ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/શ્રીદત્ત અને મૃગાંકવતીની કથા
માલવ દેશમાં યજ્ઞસોમ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને બે જનપ્રિય પુત્રો હતા, એકનું નામ કાલનેમિ અને બીજાનું નામ વિગતભય. નાનપણમાં જ પિતાનું મૃત્યુ થયું એટલે વિદ્યાભ્યાસ થયો નહોતો. પછી બંને ભાઈ શૈશવકાળ વટાવીને વિદ્યાપ્રાપ્તિ માટે પાટલિપુત્ર આવ્યા. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બંનેને તેમના ગુરુ દેવશર્માએ મૂતિર્માન વિદ્યા જેવી પોતાની બે કન્યાઓ આપી. લગ્ન પછી બીજા ગૃહસ્થોને વધુ ધનવાન જોઈ કાલનેમિએ ઈર્ષ્યાવશ થઈ હોમહવન દ્વારા વિધિ કર્યો અને પછી લક્ષ્મીએ પ્રગટ થઈને કહ્યું, ‘તું પૂરતું ધન’ પામીશ અને તારો પુત્ર પૃથ્વીપતિ થશે. પરંતુ આટલું થવા છતાં અંતે તારો વધ ચોરોની જેમ થશે. તેં અગ્નિમાં જે હવન કર્યો છે તે ઈર્ષાથી કલુષિત થયેલા મન વડે કર્યો છે.’
આમ કહીને લક્ષ્મી અંતર્ધાન થઈ ગયાં. કાલનેમિ સમય જતાં ખૂબ ધનવાન થઈ ગયો. થોડા સમયે તેને ત્યાં પુત્રજન્મ થયો. શ્રી એટલે કે લક્ષ્મીના વરદાનથી તે જન્મ્યો એટલે તેનું નામ શ્રીદત્ત પડ્યું, શુક્લપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ શ્રીદત્ત મોટો થતો ગયો. શ્રીદત્ત બ્રાહ્મણ હોવા છતાં યુવાવસ્થામાં અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓમાં તથા બાહુયુદ્ધમાં અપ્રતિમ શક્તિ ધરાવતો થયો. કાલનેમિના બીજા ભાઈની પત્ની સર્પદંશથી મૃત્યુ પામી એટલે તે ખિન્ન થઈ બીજે ચાલ્યો ગયો.
શ્રીદત્તના ગુણ જોઈને વલ્લભશક્તિ રાજાએ તેને પોતાના પુત્ર વિક્રમશક્તિનો મિત્ર બનાવ્યો.
અત્યંત અભિમાની રાજપુત્ર વિક્રમશક્તિ સાથે શ્રીદત્તની મૈત્રી દુર્યોધન અને ભીમના જેવી હતી. ત્યાર પછી અવંતી દેશના બાહુશાલી વજ્રમુષ્ટિ નામના બે ક્ષત્રિય શ્રીદત્તના મિત્ર બની ગયા. બાહુયુદ્ધમાં જીતાયેલા અન્ય ગુણગ્રાહી દક્ષિણદેશનાઓ તથા મંત્રીપુત્રો શ્રીદત્તનો આશ્રય લેવા લાગ્યા. મહાબળે, વ્યાઘ્રભટ્ટે, ઉપેન્દ્રબળે તથા નિષ્ઠુરકે પણ શ્રીદત્ત સાથે મૈત્રી કરી.
એક વેળા વર્ષાઋતુમાં વિહાર કરવા માટે શ્રીદત્ત રાજપુત્ર તથા મિત્રોને ગંગાકિનારે લઈ ગયો. ત્યાં રમતગમતમાં રાજકુમાર વિક્રમશક્તિના સેવકોએ રાજકુમારને રાજા બનાવ્યો અને તે જ વેળા શ્રીદત્તના મિત્રોએ તેને પણ રાજા બનાવ્યો. મદોન્મત્ત રાજકુમારે રોષે ભરાઈને તે વિપ્રવીરને બાહુુયુદ્ધ માટે લલકાર્યો. શ્રીદત્તે એ યુદ્ધમાં રાજકુમારને પરાજિત કર્યો. એટલે ક્રોધે ભરાયેલા રાજકુમારે લડાઈ કરવા શ્રીદત્તને બોલાવ્યો. પરસ્પર મલ્લયુદ્ધ થયું, તેમાં રાજપુત્ર હાર્યો. એથી તેને બહુ માઠું લાગ્યું. તેણે વિચાર્યું, ‘આ બ્રાહ્મણપુત્ર રજપૂતને જીતી જાય એ તો મારે માટે મોટું કલંક કહેવાય. હવે તેનો વધ કરવો ન જોઈએ. ગમે તેવાં કાવતરાં કરીને પણ તેનો ઘડોલાડવો કરી નાખવો જોઈએ.’ રાજકુમારના મનની વાત જાણીને શ્રીદત્ત પોતાના મિત્રો સાથે તેનો સાથ છોડીને દૂર જતો રહ્યો. જતાં જતાં શ્રીદત્તે ગંગાના પ્રવાહમાં સાગર જેવી રીતે લક્ષ્મીને લઈ જાય તેવી રીતે કોઈ સ્ત્રીને તણાતી જોઈ. તે જોઈને બાહુશાલી તથા અન્ય મિત્રોને કિનારે ઊભા રાખીને તે સ્ત્રીને પાણીમાંથી કાઢવા ગંગામાં કૂદી પડ્યો. ડૂબતી સ્ત્રીના કેશ પકડીને શ્રીદત્ત વધુ પાણીમાં ડૂબતી જોઈને તેની પાછળ પાછળ ગયો. ડૂબ્યા પછી ક્ષણવારમાં શ્રીદત્તે ત્યાં એક દિવ્ય શિવમંદિર જોયું, ત્યાં નહોતું પાણી કે ન હતી પેલી સ્ત્રી. આ મહા આશ્ચર્ય જોઈને શ્રીદત્તે શિવને નમસ્કાર કરી થાકેલો હોવાથી તે સુંદર ઉદ્યાનમાં રાત્રિ વીતાવી. સવારે ઊઠીને શ્રીદત્તે જોયું તો સ્ત્રીગુણવાળી સાક્ષાત્ લક્ષ્મી સમાન તે સુંદરી શંકર ભગવાનની પ્રાત:પૂજા માટે આવી હતી. તે ઇન્દુમુખી સ્ત્રી શિવપૂજા કરીને પોતાને ઘેર ગઈ અને શ્રીદત્ત પણ તેની પાછળ પાછળ ગયો. દેવતાઓના નિવાસ જેવું તેનું ભવન જોયું. તેમાં પરપુરુષને જોઈને વ્યગ્ર બનેલી સુંદરી પ્રવેશી. તે સ્ત્રી શ્રીદત્તને કશું કહ્યા વિના એ ભવનના અંદરના ઓરડામાં હજારો સ્ત્રીઓથી ઘેરાઈને પલંગ પર બેસી ગઈ. સાથે આવેલો શ્રીદત્ત પણ એ જ પલંગ ઉપર એની પાસે બેઠો કે તરત તે સ્ત્રીએ એકાએક રડવા માંડ્યું. તેનાં ઉષ્ણ અશ્રુબિન્દુ સ્તનતટ પર પડવાં લાગ્યાં, આમ તેને રડતી જોઈને શ્રીદત્તને દયા આવી. તેણે તેને પૂછ્યું, ‘તું કોણ છે? શું દુઃખ છે? હે સુંદરી, કહે જોઈએ. હું તારું દુઃખ દૂર કરવા સમર્થ છું.’
ત્યારે તેણે શોકગ્રસ્ત થઈને કહ્યું, ‘અમે દૈત્યરાજ બલિની એક હજાર પૌત્રીઓ છે, એમાં સૌથી મોટી વિદ્યુત્પ્રભા હું છું. વિષ્ણુએ મારા પિતામહ બલિને લાંબા સમયથી કેદ કર્યા છે અને મારા પિતાને બાહુયુદ્ધમાં મારી નાખ્યા છે. મારા પિતાને મારીને તે વિષ્ણુએ અમને નગરમાંથી કાઢી મૂક્યાં, એ નગરમાં ન જઈએ એટલા માટે માર્ગમાં એક સિંહ મૂક્યો છે. એ સિંહે આ સ્થળ અને અમારાં હૃદય — બંનેને ભયભીત કરી મૂક્યાં છે. કુબેરના શાપથી યક્ષ મટી આ સિંહ રૂપે અહીં છે. જ્યારે નગરપ્રવેશ માટે અમે વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું કે ‘આ સંહિનો મનુષ્યને હાથે પરાભવ થશે ત્યારે આ યક્ષનો શાપ સમાપ્ત થશે.’ એટલે તમે અમારા આ શત્રુ સિંહને પરાજિત કરો અથવા મારી નાખો. હે વીર, એટલે હું તમને અહીં લાવી છું. એ સિંહને તમે મારી નાખશો એટલે મૃગાંક નામની તલવાર તમને મળશે, એના વડે તમે પૃથ્વી પર વિજય મેળવીને રાજા બનશો.’
આ સાંભળીને શ્રીદત્તે ‘ભલે’ કહી તે દિવસ ત્યાં જ વીતાવ્યો અને બીજે દિવસે દૈત્ય કન્યાઓને આગળ કરીને તે નગર ભણી ચાલી નીકળ્યો. ત્યાં બાહુયુદ્ધ કરીને તે ઉદ્ધત સિંહને જીતી લીધો. તે સિંહ શાપમુક્ત થઈ પુુરુષ રૂપે ઊભો રહી ગયો. શાપમુક્ત કરનારા શ્રીદત્ત પર પ્રસન્ન થઈને તે પુરુષ શ્રીદત્તને એક તલવાર આપીને અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી શ્રીદત્ત તે દૈત્યકન્યા અને તેની નાની બહેનો સાથે તે નગરમાં ગયો. દૈત્યકન્યાએ શ્રીદત્તને વિષનિવારણ કરનારી એક વીંટી આપી. ત્યાં રહીને શ્રીદત્તનું હૃદય તે કન્યા તરફ ઢળ્યું. શ્રીદત્તનું હૃદય જાણીને દૈત્યકન્યાએ તેને કહ્યું, ‘તમે આ વાવમાં તલવાર લઈને સ્નાન કરો, જેથી ગ્રાહનો ભય ન રહે.’
