ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ

ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં વસુમિત્ર નામે ગૃહપતિ રહેતો હતો. તેની પત્ની ધનશ્રી, પુત્ર ધનવસુ અને પુત્રી વસુદત્તા નામે હતી. કૌશાંબીનો વતની ધનદેવ સાર્થવાહ વાણિજ્ય પ્રસંગે ઉજ્જયિની આવ્યો હતો, તેને વસુમિત્ર સાર્થવાહે પોતાની પુત્રી વસુદત્તા આપી. લગ્ન થયા પછી ધનદેવ તેને લઈને કૌશાંબી આવ્યો અને માતાપિતા સહિત સુખપૂર્વક રહેવા લાગ્યો.

કેટલેક સમયે ધનદેવને વસુદત્તાથી બે પુત્રો થયા. ત્રીજી વાર તેને ગર્ભ રહ્યો અને પ્રસવનો સમય નજીક આવ્યો. એ વખતે ધનદેવ પ્રવાસે ગયો. એવામાં વસુદત્તાએ સાંભળ્યું કે, ‘ઉજ્જયિની તરફ સાર્થ જાય છે.’ આથી પિતામાતા અને બાંધવોને મળવાની ઇચ્છાવાળી તે સાસુ-સસરાની આજ્ઞા માંગવા લાગી કે, ‘હું ઉજ્જયિની જાઉં છું.’ તેઓએ કહ્યું, ‘પુત્રિ! એકલી ક્યાં જઈશ? તારો પતિ પ્રવાસમાં છે. તે આવે ત્યાં સુધી રાહ જો.’ પણ તેણે કહ્યું, ‘હું તો જાઉં છું. પતિ મને શું કહેવાના હતા?’ સાસુ-સસરાએ ફરી વાર વારવા છતાં તેણે સાંભળ્યું નહીં અને સ્વચ્છંદી તથા વડીલોની આજ્ઞા ઉલ્લંઘનારી તે પોતાના પુત્રોને લઈને નીકળી. જેમના કુટુંબનો વૈભવ ક્ષીણ થયો છે એવાં તે સાસુ-સસરા પણ ‘આ આપણું વચન કરશે નહીં’ એમ માનીને ચૂપ રહ્યાં. પછી એ મંદભાગ્ય વસુદત્તા નીકળી, ત્યાં સુધીમાં તો સાર્થ દૂર ચાલ્યો ગયો હતો. સાર્થથી જુદી પડેલી તે માર્ગ ભૂલી જતાં બીજા માર્ગે ગઈ. એનો પતિ તે જ દિવસે પ્રવાસમાંથી આવ્યો. તેણે માતાને પૂછ્યું, ‘માતા! વસુદત્તા ક્યાં ગઈ?’ માતાએ જવાબ આપ્યો, ‘પુત્ર! અમે વારી છતાં ઉજ્જયિનીના સાર્થની સાથે ગઈ.’ સ્ત્રી પુત્રના અનુરાગથી બંધાયેલો તે ‘અહો! અકાર્ય થયું’ એમ બોલતો ભાથું લઈને માર્ગ શોધતો તેની પાછળ ગયો. એમ જતાં જતાં પોતાની પત્નીને અટવીમાં ભમતી તેણે જોઈ. ફરી વાર પત્નીને મનાવીને તેણે પ્રસન્ન કરી. આગળ ચાલતાં તેઓ એક મોટી અટવીમાં પ્રવેશ્યાં. ત્યાં સૂર્ય અસ્ત પામતાં તેઓ રહ્યાં.

