ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/ઘત જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘત જાતક

પ્રાચીન કાળમાં ઉત્તરાપથમાં કંસભોગના અસિતઅંજન નગરમાં મકાકંસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો હતા: કંસ અને ઉપકંસ. દેવગર્ભા નામની એક દીકરી પણ હતી. તે જન્મી ત્યારે જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું હતું કે તેના પેટે જન્મનાર પુત્ર કંસગોત્ર અને કંસવંશનો નાશ કરશે. રાજાને દીકરી પર પુષ્કળ વહાલ હતું એ કારણે તેનો વધ કરાવી ન શક્યો. તેણે વિચાર્યું આગળ જોયું જશે. ખાસ્સું જીવન જીવીને તે મૃત્યુ પામ્યો. હવે કંસ રાજા થયો અને ઉપકંસ ઉપરાજા થયો. તેમણે વિચાર્યું કે જો આપણે બહેનને મારી નાખીશું તો નંદાિ થશે એટલે તેનું લગ્ન ન કરીને તેનું પાલન કરીએ. તેમણે એક થાંભલાવાળો મહેલ બનાવ્યો અને બહેનને ત્યાં રાખી. નંદગોપા તેની સેવિકા હતી અને તેનો પતિ અંધવેણુ સેવક ચોકી કરતો હતો.

તે સમયે ઉત્તર મથુરામાં મહાસાગર નામનો રાજા હતો, તેને બે પુત્ર: સાગર અને ઉપસાગર. પિતાના મૃત્યુ પછી સાગર રાજા થયો ને ઉપસાગર ઉપરાજા. ઉપસાગર ઉપકંસનો મિત્ર હતો. બંને એક જ ગુરુના શિષ્ય હતા. તેણે અંત:પુરમાં દુષ્ટતા આદરી અને પકડાઈ જવાની બીકે તે કંસભોગ રાજ્યમાં ઉપકંસ પાસે જઈ પહોંચ્યો. ઉપકંસ તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ તેને પુષ્કળ ભેટસોગાદો આપી. રાજાની સેવા કરતાં કરતાં દેવગર્ભા જે એક થાંભલાવાળા મહેલમાં રહેતી હતી તે જોઈને તેને જિજ્ઞાસા થઈ. આ કોનું નિવાસસ્થાન હશે? હકીકત જાણીને તે દેવગર્ભા પ્રત્યે આકર્ષાયો. દેવગર્ભાએ પણ એક દિવસ તેને ઉપકંસની સાથે રાજાની સેવામાં જતો જોઈ પૂછ્યું, ‘આ કોણ છે?’ નંદગોપાએ તેને કહ્યું કે આ મહાસાગર રાજાનો પુત્ર ઉપસાગર છે. ત્યારે તે પણ તેના પ્રત્યે આકર્ષાઈ. ઉપસાગરે નંદગોપાને કશીક ભેટ આપીને કહ્યું, ‘બહેન, મને દેવગર્ભાનું દર્શન કરાવી શકે?’

તેણે કહ્યું, ‘સ્વામી, એ કામ કંઈ અઘરું નથી.’ અને દેવગર્ભાને વાત કરી.