દૈત્યક્ન્યાએ કહ્યું એટલે તેણે વાવમાં ડૂબકી મારી અને તે પાછો જ્યાંથી ડૂબકી મારીને ગંગામાં કૂદ્યો હતો ત્યાં જ આવી ચઢ્યો. પાતાળમાંથી ગંગાતટે નીકળેલો શ્રીદત્ત તલવાર અને વીંટી લઈને દુઃખી અને ચકિત થઈ ગયો. તે કન્યાએ તેને ફરી છેતર્યો હતો. ગંગા તટે જે મિત્રોને મૂકીને આવ્યો હતો એમને શોધવા ઘરની દિશામાં નીકળ્યો. રસ્તામાં તેણે નિષ્ઠુરકને જોયો.
નિષ્ઠુરકે તેને જોઈને પ્રણામ કર્યા, અને મિત્રોના સમાચાર તેણે પૂછ્યા ત્યારે એકાંતમાં કહ્યું, ‘તમને ગંગામાં ડૂબેલા જોઈ અમે અમારાં ગળાં કાપવા તૈયાર થયા. ત્યારે ‘પુત્રો, આવું સાહસ ન કરો.’ એવી આકાશવાણી થઈ અને તેણે અમને આત્મહત્યા કરતા રોક્યા. અમે તમારા પિતાને આ સમાચાર આપવા જતા હતા ત્યારે રસ્તામાં એક પુરુષે અમને કહ્યું, તમે નગરપ્રવેશ ના કરતા. નગરનો રાજા વલ્લભશકિત અત્યારે મૃત્યુ પામ્યા છે, તેનો પુત્ર વિક્રમશક્તિ મંત્રીઓની શક્તિથી રાજગાદી પર બેઠો છે. રાજગાદીએ બેઠા પછી બીજે જ દિવસે વિક્રમશક્તિએ કાલનેમિ પાસે જઈને પૂછ્યું, ‘તારો પુત્ર શ્રીદત્ત ક્યાં છે?’ કાલનેમિએ ઉત્તર આપતા કહ્યું, ‘હું જાણતો નથી.’
‘આણે પોતાના દીકરાને સંતાડી દીધો છે.’ એવો આરોપ મૂકીને રાજાએ ક્રોધે ભરાઈને કાલનેમિને શૂળીએ ચઢાવી દીધો છે. તેની પત્નીનું હૃદય આ જોઈને ફાટી પડ્યું. હવે વિક્રમશક્તિ શ્રીદત્ત અને તેનાં મિત્રોની હત્યા કરવા તેને શોધી રહ્યો છે. એટલે તમે લોકો નગરમાં જવાને બદલે બીજે જતા રહો. નહીં તો માર્યા જશો.’
આમ તે પુરુષના કહેવાથી શોકસંતપ્ત બાહુબલી સમેત અમે પાંચે મિત્રો અરસપરસ મંત્રણા કરીને માતૃભૂમિ ઉજ્જૈન તરફ ચાલી નીકળ્યા. તમારા માટે મને સંતાઈ રહેવાની સૂચના આપી. તો ચાલો મિત્રો પાસે ઉજ્જૈન જઈએ.
નિષ્ઠુરકની વાત સાંભળીને શ્રીદત્તે માતાપિતાના મૃત્યુ નિમિત્તે દુઃખ વ્યક્ત કર્યું અને પ્રતિકાર કરવાની ભાવનાથી પોતાની દૃષ્ટિ તલવાર પર ફેંકી ત્યાર પછી બદલો લેવાનાં યોગ્ય અવસરની પ્રતીક્ષા કરતો શ્રીદત્ત નિષ્ઠુરકની સાથે પોતાના મિત્રોને મળવા ઉજ્જૈન જવા નીકળી પડ્યો. ગંગામાં ડૂબકી લગાવ્યા પછીની સમગ્ર ઘટના નિષ્ઠુરકને શ્રીદત્ત સંભળાવતો હતો ત્યારે રસ્તામાં એક રડતી સ્ત્રીને જોઈ.
