષીઓવાળું એક મનોહર સરોવર હતું. તે વખતે ઇલાએ સોમ એટલે કે ચન્દ્રના પુત્ર બુધને જોયો. તે પાણીમાં ઊભા રહીને તપ કરતા હતા. ઇલાએ સરોવરને ખળભળાવી મૂકયું. બુધની આંખે ઇલા પડી, તે એને જોઈને કામવશ થઈ ગયો. ઇલાને જોઈ, તેમને થયું, ‘ત્રિલોકમાં, દેવલોકમાં આનાથી વધુ રૂપવાન કઈ હશે? દેવીઓમાં, નાગકન્યાઓમાં, અસુર સ્ત્રીઓમાં કે અપ્સરાઓમાં આનાથી વધુ સુંદર સ્ત્રી મેં જોઈ નથી. જો કોઈનું લગ્ન તેની સાથે થયું ન હોય તો હું એની સાથે લગ્ન કરી શકું.’

એમ વિચારી બુધ પાણીમાંથી બહાર આવ્યા. આશ્રમમાં જઈને બધી સ્ત્રીઓને બોલાવી, પછી બુધે તેમને પૂછ્યું, ‘આ લોકસુંદરી કોણ છે? તે શા માટે અહીં આવી છે? મને વિના વિલંબે કહો.’

આ સાંભળી તે સ્ત્રીઓએ કહ્યું, ‘તે અમારી ઉપરી છે. હજુ લગ્ન નથી થયું. અમારી સાથે આ વનમાં વિહરે છે.’

પછી રાજાએ આવર્તની વિદ્યા વડે ઇલ રાજાની બધી હકીકત જાણી. બધી સ્ત્રીઓને કહ્યું, ‘તમે અહીં પર્વત પાસે ઊભા રહો. તમે ફળફૂલમૂળ ખાઈને નિર્વાહ કરો.’ બુધે પોતાના તપોબળથી બધાને કિન્નર બનાવી દીધા.

ત્યાર પછી બુધે ઇલાને કહ્યું, ‘હું સોમનો પુત્ર છું. તું સ્નેહાળ આંખો વડે મારી સેવા કર.’

આ સાંભળી નિર્જન અરણ્યમાં રહેતી ઈલા બોલી, ‘હું સ્વતંત્ર છું, તમારે આધીન થઉં છું. મને આજ્ઞા કરો. ઇચ્છા થાય તે કરો.’

ઇલાની વાત સાંભળીને આનંદિત થયેલો અને તે ઇલા સાથે રમણ કરવા લાગ્યો. ચૈત્ર મહિનો તો ક્ષણવારમાં વીતી ગયો. એક મહિનો પૂરો થયો એટલે ઇલ પુરુષ બનીને જાગ્યો. તેણે હાથ ઊંચા કરીને સરોવરમાં તપ કરતા ચન્દ્રને જોયા, ‘ભગવન્, હું મારા અનુચરો સાથે આ વનમાં પ્રવેશ્યો હતો. મારી સેના પણ દેખાતી નથી. તે ક્યાં ગઈ?’

પોતાની સ્ત્રીઅવસ્થા ભૂલી ગયેલાને બુધે શાંત પાડ્યા, ‘પવનના તોફાનને કારણે તારા સેવકો નાશ પામ્યા. વંટોળ અને વર્ષાથી ડરીને તું આશ્રમની અંદર સૂઈ રહ્યો હતો. હવે તું નિર્ભય બનીને આ ફળમૂળ ખા.’

બુધનાં વચન સાંભળીને ધીમાન રાજાએ કહ્યું, ‘સેવકોનો ભલે વિનાશ થયો હોય પણ હું મારા રાજ્યમાં પાછો જઈશ. હું નહીં જઉં તો શશબિન્દુ મારું રાજ્ય છિનવી લેશે. હું નોકરચાકર, સ્ત્રીઓને ત્યજી નહીં શકું. એટલે હવે મને જવા દો.’

