ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/લોહજંઘની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લોહજંઘની કથા

આ દેશમાં કંસના શત્રુ શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા નામની નગરીમાં રૂપણિકા નામની વારવનિતા (વારાંગના) રહેતી હતી. તેની માતા મકરદંષ્ટ્રા નામે વૃદ્ધા કુટ્ટની હતી. તે રૂપણિકાના રૂપ અને ગુણો પર આકર્ષાયેલા કામુકોની આંખો માટે વિષ સમાન હતી. એક વેળા મંદિરમાં કોઈ દેવની પૂજા માટે રૂપણિકા ગઈ અને ત્યાં દૂરથી એક યુવાનને જોયો. જોતાવેંત તેના હૃદયમાં તે વસી ગયો. તેની માતાએ આપેલા ઉપદેશો અદૃશ્ય થઈ ગયા. મોહવશ થયેલી રૂપણિકાએ પોતાની દાસીને કહ્યું, ‘તું પેલા પુરુષને કહી આવ કે આજે તમે ઘેર આવો.‘ દાસીએ તેનો આ સંદેશ પેલા યુવાનને કહ્યો. તે સાંભળીને તેણે થોડો વિચાર કરીને કહ્યું, ‘હું લોહજંઘ નામનો બ્રાહ્મણ છું. મારી પાસે ધન નથી. એટલે ધનવાનોને જવા યોગ્ય રૂપણિકાને ઘેર મારી પાત્રતા શી?’

દાસીએ કહ્યું, ‘મારી સ્વામિનીને ધન જોઈતું નથી.’ દાસીની આવી વાત સાંભળીને લોહજંઘે તેને ઘેર જવાની હા પાડી. દાસીએ આ સમાચાર સંભળાવ્યા એટલે ઉત્સુકતાથી ઘેર આવીને તેની રાહ જોતી બેઠી. થોડા સમય પછી લોહજંઘ તેને ઘેર ગયો અને કુટ્ટની મકરદ્રટાને આશ્ચર્ય થયું કે આ દરિદ્ર ક્યાંથી આવી ચઢ્યો, કુટ્ટનીની એ વાત કોઈએ ગણકારી નહીં. રૂપણિકા તેને આવેલો જોઈ આનંદ પામી અને ઊભી થઈ, તેનું સ્વાગત કરી પોતાના વિલાસગૃહમાં લઈ ગઈ. લોહજંઘના સહવાસમાં તેને પોતાનો જન્મ સાર્થક થયો હોય તેટલો આનંદ થયો.

ત્યાર પછી બીજા પુરુષોનો સહવાસ ત્યજી દઈને તે માત્ર લોહજંઘ સાથે જ પ્રેમમાં ડૂબી ગઈ, તે બ્રાહ્મણ પણ તેના ઘરમાં આનંદપૂર્વક રહેવા લાગ્યો. કન્યાના આવા રંગ જોઈ આખા નગરની બધી જ વારાંગનાઓની શિક્ષિકા મકરદંષ્ટ્રાએ અત્યંત દુઃખી થઈને એક વાર એકાંતમાં રૂપણિકાને કહ્યું, ‘પુત્રી, તું આ નિર્ધનને કેમ ચાહે છે? સારા માણસો શબને અડકે પણ વેશ્યા નિર્ધનને ન સ્પર્શે. ક્યાં સાચો પ્રેમ અને ક્યાં વેશ્યાવૃત્તિ? શું તું વારાંગનાઓનો સિદ્ધાંત પણ ભૂલી ગઈ? પુત્રી, પ્રેમ કરનારી વેશ્યા સંધ્યાની જેમ બહુ વાર સુધી ચમકી નથી શકતી. ઘણો રાગ રાખે તે શોભે નહીં. વારાંગનાએ તો માત્ર ધન માટે જ અભિનેત્રીની જેમ કૃત્રિમ પ્રેમ પ્રદશિર્ત કરવો જોઈએ. એટલે તું આ દરિદ્ર બ્રાહ્મણને જવા દે, તારો વિનાશ ન કર.’ માતાનો ઉપદેશ સાંભળીને રુપણિકા ક્રોધે ભરાઈને બોલી, ‘હે માતા, તું એવું ન બોલ. એ મને જીવ કરતાંય વહાલો છે. મારી પાસે ધન તો પુષ્કળ છે, હજુ વધારે ધન મેળવીને શું કરીશ? એટલે હવે પછી આમ કહીશ નહીં.’

