ભારતીયકથાવિશ્વ-૫/કનસરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કનસરી

પહેલું નમન સરસ્વતી માતાને બીજું નમન મહાદેવ અને પાર્વતીને. ત્રીજું નમન અંબામાતાને સપ્તશૃંગીમાતાને ચોથું નમન માવલી અને હિમાઈ માતાને.

બધા દેવોને તથા અન્ય સૌને અમારાં નમન સ્વીકારજો. અમને સુખી કરજો. અમને બરકત આપજો.

કનસરીની કથામાં તમામ દેવોને આમંત્રણ.

પૃથ્વી ઉપર પાપ ખૂબ જ વધી ગયેલું. નીતિની રીતિ તો ભુલાઈ જ ગયેલી. અનીતિ અને અસત્યની બોલબાલા હતી. નીતિ અને સત્યનું મોં કાળું થયું હતું.

કર્તાહર્તા ભગવાન ભુલાઈ ગયા હતા. હવે તો વિજ્ઞાન જ ભગવાન હતો. કુદરતની શક્તિ માણસે હાથવગી કરી હતી. તત્ત્વજ્ઞાન અને ધર્મના નામે ધંધાઓ ચાલુ થયા હતા. જ્યાં ત્યાં અનીતિ જ હતી. પૈસા સિવાય અન્ય કોઈ સ્વાર્થ ન હતો.

નીતિવાન માણસો ટપોટપ મરતા જતાં હતાં. વીર્યવિહીન પ્રજાની વસતી વધતી જતી હતી. કીડીમંકોડીની જેમ માણસો ઊભરાતા હતા.

સગાઈ ભુલાઈ ગઈ હતી. મર્યાદાનો લોપ થયો હતો. સંસ્કારને બદલે વાનનું જ મહત્ત્વ હતું. ચારિત્ર્યને બદલે ચાલાકીની બોલબાલા હતી.

હવે આ પૃથ્વીના લોકોનું માનસ સુધરે તેવું રહ્યું ન હતું. ઘરઘરમાં કંકાસ હતો. માણસ બીજા ઉપર તો અવિશ્વાસ કરે, પણ પોતાના ઉપર પણ શ્રદ્ધા ન હતી. પ્રજા પ્રજાનો ધર્મ ભૂલી હતી. બધે જ ભૌતિકવાદ હતો ને સમય આવ્યે બેટો પોતાના સગા બાપનું ગળું દબાવવા માટે, પળનો પણ વિચાર કરે તેવું રહ્યું ન હતું. ભગવાને ખૂબ જ વિચાર કર્યો. આનો કોઈ ઉપાય તો કરવો જ પડશે. વિચાર કર્યો. દિવસ ને રાત. રાત ને દિવસ, પણ કોઈ હલ નીકળતો ન હતો. સમસ્યા બહુ ઘેરી બની હતી. હવે…? હવે શું…? હવે શું થશે…?

ભગવાને મહાદેવને બોલાવ્યા. બ્રહ્માને બોલાવ્યા. બધા દેવો બેઠા બેઠા ચર્ચા કરવા લાગ્યા. ખૂબ જ વિચાર કર્યો. પછી જે નિર્ણય કર્યો તે અસહ્ય હતો. પણ હવે તેના વગર બીજો કોઈ પણ આરો ન હતો. આ પૃથ્વીનો નાશ કરવાનું નક્કી થયું. પૃથ્વીનો નાશ કરી નવી પૃથ્વી બનાવવાની યોજના ઘડાઈ.

સર્જન. સર્જનની કેવી લાંબી પ્રક્રિયા.

બીને જમીન મળે, યોગ્ય વાતાવરણ મળે, ત્યારે તેને કૂંપળ ફૂટે. એક નાનો છોડ થાય, છોડ મોટો થાય, એને ફૂલ આવે, ફળ આવે પછી બી આવે. જો વચ્ચેથી કીડીમકોડી કે કોઈએ નાશ કર્યો તો અધવચ્ચે જ જાય.

અને નાશ કરવો હોય તો?

તરત જ ચપટી વગાડતાંમાં જ.

પૃથ્વીનો નાશ તો કરવો. પણ કઈ રીતે?

લાંબી ચર્ચાને અંતે નક્કી થયું કે પૃથ્વી ઉપર જળપ્રલય કરવો. જળપ્રલયથી આખી સૃષ્ટિનું નિકંદન કાઢવું.

જળપ્રલય કરતાં પહેલાં પૃથ્વી ઉપરનાં તમામ પ્રકારનાં ઝાડપાનનાં બી એક સ્થળે એકઠાં કરવાનું નક્કી થયું. જે પ્રજા તદ્દન નિર્દોષ હોય તેવી પ્રજામાંથી એક છોકરો અને એક છોકરી લેવાનું નક્કી થયું.

આ બધું જ એક મોટા તૂંબડામાં ભરી દેવાનું આયોજન કરવામાં આવ્યું. જળપ્રલય થાય તો પણ તૂંબડો પાણીમાં તરતો રહે અને બી તરીકે બધું સચવાઈ રહે.

આવો મોટો તૂંબડો જુગાનો તૂંબડો કહેવાતો. તૂંબડાની વેલને બાર વરસે કળી ફૂટે અને સોળ વરસે ફૂલો આવે. ફળ બેસતાં બીજાં એકબે વરસ થાય. ફળ પાકું થવા આવે ત્યારે તૂંબડો મોટા ઘર જેવડો થાય.

બાર ભોવાનીના હાથે જુગાના તૂંબડાનું બી રોપવામાં આવ્યું. મહાદેવના ઉકરડા ઉપર જ રોપવામાં આવ્યું. સોળમા દિવસે એને કૂંપળ ફૂટી. સૂર્યના તડકે વેલ મોટી થવા લાગી. એક કરતાં બે, બે કરતાં ત્રણ, ત્રણ કરતાં ચાર, ચાર કરતાં પાંચ, છ, સાત, આઠ, નવ વર્ષ થયાં. બારમા વર્ષે કળી આવી અને સોળમા વર્ષે ફૂલ આવ્યું. ફૂલની દાંડી રૂપા જેવી અને ફૂલનો રંગ સોના જેવો હતો. એક ફૂલ પર એક શંષિ બેઠું. ઉંદરો એને બગાડે નહીં એટલા માટે મહાદેવ પોતે આ તૂંબડાનું રક્ષણ કરતા હતા. દિવસો પછી દિવસો અને રાત્રિઓ પછી રાત્રિઓ જવા લાગી. દિવસો પછી અઠવાડિયાં, અઠવાડિયાં પછી પખવાડિયાં અને પખવાડિયાં પછી મહિના. મહિના પછી મહિના અને એમ વર્ષ થયું. વર્ષ પછી વર્ષ જતાં બાર બાર વર્ષ વહી ગયાં. જુગાનો તૂંબડો મોટો થયો હતો. મોટા કદના ઘર જેવડો મોટો.

લોકોને મન કૌતુક હતું. આવડો મોટો તૂંબડો લોકોએ પહેલાં કદી જોયો ન હતો. લોકો આ તૂંબડો ખાસ જોવા આવતા હતા.

મહાદેવે જંગી સુથારને બોલાવ્યો. કીંકરા અને કરવત-કુહાડી લઈને હાજર થયો.

‘દેવ, તમારા હુકમ પ્રમાણે હું હાજર થયો છું.’