તે પણ સ્વાભાવિક રીતે જ તેના પર આસક્ત તો હતી એટલે તેણે એ વાત સ્વીકારી લીધી. નંદગોપા ઉપસાગરને સંકેત કરીને રાતે તે મહેલ પર લઈ ગઈ. તેણે દેવગર્ભા સાથે સહવાસ કર્યો અને વારંવારના સહવાસને કારણે તે સગર્ભા થઈ. થોડા દિવસો પછી તે ગર્ભવતી છે એ વાત પ્રગટ થઈ. ભાઈઓએ નંદગોપાને પૂછયું. તેણે અભયદાન માગીને તે ભેદ ખોલી દીધો. તેમણે એ વાત સાંભળીને વિચાર્યું કે બહેનને તો મારી ન શકાય, જો દીકરી જન્મશે તો તેની હત્યા પણ નહીં કરીએ. પણ જો દીકરો જન્મશે તો તેને મારી નાખીશું. તેમણે દેવગર્ભા ઉપસાગરને સોંપી. પૂરા દિવસે તેણે દીકરીને જન્મ આપ્યો. ભાઈઓએ આનંદ મનાવીને તેનું નામ પાડ્યું અંજનદેવી. તેમને ગોવર્ધમાન ગામ આપ્યું. ઉપસાગર દેવગર્ભાની સાથે તે ગામમાં રહેવા લાગ્યો. દેવગર્ભા ફરી સગર્ભા થઈ. નંદગોપા પણ તેની સાથે જ સગર્ભા થઈ. પૂરા દિવસે દેવગર્ભાએ દીકરાને જન્મ આપ્યો. અને નંદગોપાએ દીકરીને જન્મ આપ્યો. પોતાના પુત્રને ભાઈઓ મારી નાખશે એ બીકે દેવગર્ભાએ એ બાળક નંદગોપાને સોંપી દીધું અને તેની પુત્રી મંગાવી લીધી. દેવગર્ભા ફરી માતા બની એ સમાચાર ભાઈઓને પહોંચાડ્યા. ભાઈઓએ પૂછ્યું, ‘દીકરો કે દીકરી?’ જ્યારે તેમણે સાંભળ્યું કે પુત્રી ત્યારે તેમણે કહ્યું, ‘મોટી કરો.’ આ રીતે દેવગર્ભાએ દસ પુત્રોને જન્મ આપ્યો. અને નંદગોપાએ દસ પુત્રીઓને. પુત્રો નંદગોપાને ત્યાં મોટા થવા માંડ્યા. આ રહસ્યની કોઈને જાણ ન થઈ. દેવગર્ભાના મોટા દીકરાનું નામ વાસુદેવ, પછી બલદેવ, ત્રીજો ચંદ્રદેવ, ચોથો સૂર્યદેવ, પાંચમો અગ્નિદેવ, છઠ્ઠો વરુણદેવ, સાતમો અર્જુન, નવમો ઘતપંડિત અને દસમો અંકુર. તે બધા ‘અંધકવેણુ દાસ-પુત્ર દસ દુષ્ટ ભાઈઓ’ના નામે જાણીતા થયા.

તેઓ મોટા થઈને શક્તિવાળા, બળવાન થયા, કઠોર પ્રકૃતિવાળા થયા અને લૂંટફાટ કરવા લાગ્યા. રાજાને મોકલાતી ભેટો લૂંટતા હતા, લોકોએ ભેગા મળીને રાજાને ફરિયાદ કરી કે ‘અંધકવેણુ દાસ-પુત્ર દસ દુષ્ટ ભાઈઓ’ અમને લૂંટે છે.’ રાજાએ અંધકવેણુને બોલાવીને ધમકાવ્યો. પુત્રો પાસે લૂંટફાટ કેમ કરાવે છે? લોકોએ બીજી વાર, ત્રીજી વાર પણ ફરિયાદ કરી. ફરી રાજાએ તેને ધમકાવ્યો. તેને મૃત્યુદંડની બીક લાગી એટલે અભયદાન માગીને તેણે ભેદ ખુલ્લો કરી દીધો. ‘રાજન્, આ મારા પુત્રો નથી. ઉપસાગરના પુત્રો છે.’ રાજા ડરી ગયો. તેણે પ્રધાનોને પૂછ્યું ‘ આ લોકોને કેવી રીતે પકડવા?’

‘રાજન્, આ લોકો મલ્લ છે. નગરમાં કુસ્તી કરાવીએ, કુસ્તીમંડપ પાસે આવે એટલે તેમને પકડીએ અને મારી નખાવીએ.’