આ સાંભળીને મકરદંષ્ટ્રા મનોમન સળગી ઊઠી, લોહજંઘને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું વિચારવા લાગી. થોડા સમય પછી કુટ્ટનીએ રસ્તે જતા કોઈ ધનહીન રાજપુત્રને શસ્ત્રધારીઓથી ઘેરાયેલો જોયો. તેને જોઈ કુટ્ટની તેની પાસે ગઈ અને તેને એકાંતમાં લઈ જઈને કહેવા લાગી, ‘મારે ઘેર એક દરિદ્ર કામીજને અધિકાર જમાવી રાખ્યો છે. તમે મારે ઘેર આવીને એવો કોઈ ઉપાય કરો કે તે ઘરમાંથી જતો રહે, આના બદલામાં તમે મારી દીકરીને સુખ આપજો.’

રાજપુત્રે કુટ્ટનીની વાત સ્વીકારી લીધી અને રૂપણિકાના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે રૂપણિકા મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. લોહજંંઘ પણ જોગાનુજોગ તે વેળા બહાર ગયો હતો. થોડી વારે તે બેધડક થઈને રૂપણિકાના ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં દાખલ થતાંવેંત તેને રાજપુત્રના માણસોએ લાતો મારી અધમૂઓ કરી નાખ્યો. પછી લોહજંઘને પકડીને તેમણે કોઈ ઉકરડામાં ફેંકી દીધો. લોહજંઘ કોઈક રીતે ત્યાંથી ભાગી નીકળ્યો. આ દરમિયાન દેવદર્શનેથી પાછી ફરેલી રૂપણિકા આખી વાત જાણીને બહુ દુઃખી થઈ, પેલો રાજપુત્ર પણ તેને આ દશામાં જોઈ જેમ આવ્યો હતો તેમ ચાલતો થયો.

કુટ્ટની પર ખૂબ જ ક્રોધે ભરાયેલો લોહજંઘ કોઈ તીર્થસ્થાને જઈને આત્મહત્યા કરવા ક્યાંક નીકળ્યો. કુટ્ટનીના અપકૃત્યથી લોહજંઘનું હૃદય સળગતું હતું, અને આકાશમાંથી વરસતી ગરમીથી શરીર તપતું હતું. તે ક્યાંક શીતળ છાયાની શોધમાં હતો. તે નિર્જન ધરતી પર ક્યાંય વૃક્ષ દેખાતું ન હતું, ત્યાં કોઈ હાથીની ખાલ નજરે પડી, શિયાળવાંએ હાથીના શબને કોરી નાખ્યું હતું. બંને બાજુએ ખાલ ખુલ્લી હોવાને કારણે હવાની અવરજવરને કારણે ત્યાં ઠંડક હતી. લોહજંઘ પગ આગળ કરીને અંદર પેઠો અને શીતળ લહેરોને કારણે તેને ઊંઘ આવી ગઈ. તે દરમિયાન એકાએક આકાશમાં વાદળ ઊમટી આવ્યાં અને ચારે દિશાઓમાં મુશળધાર વરસાદ પડવા માંડ્યો. હાથીની ખાલ ત્યાંથી આગળ વહીને સમુદ્રમાં જઈ પહોંચી. સમુદ્રમાં તરતી-ડૂબતી તે ખાલને જોઈને ગરુડ જેવા પંખીને તે માંસવાળી લાગી અને અને સમુદ્રની પારના કોઈ ટાપુ પર ચાંચમાં પકડીને લઈ ગયું. ટાપુના કિનારે તે પક્ષીએ ચાંચ વડે તે ખાલને ચીરી તો એ હાથીનું ખાલી ખોખું હતું અને તેની અંદર જીવતો માનવી હતો. તે જોઈને તે પક્ષી તેને ત્યાં જ મૂકીને ઊડી ગયું. પક્ષીએ ચાંચ વડે જે છિદ્ર ર્ક્યું હતું તેમાંથી લોહજંઘ બહાર નીકળ્યો અને આ ઘટનાને નિદ્રા વગરના સપના જેવી માની.