‘હું અસહાય સ્ત્રી છું, માળવા જતાં રસ્તો ભૂલી ગઈ છું.’ તેણે આવું કહ્યું એટલે શ્રીદત્તે દયા કરીને તેને સાથે લઈ લીધી. દયા અને વિનંતીને કારણે શ્રીદત્તે તે સ્ત્રી અને નિષ્ઠુરકને સાથે લઈને શ્રીદત્ત કોઈ ઉજ્જડ નગરમાં રોકાઈ ગયો. આ યાત્રા દરમિયાન એક દિવસ અચાનક રાતે ઊઠીને શ્રીદત્તે જોયું તો તે સ્ત્રી નિષ્ઠુરકને મારી નાખી તેનું માંસ ખાઈ રહી હતી. તે જોઈને શ્રીદત્ત મૃગાંક નામની તલવારથી તેને મારવા ઊભો થયો. તે સ્ત્રીએ પોતાનું રૂપ બદલીને એક ભયાનક રાક્ષસીનું રૂપ ધારણ કર્યું. શ્રીદત્તે એ રાક્ષસીને મારવા તેના કેશ પકડ્યા, તેટલામાં તે સ્ત્રી રાક્ષસીનું રૂપ ત્યજીને એક દિવ્ય સ્ત્રી બની ગઈ, ‘હે મહાભાગ, મને ન મારો. હું રાક્ષસી નથી. મને કૌશિક મુનિનો શાપ હતો. એ ઋષિ જ્યારે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે કુબેરે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે મને મોકલી હતી. તે ઋષિ કુબેરનું પદ મેળવવા તપ કરી રહ્યા હતા. આ સુંદર રૂપથી મુનિને લલચાવવામાં હું અસમર્થ રહી ત્યારે મેં તેમને બીવડાવવા આ ભીષણ રૂપ ધારણ કર્યું: મારું રાક્ષસી રૂપ જોઈને મુનિએ મને શાપ આપ્યો, ‘પાપિણી, તું મનુષ્યોને ખાતી રાક્ષસી બની જા.’ અને ઋષિએ કહ્યું કે ‘શ્રીદત્ત જ્યારે તારા કેશ પકડશે ત્યારે તારા શાપનો અંત આવશે. આ પ્રકારે હું દુઃખદ રાક્ષસીપણાને પામી. લાંબા સમયથી આ નગરને ઉજ્જડ કીધું છે. આજે તમે મારા શાપનો અંત આણ્યો. હવે તમે મારી પાસેથી વરદાન માગો.’
તેની આવી વાત સાંભળીને શ્રીદત્તે આદરપૂર્વક કહ્યું, ‘માતાજી, અત્યારે તો બીજું કયું વરદાન માગું? મારા આ મિત્રને જીવનદાન આપો.’
‘તથાસ્તુ’ એમ કહી તે અપ્સરા અંતર્ધાન થઈ ગઈ અને નિષ્ઠુરક અક્ષત અંગોવાળો થઈને જીવતો થયો. તેની સાથે જ સવારે ચકિત અને પ્રસન્ન થઈને શ્રીદત્ત ઊઠ્યો અને નિષ્ઠુરકની સાથે ધીરે ધીમે ઉજ્જૈન જઈ પહોંચ્યો. જેવી રીતે મેઘ મયૂરોને આનંદ આપે તેવી રીતે શ્રીદત્તે રાહ જોતા મિત્રોને આનંંદિત કરી મૂક્યા. પોતાનો અદ્ભુત વૃત્તાંત કહ્યા પછી બાહુશાલી વિધિપૂર્વક આતિથ્યસત્કાર કરીને શ્રીદત્તને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં બાહુશાલીના માતાપિતા પોતાનો જ પુત્ર ગણીને તેની આગતાસ્વાગતા કરવા લાગ્યાં. અને શ્રીદત્ત પોતાનું જ ઘર હોય તેમ ત્યાં રહેવા લાગ્યો.
એક વેળા ચૈત્ર માસના મહોત્સવના અવસરે શ્રીદત્ત પોતાના મિત્રોને લઈને કોઈ ઉદ્યાનમાં યાત્રા જોવા ગયો. ત્યાં રાજા શ્રીબિમ્બકિની કન્યાને મૂતિર્ લઈ આવતી જોઈ, તે સાક્ષાત્ વસંતલક્ષ્મી જેવી હતી. તેનું રૂપ જોઈ રાજાની આંખો પહોળી થઈ ગઈ. ત્યાર પછી હૃદયમાં પ્રવેશ કરવા માટે રસ્તો આપ્યો હોય તેમ રાજકુમારી મૃગાંકવતી વિકસિત નેત્રો દ્વારા શ્રીદત્તના હૃદયમાં પ્રવેશી. રાજકુમારીની પ્રેમસભર દૃષ્ટિ દૂતીની જેમ શ્રીદત્ત પાસે ખબરઅંતર માટે આવજા કરવા લાગી. હરતીફરતી રાજકુમારી વૃક્ષોની ઘટામાં છુપાઈ જવાને કારણે શ્રીદત્તને વિભ્રમ થયો, તેને કોઈ દિશા દેખાતી ન હતી.
‘મિત્ર, હું તમારું હૃદય પામી ગયો છું. છુપાવો નહીં: જ્યાં રાજકુમારી ગઈ છે ત્યાં જ જઈએ.’
એમ કહી શ્રીદત્તને તેનો મિત્ર બાહુશાલી પાસે લઈ ગયો. એટલામાં જ ‘અરે! રાજકુમારીને સાપે ડંખ માર્યો છે.’ એવો કોલાહલ થવા માંડ્યો. એ સાંભળીને શ્રીદત્તના હૃદયને સંતાપ થયો.