‘જો, આ રહ્યો જુગાનો તૂંબડો. અંદરથી એને કોરી કાઢ. અંદર બધી સગવડ ઊભી કર. અનાજ ભરવા કોઠાર કર, રહેવા માટે ઓરડો કર. પાણી માટે પાણિયારું કર. કામ હવે શરૂ કર. તારે હવે અટકવાનું નથી. દિવસ ને રાત ને રાત ને દિવસ કામ કરવાનું છે. હવે બહુ સમય ગુમાવવાનો નથી.’

જંગી સુથારે કામ શરૂ કર્યું. તૂંબડો અંદરથી કોરવા માંડ્યો. મહાદેવે બધા દેવોને પૃથ્વી ઉપર તમામ પ્રકારનાં બી લેવાં મોકલ્યા. જળપ્રલય પછી માણસ ઉગાડવા માણસનાં બી લેવા મહાદેવ પોતે ગયા.

મહાદેવે વાણિયા જોયા, બ્રાહ્મણ જોયા, દેસાઈ જોયા, દેશમુખ જોયા, પટેલ જોયા, ગરીબ જોયા. બધી જાતિના લોકોને જોઈને મહાદેવ નિરાશ થયા.

કોઈ પણ જાતિમાં એમને કૌવત દેખાયું નહીં. દરેક કોમે પોતાનો ગુણધર્મ ત્યજી દીધો હતો.. ગામડાં-શહેર છોડી ભગવાન મહાદેવ વનમાં ગયા. વનવનમાં ભટકવા લાગ્યા. વનવાસીઓ પણ બગડી ગયા હતા.

દૂર જંગલમાં વાંસનું એક વન હતું. ત્યાં માત્ર ઊંચા ઊંચા વાંસ થતા હતા. મહાદેવ ત્યાં ગયા. વાંસના વનમાં મહાર જાતિના લોકો રહેતા હતા. વાંસ ફોડીને તેઓ ટોપલાટોપલી બનાવતા હતા.

એ જાતિમાં એક ગરીબ કુટુંબ હતું. વાંસની ટોપલી વણતાં વણતાં એઓ પ્રભુભજનો ગાતા હતા. પેટગુજારા પૂરતી મજૂરી મળતી રહે તો એમને આનંદ આનંદ થતો. જે દિવસે કશું ન મળે તો પ્રભુભક્તિ કરી પોઢી જતાં હતાં.

મહાદેવે એ કુટુંબમાંથી એક છોકરો ને એક છોકરી ઉઠાવી લીધાં. આંખો પર પાટા બાંધીને મહાદેવે એમને અંધારા ઓરડામાં પૂરી દીધાં.

જંગી સુથાર કામ પૂરું કરીને સલામ ભરી ઊભો રહ્યો.

‘મહાદેવ, હુકમ કરો. બતાવેલું કામ મેં પૂરું કર્યું છે.’

મહાદેવે જાતે નિરીક્ષણ કર્યું. જંગી સુથારને બક્ષિસ આપી રવાના કરી દીધો. જુગાના તૂંબડામાં બાર બાર વર્ષ ચાલે તેટલું અનાજ ભર્યું. પાણી ભર્યું અને તમામ પ્રકારનાં બી ભર્યાં.

મહારના છોકરાંઓને નિષ્ક્રિય અવસ્થામાં નાખી તૂંબડામાં પૂરી દીધાં

હવે ગમે તે ઘડીએ જગબુડ થાય તેમ હતું.

બે-ત્રણ દિવસ પછી હોળી આવી.

હોળી એટલે તો આનંદ અને ઉલ્લાસનું પર્વ. લોકો ખાઈ, પીને નાચતા હતા. દારૂ, તાડી વગેરે નશાવાળાં પીણાં પીને છાકટા બની બધા નાચતા હતા.

વિષ્ણુ ભગવાન અને મહાદેવની ગુપ્ત બેઠક મળી. એ બેઠકમાં એવું ઠરાવવામાં આવ્યું કે હોળીપાંચમના દિવસે જળપ્રલય કરવો.

દેવદરબારની ખાસ બેઠક બોલાવવામાં આવી. વાદળદેવ, પવનદેવ, વીજળીના દેવને બોલાવવામાં આવ્યા. ખપ્પર જોગણી માતાને પણ બોલાવવામાં આવી.

પાર્વતીએ એ બધા દેવોની આરતી ઉતારી. મહાદેવે બધા દેવોને સૂચના આપી કે તમે બરોબર તૈયારી કરો. હોળીપાંચમના દિવસે આપણે જગબુડ કરવાનું છે.

બીજા જ દિવસે હોળીપાંચમ.

લોકો બેફિકર બનીને નાચતા હતા.

વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. પહેલાં તો પવનદેવે કામ શરૂ કર્યું. ધીરે ધીરે વાતો પવન ઝડપ વધારતો ગયો. પવનનું જોર વધતું ગયું અને ધૂળની ડમરીઓ ઊડવા લાગી. નાનાં નાનાં ઝાડ ગબડવા લાગ્યાં. કાચા ઘરનાં છાપરાં ઊડ્યાં, જમીન પર પડી ગયાં. પશુપક્ષીઓ આમતેમ દોડાદોડી કરવાં લાગ્યાં. માણસો પણ ગભરાયાં. પોતપોતાની ચીજવસ્તુઓ ઘરમાં ભરવા માંડ્યાં. કશુંક અજૂગતું બની રહ્યું હોવાની બધાંને શંકા થઈ. પવનની સાથે કાળાં ડીબાંગ વાદળો ચઢી આવ્યાં. ભરબપોરે કાજળકાળી રાત્રિ જેવું વાતાવરણ થઈ ગયું. ભયના માર્યાં લોકો રડવાં લાગ્યાં.

કાન ફાડી નાખે તેવી વીજ વાતાવરણને ભયાનક બનાવતી હતી. વીજળીના ચમકારામાં પૃથ્વી ભયાનક લાગતી હતી. ઘરનાં માથાં સુધી કાળાં ડીબાંગ વાદળો આવી ગયાં હતાં. વરસાદ પડવા લાગ્યો. વરસાદને બદલે આકાશમાંથી પાણીનો ધોધ પડતો હતો. લોકોને હવે ભયાનકતાનો ખ્યાલ આવ્યો. રોગી રોગ ભૂલ્યા, ભોગી ભોગ ભૂલ્યા, નશાબાજોનો નશો પળવારમાં ઊતરી ગયો. મૃત્યુનો ડર બધામાં વ્યાપી ગયો.

બધે પાણી પાણી થઈ ગયું. ખેતરમાં, વાડીમાં, ઝાડીમાં, નદીમાં, તળાવમાં, કોતરોમાં, રસ્તાઓ ઉપર બધે જ પાણી પાણી થઈ ગયું. ઘરોમાં પણ પાણી ભરાયાં. પાણી વેગથી વહેતું હતું. પાણીના વેગમાં વસ્તુઓ તણાતી હતી. પશુપક્ષી તણાતાં હતાં. માણસો તણાતાં હતાં.

માણસોએ મૃત્યુના ડર સામે બધી જ માયાઓ છોડી દઈ માત્ર પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

ખપ્પર જોગણી માતા ખપ્પર ભરતી હતી. માણસો ટપોટપ મરતા હતા. વરસાદનું જોર વધતું જ જતું હતું.

