ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/સરભંગ જાતક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સરભંગ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા પુરોહિતની પત્નીના પેટે બોધિસત્ત્વે પૂરા દસ મહિને પ્રભાતકાળે જન્મ લીધો. ત્યારે બાર યોજનવાળી વારાણસીમાં બધાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં. પુત્રજન્મ વેળા પુરોહિતે ઘરની બહાર નીકળી આકાશમાં નક્ષત્રોનો યોગ જોયો. આ નક્ષત્રયોગે જન્મ લેવાને કારણે આ કુમાર સમગ્ર જંબુદ્વીપના ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ નીવડશે એવું તેમને લાગ્યું. ચઢતા પહોરે તે રાજમહેલ ગયા અને રાજા સાથે આનંદપૂર્વક વાર્તાલાપ કર્યો. રાજાએ કહ્યું, ‘આચાર્ય, મને સુખ ક્યાં? આજે આખા મહેલનાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં છે.’

‘મહારાજ, ભય ન પામતા. તમારા મહેલમાં જ નહીં, આજે આખા નગરમાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં છે. આજે અમારે ત્યાં પુત્રજન્મ થયો એટલે આમ બન્યું છે.’

‘આચાર્ય, જે બાળકનો જન્મ આવો થયો છે તે શું થશે?’

‘મહારાજ, બીજું કંઈ નહીં. તે સમગ્ર જંબુદ્વીપમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી થશે.

‘ભલે. તેનું ભરણપોષણ કરો. મોટો થાય ત્યારે મારી પાસે લાવજો.’

રાજાએ કુમારના દૂધ માટે હજાર અપાવ્યા. પુરોહિત એ લઈને ઘેર આવ્યા. જન્મ વેળા બધાં શસ્ત્રો ઝગી ઊઠ્યાં એટલે નામકરણના દિવસે તેનું નામ જ્યોતિપાલ રાખ્યું. તે રંગેચંગે મોટો થવા લાગ્યો. સોળ વરસની ઉમરે તે બહુ બળવાન થયો.

તેનું શરીરસૌષ્ઠવ જોઈને પિતાએ એક દિવસ કહ્યું, ‘દીકરા, તક્ષશિલા જઈને વિખ્યાત આચાર્ય પાસે વિદ્યા ભણીને આવ.’

તેણે હા પાડી, આચાર્યને આપવાનાં નાણાં લઈ માતાપિતાને પ્રણામ કરી તે ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને આચાર્યને હજાર આપી વિદ્યાઅધ્યયન આરંભ્યું. એક સપ્તાહમાં તે નિપુણ થઈ ગયો. આચાર્યે સંતોષ પામીને પોતાની પાસેનાં તલવાર, ઘેટાના શિંગડાનું ધનુષ, ભાથો, કવચ, કંચુક વગેરે આપ્યાં, ‘જ્યોતિપાલ, હવે મારી ઉંમર થઈ છે. તું જ આ શિષ્યોને શીખવ.’ એમ કહી પાંચસો શિષ્ય સોંપી દીધા.

બોધિસત્ત્વે પછી આચાર્યને વંદન કરી વારાણસી આવી માતાપિતાને પ્રણામ કર્યાં. હાથ જોડીને તે ઊભો હતો ત્યારે પિતાએ પૂછ્યું,

‘વિદ્યા ભણી આવ્યો?’

‘હા.’

એ સાંભળીને પિતા રાજા પાસે ગયા,‘દેવ, મારો પુત્ર વિદ્યા ભણી આવ્યો. હવે શું કરવું છે?’

‘આચાર્ય, મારી સેવામાં રાખો.’

‘દેવ, તેનું વેતન?’

‘દરરોજ હજાર આપીશું.’

તેમણે હા પાડી. ઘરે જઈ કુમારને બોલાવી કહ્યું, ‘હવે તું રાજાની સેવામાં રહેજે.’

ત્યારથી કુમાર દરરોજ હજાર લઈને રાજાની સેવા કરવા લાગ્યો. રાજમહેલના માણસો બળી ઊઠ્યા. ‘આપણને જ્યોતિપાલનો કસબ જોવા મળતો નથી. દરરોજ હજાર લે છે. આપણે એની વિદ્યા જોવી છે.’

રાજાએ તેમની વાત પુરોહિતને કરી. પુરોહિતે ‘ભલે,’ કહ્યું અને પુત્રને જણાવ્યું. તેણે કહ્યું, ‘સારું પિતાજી, આજથી સાતમા દિવસે હું દેખાડીશ. રાજ્યના બધા ધનુર્ધારીઓને એકઠા કરવા રાજાને જણાવો.’ પુરોહિતે એ વાત રાજાને કરી. રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી બધા ધનુર્ધારીઓને એકઠા કર્યા. સાઠ હજાર એકઠા થયા. એ બધા એકઠા થયા છે એવા સમાચાર રાજાને મળ્યા એટલે નગરમાં ઘોષણા કરાવી કે નગરવાસીઓ જ્યોતિપાલની ધનુર્વિદ્યા જોવા પધારે. રાજમહેલનું આંગણું સજાવ્યું, પોતે પ્રજાની વચ્ચે શ્રેષ્ઠ આસન પર રાજા બેઠા અને જ્યોતિપાલને બોલાવ્યો. તે આચાર્યે આપેલાં ધનુષ, ભાથો, કવચ વગેરેને કપડાથી ઢાંકી તલવાર કાઢીને સામાન્ય પોશાકમાં રાજાની પાસે જઈને ઊભો રહ્યો. ધનુર્ધારીઓ અંદર અંદર બોલ્યા, ‘જ્યોતિપાલ ધનુર્વિદ્યાની પરીક્ષા આપવા આવ્યો છે અને ધનુષ્ય તો તેની પાસે નથી. તે આપણું ધનુષ લેવા માગતો હશે. આપણે નહીં આપીએ.’ રાજાએ જ્યોતિપાલને કહ્યું,‘ચાલ, તારી વિદ્યા બતાવ.’