બાહુશાલીએ રાજકુમારીના કંચુકીને કહ્યું, ‘મારા આ મિત્ર પાસે ઝેર ઉતારે એવી વીંટી છે અને તે ઝેર ઉતારવાની વિદ્યા પણ જાણે છે.’ એટલે તે કંચુકી શ્રીદત્તના પગે પડીને તેને રાજકુમારી પાસે લઈ ગયો. શ્રીદત્તે જઈને રાજકુમારીની આંગળીમાં વીંટી પહેરાવી દીધી અને મંત્રપાઠ કર્યો. એટલે તે પુનર્જીવન પામી. રાજકુમારી સાજી થઈ ગઈ એટલે ત્યાં એકઠા થયેલા સૌ લોકો આનંદ પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. આ સમાચાર સાંભળી રાજા બિંબકી પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ આવ્યા એટલે શ્રીદત્ત વીંટી લીધા વિના જ મિત્ર બાહુબાલીની સાથે તેને ઘેર આવી પહોંચ્યો. રાજાએ પ્રસન્ન થઈને શ્રીદત્ત માટે જે સુવર્ણાલંકારો મોકલ્યા હતા તે બધા શ્રીદત્તે બાહુશાલીના પિતાને આપી દીધા. ત્યાર પછી શ્રીદત્ત રાજકુમારીના વિરહમાં એટલો બધો વ્યાકુળ રહેવા લાગ્યો કે તેના મિત્રો કિંકર્તવ્યમૂઢ થઈ ગયા.
થોડા સમય પછી રાજકુમારીની પ્રિય સખી ભાવનિકા વીંટી પાછી આપવાના બહાને શ્રીદત્તને મળી અને તે બોલી, ‘હે સૌભાગ્યશાળી, મારી સખીને જીવતદાન આપનારા તમે તેના સ્વામી થાઓ, નહીંતર તેનું મૃત્યુ થશે એમાં કોઈ શંકા નથી.’
ભાવનિકાની વાત સાંભળીને શ્રીદત્ત, બાહુશાલી, ભાવનિકા અને બીજા મિત્રો મંત્રણા કરવા લાગ્યા. ‘આપણે કોઈ રીતે, રાજકુમારીનું હરણ કરીએ અને પછી છાનામાના મથુરા જઈએ.’
કાર્યસિદ્ધિ માટે આવી સર્વસંમતિ મેળવીને ભાવનિકા ઘેર પાછી ગઈ. બીજે દિવસે બાહુશાલી પોતાના ત્રણ મિત્રો સાથે વેપારના નિમિત્તે મથુરા જતો રહ્યો. મથુરા જવાના માર્ગે સ્થળે સ્થળે વાહનોની વ્યવસ્થા કરી રાજપુત્રીના લાવવા માટે વ્યવસ્થા કરી. રાજકુમારીના આવાસમાં શ્રીદત્તે એક છોકરીવાળી સ્ત્રીને સુરાપાન કરાવી મોકલી. રાજકુમારીને ગુપ્ત રીતે બહાર લઈ ગઈ. બહાર પ્રતીક્ષા કરી રહેલા શ્રીદત્તે તે જ વેળા બે મિત્રો સાથે આપી. તેની સાથે ભાવનિકાને પહેલેથી રવાના થયેલા બાહુશાળી પાસે મોકલી. ઘેર વેપારના નિમિત્તે મથુરા જતો રહ્યો. મથુરા જવાના માર્ગે સ્થળે વ્યવસ્થા કરી. શ્રીદત્તે કન્યા સાથે કોઈ ગાંડી સ્ત્રીને મૂકી અને આગ લગાડી. રાજકુમારીના આવાસમાં મોકલી. ભાવનિકાએ દીવો સળગાવીને આગ લગાડી, રાજકુમારીને આગળ જઈ પહોંચેલા બાહુશાળી પાસે મોકલી આપી. તેની સાથે ભાવનિકા પણ ગઈ. ત્યાં લોકોએ ભાવનિકાની સાથે રાજકુમારી સળગી ગઈ એમ માની લીધું અને સવારે ત્યાં શ્રીદત્તને પણ જોયો. બીજી રાત્રે શ્રીદત્ત મૃગાંક નામની તલવાર લઈને પહેલેથી ભાગી નીકળેલી પ્રિયાને મળવા ચાલી નીકળ્યો. ઉત્સુક શ્રીદત્ત એક જ રાતમાં લાંબો રસ્તો વટાવીને સવારે એક પ્રહર વીત્યે વિંધ્યાચલના વનમાં પ્રવેશ્યો. નીકળતી વખતે શ્રીદત્તને અપશુકન થયા હતા અને પછી ભાવનિકાની સાથે આક્રમણથી ઘવાયેલા મિત્રોને જોયા. તેમણે ગભરાઈને કહ્યું, ‘અમને બહુ મોટા અશ્વદળે લૂંટી લીધા છે. અમે ઘવાયા એટલે એક અશ્વારોહી સૈનિક રાજકુમારીને અશ્વ પર બેસાડીને જતો રહ્યો. એટલે તે લોકો બહુ દૂર જતા રહે તે પહેલાં તું આ માર્ગે નીકળી પડ. અમારી પાસે ન રોકાતો. તેની રક્ષાનો વિચાર પહેલાં કરવાનો.’