એટલામાં તેણે સમુદ્રકિનારે ભમતા અને અચરજથી લીધેલા એ ભયંકર રાક્ષસ જોયા. તેઓ પણ તેને જોઈ ચકિત થયા. રામચંદ્રથી પોતાના કુળનો પરાભવ થયો હતો તે વાત રાક્ષસોને તરત યાદ આવી. આ માણસ પણ સમુદ્ર ઉલ્લંઘી અહીં આવ્યો છે એ વિચારી તેઓ ડરી ગયા. વિચાર કરીને બેમાંથી એક વિભીષણ રાજા પાસે ગયો અને જેવું જોયું હતું તે બધું કહી સંભળાવ્યું. વિભીષણે રામનો પ્રતાપ જોયો હતો ગુપ્તચર રાક્ષસને કહેવા લાગ્યા, ‘તું સમુદ્રતટે જઈને તે મનુષ્યને કહે. આવો, અમારે ત્યાં પધારવાની કૃપા કરો.’

લોહજંઘે શાંત ચિત્તે વિભીષણનો સંદેશ સાંભળ્યો અને તે રાક્ષસની સાથે તે લંકા ચાલી નીક્ળ્યો. લંકામાં જઈને નગરના અનેક સુવર્ણપ્રાસાદો જોઈને તે ચકિત થઈ ગયો. પછી રાજમહેલમાં જઈને રાજા વિભીષણને જોયા. લંકાના રાજા વિભીષણે તેનો આદરસત્કાર કર્યો. આશીર્વાદ પ્રાપ્ત કરીને તેણે પૂછ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા! તમે અહીં કેવી રીતે આવી પહોંચ્યા!’

તે સાંભળીને વિદગ્ધ લોહજંઘે કહ્યું, ‘હે રાજન્, હું મથુરાનો બ્રાહ્મણ છું. દરિદ્રતાથી દુઃખી થઈ ભગવાન નારાયણના મંદિરમાં નિરાહાર રહી તપ કર્યું. ભગવાન નારાયણ મને સ્વપ્નમાં આજ્ઞા આપી કહ્યું તું લંકાધિપતિ વિભીષણ પાસે જા, તે મારો ભક્ત છે, તે તને પુષ્કળ ધન આપશે.’

ત્યારે મેં કહ્યું, ‘ક્યાં રાજા વિભીષણ અને ક્યાં હું? હું એમની પાસે જઈશ કેવી રીતે!’ એટલે ભગવાન નારાયણે કહ્યું, ‘તું અત્યારે જા. વિભીષણને તું જોઈ શકીશ.’

આમ સ્વપ્નમાં ભગવાન નારાયણની આજ્ઞા મેળવીને હું જાગ્યો ત્યારે સમુદ્ર પારના સ્થળે હું આવી પહોંચ્યો હતો. આથી વધારે કશું જાણતો નથી.’ આ સાંભળીને તથા સામાન્ય માનવી આમ લંકા આવી ન શકે એમ માનીને વિભીષણે તેને ખરેખર દિવ્ય પ્રભાવવાળો માની લીધો. ‘ઊભા રહો, હું તમને ધન આપીશ.’ એમ કહી વિભીષણે તેને મનુષ્યોનો નાશ કરવાવાળા રાક્ષસો એનું ભક્ષણ કરી ન જાય એટલે ત્યાં રાખ્યો. વિભીષણે રાક્ષસોને સુમેરુ પર્વત પર મોકલ્યા અને ગરુડજાતિના પક્ષીને વાહન તરીકે મંગાવ્યું. તે વાહન લોહજંઘને આપ્યું. લોહજંઘ થોડા દિવસ લંકામાં જ આ પક્ષી પર બેસીને ઊડવાની તાલીમ લેતો રહ્યો, અને સાથે વિભીષણનો સ્વાગત-સત્કાર પણ માણતો રહ્યો. એક વાર તેણે વિભીષણને જિજ્ઞાસાવશ પૂછ્યું, ‘મહારાજ, લંકામાં આખી ધરતી કાષ્ઠમયી કેમ છે?’