આ સાંભળી બુધ બોલ્યા, ‘અહીં તમારે રહેવું જોઈએ. તમે સંતાપ ન કરો, એક વરસ અહીં વીતાવો. તમારું હિત કરી શકીશ.’

તેમની વાત સાંભળીને ઇલ રાજાએ ત્યાં જ રહેવાનો નિર્ધાર કર્યો. સ્ત્રી થતા ત્યારે બુધ સાથે ક્રીડા કરતા અને પુરુષ થતા ત્યારે ચર્ચા કરતા. આમ નવ માસે ઇલાએ ચંદ્ર દ્વારા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડ્યું પુરૂરવા. ઇલાએ પુત્રને પિતાના ખોળામાં મૂક્યો. બુધ પણ ક્રીડા અને ધર્મચર્ચા દ્વારા આનંદ પામતા હતા...

હવે એક વેળા ઇલ રાજા પુરુષ રૂપે હતા ત્યારે બુધ દેવે ચ્યવન, અરિષ્ટનેમિ, પ્રમોદન, મોદક તથા દુર્વાસા મુનિને આશ્રમમાં નિમંત્ર્યા. બધાનો સત્કાર કર્યા પછી બધાને તેમણે કહ્યું, ‘આ ઇલ કર્દમ પ્રજાપતિનો પુત્ર છે. તમે તેમની બધી વાત જાણો છો. તેનું યોગ્ય કલ્યાણ થાય એવો રસ્તો વિચારો.’

આ વાત ચાલતી હતી અને ઓમકાર પણ આવ્યા હતા. બધાએ એકબીજા સાથે ચર્ચા કરીને જુદા જુદા રસ્તા વિચાર્યા. પોતાના પુત્રના કલ્યાણનો વિચાર કરીને કર્દમે કહ્યું, ‘અરે બ્રાહ્મણો, આ રાજાનું કલ્યાણ થાય એ માટે મારી વાત સાંભળો. એ માટેનો ઉપાય શંકર ભગવાન જ બતાવી શકે. તે દેવને અશ્વમેધ યજ્ઞ બહુ પ્રિય છે. એટલે આપણે અશ્વમેધ યજ્ઞ કરીએ.’

કર્દમ પ્રજાપતિની વાતને બધાએ સ્વીકારી અને રુદ્રની પૂજા માટે યજ્ઞ આદર્યો. એવામાં સંવર્ત ઋષિના શિષ્ય વિખ્યાત મરુત રાજા પણ આવી ચઢયા. તેમણે યજ્ઞસામગ્રી એકઠી કરી, બુધના આશ્રમ પાસે જ યજ્ઞ આરંભાયો. રુદ્ર પરમ સંતોષ પામ્યા અને બોલ્યા, ‘આ યજ્ઞથી હું આનંદ પામું છું, તમારું શું પ્રિય કરું?’ ત્યારે બધા દ્વિજોએ ભગવાનને કહ્યું, ‘આ રાજાનું કલ્યાણ કરો.’ પ્રસન્ન થયેલા રુદ્રે ઇલાને પુરુષત્વ આપ્યું અને તે અંતર્ધાન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બધા મુનિઓએ વિદાય લીધી. ઇલ રાજા ત્યાંથી મધ્યદેશમાં ગયા, ત્યાં પ્રતિષ્ઠાનપુર વસાવી તે રાજ્ય કરવા લાગ્યા. શશબિન્દુને બાહલિક રાજ્ય સોંપ્યું. અશ્વમેધ યજ્ઞનો આવો પ્રભાવ, સ્ત્રીત્વને બદલે ઇલને પુરુષત્વની પ્રાપ્તિ થઈ, બીજું દુર્લભ પણ પ્રાપ્ત થાય.

(ઉત્તર કાંડ, ૭૮થી ૮૧) — સમીક્ષિત વાચના