નદીનાળાં ઊભરાયાં. પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું. રસ્તા પર વહેતું પાણી ઘરોમાં ભરાયું. ઘરોમાં પણ પાણી વધવા માંડ્યું.

સાંજ સુધી તો પૃથ્વી ઉપર સાત તાડ જેટલું પાણી થઈ ગયું. પાણીમાં બધા જ માણસો, પશુપક્ષીઓ ડૂબી મર્યાં. પાણીની ઉપર જુગાનો તૂંબડો તરતો હતો.

જળપ્રલયથી પૃથ્વીની જીવસૃષ્ટિનો નાશ કરવામાં આવ્યો. પૃથ્વી સાત તાડ ડૂબે એટલા પાણીમાં ડૂબી ગઈ.

પૃથ્વી ઉપર સાત તાડ જેટલું પાણી હતું.

જીવજંતુ, પશુપક્ષી, માનવ-દાનવ બધા જ મરી પરવાર્યાં હતાં. એમનાં શરીર કોહીકોહીને ઓગળી ગયાં હતાં.

એક કરતાં બે, બે કરતાં ચાર, ચાર કરતાં પાંચ, છ, સાત, આઠ દિવસ અને અઠવાડિયાં પછી મહિનો, મહિના પછી બીજો મહિનો અને પછી વર્ષ. વર્ષ પછી બીજું વર્ષ અને એમ કરતાં નવ વર્ષ થયાં. ઉપર નવ દિવસ થયા.

મહાદેવને હવે ખાતરી થઈ ગઈ કે હવે કોઈ જ માણસ જીવિત નથી. હવે નવી પૃથ્વીની સ્થાપના કરવી એવું વિચારી મહાદેવે બધા દેવોને દેવદરબારમાં બોલાવ્યા.

મહાદેવે સુનદેવને આજ્ઞા કરી કે તું તૂંબડાને પકડી રાખ. સુનદેવે તૂંબડાને પકડી રાખ્યો. પૃથ્વીના સર્જનની જવાબદારી કર્તુકીદેવને સોંપાઈ.

કર્તુકીદેવે કોરા કાગળો લીધા. કોરી કલમ લીધી અને બધા દેવોને કાગળો લખ્યા. ખાતા હશો, પીતા હશો, ઊંઘતા હશો, જાગતા હશો, ભૂખ્યા હશો, તરસ્યા હશો, જ્યાં પણ હશો, તમે તમામ દેવો દરબારમાં હાજર થજો.

બધા દેવો દેવદરબારમાં હાજર થયા. બધા દેવોની હાજરીથી દેવદરબાર શોભતો હતો. નવી પૃથ્વીનું સર્જન કરવાનું હતું તેનો ઉત્સાહ દરેક દેવના હૃદયમાં હતો.

પૃથ્વીના સર્જન માટે સૌ પ્રથમ તો માટી જોઈએ, માટી તો સાત તાડ પાણી નીચે હતી. આટલે ઊંડેથી માટી કોણ લાવે?

કાચબો કહે, ‘હું ડૂબીશ. ડૂબીને હું મારી પીઠ ઉપર માટી ભરી લાવીશ. મારી પીઠ ઉપરથી કોઈએ માટી લેવી પડશે.’

મોટોમસ કાચબો અને મોટા મેદાન જેવી એની પીઠ. કાચબાની વાત સાંભળી એક ભમરી આગળ આવી.

‘દેવ, કાચબાની પીઠ ઉપરથી માટી હું લઈ પૃથ્વી બનાવીશ.’

કાચબો સાત તાડ પાણીમાં ડૂબ્યો. મોટા મેદાન જેવડી પીઠ ઉપર માટીનો ડુંગર બનાવીને સપાટી પર આવ્યો. ભમરી ઊડી. માટીનો લોંદો બનાવીને એણે પૃથ્વી બનાવવાની શરૂઆત કરી.

એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ.

છ વખત કાચબો ડૂબ્યો. ભમરીએ વિચાર્યું કે આ વખતની માટી હું ચોરી લઉં. તેમાંથી મારું ઘર બનાવીશ. ભમરી થોડી માટી ખાઈ ગઈ. સાતમી વખતની માટી થોડી જ હતી. પૃથ્વી તો બની પણ તેમાં ખાડા વધારે હતા. ગણતરી કરી જોઈ તો થોડી માટીની ઘટ પડતી હતી. કાચબો સાત વાર ડૂબીને માટી બરોબર જ લાવ્યો હતો. ભમરીના માથે માટીચોરીનું આળ આવ્યું.

ભમરી જૂઠું બોલી ગઈ, ‘દેવ, મેં માટી લીધી નથી લીધી.’ ભગવાન વિષ્ણુએ ભમરીને બોલાવી. ભમરી ત્યાં પણ જૂઠું બોલી.

વિષ્ણુ ભગવાને મોટો ચીપિયો લીધો અને ભમરીનું પેટ દબાવ્યું. પેટના બે ભાગ થઈ ગયા. ભમરી રડી પડી.

‘ભગવાન, ભગવાન, જનમ આપનાર તમે, જીવાડનાર તમે અને મારનાર પણ તમે. તમે આ શું કર્યું? મેં ભૂલ કરી હતી. થોડી માટી હું ખાઈ ગઈ હતી. તેની આટલી મોટી સજા? મેં તો મારું ઘર બનાવવા માટી લીધી હતી. તમે તો મારા પેટને બે ભાગમાં વહેંચી દીધું. હવે હું મારો વંશવેલો કઈ રીતે વધારીશ? મારા કામને બિરદાવવાને બદલે મને આવી સજા આપી?’

દેવલોકોની ચર્ચા ચાલી. ભમરીની ભૂલના પ્રમાણમાં સજા વધારે હતી. ભમરીને કહ્યું, ‘જા, તારા પેટમાં તારી પ્રજા નહીં થાય. તું માટીનું ઘર બનાવજે. તેમાં ઈંડાં મૂકજે. ઈંડાંમાંથી ઇયળ બનશે. એ ઇયળમાંથી તારાં બચ્ચાં બનશે. જા.’

પૃથ્વી તો બની પણ તેમાં ખાડા વધારે હતા, ખાડામાં પાણી ભરાતાં ત્રણ ભાગ પાણી અને એક ભાગ પૃથ્વી બને તેમ લાગ્યું. હવે કશું થાય તેમ ન હતું. જે હતું અને જેવું હતું તેવું સ્વીકારી લેવા સિવાય છૂટકો ન હતો.

પૃથ્વી તો બની પણ માત્ર કાદવ જ હતો. કાદવ સમથળ કરવાનો હતો.

પૃથ્વી સમથળ કરવાની તથા પૃથ્વીની માપણી કરવાની જવાબદારી જુગાનંદ અને ભીમાબળીને સોંપવામાં આવી. ભીમાબળી અને જુગાનંદે અળવટ(પાણિયું) લીધું. એ અળવટ પૃથ્વી ઉપર ફેરવવા માંડ્યું.

અળવટ ફેરવતાં ફેરવતાં કેટલોક ભાગ ઊંચો રહી જતો હતો. તે ભાગને ઊંચો પ્રદેશ કહેવાયો. ઊંચા ઊંચા ભાગોના ડુંગરો બન્યા. સપાટ અને સારી જમીનનાં મેદાનો બનાવ્યાં.