તેનો પ્રશ્ન સાંભળીને વિભીષણે કહ્યું, ‘જો તમારે આ જાણવાની જિજ્ઞાસા છે તો સાંભળો. એનું રહસ્ય હું તમને જણાવું. પ્રાચીન કાળમાં કશ્યપપુત્ર ગરુડની માતા વિનતા પ્રતિજ્ઞાને કારણે દાસી બની હતી, તેને દાસીપણામાંથી મુક્ત કરવા ગરુડ અમૃતકળશ મેળવવાની ઇચ્છાથી પિતા પાસે ગયો. તેમને ભોજન માટે પ્રાર્થના કરી એટલે કશ્યપ ઋષિએ કહ્યું, સમુદ્રમાં વિરાટ હાથી અને કાચબા છે, તે તું ખા.’ એટલે ગરુડ સમુદ્રમાં જઈ એ બંનેને લઈ આવ્યો અને કલ્પવૃક્ષની ડાળી પર બેઠો. તેના ભારથી ડાળી તૂટી ગઈ પરંતુ એની નીચે વાલખિલ્ય મુનિ તપ કરી રહ્યા હતા. તેમની રક્ષા કરવા માટે ગરુડે એ ડાળી પોતાની ચાંચમાં પકડી રાખી. તેના પિતાએ કહ્યું, ‘આ ડાળ જ્યાં ત્યાં નાખવાની નથી કારણ કે તેના ભારથી દબાઈને લોકો મરી જશે, એટલે આને માટે તું જળમય જગ્યા જોઈને મૂકજે.’ એટલા માટે એ ડાળી અહીં સમુદ્રકિનારે મૂકી દીધી. તે શાખા ઉપર આ લંકાનગરીનું નિર્માણ થયું. આ કારણે અહીંની ધરતી કાષ્ઠમયી છે.’

વિભીષણ પાસેથી આ કથા સાંભળીને લોહજંઘને સંતોષ થયો.

મથુરા જવાની ઇચ્છા ધરાવતા લોહજંઘને વિભીષણે ખૂબ કિંમતી રત્નો આપ્યાં અને મથુરાપતિ ભગવાનને આપવા માટે સોનાનાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ભક્તિપૂર્વક તેને આપ્યાં. વિભીષણ પાસેથી મળેલું આ સઘળું ધન લઈને લોહજંઘ એકી સાથે લાખ યોજન ઊડી શકે એવા ગરુડવંશી પક્ષી પર બેસી ગયો અને આકાશગામી બની સમુદ્ર ઓળંગી સુખપૂર્વક મથુરા પહોંચી ગયો.

મથુરા પહોંચીને તે નગરની બહાર ઉજ્જડ વાડીમાં આકાશેથી ઊતર્યો. મેળવેલું બધું ધન ધરતીમાં દાટી દીધું અને ત્યાં જ એ પક્ષીને બાંધી પણ દીધું. વિભીષણ પાસેથી મળેલા રત્નમાંથી એક બજારમાં જઈને ઝવેરીની દુકાને જઈને વેચ્યું અને એમાંથી ભોજન, વસ્ત્ર, અંગરાગની સામગ્રી વગેરે ખરીદ્યાં. વાડીમાં જઈને તેણે ભોજન કર્યું. અને પક્ષીને ખવડાવ્યું. નવાં વસ્ત્ર પહેરીને અંગરાગ, પુષ્પાદિથી સુંદર સજાવટ કરી.

સાંજ પડી એટલે હાથમાં શંખચક્રગદાપદ્મ ધારણ કરી એ જ ગરુડ પક્ષી પર બેસી રૂપણિકાના ઘરની છત પર ઊતર્યો. તેણે ઉપર રહીને જ કોઈ ન સાંભળે એવી રીતે કશું કહ્યું. તેનો અવાજ સાંભળીને બહાર આવેલી રૂપણિકાએ રત્નોથી અલંકૃત અને ભગવાનના રૂપે લોહજંઘને તે રાતે જોયો.

‘હું ભગવાન વિષ્ણુ સ્વયં તારા કલ્યાણ માટે આવ્યો છું.’