તેણે કનાત બંધાવી અને તેની અંદર પ્રવેશી વસ્ત્ર દૂર કરી કવચ પહેર્યું. માથે શિરત્રાણ મૂક્યું, ઘેટાના શિંગડાવાળા ધનુષ્યમાં પરવાળાના રંગની પ્રત્યંચા બાંધી, પીઠે ભાથું લટકાવ્યું, ડાબી બાજુ તલવાર લટકાવી, વજ્ર જેવી ધારવાળા તીરને નખ પર ઘુમાવી કનાતમાંથી જાણે પૃથ્વી વીંધીને અલંકૃત નાગની જેમ બહાર આવ્યો. કનાતમાંથી બહાર નીકળીને રાજાને વંદન કર્યા અને તે એક બાજુ ઊભો રહી ગયો. તેને જોઈને પ્રજાજનો હર્ષના પોકાર કરવા લાગ્યા, તેમણે તાળીઓ પાડી. રાજાએ કહ્યું, ‘જ્યોતિપાલ, હવે વિદ્યા બતાવ.’

‘મહારાજ, આ ધનુર્ધારીઓમાંથી ચાર ક્ષણવેધી, શાલવેધી, શબ્દવેધી, શરવેધી ધનુર્ધારીઓને બોલાવો.’

રાજાએ તેમને બોલાવ્યા. બોધિસત્ત્વે ત્યાં મંડપના ચારે ખૂણે તે ચારેયને ઊભા રાખ્યા. પછી દરેકને ત્રીસ ત્રીસ હજાર તીર અપાવ્યાં. દરેકની પાસે તીર આપનારાને ગોઠવ્યો. પછી પોતે વજ્રની ધાર જેવાં તીર લઈ મંડપની વચ્ચોવચ ઊભો રહીને તે બોલ્યો, ‘મહારાજ, આ ચારેય ધનુર્ધારી એક સાથે તીર ચલાવીને મને વીંધે, હું તેમનાં તીર અટકાવીશ.’

રાજાએ એમ કરવા આજ્ઞા આપી.

‘મહારાજ, અમે બધા ક્ષણવેધી, શાલવેધી, શબ્દવેધી, શરવેધી છીએ, જ્યોતિપાલ બાળક છે. અમે એને નહીં વીંધીએ.’

બોધિસત્ત્વે કહ્યું, ‘જો શક્તિ છે તો મને વીંધો.’

તેમણે ‘ભલે, કહીને એક સાથે તીર ચલાવ્યાં અને બોધિસત્ત્વે પોતાના તીર વડે તેમને પાડી નાખ્યાં. ધનુર્ધારીઓનાં તીર ખલાસ થઈ ગયાં. બોધિસત્ત્વને જેવી જાણ થઈ કે તેમનાં તીર ખલાસ થઈ ગયાં એવો તે તીરોના ઢગલાને જરાય આંચ ન આવે એવી રીતે કૂદીને રાજા પાસે ગયો. પ્રજાજનોએ આનંદના મોટા પોકારો કર્યા, તાળીઓ પાડી, વસ્ત્રાલંકાર ઉછાળ્યા. આમ અઢાર કરોડ જેટલું ધન એકઠું થઈ ગયું.

રાજાએ જ્યોતિપાલને પૂછયું, ‘જ્યોતિપાલ, આ ધનુર્વિદ્યાનું શું નામ?’

‘દેવ, તીરોને રોકવાની વિદ્યા.’

‘આનો જાણકાર બીજો કોઈ છે?’

‘મહારાજ, સમગ્ર જંબુદ્વીપમાં મારા સિવાય કોઈ નથી.’

‘તો બીજું કશું દેખાડ.’

‘મહારાજ, આ ચારેય જણ ચાર ખૂણા પર ઊભા રહીને મને વીંધી ન શક્યા, પણ ચારેય ખૂણે ઊભેલા આ ચારેયને એક જ તીરથી વીંધી બતાવું.’

ધનુર્ધારીઓએ ત્યાં ઊભા રહેવાની હિંમત ન દાખવી. બોધિસત્ત્વે ચારે ખૂણે કેળના થાંભલા ઊભા કરાવ્યા. પછી ત્રણને લાલ રંગની દોરી બાંધી એક કેળ પર તીર છોડ્યું. એ તીરે પહેલા થાંભલાને વીંધી, બીજાને, ત્રીજાને અને પછી ચોથાને વીંધ્યા. પછી ચોથાનું તીર પહેલા વીંધેલા થાંભલાને વીંધીને ફરી બોધિસત્ત્વના હાથમાં આવી ગયું. કેળના થાંભલામાં સૂત્ર પરોવાઈ ગયું. પ્રજાજનોએ ભારે હર્ષનાદ કર્યો.

‘આ કઈ વિદ્યા?’

‘ચક્ર વીંધવાની વિદ્યા.’

‘હજુ બીજું કરી દેખાડ.’

બોધિસત્ત્વે શર-સાઠી, શર-રજ્જુ, શર-વેણીનું નિદર્શન કર્યું. શરપ્રાસાદ, શરમંડપ, શરસોપાન, શરપુષ્કરિણી રચ્યાં. શરપદ્મ ખીલવ્યું. શરવર્ષા કરી. આમ બીજાઓને મન અસાધારણ એવી બાર વિદ્યાઓનું નિદર્શન કરી સાત મોટી વસ્તુઓને વીંધી આઠ આંગળ જાડી સાંકળ વીંધી. ચાર આંગળ જાડી શિલા વીંધી. બે આંગળ જાડું તામ્રપત્ર. એક આંગળ જાડું લોહપત્ર. પછી એક સાથે બાંધેલા સો પટ્ટા એકી સાથે ચીર્યા. પછી પરાળનાં ગાડાં, રેતીનાં ગાડાં અને પાટડાનાં ગાડાંની આગળ તીર મારી પાછળ બાજુથી તીર કાઢ્યું, પાછળથી તીર મારી આગળથી કાઢ્યું. પાણીમાં ઊભેલા ચાર વૃષભ અને જમીન પર ઊભેલા આઠ વૃષભ સુધી તીર ફેંક્યા...

આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. રાજાએ તેને સેનાપતિપદ આપવાની ઘોષણા કરી કહ્યું, ‘જ્યોતિપાલ, આજે હવે સમય થઈ ગયો છે. આવતી કાલે સેનાપતિપદ સંભાળજે. દાઢી કરી, સ્નાન કરીને આવજે.’ તે દિવસે ખર્ચ પેટે તેને એક લાખ આપ્યા.

બોધિસત્ત્વે કહ્યું, ‘મારે આની જરૂર નથી.’ એમ કહી અઢાર કરોડ ધન જેનું હતું તેમને આપી દીધું. પછી નહાવા ગયો. દાઢી કરાવી, સ્નાન કરી, અલંકારો ધારણ કર્યા. સુંદર વેશે ઘરમાં પ્રવેશ્યો. વિવિધ વ્યંજન આરોગી પથારીમાં આડો પડ્યો. પાછલે પહોરે ઊઠ્યો અને પોતાની ધનુર્વિદ્યાના આરંભ, મધ્ય અને અંત વિશે વિચારવા લાગ્યો. તેને લાગ્યું કે મારી ધનુર્વિદ્યાના આરંભે મૃત્યુ છે, મધ્યમાં કામભોગ છે અને અંતમાં મૃત્યુ છે. પ્રાણાતિપાતનું પરિણામ મૃત્યુ અને એમાં અતિપ્રમાદ નરકમાં લઈ જાય છે. રાજાએ મને સેનાપતિપદ સોંપ્યું છે. હું બહુ સમૃદ્ધ થઈશ. મને પત્ની અને અનેક પુત્રપુત્રી પ્રાપ્ત થશે. કામભોગની વૃદ્ધિ થતાં તેમનો ત્યાગ કરવો અઘરો થઈ પડે છે. મારે માટે અત્યારે જ ગૃહત્યાગ કરીને એકલો વનમાં જતો રહું અને ઋષિઓના પ્રવજ્યાક્રમથી પ્રવજિર્ત થઈ જઉં.’

આમ વિચારી બોધિસત્ત્વ પથારીમાંથી બેઠા થયા અને એકલા જ વનમાં પ્રવેશ્યા. ગોદાવરી તટે ત્રણ યોજન વિસ્તારવાળા ખેરના વનમાં ગયા.

ઇન્દ્રને જાણ થઈ કે બોધિસત્ત્વે મહાભિનિષ્ક્રમણ કર્યુ છે. તો તેમણે વિશ્વકર્માને બોલાવીને કહ્યું, ‘જ્યોતિપાલે મહાભિનિષ્ક્રમણ કર્યું છે. બહુ મોટો ઉત્સવ થશે. ગોદાવરી તટે ખેરના વનમાં આશ્રમ ઊભો કરી પ્રવજિર્તોની જરૂરિયાતો ત્યાં પહોંચાડો.’ તેમણે એમ જ કર્યું.

બોધિસત્ત્વે ત્યાં પહોંચીને પગદંડી જોઈ વિચાર્યું, પ્રવજિર્તો માટે નિવાસગૃહો હશે. તે માર્ગે તેઓ ત્યાં પહોંચ્યા — પણ કોઈને ત્યાં જોયા નહી, પરંતુ પ્રવજિર્તો માટેની બધી જરૂરિયાતો જોઈ.

‘એવું લાગે છે કે ઇન્દ્રે મેં પ્રવજ્યા લીધી એ વાત જાણી લીધી છે. પોતાનું વસ્ત્ર ઉતારીને રાતા રંગનું વસ્ત્ર પહેરી એક ખભે મૃગચર્મ મૂક્યું. પછી જટા બાંધી, ખભે થેલી મૂકી. હાથમાં વૈશાખી લઈ પર્ણશાળામાંથી નીકળી ચક્રણભૂમિ પર ચઢી કેટલીય વાર આમતેમ ઘૂમ્યા. પ્રવજ્યાશ્રીથી અને વનને સુશોભિત કરતાં તે યોગવિધિ વડે પ્રવજ્યાના સાતમા દિવસે આઠ સમાપત્તિ અને પાંચ અભિજ્ઞા પ્રાપ્ત કરી ફલમૂળ ચૂંટીને ખાઈ કરી એકલા જ રહેવા લાગ્યા.