આમ મિત્રોએ શ્રીદત્તને મોકલ્યો. થોડે આગળ તે અશ્વદળને જોયું અને તે ઝડપથી રાજકન્યાને હરનારની પાછળ પડ્યો. તેની વચ્ચે એક ક્ષત્રિય યુવાનને જોયો. તેણે પકડેલી રાજકુમારીને પણ શ્રીદત્તે જોઈ અને ધીરે ધીરે તે બંનેની પાસે આવી પહોંચ્યો. શાંતિપૂર્વક તેણે કહ્યું કે તું આ રાજકુમારીને મૂકી દે. પણ તેણે ન માન્યું. તે યુવકને પગ વડે ખેંચી પથ્થર પર પછાડ્યો અને ઘોડા પરથી નીચે ફંગોળી તેને મારી નાખ્યો. તેને મારીને તેના જ ઘોડા પર સવાર થઈને બીજા ઘોડેસ્વારોને પણ માર્યા. બચી ગયેલા સૈનિક શ્રીદત્તનાં અમાનવીય પરાક્રમ જોઈને ભય પામીને આમ તેમ ભાગી ગયા. અશ્વારુઢ શ્રીદત્ત રાજકુમારીને લઈને મિત્રો પાસે પાછો ફર્યો. થોડે દૂર ગયા પછી યુદ્ધમાં ઘાયલ ઘોડો મરણ પામ્યો. ત્યાં ઊતર્યા પછી તેની પ્રિયા મૃગાંકવતીને ભય અને ધાકને કારણે તરસ લાગી. શ્રીદત્ત મૃગાંકવતીને ત્યાં બેસાડીને આમતેમ પાણી શોધવા દૂર ગયો. પાણી શોધતાં શોધતાં સાંજ પડી, સૂર્ય આથમી ગયો. પાણી મળ્યા પછી તે રસ્તો ભૂલી ગયો, અને શ્રીદત્તે ચક્રવાકની જેમ તરફડતાં અને પ્રિયા પ્રિયા બોલતાં રાત વીતાવી. સવારે મરી ગયેલો ઘોડો તેણે જોયો પણ ત્યાં પોતાની કાંતા ક્યાંય ન હતી. ત્યારે શ્રીદત્ત મૃગાંક તલવાર ઝાડના થડ આગળ મૂકી ઝાડ પર ચઢ્યો. તે વખતે તે રસ્તે થઈને કોઈ પારધિનો સેનાધિપતિ આવ્યો અને તેણે ઝાડના થડ આગળ મૂકેલી તલવાર લઈ લીધી. તેને જોઈને શ્રીદત્તે ઝાડ પરથી ઊતરીને ભીલને મૃગાંકવતીના સમાચાર પૂછ્યા.
‘અહીંથી તમે મારે ગામ આવો. મોટે ભાગે તે ત્યાં ગઈ હશે. હું ત્યાં જ જઉં છું અને તમારી તલવાર પણ પછી આપું છું.’
આમ કહી તેણે શ્રીદત્તને પોતાને ગામ મોકલ્યો, તેના માણસો સાથે તે ગામમાં જઈ પહોંચ્યો. તેના માણસોએ ‘ચાલો, આરામ કરો.’ એટલે શ્રીદત્ત સૂઈ ગયો. જાગીને જોયું તો તેના પગ સાંકળ વડે બાંધેલા હતા. જાણે મૃગાંકવતીનો પત્તો ન મેળવી શક્યો એટલે તેના પગને શિક્ષા કરી.
ઘડીકમાં સુખ આપનારી અને ઘડીકમાં દુઃખ આપનારી મૃગાંકવતી દૈવગતિ સમાન છે એમ વિચારતો શ્રીદત્ત બંધાયેલા પગ સાથે પડી રહ્યો. આમ વિચારી રહેલા શ્રીદત્ત પાસે મોચનિકા નામની દાસીએ આવીને કહ્યું, ‘હે મહાભાગ, તમે અહીં મરવા માટે કેમ આવ્યા છો? તે ભીલરાજ કોઈ કાર્ય માટે ક્યાંક ગયો છે અને આવીને ચંડિકા દેવીને તમારો બલિ ચઢાવશે. એટલે તમને વિંધ્યના વનમાંથી અહીં ચતુરાઈથી મોકલ્યા અને કેદ કર્યા છે. દેવીને તમારું બલિદાન આપવાનું છે એટલે ઉત્તમ ભોજન અને વસ્ત્રોની વ્યવસ્થા કરી છે. જો તમે માનો તો એક રીતે બચી શકો. એ ભીલરાજની સુંદરી નામે એક કન્યા છે. તે તમને જોઈને કામવિહ્વળ થઈ ઊઠી છે. મારી એ સખી સાથે તમે લગ્ન કરી લો તો તમારું કલ્યાણ થશે.’
શ્રીદત્તે આ વાત માની લીધી અને ગાંધર્વવિવાહ કરી લીધો. તે સુંદરી દરરોજ રાતે શ્રીદત્તની સાંકળો ખોલી નાખતી હતી, થોડા દિવસોમાં તે સગર્ભા થઈ. કેટલાક દિવસો પછી સુંદરીની માતાએ મોચનિકા દ્વારા બધી વાત જાણી અને જમાઈને સ્નેહપૂર્વક કહ્યું, ‘પુત્ર, સુંદરીનો પિતા શ્રીચંડ બહુ ક્રોધી છે. તે તને છોડશે નહીં, એટલે તું જા પણ સુંદરીને ભૂલીશ નહીં.’