રાજાએ ચાણુર અને મુષ્ટિક મલ્લોને બોલાવ્યા અને ઢંઢેરો પીટાવ્યો કે આજથી સાતમા દિવસે કુસ્તી થશે. પછી રાજમહેલના આંગણે કુસ્તીમંડપ તૈયાર કરાવ્યો, અખાડો તૈયાર કર્યો, મંડપને સજાવીને ધ્વજપતાકા લહેરાવ્યાં. આખું નગર ત્યાં ઊમટી પડ્યું. ચક્રથી ચક્ર અને પાલખથી પાલખ તૈયાર થયાં. ચાણુર અને મુષ્ટિક કુસ્તીમંડપમાં આવીને કૂદવા લાગ્યા, મોટેથી બૂમો પાડવા લાગ્યા, સાથળ થપથપાવવા લાગ્યા.

દસ ભાઈઓએ ધોબી મહોલ્લાને લૂંટી સુંદર વસ્ત્રો પહેર્યાં. સરૈયાની દુકાનેથી સુગંધિત પદાર્થો લીધા, શરીરે ચંદનનો લેપ કર્યો, માળી પાસેથી ફૂલમાળાઓ લૂંટી. ગળામાં હાર પહેર્યા, કાનમાં ફૂલ પરોવ્યાં. તેઓ કૂદતા, ગર્જતા અને સાથળો થપથપાવતા કુસ્તીમંડપમાં પ્રવેશ્યા. તે સમયે સાથળ પર થાપ મારતો ચાણુર આમતેમ ભમતો હતો. બલદેવે તેને જોઈને નિર્ધાર કર્યો કે હું આને હાથ વડે સ્પર્શીશ નહીં. તે હસ્તીશાળામાંથી મોટું દોરડું લઈ આવ્યા અને ઊછળીને, ગરજીને ચાણુરના પેટ પર દોરડું ફેંકી તેને બાંધી દીધો. પછી દોરડાના બંને છેડા ભેગા કરી ચાણુરને ઉઠાવ્યો, માથા પર ચકરડી ફેરવ્યો, જમીન પર નાખીને કચડ્યો અને અખાડાની બહાર ફેંકી દીધો. ચાણુરના મૃત્યુ પછી રાજાએ મુષ્ટિક મલ્લને કુસ્તી લડવા કહ્યું. તે પણ ઊભો થયો, કૂદ્યો અને ગર્જીને તેણે સાથળ પર થાપ મારી. બલદેવે તેને કચડીને તેનાં હાડકાંનો ભુક્કો કરી નાખ્યો. તે બોલતો જ રહ્યો, ‘હું મલ્લ નથી, હું મલ્લ નથી.’

‘તું મલ્લ છે કે નહીં તે હું નથી જાણતો.’ એમ કહી અખાડામાં તેનો હાથ પકડીને નીચે પછાડ્યો અને મારીને અખાડાની બહાર ફેંકી દીધો. મુષ્ટિકે મરતાં મરતાં સંકલ્પ કર્યો કે હું યક્ષ તરીકે અવતરીને આને ખાઈ જઈશ. તે બીજા જન્મે કાલમતિ અટવી વિસ્તારમાં યક્ષ થયો.

હવે રાજા પોતે ઊભો થયો. ‘આ દુષ્ટ દસ ભાઈઓને પકડો.’

તે સમયે વાસુદેવે ચક્ર ઉગામ્યું અને તેનાથી બંને ભાઈઓનાં મસ્તક કપાઈ ગયાં. લોકો ભય પામીને ભાઈઓને પગે પડ્યા, ‘અમારી રક્ષા કરો.’

