ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલ્લનો અગડદત્ત મુનિ સાથે સમાગમ
બીજી બાજુ, ધમ્મિલ્લ પણ (બેઠો હતો) ત્યાંથી ઊઠીને તે જીર્ણોદ્યાનમાં ફરવા માંડ્યો. ત્યાં તેણે વિપુલ પાંદડાંવાળા, વિશાળ, ગંભીર, નવી કૂંપળો તથા પલ્લવોવાળા, અત્યંત ઘટાદાર, ફૂલના ભારથી નમેલા, જેનો શિખરપ્રદેશ ભ્રમરોના ગુંજારવથી શબ્દાયમાન હતો એવા, તથા જેના પલ્લવરૂપી હાથ પવનથી કંપતા હતા એવા સુંદર અશોક વૃક્ષની નીચે બેઠેલા, જિનશાસનના સારરૂપ પરમ સત્ય જેણે જાણ્યું છે એવા, અનેક ગુણોવાળા, આનંદયુક્ત અને સાધુઓમાં ગંધહસ્તી સમાન શ્રેષ્ઠ એવા એક સાધુને જોયા. પૂર્વાભાષી એ સાધુએ મૃદુ અને મધુર વાણીથી ધમ્મિલ્લને કહ્યું, ‘ધમ્મિલ્લ! અજ્ઞાની માણસની જેમ સાહસ શા માટે કરે છે?’ દેવેન્દ્રો વડે વંદાયેલા, તપ અને ગુણોના ભંડારરૂપ સાધુને પ્રણામ કરી ધમ્મિલ્લ કહેવા લાગ્યો કે, ‘હે ભગવન્! પૂર્વે ધર્મ નહીં કર્યો હોવાને કારણે હું દુઃખી છું.’ સાધુએ પૂછ્યું, ‘તારે શું દુઃખ છે?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો, ‘જે પોતે દુઃખ પામ્યો નથી, જે દુઃખનો નિગ્રહ કરવામાં સમર્થ નથી અને જે બીજાના દુઃખે દુઃખી નથી તેને દુઃખ ન કહેવું જોઈએ.’ ત્યારે સાધુએ કહ્યું, ‘હું પોતે દુઃખ પામેલો છું, દુઃખનો નિગ્રહ કરવાને સમર્થ છું અને (અત્યારે તારી સ્થિતિ જોઈને) દુઃખી થાઉં છું, માટે તારું દુઃખ મને કહે.’
ધમ્મિલ્લે પૂછ્યું, ‘ભગવન્! શું તમને મારા કરતાં પણ વધારે દુઃખ પડ્યું છે?’ સાધુએ કહ્યું, ‘હા.’ પછી ધમ્મિલ્લે પોતાની યથાવીતી કહી સંભળાવી. એટલે સાધુએ કહ્યું, ‘ધમ્મિલ્લ! ધ્યાનપૂર્વક સાંભળ. મેં જે સુખદુઃખ અનુભવ્યાં તે તને કહું છું.’