આ બાજુ તેમના સ્વજનો, માતાપિતા, મિત્રો તેને ત્યાં જ જોઈ રડતાકકળતા ભટકતા હતા. એક વનવાસીએ ખેરના આશ્રમમાં બોધિસત્ત્વને ઓળખી કાઢ્યા અને એ સમાચાર તેમનાં માતાપિતાને પહોંચાડ્યા. તેમણે રાજાને આ વાત કરી. ‘ચાલો, તેમનાં દર્શન કરવા જઈએ’ એમ કહી રાજા, બોધિસત્ત્વના માતાપિતા, અનુયાયીઓને લઈને વનવાસીએ ચીંધેલા રસ્તે ગોદાવરી તટે પહોંચ્યા. બોધિસત્ત્વે નદીકાંઠે ખુલ્લામાં બેસીને ધર્મોપદેશ સંભળાવ્યો. અને બધાને આશ્રમમાં લઈ ગયા. ત્યાં પણ આકાશમાં બેઠા બેઠા કામભોગોના દોષ વર્ણવ્યા. રાજાથી માંડીને બધા પ્રવજિત થઈ ગયા. ઋષિસમૂહથી ઘેરાયેલા બોધિસત્ત્વ ત્યાં રહેવા લાગ્યા. તેમના ત્યાં રહેવાની વાત સમગ્ર જંબુદ્વીપમાં પ્રસરી ગઈ. રાજાથી માંડીને પ્રજાજનો તેમની પાસે આવીને પ્રવજ્યા લેવા લાગ્યા. સંખ્યા વધી ગઈ. ધીમે ધીમે હજારોની સંખ્યા થઈ. જે કોઇ કામભોગ, ક્રોધ, હિંસા વિશે પ્રશ્ન કરે તેની આગળ બોધિસત્ત્વ આવીને આશ્રમમાં સ્થિર થઈ તેમને ધર્મોપદેશ આપતા.

તેમનો ઉપદેશ ગ્રહણ કરી, સમાપત્તિ પ્રાપ્ત કરી નિષ્ણાત થયેલા સાત મુખ્ય શિષ્ય હતા — સાલિસ્વર, મેણ્ઙિસર, પબ્બત, કાળોવલ, કિસવચ્છ, અનુસિસ્સ તથા નારદ. ધીમે ધીમે ખેર આશ્રમ ભરચક થઈ ગયો. ઋષિઓને રહેવા માટે જગા ન રહી.

ત્યારે બોધિસત્ત્વે સાલિસ્વરને બોલાવીને કહ્યું, ‘આ આશ્રમ હવે ઋષિઓ માટે પૂરતો નથી. તું આ ઋષિઓને લઈ ચંડપ્રદ્યોતના રાજમાં લમ્બમૂલક કરવેના આશ્રમમાં રહે.’ તે હા પાડીને હજાર ઋષિઓને લઈને ત્યાં ચાલ્યો ગયો. ફરી આવનારાઓને કારણે આશ્રમ ભરાઈ ગયો. બોધિસત્ત્વે મેંડિસ્સરને બોલાવીને સુંટ્કજનપદની સીમા પર સાતીદિકા નદીને કિનારે આ ઋષિઓને લઈ જઈને વસવા કહ્યું. આમ ત્રીજી વખત પબ્બતને મહાઅટવીના વનવિસ્તારમાં આશ્રમ વસાવવા કહ્યું. ચોેથી વખત કાળદેવલની દક્ષિણ દિશાએ અવંતીપ્રદેશમાં ઘનશૈલ નામના પર્વત પાસે આશ્રમ વસાવવા કહ્યું. ફરી ખેર આશ્રમ ભરાઈ ગયો. પાંચે સ્થળે ઋષિઓ વહેંચાઈ ગયા. કિસવચ્છ બોધિસત્ત્વની આજ્ઞા લઈ દંડકી રાજાના પ્રદેશમાં કુંભવતી નગરમાં સેનાપતિના આશ્રયે ઉદ્યાનમાં રહેવા લાગ્યો. નારદ મજિઝપ્રદેશમાં વરંવર નામના પર્વત પાસે રહેવા લાગ્યો. અનુસિસ્સ બોધિસત્ત્વ પાસે જ રહી ગયો.

તે સમયે દંડકી રાજાએ એક સત્કારપ્રાપ્ત વારાંગનાને સ્થાનભ્રષ્ટ કરી દીધી. તે ભમતી ભમતી ઉદ્યાનમાં જઈ પહોંચી અને તેણે કિસવચ્છ તપસ્વીને જોઈને ‘આ અપશુકનિયાળ હશે, એના શરીર પર થૂંકીને સ્નાન કરીને જઈશ.’ તેણે દાતણ કરીને સૌથી પહેલું થૂંક તપસ્વીની જટામાં કાઢ્યું. પછી દાતણ પણ એના માથામાં નાખીને નાહી કરીને ગઈ. રાજાએ તેને યાદ કરીને પહેલાંના પદે સ્થાન આપ્યું. મૂઢતાને કારણે માની લીધું કે તે અપશુકનિયાળના માથા પર થૂંકવાથી મને ફરી સ્થાન મળ્યું. થોડા સમય પછી રાજાએ પુરોહિતને સ્થાનભ્રષ્ટ કર્યો. તેણે પેલી સ્ત્રીને બોલાવીને પૂછ્યું, ‘તને ફરી રાજાએ કેવી રીતે પ્રતિષ્ઠિત કરી?’ તેણે જવાબ આપ્યો. રાજાના ઉદ્યાનમાં એક અપશુકનિયાળ છે, તેના માથા પર થૂંકવાથી.’ પુરોહિતે પણ ત્યાં જઈને થૂંક્યો. રાજાએ તેને પણ ફરી પ્રતિષ્ઠિત કર્યો.

થોડા સમય પછી રાજાના પ્રત્યન્ત પ્રદેશમાં બળવો થયો તે સેના લઈને લડવા ચાલ્યો. મૂઢ પુરોહિતે રાજાને પૂછ્યું, ‘મહારાજ, વિજય મેળવવો છે કે પરાજય?’ ‘વિજય.’ એટલે પુરોહિતે કહ્યું,‘ઉદ્યાનમાં એક અપશુકનિયાળ રહે છે, તેના શરીર પર થૂંકીને જાઓ.’ એટલે તેની વાત માની રાજાએ ફરમાન બહાર પાડ્યું કે મારી સાથે આવનારા બધા એ માણસ પર થૂંકો,’ એમ કહી તે ઉદ્યાન ગયો, દાતણ કર્યું અને સૌથી પહેલાં તે થૂંક્યો. દાતણ પણ તેની જટાઓમાં ફેંક્યું અને તેણે સ્નાન કર્યું. તેના સૈનિકો પણ થૂંક્યા. તે રાજાના ગયા પછી સેનાપતિએ તપસ્વીને જોયા, તેના માથા પરથી દાતણ કઢાવ્યા, સારી રીતે સ્નાન કરાવ્યું. પછી પૂછ્યું, ‘રાજાનું શું થશે?’