ધરતી સમથળ કરી, ભીમાબળી અને જુગાનંદે માપણી કરી. પાંચ ધરતી અને નવ દરિયા થયા.

ડુંગર ઉપર ડુંગરદેવ, સીમમાં સીમદેવ, નાગદેવ, વાઘદેવ, પાતાળમાં ધામણદેવ, આકાશમાં સૂર્યદેવ, ચન્દ્રદેવ, તારાદેવ, ગામમાં ગામદેવ, ગાવતરી માતા વગેરે દેવોની સ્થાપના કરી. ડુંગરોના ગઢ બનાવ્યા. દરેક ગઢનાં નામો અપાયાં.

પાર્વતીએ સુનદેવ પાસેથી જુગાનો તૂંબડો લીધો. એ તૂંબડો એક પર્વત પર મૂક્યો. ત્યાં પાર્વતીએ તૂંબડાને લાત મારી. તૂંબડો ફૂટી ગયો. અંદરથી જાતજાતનાં બી કાઢીને પૃથ્વી પર વાવી દીધાં. અંદરથી છોકરાં કાઢીને નિષ્ક્રિય અવસ્થામાંથી તેમને જાગૃત કર્યાં અને આગલું ભુલાવી રમતમાં મશગુલ કર્યાં.

પીપરુળા પર્વત ઉપર જુગાની ગાદી સ્થાપવામાં આવી.

ભીમાબળી અને જુગાનંદ ફરતાં ફરતાં દરિયાકિનારે આવ્યા. દરિયો તોફાની બન્યો હતો. વારંવાર તેની મર્યાદા છોડીને જમીન પર ધસી આવતો હતો. ભૂમાબળીએ દરિયાને તેની હદ નક્કી કરી આપી. એને ભીમપાળ કહેવાઈ. દરિયો કહે, ‘હું મારી શક્તિ ક્યાં કાઢીશ?’ ભીમાબળીએ દરિયાને આર(ભરતી) અને વીર(ઓટ) આપી. દરિયાને કહ્યું, ‘જા, દિવસરાતના બે બે વખત આરવીર કરજે. તને તોફાન કરવાનો વિચાર નહીં આવે. તોફાન કરજે પણ ભીમપાળ ઓળંગતો નહીં, જા.’

પાર્વતીએ તમામ પ્રકારનાં બી પૃથ્વી ઉપર વાવી દીધાં. પૃથ્વી લીલીછમ બની. ગાઢ જંગલ ઊગી નીકળ્યું. જંગલમાં જંગલી પશુ, પક્ષી, જીવજંતુ વગેરેની ઉત્પત્તિ થઈ, ભુલભુલામણી કરેલાં છોકરાં મોટાં થયાં.

એમનો સંસાર ચાલુ થયો. વંશવેલો વધતો ગયો. પૃથ્વી હરીભરી બનતી ચાલી.

(જે જગ્યાએ તૂંબડો ફોડ્યો હતો તે પર્વત ધરમપુર તાલુકામાં આવેલ પીપરુળા માનવામાં આવે છે. ખૂબ જ ઊંચા પર્વત ઉપર રેતી અને છીપલાના અવશેષો હજી પણ મળે છે. કેટલાક વડીલો આ તૂંબડો ઝેઝુરીમાં ફોડ્યો હોવાનું કહે છે.)

પૃથ્વી હવે હરીભરી બનતી જતી હતી. માણસ ખેતી કરતાં પણ શીખ્યો હતો. ભગવાને ખેતીનો અધિકાર પણ માણસોને આપ્યો હતો.

વસતી વધતાં બધે અરાજકતા વર્તાતી હતી, વ્યવસ્થા ન હતી. મારે તેની તલવાર અને બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિ હતી. કોઈ કોઈનું માનતું ન હતું. કેટલાક સમજુ લોકો આગળ આવ્યા, ખૂબ જ ચર્ચાવિચારણા કરી. મૌખિક બંધારણ ઘડાયું. નેતા રાજા કહેવાયો. રાજાનું મુખ્ય કાર્ય પ્રજાકલ્યાણ અને પ્રજાનું કાર્ય સ્વસ્થ સમાજરચના એવું નક્કી થયું.

પહેલા રાજાની એક પુત્રી. નામ એનું રાજમાતા. રાજમાતામાં રૂપ હતું, સંસ્કાર હતા. એનું મુખ ચંદ્ર સરખું ઉજ્જ્વળ હતું. એનો રણકાર મઘમઘતો હતો. જ્યાં રાજમાતા હોય ત્યાં બધી જ નજર એના ઉપર મંડાયેલી રહે એવું એનું રૂપ.

રાજમાતા બાર વર્ષની થઈ. બાર વર્ષની વયે એને માસિક આવ્યું. એને સ્ત્રીત્વનું ભાન થયું. મીઠીમીઠી મૂંઝવણ અનુભવતી રાજમાતાને એક નવી જ દિશા ઊઘડતી હોય એવું લાગ્યું.

રાજમાતાની એક સહેલી હતી. એનું નામ સન્યાદેવડી. જ્યાં રાજમાતા હોય ત્યાં સન્યાદેવડી હોય જ. સન્યાદેવડી પણ રાજવી કુટુંબની જ હતી.

એક દિવસ રાજમાતા વાવે પાણી ભરવા ગઈ હતી. વાવનું પાણી શાંત હતું. ધીમા પગલે રાજમાતા વાવમાં ઊતરી. વાવના પાણીમાં રાજમાતાનું પ્રતિબંબિ પડતું હતું. રાજમાતા પોતાના જ પ્રતિબંબિને જોઈ રહી. એને પોતાનું પ્રતિબંબિ જોવાની મજા પડી ગઈ.

રાજમાતાના પ્રતિબંબિની બાજુમાં જ રૂપરૂપના અંબાર જેવું બીજું એક પ્રતિબંબિ ઊપસી આવ્યું. રાજમાતા એ પ્રતિબંબિને જોઈ રહી. રૂપરૂપના અંબાર સમા કોઈ રાજવી કે દૈવી પુરુષનું પ્રતિબંબિ હોય એમ લાગતું હતું.

રાજમાતાએ આંખો ચોળી. પ્રતિબંબિ ત્યાં જ હતું. એણે ઉપર જોયું. વાવને કાંઠે કોઈ દેખાતું ન હતું.

રાજમાતા ઉપર દોડી. બહાર કોઈ ન હતું.

બીજે દિવસે પણ આવું જ બન્યું. રાજમાતાએ પાણીમાં પ્રતિબંબિ જોયું. ઉપર આવીને જોયું તો કોઈ જ ન હતું.

રાજમાતાને મન આ એક કૌતુક હતું. એ મનોમન મીઠી મૂંઝવણ અનુભવતી હતી. આ ભ્રમણા તો ન હતી. નક્કી કોઈક તો હતું જ. કોણ હતું એ?

રોજ રોજ એવું બનવા માંડ્યું. એ ભ્રમણા હશે? ભૂત હશે? પ્રેત હશે? જાદુ હશે? ટોણા હશે? શું હશે?

બે દિવસ બહારગામ ગયેલી સન્યાદેવડી પાછી આવી. સન્યાદેવડીને રાજમાતાએ વિગતે વાત કરી.