તેમણે બંને મામાને મારી નાખીને અસિતરંજન નગરનું રાજ્ય જીતી લીધું અને માતાપિતાને ત્યાં રાખ્યા. પછી દસે ભાઈઓ હવે જંબુદ્વીપનું રાજ્ય લઈએ એમ વિચારીને નીકળી પડ્યા. તેમણે અયોધ્યા નગરીને ઘેરો ઘાલ્યો, આજુબાજુના ગાઢ વનનો વિનાશ કર્યો અને રાજા કાલસેનના મહેલે જઈ તેને કેદ કર્યો, તેનું રાજ્ય આંચકી લઈ તેઓ દ્વારમતી પહોંચ્યા. તે નગરની એક બાજુ સમુદ્ર હતો અને બીજી બાજુ પર્વત હતો. તે નગરમાં કોઈ માનવીનો અધિકાર નહોતો. તેનો રક્ષક યક્ષ શત્રુને જોઈ ગર્દભ થઈ જતો અને હોંચી હોંચી કરતો. તે જ ક્ષણે યક્ષના પ્રતાપે આખું નગર ઊંચકાઈને સમુદ્રની વચ્ચે આવેલા એક ટાપુ પર જતું રહેતું હતું. શત્રુ જતો રહે એટલે તે પાછું પોતાના સ્થાને આવી જતું હતું. તે વખતે પણ દસ ભાઈઓને આવતાં જોઈ ગર્દભે હોંચી હોંચી કરવા માંડ્યું. નગર ઊંચકાઈને ટાપુ પર જતું રહ્યું. તે નગર ન દેખાયું એટલે ભાઈઓ પાછા ગયા અને નગર મૂળ જગાએ પાછું આવ્યું. તેઓ ફરી પાછા આવ્યા ત્યારે ગર્દભે ફરી એમ જ કર્યું. જ્યારે તેઓ દ્વારવતીનું રાજ્ય લઈ ન શક્યા ત્યારે તેઓ કૃષ્ણ દ્વૈપાયન પાસે ગયા અને પ્રણામ કરીને તેમણે પૂછ્યું, ‘ભગવન્, અમે દ્વારવતીનું રાજ્ય લઈ શકતા નથી. અમને કોઈ ઉપાય બતાવો.’

‘ખાઈની પાછળ એક ગર્દભ ચરે છે. તે શત્રુને આવતો જોઈ હોંચી હોંચી કરે છે. ત્યારે નગર ઊંચકાઈને ચાલ્યું જાય છે. તમે તેના પગે પડો. એ જ તમારી સફળતાનો ઉપાય છે.’

ઋષિને પ્રણામ કરીને દસે ભાઈઓ ગર્દભના પગે પડ્યા અને કહેવા લાગ્યા, ‘સ્વામી, તમારા સિવાય અમારો કોઈ આધાર નથી. અમે નગર પર અધિકાર જમાવીએ ત્યારે ભૂંકતા નહીં.’

‘હું ચૂપ રહું એ શક્ય નથી. પરંતુ તમે ચાર જણ પહેલાં જઈ લોખંડના મોટા મોટા હળ લઈ ચારે નગરદ્વાર પર ભૂમિમાં લોખંડના મોટા મોટા થાંભલા રોપી દો. પછી નગર ઊંચકાવાના સમયે હળ લઈને હળની સાથે બાંધેલી લોખંડની સાંકળોને પેલા લોખંડના થાંભલા સાથે બાંધી દેજો. પછી નગર ઊંચકાઈ નહીં જાય.’

તેમણે ભલે એમ કહીને મધરાતે હળ લઈને ચારે નગરદ્વાર પર જમીનમાં થાંભલા રોપી દીધા અને તેઓ ઊભા રહ્યા. ત્યારે ગર્દભે ભૂંકવા માંડ્યું. નગર ઊંચકાવા માંડ્યું. ચાર દ્વાર પર ઊભા રહેલા ભાઈઓએ ચાર હળ લઈને હળ સાથે બાંધેલી સાંકળો થાંભલાને બાંધી દીધી. નગર ઊંચકાયું નહીં. ત્યારે દસે ભાઈઓ નગરમાં પેઠા. અને રાજાને મારીને નગર પર પોતાનો અધિકાર જમાવ્યો. આ પ્રમાણે તેમણે જંબુદ્વીપનાં ત્રેસઠ હજાર નગરોમાં બધા રાજાઓને ચક્ર વડે મારી નાખી દ્વારમતીમાં રહીને રાજ્યને દસ ભાગમાં વહેંચી દીધું. બહેન અંજનવતીને તેઓ ભૂલી ગયા. ‘ચાલો રાજ્ય અગિયાર ભાગમાં વહેંચીએ.’ એમ કહ્યું ત્યારે અંકુરે કહ્યું, ‘મારો ભાગ તેને આપી દો. હું વેપાર કરીને જીવીશ. માત્ર તમે પોતપોતાના રાજ્યમાં મારી પાસેથી કોઈ કર ન લેતા.’ તેમણે ભલે કહીને એ વાત સ્વીકારી લીધી. તેનો હિસ્સો બહેનને આપ્યો, તેની સાથે નવ ભાઈ દ્વારમતીમાં રહેવા લાગ્યા.