એ સમયે વસુદત્તાના પેટમાં વેણ ઊપડી. ધનદેવ સાર્થવાહે વૃક્ષની શાખાઓ અને પાંદડાં તોડીને તેને માટે મંડપ કર્યો. ત્યાં વસુદત્તાએ પુત્રને જન્મ આપ્યો. તે વખતે રાત્રિના અંધકારમાં રુધિરની ગંધથી આકર્ષાયેલો, પશુઓનું માંસ ખાનારો, અટવીનાં હિંસક પ્રાણીઓનો પણ કાળ અને મોટા ભયરૂપ વાઘ ત્યાં આવ્યો. સૂતેલા ધનદેવને તે ગળેથી ઉપાડીને લઈ ગયો. પતિના વિયોગથી દુઃખ પામેલી અને ભય, ચિન્તા તથા શોકથી સંતાપ પામેલા હૃદયવાળી તે વસુદત્તા રોતી અને ‘આ બાળક જન્મથી જ અભાગી છે’ એમ બોલતી મૂર્ચ્છા પામી. દયાપાત્ર, અશરણ અને ભયથી જેનાં અંગો કાંપે છે એવાં બાળકો પણ મૂર્ચ્છા પામ્યાં. તે જ દિવસે જન્મેલો બાળક માતાનું દૂધ નહીં મળવાથી મરણ પામ્યો. ઘણી વારે મૂર્ચ્છા વળતાં વિલાપ કરતી તે વસુદત્તા પ્રભાતમાં બે પુત્રોને લઈને આગળ ચાલી. રસ્તામાં આવતી પહાડી નદીમાં અકાલ વૃષ્ટિથી પૂર આવ્યું હતું. આથી તે એક પુત્રને સામે કાંઠે લઈ જઈને બીજાને ઉતારતી હતી તે વખતે વિષમ પથ્થર ઉપર પગ લપસી પડતાં પડી ગઈ, અને બાળક પણ તેના હાથમાંથી નીચે પડી ગયો. પેલો બીજો પુત્ર સામે કાંઠે પાણીની પાસે ઊભો હતો તેણે પણ માતાને પાણીમાં પડતી જોઈ, નદીમાં ભૂસકો માર્યો.

બિચારી વસુદત્તા પ્રચંડ પ્રવાહવાળી પહાડી નદીમાં દૂર સુધી ખેંચાઈ ગઈ. ત્યાં કિનારે પડેલા એક ઝાડની ડાળી તેના હાથમાં આવતાં બહાર નીકળી. થોડી વારે સ્વસ્થ થતાં બેઠી થઈ. નદી કિનારે તે બેઠી હતી તે વખતે વનવાસી ચોરોએ તેને પકડી. તેનું નામઠામ પૂછ્યું, અને સિંહગુહા નામે ચોરપલ્લીમાં તેને લઈ ગયા. ત્યાં ચોર-સેનાપતિ કાલદંડની પાસે તેને રાખી. તેને રૂપવતી જોઈને કાલદંડે પોતાની પત્ની બનાવી અને અંત:પુરમાં દાખલ કરી. ચોર-સેનાપતિની બધી પત્નીઓમાં તે મુખ્ય બની.

વસુદત્તાના આગમનથી પોતાના પતિનો શરીરસંસર્ગ નહીં પામતી તે ચોર-સેનાપતિની બીજી પત્નીઓ ઉપાય વિચારવા લાગી કે, ‘અમારો પતિ આનો સંસર્ગ ત્યજે કેવી રીતે?’ સમય જતાં વસુદત્તાને પુત્ર થયો, તે પોતાની માતા જેવો હતો. એટલે સપત્નીઓએ ચોર-સેનાપતિને વિનંતી કરી કે, ‘સ્વામી! તમારી વહાલી સ્ત્રીનું ચરિત્ર તમે જાણતા નથી. એ તો પરપુરુષમાં આસક્ત છે. આ પુત્ર તેનાથી જન્મેલો છે. જો વિશ્વાસ ન પડતો હોય તો આ પુત્ર સાથે તમારી જાતને સરખાવો.’ કલુષિત હૃદયવાળા તેણે ખડ્ગ કાઢીને તેમાં પોતાનું શરીર અને પોતાનું મુખ જોયું. પહોળું, મોટા અને કરચલીઓવાળા ગાલવાળું, વિકૃત, બેડોળ અને વાંકા નાકવાળું, લબડતા, સ્થૂલ અને લાંબા હોઠવાળું પોતાનું મુખ જોઈને તથા પછી પુત્રના મુખ તરફ નજર નાખીને તે બોલ્યો કે, ‘બરાબર એમ જ છે.’ પછી પરીક્ષા કરવાની બુદ્ધિ વગરના તે પાપીએ ખડ્ગથી એ બાળકને મારી નાખ્યો. વસુદત્તાને નેતર અને ચાબુકના પરહારો કરીને તથા તેનું માથું મુંડાવીને તેણે ચોરોને આજ્ઞા આપી, ‘જાઓ, આને ઝાડે બાંધો.’ પછી તે ચોરો એને લઈને દૂર સુધી ગયા. ત્યાં માર્ગની બાજુમાં એક સાલ વૃક્ષના થડ સાથે તેને દોરડાંથી બાંધીને તથા આજુબાજુ કાંટાવાળી શાખાઓ ગોઠવીને તેઓ ચાલ્યા ગયા. અનાથ અને અશરણ બિચારી વસુદત્તા પૂર્વકર્મના આ વિપાકને અનુભવતી તથા હૃદયમાં અનેક પ્રકારના વિચારો કરતી ત્યાં બેસી રહી.