સન્યાદેવડીએ કહ્યું, ‘તું માને ન માને પણ કોઈ દેવપુરુષ તારી પાછળ પડ્યો છે.’

‘મેં એને માત્ર પાણીમાં પ્રતિબંબિ રૂપે જોયો છે. પ્રતિબંબિમાં એ મને ગમ્યો છે. પણ એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એની મને કશી જ ખબર નથી.’

સન્યાદેવડી અને રાજમાતા બાગમાં ગઈ.

બન્ને સહેલીઓ વાતો કરતી હતી. વાત કરતાં કરતાં બન્ને જણીએ અનુભવ્યું કે એમની વાતો કોઈ ધ્યાનથી સાંભળી રહ્યું છે. રાજમાતા પાછળ ફરી. જોયું તો કોઈ પુરુષ આકાર ઝડપથી ફૂલછોડમાં અદૃશ્ય થઈ જતો દેખાયો.

રાજમાતા પાછળ દોડી. ફૂલછોડ પાછળ કોઈ ન હતું.

રાજમાતાએ ફૂલછોડ ઉપર ધ્યાનથી જોયું તો એક સુંદર સાવ બટકણી લીલખાપરું ઇયળ દેખાઈ. રાજમાતાએ લીલખાપરુંને કહ્યું, ‘કોણ છે તું? અહીં શું કરે છે? મારી પાછળ કેમ પડ્યો છે? તું જે હોય તે, ભૂત હોય, પ્રેત હોય, જે હોય તે સામે પ્રગટ થા.’

સન્યાદેવડીએ પણ કહ્યું, ‘જે હોય તે પ્રગટ થા. નહીં તો તને રાજમાતાની આણ છે.’

સાવ બટકણી લીલપાખરું અદૃશ્ય થઈ ગઈ. ત્યાં એક દૈવી પુરુષ આકાર હવામાંથી ઊપસી આવ્યો.

કમરે પીતાંબર, કમરે સાંકળી, હાથમાં કડલાં, ગળામાં ફૂલડાંની માળા, માથે મુગટ અને મોં ઉપર મરકમરક થતું હાસ્ય.

સન્યાદેવડી કહે, ‘તું કોણ છે? રાજમાતાનો પીછો કેમ કરે છે?’

પેલા દૈવી પુરુષે કહ્યું, ‘હું કર્તુકીદેવ છું. હું રાજમાતા પર મોહિત થયો છું. રાજમાતાની સાથે મને રહેવાનું ગમે છે. હું કોઈ પણ સ્વરૂપે રાજમાતાની સાથે જ હોઉં છું.’

‘પણ દેવ, તમે દેવ છો. આ માનવબાલિકા છે. તમારે છૂપીછૂપી રીતે કોઈ કન્યાની પાછળ ફરવું ન જોઈએ. આવું વર્તન તમને શોભતું નથી.’

‘હું એને ચાહું છું. એની સાથે લગ્ન કરીને જીવન જીવવા માગું છું.’

રાજમાતાની છાતી ફાટી જવાની હોય તેમ જોરજોરથી ધડકતી હતી. રાજમાતા પગના અંગુઠાથી જમીન કોતરવા લાગી.

બાજી સન્યાદેવડીએ સંભાળી લીધી.

‘દેવ, સમાજનાં બંધન બધાં માટે છે. રાજમાતા તમારી સાથે લગ્ન કરશે, જરૂર કરશે, પણ તમારે પહેલાં રાજમાતાના માતાપિતાની સાથે વાતચીત કરવી પડશે. એમની હા હશે પછી જ વાત આગળ ચાલશે.’

રાજમાતા અને સન્યાદેવડી ઘરે ગઈ. કર્તુકીદેવે વડીલો મારફત વાત ચલાવી અને રાજમાતા અને કર્તુકીદેવનાં લગ્ન થયાં. લગ્ન બાદ રાજમાતા કર્તુકીદેવના રાજમાં ગઈ. સન્યાદેવડીનાં લગ્ન સેંગળદીપીમાં થયાં.

દિવસ પછી દિવસ અને રાત પછી રાત જવા લાગી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, રાજમાતા સગર્ભા બની.

દિવસો વીતવા માંડ્યા. એક કરતાં બે, બે કરતાં ત્રણ, ત્રણ કરતાં ચાર, ચાર કરતાં પાંચ, પાંચ કરતાં છ, છ કરતાં સાત, સાત કરતાં આઠ, આઠ કરતાં નવ, નવ માસ થયા. નવ માસ ને નવ દિવસ પૂરા થયા. રાજમાતાની કૂખે એક સુંદર મઝાની બાળકી અવતરી.

પુત્રીનો જન્મ થયો ત્યારે ચોમાસું બેઠું હતું. જમીનમાં પડેલા અનાજના દાણાના અંકુરો હોવાથી પૃથ્વી સરસ શોભતી હતી.

આવા સમયે જ પુત્રીનો જન્મ થયો હોવાથી એનું નામ કનસરી પાડ્યું. કનસરી જન્મી તે વર્ષે ખૂબ જ સારો પાક થયો. ખેડૂતોમાં આનંદ આનંદ વ્યાપી ગયો.

કનસરી મોટી થવા લાગી. એને રમવા માટે રમકડાં જોઈએ. રાજમાતા જંગી સુથારને ત્યાં ગઈ. ત્યાંથી જંગી મુસળ બનાવી સાથે લીધું. રાજમાતા ત્યાંથી મહારના ઘરે ગઈ. મહારને ત્યાંથી સંગી સુરુપલી લીધી.

કનસરી તો જંગી મુસળ અને સંગી સુરુપલી જોઈને ખુશખુશ થઈ ગઈ.

ત્રણ વર્ષની કનસરી રોજ કાંકરા ભેગા કરે અને જંગી મુસળ વડે ચોખા ખાંડે તેમ ખાંડવા લાગી જતી. સંગી સુરુપલી લઈને કાંકરા ઝાડકતી. આખા દિવસની એની એ જ પ્રવૃત્તિ.

એક દિવસની વાત. કનસરીએ થોડા કાંકરા લીધા. જંગી મુસળ વડે એણે કાંકરા ખાંડ્યા. સંગી સુરુપલી વડે એણે કાંકરા ઝાટક્યા. ટોપલીમાં કાંકરા રાખીને રાજમાતા આગળ ત્રણ વર્ષની બાળકી કનસરીએ કહ્યું, ‘મા, આ ચોખા રાંધી આપો.’

રાજમાતા સમજાવવા લાગી, ‘બેટા, આ તો કાંકરા છે. કાંકરા કેવી રીતે રંધાશે?’

પણ આ તો હઠ.

ત્રણ વર્ષની બાળકીની હઠ.

વળી એ બાળકી એટલે એમાં ભળી સ્ત્રીહઠ.

એ બાળકી રાજકુંવરી એટલે એમાં ભળી રાજહઠ.

બાળહઠ, સ્ત્રીહઠ, અને રાજહઠ. ત્રણ ત્રણ હઠ ભેગી થઈ. રાજમાતાએ હાર કબૂલી.

રાજમાતાએ આંધણ મૂક્યું. કાંકરા એમાં ઓર્યા. ચૂલા તરફ પીઠ કરીને રાજમાતા રડવા લાગી.