‘આયુષ્માન, મારા મનમાં તો કશું નથી. પણ દેવતાઓ ક્રોધે ભરાયા છે. આજથી સાતમા દિવસે આખું રાજ્ય નાશ પામી જશે. તમે હમણાં જ અહીંથી જતા રહો.’ તેણે ભયભીત થઈને રાજાને કહ્યું, રાજાને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો. સેનાપતિ ઘેર જઈને પત્ની અને સંતાનોને લઈને બીજા દેશમાં જતો રહ્યો. સરભંગ શાસ્તાને આ વાતની જાણ થઈ એટલે બે તરુણ તપસ્વીઓને મોકલી કિસવચ્છ તપસ્વીને ડોળીમાં બેસાડી આકાશ માર્ગે બોલાવી લીધો. રાજા યુદ્ધ કરીને બળવાખોરોને પકડીને નગર પાછો ફર્યો.

તેના આગમન પર પહેલાં દેવતાઓએ વર્ષા કરી. વરસાદનું પૂર બધાને ઘસડી ગયું. પછી રેતી પર ફૂલોની વર્ષા કરી, માસાઓની વર્ષા, એની ઉપર કાષાર્પણોની વર્ષા, તથા તેમની દિવ્ય અલંકારોની વર્ષા થઈ. લોકોએ આનંદિત થઈ અલંકારો ભેગા કર્યા. તે જ વેળા તેમનાં શરીર પર વિવિધ પ્રજ્વલિત શસ્ત્રવર્ષા થઈ. માણસોના ટુકડે ટુકડા થઈ ગયા. તેમના ઉપર સળગતા અંગારા વરસ્યા. પછી મોટી મોટી શિલાઓ પડી. તેમના ઉપર સાઠ હાથ જેટલી જગ્યા ભરાઈ જાય એવી ઝીણી રેતી વરસી.

આમ સાઠ યોજનમાં વિસ્તરેલું રાજ્ય વિનાશ પામ્યું અને આ વિનાશની જાણ આખા જંબુદ્વીપમાં થઈ ગઈ.

તે વિસ્તારમાં રાજ્ય કરતા ત્રણ રાજાગણ કલિંગ, અટ્ટક્ક તથા ભીમરથ વિચારવા લાગ્યા, ‘એવું સાંભળ્યું છે કે ભૂતકાળમાં વારાણસીમાં કલાબૂ નામના કાશીરાજે શાંતિવાદી નામના તપસ્વીનો અપરાધ કર્યો, પરિણામે તે પૃથ્વીમાં પ્રવેશ્યો. એ જ રીતે નામિકીટ રાજાએ તપસ્વીને કૂતરાઓની પાસે ફાડી નખાવ્યો. સહબાહુ અર્જુને અંગીરસનો અપરાધ કર્યો. હવે દંડકી રાજાએ કિસવચ્છનો અપરાધ કરી રાષ્ટ્ર સમેત તે નાશ પામ્યો. આ ચારેય રાજાઓ ક્યાં જઈને પેદા થયા તે આપણે નથી જાણતા. સરભંગ શાસ્તા સિવાય આ કોઈ કહી નહીં શકે. તેમની પાસે જઈને પૂછીએ.’

તે ત્રણે રાજાઓ ધામધૂમપૂર્વક પ્રશ્નો પૂછવા નીકળ્યા. તેમને જાણ ન હતી કે કોઈ બીજું પણ એવી રીતે નીકળ્યું છે. દરેકે એમ જ માન્યું કે હું એકલો જ નીકળ્યો છું. તે બધા ગોદાવરી કાંઠે ભેગા થયા. જુદા જુદા રથમાંથી ઊતરીને એક જ રથમાં બેઠા.

તે વેળા પાંડુવર્ણ કંબલ સિંહાસન પર બેસીને ઇન્દ્રના મનમાં સાત પ્રશ્નો ઊઠ્યા. સરભંગ શાસ્તા સિવાય બીજું કોઈ આનો ઉત્તર આપી નહીં શકે. એટલે હું તેમને જ પૂછીશ. એટલે બંને દેવલોકોની સાથે પૃથ્વી પર ઊતર્યા. તે જ દિવસે કિસવચ્છનું અવસાન થયું. તેની ઉત્તરક્રિયા માટે ચારે સ્થળેથી હજારો ઋષિગણ ભેગા થયા. ચંદનની ચિતા રચી તેમના અગ્નિસંસ્કાર કર્યા; ચિતાની આસપાસ અડધા યોજન વિસ્તારમાં દિવ્ય પુષ્પોની વર્ષા થઈ.

બોધિસત્ત્વ ઉત્તરક્રિયા પૂરી કરી આશ્રમમાં પ્રવેશ્યા અને ઋષિઓના હૃદયમાં બિરાજ્યા. પેલા રાજાઓ નદીતટે પહોંચ્યા એટલે તેમની સેનાનું તૂર્ય વાગ્યું. બોધિસત્ત્વે એ સાંભળીને અનુસિસ્સ તપસ્વીને બોલાવી પૂછ્યું, ‘જરા જઈને જો તો આ અવાજ શાનો છે?’ તે પાણીનો ઘડો લઈને ગયો. ત્યાં પહોંચીને ત્રણ રાજાઓને જોયા. અને પછી તેણે પૂછ્યું,

‘અલંકૃત કુંડળોવાળા, સુંદર વસ્ત્રોવાળા, મોતી મઢેલી તલવારો લઈને આવેલા હે મહાશયો, ઊભા રહો, તમે બધા કોણ છો? લોક તમને કયા નામે સંબોધે છે?’