આમ પેઢી દર પેઢી પુત્રપુત્રી હયાત હતા અને માતાપિતાનું મૃત્યુ થયું. તે સમયે વાસુદેવ રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો. શોકાકુલ રાજા બધું કામકાજ ત્યજીને પલંગની ધારે જ બેસી રહ્યો. તે વખતે ઘત પંડિતે વિચાર્યું કે મારા સિવાય તેનો શોક દૂર કરી શકે તેવું કોઈ નથી. પરંતુ આ કામ બુદ્ધિકૌશલથી કરવું પડશે. તેણે ગાંડા માણસનો વેશ ધારણ કર્યો અને ‘મને સસલું આપો, સસલું આપો.’ એમ આખા નગરમાં આકાશની સામે જોતાં જોતાં રખડવા લાગ્યો. ઘત પંડિત ગાંડો થઈ ગયો એ સાંભળીને આખું નગર ક્ષુબ્ધ થઈ ગયું. ત્યારે રોહિણ્ણેય નામના મંત્રીએ રાજા પાસે જઈને તેને વાત કરતાં કરતાં કહ્યું,

‘હે કૃષ્ણ ઊઠો. કેમ સૂઈ રહ્યા છો? સૂઈ રહેવાથી શું? તમારા બીજા હૃદયસમા કે જમણી આંખ જેવા ભાઈનો વાયુ ક્ષુબ્ધ થઈ ગયો છે. હે કેશવ, ઘત પંડિત બકવાસ કરી રહ્યો છે.’

આમ મંત્રીએ કહ્યું એટલે ભાઈના શોકથી દુઃખી થઈને કેશવ તરત જ ઊભા થઈ ગયા. અને તરત જ મહેલમાંથી ઊતરીને ઘત પંડિત પાસે ગયા અને પંડિતના બે હાથ પકડીને તેની સાથે વાત કરવા લાગ્યા. ‘શું ગાંડાની જેમ આખી દ્વારકામાં ‘સસલું, સસલું’ બોલ્યા કરે છે?’

રાજાએ આમ કહ્યું તો પણ તે વારે વારે એમ જ કહેવા લાગ્યો. રાજાએ ફરી તેને કહ્યું, ‘હું તને સુવર્ણમય, મણિમય, લોહમય, શંખમય, શિલામય કે પ્રવાલમય તું જેવું કહીશ તેવું સસલું બનાવી આપીશ. વનમાં બીજાં સસલાં પણ છે, હું તને એ મંગાવી આપીશ. તારે કેવું સસલું જોઈએ છે?’

રાજાની વાત સાંભળીને પંડિતે કહ્યું, ‘પૃથ્વી પરનાં સસલાં નથી જોઈતાં. હે કેશવ, મારે જે સસલું જોઈએ છે તે ચંદ્રમાં છે. તે મને લાવી આપ.’

રાજા તેની વાત સાંભળીને દુઃખી થયો. ‘ખરેખર મારો ભાઈ ગાંડો જ થઈ ગયો છે.’ તેમણે કહ્યું, ‘ભાઈ, તું તારો જીવ ગુમાવીશ. જેની ઇચ્છા ન કરવી જોઈએ તેની ઇચ્છા તું કરે છે. તું તો ચંદ્રમાંનું સસલું માગે છે.’

ઘત પંડિતે રાજાની વાત સાંભળી ને સ્થિર ચિત્તે કહ્યું, ‘ભાઈ, તું જાણે છે કે ચંદ્રના સસલાની ઇચ્છા કરવાથી જો તે ન મળે તો મરવું પડે છે તો તું મૃત પુત્રને માટે કેમ ચંતાિ કરે છે? હે ભાઈ, બીજાઓને ઉપદેશ આપી શકાય તેટલું જ્ઞાન છે તો તું મરેલા પુત્રને માટે આટલો બધો શોક કેમ કરે છે?’