રાજમાતા રડવા લાગી. બાળકીની નાદાની ઉપર. ત્યાં તો ચમત્કાર થયો. કાંકરાના ચોખા થયા. પાણીનું દૂધ થયું. રાજમાતા કનસરીને નમી પડી, ‘મારી દીકરી, આ વિદ્યા તું ક્યાંથી શીખી આવી?’

સેંગળદીપીમાં સન્યાદેવડીને પણ પુત્રી જ અવતરી. એનું નામ હિમાઈદેવકોઠારી પાડવામાં આવ્યું.

રાજમાતાના પેટે ચમત્કારી પુત્રી અવતરી હોવાની વાત બધે ફેલાઈ ગઈ.

દ્વારકામાં દેવસભા ભરાઈ. ત્યાં દેવલોકો ચર્ચા કરવા બેઠા. કનસરીની વાત આવી.

કાળા માથાના માનવીમાં આવી ચમત્કારી વાત ન શોભે. એ તો દ્વારકામાં જ શોભે.

દેવસભામાં બીડાં બનાવી મુકાયાં. જે કોઈ દેવ કનસરીને ઉઠાવીને દ્વારકા લઈ આવે તેને માટે ખાસ ઇનામની જાહેરાત કરવામાં આવી.

નારણદેવ અને મહાદેવે બીડું ઉઠાવ્યું. બન્નેએ અડધું અડધું ખાધું. બન્ને જણા કનસરીનું અપહરણ કરવા પૃથ્વી ઉપર આવ્યા.

સેંગળદીપીમાં સન્યાદેવડીને ખબર પડી કે દ્વારકામાં કનસરીના અપહરણની યોજના ઘડાઈ છે. એણે તરત રાજમાતાને આ વાતની જાણ કરી. રાજમાતા સતર્ક બની ગઈ. થોડા દિવસ સુધી કનસરીને ઘરમાં જ રાખી. પણ પછી દિવસો વીત્યા અને વાત ભુલાઈ ગઈ.

મહાદેવ અને નારણદેવ રાજમાતાના ઘરે આવ્યા. રાજમાતાને કહ્યું કે અમારે બીડી સળગાવવાની છે. રાજમાતા ઘરમાં દેવતા લેવા ગઈ. કનસરી ઘરની બહાર રમવા માટે નીકળી હતી. રાજમાતા ઘરમાં ગઈ કે તરત જ નારણદેવ અને મહાદેવ કનસરીને લઈને નાઠા. દ્વારકામાં લઈ જઈ ત્યાં સંતાડી દીધી.

સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. સેંગળદીપીથી સન્યાદેવડી પણ દોડી આવી. સાથે હિમાઈદેવકોઠારીને લઈ આવી.

‘બહેન, મેં તમને તાકીદ કરી હતી, છતાં આવું કેમ?’

રાજમાતા કહે, ‘બનવા કાળ બની ગયું. મને કનસરીની સતત યાદ આવે છે. કનસરી ક્યાં હશે? શું કરતી હશે? શું ખાતી હશે? શું પીતી હશે?’

સન્યાદેવડી થોડા દિવસ રાજમાતા પાસે રહી. રાજમાતાના આગ્રહથી એ પોતાની દીકરી હિમાઈદેવીને રાજમાતા પાસે મૂકી ગઈ. રાજમાતાને પણ ધીમે ધીમે હિમાઈ સાથે ગમવા માંડ્યું.

સાત-આઠ વર્ષ પછી કનસરીનો પત્તો દ્વારકાથી લાગ્યો. કનસરી ત્યારે તો જુવાન બની ગઈ હતી.

કનસરીનું અપહરણ થયું ત્યારથી હિમાઈકોઠારી રાજમાતા પાસે જ રહેતી હતી.

કનસરીને દ્વારકામાંથી શોધી કાઢવામાં આવી ત્યારથી કનસરી અને હિમાઈકોઠારીની મિત્રતાની ચર્ચા ચારેકોર થવા લાગી. એમની સરખામણી રાજમાતા અને સન્યાદેવડીની મિત્રતા સાથે થવા લાગી.

કનસરીને જંગલો ગમતાં, ઝાડી-વાડી ગમતી, ખેતરો ગમતાં અને ખેતીમાં કામ કરવું ગમતું. હિમાઈ અને કનસરી જંગલોમાં ફરવા માટે નીકળી પડતી.

એક દિવસ બન્ને બહેનપણીઓ ફરતાં ફરતાં પીલવાપેંઢાર ડુંગર તરફ ગઈ. વરસાદની મોસમ હતી. ચારે બાજુ લીલોતરી હતી. ડુંગરો પરથી ચોખ્ખું પાણી ધોધ રૂપે પડતું હતું.

બન્ને બહેનપણીઓ જંગલમાં નદીકિનારે બેઠીબેઠી અલક-મલકની વાતો કરતી હતી. પવન મંદમંદ વાતો હતો. મંદમંદ પવનમાં એક સંગીત વહેતું હતું.

થોડી વારે તાંબેમહોવરનો અવાજ આવવા લાગ્યો.

બન્ને જણી તાંબેમહોવરને સાંભળી રહી. અવાજની દિશા તરફ જઈને જોયું તો એક ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો. નદીની વચ્ચે એક નાનકડો બેટ હતો. બેટ ઉપર એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ચઢીને ગોવાળ તાંબેમહોવર વગાડતો હતો.

ગોવાળિયો વગાડતો હતો. કનસરી નાચવા લાગી. ગોવાળિયાએ જોયું કે એની તાંબેમહોવર ઉપર એક સુંદર છોકરી નાચે છે. એણે નવા નવા સૂરમાં તાંબેમહોવર વગાડવા માંડી. ચરતી ગાયો ઝાડની આજુબાજુ આવીને બેસી ગઈ.

બીજા દિવસે કનસરી અને હિમાઈ પેલા સ્થળે ગઈ. ગોવાળિયો ત્યાં જ હતો. ઝાડ ઉપર ચઢીને તાંબેમહોવર વગાડતો હતો. ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો.

ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો અને કનસરી નાચતી હતી.

હવે તો એ રોજનો ક્રમ થઈ પડ્યો.

કનસરીનાં હવે લગ્ન ગોઠવવાનું કર્તુકીદેવ અને રાજમાતાએ નક્કી કર્યું. કર્તુકીદેવ ઇચ્છતા હતા કે કનસરીનાં લગ્ન દેવલોકોમાં થાય. કર્તુકીદેવે તમામ રાજાઓને તથા દેવલોકોને કંકોતરી લખી મોકલી. કનસરીના સ્વયંવરમાં હાજર રહેવા વિનંતી કરી.

એક કંકોતરી લઈને કનસરી ગોવાળિયા પાસે ગઈ. ગોવાળિયાને કંકોતરી આપતાં એ બોલી, ‘ગોવાળ, મારાં લગ્ન છે. મારો સ્વયંવર યોજાયો છે. તું આવજે. સાથે તાંબેમહોવર લાવજે. મંડપમાં જગ્યા નહીં હોય તો તું ઉકરડા પર બેસજે. હું તને જ વરમાળા પહેરાવીશ.’

સ્વયંવરની શોભા અનેરી હતી.