તપસ્વીની વાત સાંભળીને તેઓ રથમાંથી ઊતર્યા. નમસ્કાર કરીને ઊભા રહી ગયા. અટ્ટદકરાજે વાતચીત આરંભી. ‘મારું નામ અટ્ટદક, આ ભીમરથ છે અને આ વિખ્યાત કલિંગનરેશ છે. અમે અહીં સંયમી ઋષિઓનાં દર્શન કરી તેમને પ્રશ્ન પૂછવા માગીએ છીએ.’

તપસ્વીએ ઉત્તર આપ્યો. ‘ભલે મહારાજ, જ્યાં જવું જોઈએ ત્યાં જ તમે આવ્યા છો. સ્નાન કરો. થોડો આરામ કરો, આશ્રમમાં જઈ ઋષિઓને પ્રણામ કરી શાસ્તાને પ્રશ્ન પૂછો.’

પછી તેણે તેમની સાથે વાતચીત કરી, પાણીનો ઘડો ઊંચકી, નીચે ઢળેલું પાણી લૂછી, આકાશમાં ઇન્દ્ર સામે જોયું. ઇન્દ્ર સાથે દેવતાઓ હતા, અને દેવરાજ ઐરાવત પર બેસીને નીચે ઊતરી રહ્યા હતા.

‘હે આકાશમાં, અંતરીક્ષમાં ઊભેલા, પૂર્ણિમાના ચંદ્ર જેવા આકાશચારી, મહાપ્રતાપી યક્ષ, મર્ત્યલોકમાં લોકો તમને શું કહીને બોલાવે છે?’

ઇન્દ્રે કહ્યું, ‘દેવલોકમાં મને સુજમ્પતિ કહે છે, મર્ત્યલોકમાં મને મઘવા કહે છે. હું દેવેન્દ્ર, આજે અહીં ઋષિઓના દર્શન કરવા આવ્યો છું.’

અનુસિસ્સે કહ્યું, ‘ભલે, મહારાજાઓ — તમે પાછળ પાછળ આવો.’ તેણે પાણીનો ઘડો ઉઠાવ્યો અને આશ્રમમાં પ્રવેશી પાણીનો ઘડો તેની જગ્યાએ મૂક્યો. પછી ત્રણે મહારાજ અને દેવેન્દ્ર પ્રશ્નો પૂછવા આવ્યા છે એ વાત બોધિસત્ત્વને કરી. તે પોતે ઋષિઓની વચ્ચે મોટા મંડપમાં બેઠો. ત્રણે રાજા ઋષિઓને પ્રણામ કરી એક બાજુ બેઠા. ઇન્દ્ર પણ પૃથ્વી પર આવીને ઋષિઓને વંદન કરી બોલ્યા, ‘અમે દૂરથી સાંભળ્યું કે ગુણવાન ઋષિઓનું આગમન થયું છે. હે આર્યો, પ્રસન્ન થાઓ, લોકમાં શ્રેષ્ઠ એવા તમને સૌને વંદન.’

આમ ઋષિઓને પ્રણામ કરી બેસવાના છ દોષથી બચીને ઇન્દ્ર એક બાજુ બેઠા. ઋષિઓ તરફથી આવતી હવામાં બેઠેલા જોઈ અનુસિસ્સે કહ્યું, ‘ચિરપ્રવજિર્ત ઋષિઓના શરીરમાંથી નીકળતી હવાની દિશામાં તમે બેઠા છો, દેવરાજ, ઋષિઓના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે.

આ સાંભળી ઇન્દ્રે કહ્યું,‘ચિરપ્રવજિર્ત ઋષિઓના શરીરની ગંધ ભલે હવા અહીં લઈ આવે. અમે આ ગંધને વિચિત્ર ફૂલોની સુગંધ જેવી માનીએ છીએ. દેવતાઓ એને પ્રતિકૂળ નથી ગણતા.’ પછી ફરી બોલ્યા, ‘અનુસિસ્સ, હું બહુ ઉત્સાહથી પ્રશ્ન પૂછવા આવ્યો છું. અમને આજ્ઞા આપો.’

‘આ પુરંદર, ભૂતપતિ, યશસ્વી, દેવેન્દ્ર, મઘવા, સુજમ્પતિ, અસુરોનો નાશ કરનાર દેવરાજ પ્રશ્ન પૂછવા માગે છે. અહીં ઉપસ્થિત પંડિતોમાંથી કોણ આ ત્રણ રાજાઓના અને દેવેન્દ્ર શકના ઉત્તરો આપશે?’

ઋષિઓએ એ સાંભળી કહ્યું, ‘અનુસિસ્સ, પૃથ્વી પર ઊભા રહીને તને પૃથ્વી નથી દેખાતી એવી વાત કરે છે. સરભંગ શાસ્તા સિવાય કોણ આ પ્રશ્નો ઉત્તર આપી શકશે? આ તપસ્વી સરભંગ ઋષિ છે. જન્મથી તે બ્રહ્મચારી છે. આચાર્યપુત્ર છે, વિનયી છે. આ પ્રશ્નોના તે ઉત્તર આપશે.’

‘હે કોંડજ્જ, પ્રશ્નોના ઉત્તર આપો. સાધુરૂપ ઋષિઓ તમને પ્રાર્થે છે. હે કોંડજ્જ, માનવીઓમાં એ રૂઢિ છે કે જે જ્યેષ્ઠ હોય તેના પર આ જવાબદારી આવે છે.’

‘તમને પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા છે. મનમાં જે પ્રશ્ન થાય તે પૂછો. આ લોકનો તથા પરલોકનો જાણકાર હોઈ હું ઉત્તર આપીશ.’