આમ પંડિતે ભાઈને ચૌટાની વચ્ચે ઊભા રહીને કહ્યું, ‘ભાઈ, હું તો દેખાય છે તે માગું છું. પણ તું તો જે વસ્તુ દેખાતી જ નથી તે માગી રહ્યો છે. ‘મેં જેને જન્મ આપ્યો છે તે મરવો ન જોઈએ’ એવી અલભ્ય વાત ન મનુષ્યો માટે શક્ય છે, ન દેવતાઓ માટે. હે કૃષ્ણ, તું જે પ્રેતની ચંતાિ કરે છે તે હવે ન મંત્રથી, ન કોઈ ઓસડિયાંથી કે ન ધનથી પાછું લાવી શકાશે.’

એની વાત સાંભળીને રાજાએ કહ્યું, ‘હા ભાઈ, તારી વાત સાચી છે. મારું દુઃખ દૂર કરવા જ તેં આ બધું કર્યું.’

આમ જે પ્રજ્ઞાવાન અને કરુણાનિધાન હોય છે તે જેવી રીતે ઘતપંડિતે મોટા ભાઈને શોકમાંથી બહાર કાઢ્યો તેવી રીતે બીજાઓને પણ શોકમુક્ત કરતા હોય છે.

આમ ઘત પંડિતે કેશવને શોકરહિત કર્યા પછી રાજ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. દસ ભાઈઓના પુત્રોને એક વખત વિચાર આવ્યો કે કૃષ્ણ દ્વૈપાયનને દિવ્ય દૃષ્ટિ છે એમ કહેવાય છે. ચાલો તેની પરીક્ષા કરીએ. તેમણે એક યુવાન રાજકુમારને સજાવ્યો અને તેને સગર્ભાની જેમ તૈયાર કર્યો, તેના પેટે તકિયા જેવું બાંધી દીધું. પછી તેને કૃષ્ણ દ્વૈપાયન પાસે લઈ ગયા. ‘ભગવન્, આ કન્યાને શું અવતરશે?’ ઋષિને સમજાઈ ગયું કે દસ ભાઈઓનો અંતકાળ આવી ગયો છે. તેમણે વિચાર્યું કે હજુ કેટલું આયુષ્ય બાકી છે? જ્યારે તેમને જાણ થઈ કે નજીકમાં જ તેનું મૃત્યુ થવાનું છે ત્યારે તેમણે પૂછ્યું, ‘કુમાર, આ જાણીને તમે શું કરશો?’

‘ના, અમને કહો જ.’ એમ સાંભળીને તેમણે કહ્યું, ‘આજથી સાતમા દિવસે આ કુમાર લાકડાના એક ટુકડાને જન્મ આપશે. તેનાથી વાસુદેવકુળનો નાશ થશે. તમે એ લાકડાનો ટુકડો લઈ તેને બાળી નાખજો અને તેની રાખ નદીમાં ફેંકી દેજો.’

આ સાંભળીને કુમારોએ કહ્યું, ‘હે દુષ્ટ તપસ્વી, પુરુષોને પ્રસૂતિ નથી આવતી.’ તેમણે તે ઋષિને ત્યાં ને ત્યાં મારી નાખ્યા.

રાજાએ કુમારોને બોલાવીને પૂછ્યું, ‘ઋષિને કેમ મારી નાખ્યા?’ બધી વાત જાણીને રાજા ડરી ગયા. પેલા કુમાર પર ચોકીપહેરો રખાવ્યો. સાતમા દિવસે એના પેટમાંથી નીકળેલા લાકડાના ટુકડાને બાળી નખાવ્યો અને તેની રાખ નદીમાં ફેંકાવી દીધી. તે વહેતી વહેતી નદીના મુખ પર જઈ પહોંચી. ત્યાં એરંડાનો છોડ ઊગી નીકળ્યો.