દેશદેશાવરથી રાજામહારાજાઓ આવ્યા હતા. સાધુમહાત્માઓ આવ્યા હતા. રૈયત આવી હતી. દેવદેવાંગણ આવ્યા હતા. મહારાજાઓના માથે સોનાનાં છત્ર હતાં. જેવા રાજા તેવાં તેમનાં આસન હતાં. સાધુમહાત્માઓના માથે વાઘચર્મ હતાં. સેંકડોની સંખ્યામાં દાસીઓ ચમ્મર ઢોળતી હતી. મંડપ લહેરાતો હતો.

પીલવાપેંઢાર ડુંગર પરથી ગોવાળ પણ આવ્યો. મંડપમાં જગ્યા ન હતી તેથી તે ઉકરડા પર જઈ બેઠો. હાથમાં તાંબેમહોવર હતી. માથે ફેંટો બાંધ્યો હતો. કમરે ફાળિયું-ધોતિયું વીંટાળ્યું હતું.

રાજાઓનો જબરો ઠાઠ હતો. મહારાજાઓનો એમના કરતાં પણ વધારે ઠાઠ હતો. દેવલોકોનો એમના કરતાં પણ વધારે ઠાઠ હતો.

દરેક જણ પોતાને બીજાથી ચઢિયાતા માનતું હતું. કનસરીની વરમાળા પોતાના જ ગળામાં પડશે એવું દરેક જણ માનતું હતું અને પોતાના સેવકો પાસે એવું મનાવતા હતા.

માત્ર ગોવાળ જ કોઈ પણ જાતની કામના વગર બધું જોઈ રહ્યો હતો. કનસરી આવા રાજાઓ, મહારાજાઓ અને દેવોને છોડીને એક સામાન્ય ગોવાળને પરણે તે એને સંભવિત લાગતું ન હતું. માત્ર તમાશો જોતો હોય તેમ ગોવાળ સ્વયંવરને જોઈ રહ્યો.

કનસરી સભામાં આવી. સહુની નજર કનસરી પર મંડાઈ. તે પહેલાં તો સૌને નમી. સકળ સભાની આરતી ઉતારી. સ્વયંવરમાં પધારેલા તમામને કર્તુકીદેવે પ્રણામ કર્યાં અને તેમનો આભાર માન્યો.

કનસરીના હાથમાં થાળી હતી. થાળીમાં દીવા બળતા હતા. સો દાસીઓ કનસરીની પાછળ પાછળ ચાલતી હતી.

સૌપ્રથમ કનસરી રાજસભામાં ગઈ. રાજા લોકોના શ્વાસ થોભી ગયા. દરેકની ગરદન ટટ્ટાર થઈ ગઈ.

રાજસભામાં તમામ રાજાઓને નમન કરીને કનસરી બહાર નીકળી ગઈ અને મહારાજાઓની સભામાં ગઈ. ત્યાંથી નીકળીને દેવસભામાં ગઈ. કર્તુકીદેવને આનંદ થયો. કનસરી દેવસભામાં દેવને વરશે એવી એને ખાતરી થઈ ગઈ.

પણ, કનસરી દેવસભામાંથી પણ સડસડાટ બહાર નીકળી ગઈ. બધાને નવાઈ લાગી. કનસરી ગાંડી થઈ કે શું?

કનસરી સડસડાટ ઉકરડા ઉપર ગઈ. કનસરી ગોવાળ પાસે ગઈ. ગોવાળની પાંચ વખત આરતી ઉતારી. તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી. બધાને નવાઈ લાગી.

રાજા નારાજ થયા. મહારાજાઓ નારાજ થયા. દેવલોકો નારાજ થયા, કર્તુકીદેવ ઉપર બધો ગુસ્સો કાઢ્યો. આવી અપમાનજનક સ્થિતિમાં મૂકવા માટે જ અમને આમંત્રણ આપેલું હતું કે?

કર્તુકીદેવ પોતે પણ નારાજ થયા હતા. કનસરી રાજકુંવરી હતી. રાજકુંવરી ગોવાળને વરે એ કેવું?

લગ્નની વિધિ આટોપાઈ. જમણવાર થયો. કનસરી ખુશ હતી. ગોવાળ પણ લગ્ન બાદ કનસરા કહેવાયો.

કનસરી ગોવાળ સાથે એના નાનકડા ઘરમાં રહેવા ગઈ.

દેવદ્વારકાના દેવલોકો કનસરીના પગલાથી નારાજ હતા. વર્ષો પહેલાં કનસરીનું અપહરણ કરીને દ્વારકા લાવ્યા હતા. કનસરી દેવદ્વારકામાં રહે એવા એમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

હવે તો કર્તુકીદેવ પણ કનસરી પર નારાજ હતા. કર્તુકીદેવ, નારણદેવ અને મહાદેવે ભેગા મળીને કનસરીના પતિને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું.

કનસરીએ કનસરાને ત્યાં જઈને ખેતી કરવા માંડી. કનસરી ખેતરમાં કામ કરતી. કનસરા ગાયો લઈને પીલવાપેંઢાર ડુંગર ઉપર જતો. કનસરી દળતી, ખાંડતી અને રસોઈ બનાવતી. દિવસો સુખમાં વીતતા હતા.

કર્તુકીદેવ, નારણદેવ અને મહાદેવે કનસરાનું કાસળ કાઢવાનું આયોજન કર્યું હતું. એક દિવસની વાત. કનસરી ઘરમાં અનાજ ખાંડતી હતી. ગોવાળ પીલવાપેંઢાર ડુંગર ઉપર ગાયો ચારતો હતો. નારણદેવ અને મહાદેવ પીલવાપેંઢાર ડુંગર ઉપર ગયા. નારણદેવ ખોડુક(કાપેલ ઝાડનું થડ) બન્યા. મહાદેવ વાઘ બન્યા.

ગોવાળ ગાયો હાંકતો હાંકતો જતો હતો. એક પથ્થર ઉપરથી ખોડુક બનેલા નારણદેવ ઉપર કૂદ્યો. નારણદેવે કનસરાના પગ બરોબર પકડી રાખ્યા. મહાદેવે વાઘ રૂપે કનસરા ઉપર હુમલો કર્યો અને કનસરાને ગંભીર રીતે ઘાયલ કર્યો. કનસરાના અનેક પ્રયત્નો છતાં પણ નારણદેવે બરોબર પકડી રાખેલ હોવાથી કનસરા ભાગી શક્યો નહીં.

કનસરી અનાજ ખાંડતી હતી. એના હાથમાંની બંગડી તૂટી ગઈ. એના કપાળનો ચાંલ્લો ખરી પડ્યો. એની આંખો ફરકવા લાગી. એની છાતી જોરથી ધડકવા લાગી.

કનસરીએ ધ્યાન ધર્યું. એના પતિનું કોઈએ કાવતરાથી ખૂન કર્યું હોવાનું એને દેખાયું. પીલવાપેંઢાર ડુંગર તરફ હાથમાં મુસળ લઈને કનસરી દોડી.

વાઘ બનેલા મહાદેવ નાઠા. ખોડુક બનેલા નારણદેવને અસલી રૂપ લેતાં વાર લાગી. કનસરી એમને ઓળખી ગઈ. કનસરી નારાજ થઈ ગઈ. એણે કનસરાને જોયો. તાળવા નજીક જીવ હતો. કનસરાને ઊંચકીને એક કોરી ગુફામાં લઈ ગઈ.