તેના ભાગ્યયોગે ઉજ્જયિની જતો એક સાર્થ તે જ દિવસે ત્યાંથી થોડે દૂર જળાશયની પાસે પડાવ નાખીને રહ્યો હતો. રસોઈ કરવા માટે તૃણ, શાખા અને પાંદડાંનું બળતણ ભેગું કરવા નીકળેલા એ સાર્થના માણસોએ જેની આજુબાજુ કાંટાઓ ગોઠવેલા હતા એવી, ઝાડના થડ સાથે બંધાયેલી વસુદત્તાને એકલી જોઈ. અને એની હકીકત પૂછી. કરુણ રુદન કરતી તેણે પોતાના અનર્થ અને દુઃખની પરંપરા કહી સંભળાવી. જેમને અનુકંપા થયેલી છે એવા તે સાર્થના માણસોએ તેને છોડી, સાર્થમાં લઈ ગયા, અને સાર્થવાહને બધી વાત કહી. પછી સાર્થવાહે તેને આશ્વાસન આપ્યું તથા ભોજન અને વસ્ત્ર આપીને કહ્યું, ‘પુત્રિ! સાર્થની સાથે તું સુખપૂર્વક ચાલ. ડરીશ નહીં.’ આ પ્રમાણે આશ્વાસન અને ધીરજ મળતાં તે સાર્થની સાથે વસુદત્તા ઉજ્જયિની તરફ જવા લાગી. એ સાર્થની સાથે અનેક શિષ્યાઓના પરિવારવાળી, જિનવચનના સારરૂપ પરમાર્થ જાણનારી, તથા જીવંતસ્વામીની પ્રતિમાનું પૂજન કરતી સુવ્રતા આર્યા પણ ચાલતી હતી. તેની પાસે ધર્મ સાંભળીને તથા સાર્થવાહની અનુજ્ઞા લઈને વસુદત્તાએ દીક્ષા લીધી, અને કાંટાની વાડમાં ઘેરાયેલી દશામાં તે રહી હતી માટે તેનું નામ કંટકા આર્યા રાખવામાં આવ્યું. પછી તે આર્યાઓની સાથે તે ઉજ્જયિની પહોંચી, અને પિતા-માતા તથા સ્વજનોને મળી. તેમને પોતાનાં દુઃખ કહેવાથી જેનો વૈરાગ્ય બમણો થયો છે એવી તે સ્વાધ્યાય અને તપમાં ઉદ્યુક્ત થઈને ધર્મ આચરવા લાગી.

માટે હે સુન્દરિ! હું તને કહું છું કે આવાં તથા સ્વચ્છંદ બુદ્ધિવાળાં બીજાં પણ માણસો ઘણાં દુઃખ પામે છે, માટે તું પણ મૂર્ખ ન બનીશ. મારી વાત માન્ય રાખ, જેથી તું પણ અંતે વસુદત્તાની જેમ દુુ:ખ ન પામે.’

આ સાંભળીને વિમલસેનાએ પૂછ્યું,‘વસુદત્તા તો આ રીતે દુઃખી થઈ, પણ રિપુદમન કેવી રીતે નાશ પામ્યો?’ એટલે મેં તેને કહ્યું, ‘હે સુતનુ! સાંભળ: