ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકાની પ્રતિજ્ઞા
વસન્તતિલકાની પ્રતિજ્ઞા
બીજી બાજુ, પ્રભાતકાળે પ્રકાશમાન સૂર્ય ઉદય પામતાં જેનો મદ દૂર થયો છે એવી વસન્તતિલકા માતાને પૂછવા લાગી કે, ‘હે માતા! ધમ્મિલ્લ ક્યાં ગયો?’ ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘એવા પુરાણા ધૂર્તોનાં હૃદયને કોણ પહોંચી શકે? હે પુત્રી! તે ક્યાં ગયો છે એ હું જાણતી નથી.’ તેના જવાબ ઉપરથી વસન્તતિલકાએ જાણ્યું કે, ‘નક્કી, આ માટે જ આવો અપૂર્વ ઉત્સવ કર્યો હોવો જોઈએ. જરૂર, આમાં મારી માતાનો જ દોષ છે.’ આમ વિચારીને શોકાતુર થયેલી તે વસન્તતિલકાએ પ્રતિજ્ઞા કરી કે -
‘અત્યંત સાચી પ્રતિજ્ઞાપૂર્વક મેં આ વેણી બાંધી છે. કાં તો તે મારો પ્રિયતમ છોડશે અથવા મારા ઉપર આવતું મૃત્યુ છોડશે.’
આ પ્રમાણે કહીને જેણે ગંધ, પુષ્પ અને અલંકારોનો ત્યાગ કર્યો છે એવી તે વસન્તતિલકા માત્ર શરીરને ટકાવી રાખવા માટે કેવળ શુદ્ધોદકથી સ્નાન કરતી દિવસો ગાળવા લાગી.