એટલે ઇન્દ્રે પ્રશ્ન પૂછ્યો, ‘કોનો વધ કરવાથી ક્યારેય પસ્તાવો થતો નથી? ક્યા ત્યાગની ઋષિઓ પ્રશંસા કરે છે? કોનાં કઠોર વચન સહેવા જોઈએ?’

‘ક્રોધનો વધ કરવાનો પસ્તાવો ક્યારેય થતો નથી. ઋષિઓ ઢોંગના ત્યાગની પ્રશંસા કરે છે, બધાનાં કઠોર વચન સહેવાં જોઈએ.’

‘પોતાના સમોવડિયા કે પોતાનાથી ચઢિયાતા લોકોનાં વચન કેવી રીતે સાંભળવાં જોઈએ. પોતાનાથી જે નીચેનાં છે તેમની વાત કેવી રીતે સાંભળવી જોઈએ?’

‘પોતાનાથી મોટાનાં વચન ભયથી સહી લેવાય છે. સમોવડિયાનાં વચન ઝઘડાની ભીતિથી સહી લેવાય છે. જે પોતાનાથી નીચલા દરજ્જે છે તેમનું વચન સાંભળીએ તેને સંતો ઉત્તમ શાંતિ કહે છે.’

શક્રે કહ્યું, ‘ભગવન, પહેલાં તો તમે એવું કહ્યું કે બધાંનાં વચન સાંભળવાં જોઈએ. પછી એમ કહ્યું કે આપણાથી નીચેનાં વચન સાંભળવાં જોઈએ. આમાં વિરોધ નથી?’

બોધિસત્ત્વે કહ્યું, ‘શક્ર, મેં નીચલી જાતિનાં કઠોર વચન સાંભળવાની વાત કહી. કારણ કે માત્ર દેખાવ પરથી પ્રાણીઓની શ્રેષ્ઠતાનો ખ્યાલ આવતો નથી, એટલે શરૂઆતમાં મેં એવું કહ્યું. ઊઠવા બેસવાના ચાર પ્રકારનાં આચરણો વડે કેવી રીતે જાણી શકાય કે કોણ શ્રેષ્ઠ છે, અને કોણ હીન છે? શ્રેષ્ઠ લોકો પણ કુરૂપ દેખાતા હોય છે. એટલે બધાનાં વચન સાંભળો.

આ સાંભળી ઇન્દ્રના મનનું સમાધાન થયું. ‘ભગવન, શાંતિનો મહિમા કહો,’

બોધિસત્ત્વે કહ્યું, ‘જેને ક્ષમાવાન સત્પુરુષ પ્રાપ્ત કરી લે છે તેને રાજા સમેત વિશાળ સેના પણ પ્રાપ્ત નથી કરી શકાતી. તે ક્ષમા વડે જ વેર શમે છે.’

આમ બોધિસત્ત્વે ક્ષમાનો મહિમા કહી બતાવ્યો. પછી રાજાઓ વિચારવા લાગ્યા, ‘ઇન્દ્ર પ્રશ્નો પૂછ્યે જાય છે. આપણને તો પ્રશ્ન પૂછવાનો અવકાશ નહીં આપે?’ ઇન્દ્રે તેમના મનની વાત જાણી પોતાના બાકીના ચાર પ્રશ્નો ન પૂછ્યા. ‘તમારી વાતનું અનુમોદન કરીને હું બીજો પ્રશ્ન પૂછું છું. દંડકી, નાલિકીર, અર્જુન અને કલાબુ રાજાઓનું શું થયું? એ પાપીઓની ગતિ કહો, ઋષિઓને યાતના આપનારા ક્યાં ઉત્પન્ન થયા?’

બોધિસત્ત્વે કહ્યું, ‘દંડકી કિસવચ્છ ઋષિ પર થૂંક્યો તેને કારણે તે અને તેની પ્રજા, તેનું રાજ્ય નષ્ટ થયાં. તે કુક્કુલ નરકમાં સળગી રહ્યો છે. તેના શરીર પર અંગારા વરસી રહ્યા છે. નાળિકીર રાજાએ ધર્મોપદેશક, નિર્દોષ, સંયમી, પ્રવજિત શ્રમણોને છેતર્યા, તે રાજાને પરલોકમાં કૂતરા એકઠા થઈને ખાઈ રહ્યા છે, તે છટપટાય છે. ક્ષમાશીલ, ચિર બ્રહ્મચારી, તપસ્વી અંગીરસ ગૌતમને દુઃખી કરીને અર્જુન શક્તિશૂલ નરકમાં માથું નીચે અને પગ ઉપર કરીને પડ્યો છે. ક્ષમાશીલ, નિર્દોષ, પ્રવજિર્ત શ્રમણના ટુકડેટુકડા કરનાર રાજા મહાન કટુ, અવીચી નરકમાં સબડે છે. પંડિતો આ નરકની વાત સાંભળીને અને આનાથીય ભયાનક નરક છે તે જાણે અને શ્રમણો, સાધુઓ પ્રત્યે ધર્માચરણ કરે. આમ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે.’

ચાર રાજાઓની વાત સાંભળીને ત્રણ રાજાઓના મનનું સમાધાન થઈ ગયું. હવે ઇન્દ્રે બાકીના ચાર પ્રશ્નો પૂછ્યા, ‘હવે બાકીના પ્રશ્નોના ઉત્તર આપો. કયો માનવી શીલવાન, કોણ પ્રજ્ઞાવાન?’