લોહજંઘે આવું કહ્યું એટલે રૂપણિકાએ તેને પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ, તમારી કૃપા છે. તમે દયા કરીને અહીં પધારો.’ લોહજંઘે ઊતરીને પક્ષીને બાંધી દીધું અને વારાંગનાની સાથે શયનગૃહમાં પ્રવેશ્યો. મોજમજા કરીને થોડા સમય પછી વેશ્યાઆવાસમાંથી નીકળીને લોહજંઘ ફરી પોતાના નિવાસે જઈ પહોંચ્યો. સવાર પડી એટલે રૂપણિકા વેશ્યાએ માન્યું. ‘હું ભગવાન વિષ્ણુની ભાર્યા થઈ હોવાથી દેવી બની ગઈ. હવે મનુષ્યો સાથે વાત પણ ન થાય.’ આમ વિચારી તેને મૌનવ્રત લીધું.

તેની માતા મકરદંષ્ટ્રાએ તેની આ હાલત જોઈને પૂછયું, ‘આજે તું મૌનવ્રત લઈને કેમ બેઠી છે? કહે જોઈએ.’ તેણે આગ્રહ કરીને વારંવાર પૂછયું ત્યારે રૂપણિકાએ પટ પાછળથી મૌનનું સઘળું રહસ્ય જણાવી દીધું.

કુટ્ટનીને દીકરીની વાત પર વિશ્વાસ ન આવ્યો. પરંતુ તે જ રાતે તેણે પોતાની આંખે ગરુડ પર બેઠેલા વિષ્ણુરૂપી લોહજંઘને જોયો. સવારે પણ પાછળ બેઠેલી રૂપણિકાને બહુ નમ્રતાથી તેણે કહ્યું,

‘દીકરી, ભગવાનની કૃપાથી તું દેવી બની ગઈ. હું તારી મા છું. મને પણ તું મા હોવાનો લાભ આપ. હું વૃદ્ધા છું. આ જ શરીરે સ્વર્ગે જતી રહું એવી વિનંતી ભગવાનને કર.’ રાતે તેણે છદ્મવેશે આવેલા લોહજંઘને રૂપણિકાએ પોતાની માની વિનંતી કહી.

એટલે આ બનાવટી દેવ લોહજંઘે પોતાની પ્રિયાને કહ્યું, ‘તારી મા પાપિણી છે, તે સ્પષ્ટ રૂપે સ્વર્ગમાં જઈ નહીં શકે. હા, અગિયારસના દિવસે સ્વર્ગનું દ્વાર ખૂલે છે. તેમાંથી સૌથી પહેલાં શિવભક્તો પ્રવેશી શકે. જો તે શિવગણોના જેવો વેષ ધારણ કરે તો તારી માને તેમની સાથે મોકલી શકાય. એટલે તેનું મસ્તક મુંડાવીને પાંચ ચોટલીઓ રખાવ. ગળામાં હાડકાંનો હાર તથા શરીરનો એક ભાગ મેશથી કાળો કરવાનો અને બીજો ભાગ સિંદુરથી લાલ કરવાનો, તેને નિર્વસ્ત્ર થઈને શિવગણોમાં ભરતી કરાવવાની. જો તે આવી રીતે શિવગણના વેશે મારી સાથે આવે તો હું તેને સ્વર્ગે લઈ જઉં.’

આમ કહી, થોડી વાર રોકાઈ લોહજંઘ જતો રહ્યો. પહેલેથી નક્કી કર્યા પ્રમાણે અગિયારસે સવારે રૂપણિકાએ સ્વર્ગ જવા ઉત્સુક માતાને ગણોનો વેશ ધારણ કરાવી તૈયાર કરી. સાંજે લોહજંઘ એ જ રીતે ક્ષપણિકાને ત્યાં આવ્યો અને રૂપણિકાએ તેને માની સોંપણી કરી.

લોહજંઘ તે વિકૃત વેશવાળી કુટ્ટનીને પોતાની સાથે ગરુડ પર બેસાડી આકાશમાં ઊડી ગયો. આકાશમાં ઊડતાં ઊડતાં તેણે એક મંદિર સાથે રોપાયેલા ચક્રચિહ્નવાળા પથ્થરનો થાંભલો જોયો. તે સ્તંભમાં લગાડેલા ચક્રની સહાયથી ધ્વજા જેવી તે કુટ્ટનીને ત્યાં ઊભી રાખી, અને લોહજંઘે તેને કહ્યું, ‘તમે અહીં થોડો સમય ઊભા રહો, હું તમને ગણોના સમૂહમાં દાખલ કરવાની વ્યવસ્થા કરું છું.’ એમ કહી તે ત્યાંથી જતો રહ્યો. આગળ જઈને તેણે એક મંદિર પાસે જોયું. તે જોઈને તે આકાશમાંથી જ બોલ્યો, ‘અરે લોકો, આજે તમારા ઉપર સર્વસંહારિણી મહામારી પડશે. એટલે ભગવાનને શરણે જાઓ.’

આમ આકાશવાણી સાંભળીને બી ગયેલા મથુરાવાસી લોકો સ્વસ્તિ પાઠ કરતા કરતા ભગવાન પાસે બેઠા. તે લોહજંઘ વિહારમાં ઊતરીને પક્ષીને બાંધીને, દેવતાનો નકલી વેશ ઉતારીને સમૂહમાં જઈને ઊભો.

ત્યાં ચક્રના સહારે થાંભલા પર ઊભી રહેલી કુટ્ટની વિચારવા લાગી, ‘ન ભગવાન આવ્યા, ન હું સ્વર્ગે ગઈ.’ એમ વિચાર કરીને તે ચીસો પાડવા લાગી અને બી જઈને કહેવા લાગી, ‘હું પડું છું.’ એનો કકળાટ સાંભળીને દેવમંદિરમાં એકઠા થયેલા મથુરાવાસીઓ તેને જ મહામારી માની લઈને વ્યાકુળ થઈને કહેવા લાગ્યા, ‘ના પડીશ, ના પડીશ.’

આમ મહામારી પડશે તો — એનાથી ગભરાયેલા મથુરાવાસીઓએ બાળકો સાથે જેમ તેમ કરીને રાત વીતાવી.

સવારે બધા મથુરાવાસીઓએ અને રાજાએ એવા વેશે થાંભલા પર ઊભેલી કુટ્ટનીને જોઈ અને ઓળખી. મહામારીનો ભય દૂર થયો એટલે બધા હસવા લાગ્યા, રૂપણિકા પણ માના સમાચાર સાંભળીને ત્યાં આવી. માને આ પ્રકારે થાંભલા પર ઊભેલી જોઈ તેને અચરજ થયું અને કોઈક રીતે તેને નીચે ઉતારી.

ત્યાં એકઠા થયેલા લોકોએ પૂછ્યું એટલે તેણે પોતાની દુર્દશાની વાત કરી. આ અદ્ભુત ઘટનાને કોઈ સિદ્ધ જેવાનો વિનોદ સમજીને બ્રાહ્મણો, વૈશ્યો અને રાજા — બધાએ કહ્યું, ‘અનેક કામીજનોને છેતરનારી આ કુટ્ટનીને પણ જે ઠગી ગયું તે ધન્ય છે. જો તે અત્યારે અહીં હોય તો જાહેરમાં આવે. એને શિરપાવ આપવામાં આવશે.’

આ સાંભળીને જનસમાજમાં ઊભેલો લોહજંઘ આગળ આવ્યો અને લોકોના પૂછવાથી આખી ઘટના કહી સંભળાવી. સાથે મથુરાના રાજાને વિભીષણે આપેલાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ વગેરે ભેટ આપ્યાં.

ત્યાર પછી મથુરાના લોકોએ લોહજંઘના આ સાહસ બદલ સંતોષ વ્યક્ત કરી તેને શિરપાવ આપ્યો, રાજાની આજ્ઞાથી રૂપણિકાની સોંપણી કરી. આ પ્રકારે લંકાથી મળેલા રત્નભંડાર વડે અત્યંંત સમૃદ્ધ થઈ, કુટ્ટની મકરદંષ્ટ્રા પર વેર વાળીને પ્રિયાની સાથે મથુરામાં સુખે રહેવા લાગ્યો.

(કથાસરિત્સાગર: લંબક-૨)