એમ કહી સાસુએ શ્રીદત્તને છોડાવ્યો, ભીલરાજા પાસે પોતાની તલવાર છે એ માટે સુંદરીને સમજાવી, ચિંતાતુર હૈયે મૃગાવતીનો પત્તો મેળવવા વિંધ્યવનમાં ગયો. જતી વેળાએ તેને શુકન થયા, તે મરેલા ઘોડા આગળ અને જ્યાં મૃગાંકવતીને ઊભી રાખી હતી તે જગાએ જઈ પહોંચ્યો, ત્યાં એક વ્યાધ સામેથી આવી રહ્યો હતો એટલે તેણે તેને મૃગાંકવતીના સમાચાર પૂછ્યા.
‘શું તમે જ શ્રીદત્ત છો?’ તેણે આમ પૂછ્યું એટલે શ્રીદત્તે લાંબો નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘હા, હું એ જ મંદભાગી શ્રીદત્ત છું.’
તે વ્યાધે કહ્યું, ‘મિત્ર, કહું છું, સાંભળો. તમારું નામ લઈને રડતી તમારી પત્નીને આમતેમ ભટકતી મેં જોઈ. તેની પાસેથી બધી વાત સાંભળીને, તેને સમજાવીને હું મારે ગામ લઈ ગયો. ત્યાં યુવાન ભીલોને જોઈ મને બીક લાગી એટલે હું તેને વિશ્વદત્ત પાસેના નાગસ્થળ નામની જગ્યાએ લઈ ગયો. ત્યાં વિશ્વદત્ત નામના વૃદ્ધ બ્રાહ્મણને ત્યાં ગૌરવપૂર્વક અમાનત તરીકે મૂકીને તેની પાસેથી જ તમારું નામ સાંભળીને હું તમને શોધવા અહીં આવ્યો છું. હવે તમે નાગસ્થળ જાઓ.’
તેની વાત સાંભળીને શ્રીદત્ત તરત જ ત્યાંથી નીકળી પડ્યો અને બીજે દિવસે સાંજે નાગસ્થળ પહોંચી ગયો. ત્યાં વિશ્વદત્તને ઘેર જઈ કહ્યું, ‘વ્યાધે તમને સોંપેલી મારી પત્ની આપો.’
તે સાંભળીને વિશ્વદત્તે કહ્યું, ‘મથુરામાં મારો એક મિત્ર છે. તે ઉપાધ્યાય છે અને રાજા શૂરસેનનો મંત્રી પણ છે. તેને ત્યાં તારી પત્નીને હું મૂકી આવ્યો છું. આ ગામ નિર્જન છે, અહીં તેની રક્ષા ન થાત, તું સવારે ત્યાં જજે, રાત અહીં જ ગાળ.’
વિશ્વદત્તે આમ કહ્યું એટલે શ્રીદત્તે રાત ત્યાં જ ગાળી અને બીજે દિવસે સવારે તે મથુરા જઈ પહોંચ્યો.
રસ્તો લાંબો હતો એટલે મેલોઘેલો — થાકેલો શ્રીદત્ત નગરની બહાર જ રોકાઈ ગયો અને સ્વચ્છ વાવમાં નહાવા પડ્યો. સ્નાન કરતી વખતે ચોરોએ સંતાડેલાં કેટલાંક વસ્ત્ર તેને મળ્યાં, એમાં એક છેડે બાંધેલો કિંમતી હાર હતો. શ્રીદત્તની નજરે તે ન પડ્યો. એ વસ્ત્રો લઈને મૃગાંકવતીને મળવાની ઇચ્છાથી તે મથુરામાં પ્રવેશ્યો. તે વસ્ત્રો અને ચોરોએ છુપાવેલા હારને કારણે નગરરક્ષકોએ તેને પકડ્યો, અને એ બધા સાથે નગરાધિપતિ આગળ તેને લઈ ગયા. તેણે રાજાને સમાચાર જણાવ્યા અને રાજાએ તેને વધસ્તંભે લઈ જવાની આજ્ઞા આપી. નગારાના અવાજ સાથે શ્રીદત્તને ફાંસીના માંચડે લઈ જતા હતા ત્યારે મૃગાંકવતીએ તેને જોયો, રાજ્યના બીજા જે મંત્રીને ત્યાં રહેતી હતી તેની પાસે જઈને તે કહેવા લાગી, ‘મારા પતિને ફાંસીના માંચડે લઈ જાય છે.’ તે મંત્રીએ પોતાની આજ્ઞા વડે મારાઓને રોક્યા અને રાજાને જણાવી શ્રીદત્તને દંડયુક્ત કરી પોતાને ઘેર બોલાવ્યો. ‘અરે, આ તો પૂર્વે બીજા દેશમાં જઈને વસેલા મારા કાકા વિગતભય અહીં કારભારીની પદવી પામ્યા છે.’ શ્રીદત્તે પૂછપરછ કરીને મંત્રીને ઓળખી કાઢ્યા. અને તેમને પગે પડ્યો. તે મંત્રી પોતાના ભત્રીજાને જોઈને આશ્ચર્ય પામ્યો, તેને ભેટી પડ્યો. પછી બધા સમાચાર પૂછ્યા. એટલે શ્રીદત્તે પિતાની હત્યા સુધીના સમાચાર જાણીને તેમણે આંસુ સાર્યાં અને એકાંતમાં કહ્યું, ‘હે પુત્ર, તું કોઈ વાતે મુંઝાઈશ નહીં. મને યક્ષિણી પ્રસન્ન થયેલી છે અને તેણે મને પાંચ હજાર ઘોડા અને સાત કરોડ સુવર્ણમુદ્રાઓ આપી છે. મારે કોઈ પુત્ર નથી. એટલે આ બધું ધન તારું.’