એક દિવસ તે રાજા જળક્રીડા કરવાની ઇચ્છાથી નદીના મુખ આગળ જઈ પહોંચ્યા. ત્યાં એક મોટો મંડપ બંધાવ્યો, તેને શણગાર્યો, પછી બધા મસ્તીએ ચઢ્યા, ખાણીપીણી શરૂ થઈ. રમતાં રમતાં એકમેકના હાથપગ પકડતાં તેઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા. એમાંથી એકને કોઈ શસ્ત્ર હાથ ન લાગ્યું એટલે એક એરંડાનું પાન લીધું. તે હાથમાં આવતાંની સાથે જ મૂસળ થઈ ગયું. એના વડે તેણે બધાને માર્યા. બીજાઓએ પણ પાન લીધાં અને તે બધાં મૂસળ થઈ ગયાં. એકબીજા સાથે લડતાં લડતાં તે બધાનો વિનાશ થયો. તેમનો નાશ થયેલો જોઈ અંજનદેવી, વાસુદેવ, બલદેવ અને પુરોહિત રથમાં બેસી ભાગી ગયા. બીજા બધા મૃત્યુ પામ્યા. તેઓ ચારે રથમાં બેસીને કાલમત્તિક અટવી પહોંચ્યા. ત્યાં મુષ્ટિક મલ્લ સંકલ્પ કરીને યક્ષ થયો હતો. જ્યારે તેને જાણ થઈ કે બલદેવ આવ્યો છે તો તેણે મલ્લનો વેશ સજ્યો, ‘કોણ કુસ્તી કરશે?’ એમ કહી, કૂદતો, ગરજતો, સાથળ પર થાપ મારતો ભમવા લાગ્યો. બલદેવે તેને જોતાંવેંત કહ્યું, ‘ભાઈ, હું આની સાથે લડીશ.’ વાસુદેવે ના પાડી તે છતાં બલરામ રથમાંથી નીચે ઊતર્યા અને તેની પાસે જઈને સાથળ પર થાપ મારી. તે હાથ લાંબો કરીને બલદેવને મૂળાની જેમ ખાઈ ગયો. વાસુદેવને જ્યારે જાણ થઈ કે બલરામ મરી ગયા છે ત્યારે તે બહેન અને પુરોહિતને લઈને આખી રાત ચાલી નીકળ્યા. સૂર્યોદય થયો ત્યારે એક ગામમાં પહોંચ્યા. ત્યાં બહેનને અને પુરોહિતને રસોઈ કરીને લાવવા માટે ગામમાં મોકલ્યા. પોતે એક ઝાડ નીચે બેઠા. ત્યાં એક જરા નામના શિકારીએ દૂરથી કોઈ હિલચાલ જોઈ અને ડુક્કર હશે એમ માનીને શક્તિ ફેંકીને કેશવનો પગ ઘાયલ કર્યો. ‘કોણે મને ઘાયલ કર્યોર્?’ એવો માનવીનો અવાજ સાંભળીને તે ડરી જઈને ભાગવા લાગ્યો. પગમાંથી શક્તિ કાઢીને રાજાએ તેને બોલાવ્યો, ‘ડરીશ નહીં. તારું નામ શું છે?’

‘સ્વામી, મારું નામ જરા છે.’

‘જરા વડે વીંધાઈને હું મરીશ એવું જૂના પંડિતોએ કહેલું. હવે આજે નિશ્ચિત હું મરીશ. ભાઈ, તું ડરીશ નહીં. મારા ઘા ઉપર પાટો બાંધ.’ તેની પાસે પાટો બંધાવી તેને વિદાય કર્યો. તેમને તીવ્ર વેદના થઈ. પેલાઓ જે ભોજન લાવ્યા તે તેમનાથી ખવાયું નહીં. તેમણે બહેનને પાસે બોલાવીને કહ્યું, ‘આજે હું મૃત્યુ પામીશ. તમે સુકુમાર છો. કોઈ બીજું કામ કરીને તમે ગુજરાન ચલાવી નહીં શકો. આ મંત્ર શીખી લો.’

એમ કહી તેમણે મંત્ર શીખવાડ્યો. આમ અંજનદેવી સિવાય બધાનો વિનાશ થયો.