‘જે કાયા, વાચા, મનથી સંયમી છે, મનમાં પણ જે પાપ નથી કરતો, સ્વાર્થથી પ્રેરાઈને જે અસત્ય બોલતો નથી તે માનવી સદાચારી. જે મનમાં ગંભીર પ્રશ્નો વિશે વિચારે છે, જે લોભને વશ થઈ આત્મહિતથી વિરુદ્ધ કશું કરતો નથી, જે આવનાર અવસરને જવા દેતો નથી તે પ્રજ્ઞાવાન. જે કૃતજ્ઞ છે, કરેલા ઉપકારનો બદલો વાળી જાણે છે, જે કલ્યાણપ્રિય છે, દૃઢ ભક્તિવાન છે, દુઃખી પર ઉપકાર કરવા તત્પર છે એ માનવી સત્પુરુષ છે. આવા બધા ગુણોવાળો, મૃદુ, સંવિભાગી, પ્રજ્ઞાવાન, સંગ્રાહક, મધુરભાષી, સ્નિગ્ધ છે. તેવા માનવીને શ્રી વરે છે.’

આમ આકાશમાં થતા ચંદ્રોદયની જેમ બોધિસત્ત્વે પ્રશ્નોના ઉત્તર આપ્યા. પછી ઇન્દ્રે બીજો પ્રશ્ન પૂછ્યો. ‘શીલ, સૌભાગ્ય, સત્પુરુષોનો ધર્મ અને પ્રજ્ઞા — આમાંથી સર્વશ્રેષ્ઠ શું છે?’

‘વિદ્વાનો પ્રજ્ઞાને શ્રેષ્ઠ કહે છે. તે તારાઓમાં ચંદ્ર સમી છે. શીલ,સૌભાગ્ય અને સત્પુરુષોનો ધર્મ પ્રજ્ઞાને અનુસરે છે.’

‘શું કરવાથી, કેવી રીતે કરવાથી, ક્યા આચરણથી, કેવી સંગતિથી મનુષ્યને પ્રજ્ઞાનો લાભ મળે છે? માનવી પ્રજ્ઞાવાન કેવી રીતે બને?’

‘જે જ્ઞાનમાં મહાન છે, જે દક્ષ છે, જે બહુશ્રુત છે તેવાની સંગતિ કરો, તેમની પાસેથી જ્ઞાન મેળવો, તેમને પ્રશ્નો પૂછે. તેમની ઉક્તિઓને ધ્યાનપૂર્વક સાંભળે. આમ કરવાથી માનવી પ્રજ્ઞાવાન થાય છે. જે પ્રજ્ઞાવાન કામભોગને અનિત્ય, દુઃખકારી, રોગપ્રેરક માને છે તે દુઃખરૂપ, ભયજનક, કામભોગો પ્રત્યેનો મોહ ત્યજી દે છે. તે વિતરાગ દ્વેષમુક્ત થઈને અસીમ મૈત્રીની ઇચ્છા કરે છે. તે કોઈ પણ પ્રાણીને દંડ નથી આપતો, નિર્દોષ જીવન જીવી બ્રહ્મલોક પામે છે.’

આમ બોધિસત્ત્વે કામભોગોના દોષ વર્ણવ્યા. ત્રણે રાજાઓની કામભોગ પ્રત્યેની આસક્તિ નાશ પામી. એ જાણી બોધિસત્ત્વે તેમની પ્રશંસા કરી. ‘બહુ સારું થયું, તમારી, ભીમરથની, કલિંગનરેશની કામાસક્તિ હમણાં જ નષ્ટ થઈ ગઈ.’

આ સાંભળી રાજાઓએ બોધિસત્ત્વની પ્રશંસા કરી. ‘તમે આ રીતે બીજાઓના વિચાર જાણી લો છો. અમારા બધાની કામાસક્તિ નષ્ટ પામી છે. હવે અમને પ્રવજિર્ત થવાની અનુમતિ આપો, જેથી અમે તમારી ગતિ પામીએ.’

બોધિસત્ત્વે આજ્ઞા આપતાં કહ્યું, ‘તમારી કામાસક્તિ ખતમ થઈ ગઈ છે તો તમને કરુણાપૂર્ણ રીતે પ્રવજિર્ત થવાની અનુજ્ઞા આપું છું.’

આ સાંભળી રાજાઓએ કહ્યું, ‘હે પરમ પ્રજ્ઞાવાન, તમે જે જે આજ્ઞા આપશો તેનું અમે પાલન કરીશું. અમારામાં અમે પ્રેમભાવ પ્રગટાવીશું જેથી તમારા જેવી અવસ્થા પામી શકીએ.’

બોધિસત્ત્વે તેમની સેનાને પ્રવજ્યા અપાવી. ‘વચ્છકિચ્છની ક્રિયા પૂરી થઈ, હવે તમે સાધુરૂપ ઋષિઓ પોતપોતાના આશ્રમમાં જાઓ. એકાગ્રચિત્તે ધ્યાન ધરો. પ્રવજ્યા લેનારે આ જ પાળવાનું .’

ઋષિઓએ તેમની વાત સ્વીકારી, તેમને વંદન કરી પોતપોતાનાં સ્થાને તેઓ ચાલ્યા ગયા. ઇન્દ્ર પણ પોતાના સ્થાનેથી ઊભા થયા અને જેવી રીતે સૂર્યને બે હાથ જોડીને નમસ્કાર થાય તેવી રીતે બોધિસત્ત્વને નમસ્કાર કરી ચાલ્યા ગયા.

પંડિત ઋષિએ કહેલી સાર્થક વાણી સાંભળીને, તેનો અર્થબોધ ગ્રહણ કરી, તેમનું અનુમોદન કરી પ્રતાપી દેવગણ સ્વગેર્ ગયા. આ અર્થસભર, સમૃદ્ધ વાણીને એકાગ્ર ચિત્તે જે કોઈ સાંભળશે, તે પ્રથમ ધ્યાન વગેરે લાભ પામશે અને મૃત્યુસીમાને ઓળંગી જશે.