એમ કહી કાકાએ ભત્રીજાને બધું ધન આપી દીધું. શ્રીદત્તે પણ ધન મેળવીને મૃગાંકવતી સાથે લગ્ન કર્યું. તે પત્ની સાથે ત્યાં જ રોકાઈ ગયો અને રાત્રે ચંદ્રના પ્રભાવે ખીલતા કુમુદની જેમ આનંદિત અને પ્રફુલ્લિત રહેવા લાગ્યો. પુષ્કળ ધન મેળવેલા શ્રીદત્તના હૃદયમાં બાહુશાલી અને બીજા મિત્રોની ચિંતા ચંદ્રકલંકની જેમ ખૂંચતી હતી.
એક વેળા કાકાએ એકાંતમાં શ્રીદત્તને કહ્યું, ‘દીકરા, રાજા સૂરસેનની એક જ કન્યા છે. રાજાની આજ્ઞાથી હું તેને અવન્તી દેશમાં લઈ જવાનો છું. આ બહાને તેનું હરણ કરીને હું તને આપીશ. પછી તેનું સૈન્ય આવશે તો આપણે તેમને જીતી લઈશું. એટલે લક્ષ્મીજીએ તને રાજ્ય મળવાની જે વાત કરી તે સફળ થશે.’
આવું નક્કી કરીને કાકા વિગતભય અને ભત્રીજો શ્રીદત્ત સૈન્ય અને લગ્નસામગ્રી સાથે ઉજ્જયિની જવા નીકળ્યા. કાકાએ કહ્યું, ‘આ પ્રકારે તે રાજાની સેના અને મારી સેના મેળવીને તું રાજ્ય મેળવીશ, જાણે લક્ષ્મીએ તારા માટે આદેશ આપ્યો છે.’
આ બંને જ્યારે વિંધ્ય પર્વતના અરણ્યમાં પહોંચ્યા ત્યારે ચોરડાકુઓની એક મોટી સેનાએ બાણવર્ષા કરીને તેમને અટકાવ્યા. સૈનિકો ભાગી ગયા, આઘાતથી મૂચ્છિર્ત શ્રીદત્તને ચોરો હાથપગ બાંધીને પોતાને ગામ લઈ ગયા. ત્યાં લઈ જઈને ચંડિકાના એક ભયાનક મંદિરમાં તેનો બલિ ચઢાવવા લઈ ગયા. ત્યાં જાણે તેના મૃત્યુનું આહ્વાન કરતો ઘંટનાદ થઈ રહ્યો હતો.
ત્યાં ભીલરાજની પુત્રી સુંદરી બાળકને લઈને બલિદાનનું દૃશ્ય જોવા આવી. પિતાના મૃત્યુ પછી તે રાજ કરતી હતી.
આનંદિત થયેલી સુંદરીએ તે લૂંટારાઓને વધ કરતા અટકાવ્યા. શ્રીદત્ત હર્ષ અનુભવતો સુંદરીને ત્યાં ગયો. ચોરોથી ત્રસ્ત કાકા તથા સેનાસામગ્રી સાથે શ્રીદત્તે મૃગાંક તલવાર પણ મેળવી. શ્રીદત્ત શૂરસેનની કન્યા સાથે વિવાહ કરીને તે નગરનો મોટો રાજા બન્યો. પછી સાસરિયાના દૂતોને મારી નાખ્યા.
શ્રીદત્તે રાજા બિંબકિ અને શૂરસેનને ત્યાં પોતાના દૂત મોકલ્યા. પોતાની કન્યાઓ માટેના સ્નેહને કારણે બંને રાજા પોતાની સેના-સામગ્રી સાથે વિવાહ માટે ત્યાં આવ્યા. વિખૂટા પડેલા બાહુશાલી અને બીજા મિત્રો પણ ઘા રુઝાયા પછી સ્વસ્થ થઈ શ્રીદત્ત પાસે આવી પહોંચ્યા.
ત્યાર પછી સસરાઓ અને તેમની સાથે શ્રીદત્તે પોતાના પિતાના હત્યારા અને દુશ્મન પાટલીપુત્ર નરેશ વિક્રમશકિતને પોતાના ક્રોધાગ્નિમાં હોમી દીધો.
ત્યાર પછી સમુદ્ર સુધીની પૃથ્વીનું રાજ્ય મેળવીને શ્રીદત્ત સમ્રાટ બની ગયો અને આનંદ કરવા લાગ્યો.