ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/નગરજનોએ છેતરેલા ગાડાવાળાનું દૃષ્ટાન્ત
નગરજનોએ છેતરેલા ગાડાવાળાનું દૃષ્ટાન્ત
એક સ્થળે એક ગામડિયો ગૃહપતિ રહેતો હતો. તે ક્યારેક ધાન્ય ભરેલું ગાડું લઈને તથા એ ગાડામાં એક તેતરીનું પાંજરું લઈને નગર તરફ ચાલ્યો. નગરમાં ગયો, તે વખતે ગાન્ધિક (સુગન્ધી પદાર્થોના વ્યાપારી-ગાંધી)ના પુત્રોએ તેને જોયો; અને તેને પૂછ્યું, ‘આ પાંજરામાં શું છે?’ તેણે જવાબ આપ્યો, ‘તેતરી છે.’ તેઓએ પૂછ્યું, ‘શું આ શકટતિત્તરી૧ વેચવા માટે છે?’ તેણે જવાબ આપ્યો, ‘હા.’ પેલાઓએ પૂછ્યું, ‘શું મૂલ્ય છે?’ ગામડિયાએ કહ્યું, ‘એક કાર્ષાપણ.’ પછી તેઓએ કાર્ષાપણ આપ્યો, અને ગાડું તથા તેતરી બન્ને લઈને ચાલવા માંડ્યા. એટલે ગાડાવાળાએ પૂછ્યું, ‘આ ગાડું કેમ લઈ જાઓ છો?’ તેઓએ કહ્યું, ‘અમે મૂલ્ય આપીને ખરીદ્યું છે.’ પછી તેમનો વ્યવહાર-ન્યાય થયો. તેમાં એ ગાડાવાળો હાર્યો. તેનું ગાડું તેતરીની સાથે લઈ જવામાં આવ્યું.
માટે આર્યપુત્ર! આવું જાણીને કાળજી રાખજો.