કનસરાને ગુફામાં મૂકીને એણે બંધારણ કર્યું. હવા, પાણી, કીડી, મકોડી, વાઘ, વરુ વગેરે એને કાંઈ જ નુકસાન ના કરી શકે તેવી રચના કરી. જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં એ રહે તેવું બંધારણ ઘડ્યું. ગુફાને પથ્થરથી ઢાંકીને કનસરીએ વાળ છોડી નાખ્યા. કનસરી દેવલોકો ઉપર નારાજ થઈ. આ કેવા દેવ? દેવોએ તો સામાન્ય માણસની કાળજી રાખવાની હોય, રક્ષણ કરવાનું હોય, પણ, આ દેવો તો ભક્ષણ જ કરે છે. હું નાની હતી ત્યારે મારું અપહરણ કર્યું. હું મારી મરજીથી ગોવાળને પરણી તેમાં એઓ નારાજ થયા. મારી કોઈ ઇચ્છા જ નહીં? હવે મારા પતિનું ખૂન કર્યું. તમે દેવો નથી, દાનવો છો. કનસરીએ તપ કર્યું. ‘જો હું પતિવ્રતા હોઉં તો હે પવનદેવ, હે અગ્નિદેવ, હે ઢેગુદેવ, હે જળદેવી મા, તમે હું કહું એમ કરજો.’

બધા દેવોએ હા કહી.

સેંગળગીપીથી સન્યાદેવડી આવી. હિમાઈદેવકોઠારી પણ આવી. કનસરી ગુમસુમ બેઠી હતી. દેવલોકો સામે મેદાને ચઢવા એ તૈયાર હતી.

મોટા લોકોએ તો સમાજમાં નમૂના રૂપ વર્તન કરવું જોઈએ. નાના માણસો પ્રત્યે દયાભાવ અને કરુણા રાખવાં જોઈએ. તેમનું રક્ષણ કરવું જોઈએ. પણ, આ કેવું?

હિમાઇદેવકોઠારીએ કનસરીને સમજાવી, ‘બહેન, તમે એકલાં છો. સામે સમગ્ર દેવસભા છે. તમે એકલાં શું કરશો?’

‘હું જે કંઈ થઈ શકે તે કરીશ. આ સરાસર અન્યાય છે. હું અન્યાય સહન નહીં કરી શકું. હું લડીશ. એકલે હાથે.’

કનસરીએ વાદળદેવ, પવનદેવ, જળદેવી અને અગાસીમાતાને બોલાવ્યાં. બધા દેવો આવ્યા.

‘જળદેવી મા, તમે પૃથ્વી ઉપરથી જળ અદૃશ્ય કરો.’

‘ભલે.’

ને પૃથ્વી પરનું અડધું જળ અદૃશ્ય થઈ ગયું.

‘અગાસીમાતા, તમે આ પૃથ્વી ઉપરથી અનાજ-દાણા અદૃશ્ય કરો. માણસ મરી પણ ન શકે ને પેટ ભરીને ખાઈ પણ ન શકે એવું કરો.’

‘ભલે.’

‘પવનદેવ, તમે જોરજોરથી વાજો.’

‘ભલે.’

ને પવનનું જોર ચાલુ થયું.

‘વાદળદેવ, હું જ્યાં સુધી હુકમ ના કરું ત્યાં સુધી તમે વરસાદ વરસાવશો નહીં.’

‘ભલે.’

પૃથ્વી ઉપરથી વાદળો હટી ગયાં.

બધે હાહાકાર વ્યાપી ગયો. પાણી અદૃશ્ય થઈ ગયું. લોકો પાણી માટે ભટકવા લાગ્યા. અનાજ અદૃશ્ય થયું. લોકો ભૂખે મરવાં લાગ્યાં, ઝાડપાન તોડીને ખાવાં લાગ્યાં. પવન જોરજોરથી વાતો હતો. આકાશમાંથી ગરમી છૂટતી હતી. વાદળો ન હતાં.

માણસો ઇચ્છે તો પણ મોત આવે તેમ ન હતું. ભૂખ, તરસ, ગરમી વગેરે સહન કરીને માણસો હાડપંજિર જેવાં બની ગયાં હતાં. મરી શકે તેમ પણ ન હતાં અને જીવવા માટે પણ ખૂબ જ દુ:ખ વેઠવું પડતું હતું.

કનસરી વાળ છૂટા કરીને દ્વારકાના દરિયાકિનારે ગઈ, ત્યાં બારકોટ રચીને તે નગ્ન થઈને પડી ગઈ. પત્થરકોટ, હુલ્પેકોટ, તાંબેકોટ, સોનાકોટ, રૂપાકોટ, ચાંદીકોટ, પિત્તળકોટ, કંથલીકોટ, હલ્દીકોટ, સેંદરેકોટ, કુકવીકોટ અને વાળેકોટ. આમ બાર પ્રકારના કોટ રચી કનસરી દરિયાકિનારે પડી.

પૃથ્વી ઉપર હાહાકાર વર્તાઈ ગયો. પાણી નથી, અનાજ નથી, પવન છે, ગરમી છે. માણસો મરવા ઇચ્છે તો પણ મરી શકતાં નથી.

દેવલોકો પણ ગભરાયા. આનો ઉપાય કયો? દેવલોકોને પણ ખાવાનું મળતું ન હતું.

પશુપક્ષી વાંઝિયાં થયાં. ફળફૂલો ગુમ થયાં. ગાગરથી સાગર સુધીનું પાણી ગુમ થયું. કોઠારથી માંડીને ઘંટીના પડમાંનું અનાજ પણ ગુમ થયું.

સગાઈની લાજ છૂટી. પેટ માટે સગાઈ ભુલાઈ. માબાપ, ભાઈબહેન, પુત્રપુત્રી, કોઈ કોઈનું રહ્યું નહીં. માત્ર ભૂખ મીટાવવાના પ્રયત્નો જ રહ્યા.

દેવલોકોની સભા ભરાઈ. નારણદેવ, મહાદેવ અને કર્તુકીદેવ ઉપર ફિટકાર વરસ્યો. નારણદેવને સૂચના આપી કે ગમે ત્યાંથી પણ કનસરીને શોધી કાઢો. નારણદેવ સેંગળદીપી ગયા. ત્યાંથી જ માહિતી મળી શકે તેમ હતી. કનસરીએ સન્યાદેવડીનું ઘર બાકાત રાખ્યું હતું. અન્ન, પાણી વગેરે ત્યાં જોઈએ તેટલું હતું.

નારણદેવની દશા બહુ માઠી હતી. દાઢીમૂછ વધી ગયાં હતાં. શરીર હાડપંજિર જેવું બન્યું હતું. સન્યાદેવડી એમને ઓળખી જ ન શકી. નારણદેવે પોતાની ઓળખાણ આપી. સન્યાદેવડીને દયા આવી. હાથપગ ધોવા પાણી આપ્યું તે બધું જ નારણદેવ પી ગયા. ખાવા માટે ભાત આપ્યો. ભાતના દાણા મૂછોમાં ભરાયા. એમણે મૂછો પણ કરડી ખાધી. બહાર નીકળ્યા તો ભૂખ્યા લોકોએ દાઢીમૂછ ખેંચી કાઢ્યાં.

નારણદેવ સેંગળદીપીમાં રોકાયા છે, પણ સન્યાદેવડી કે હિમાઈદેવકોઠારી એને વાત કરવાની કોઈ તક આપતી નથી. નારણદેવ બેચેન છે.

આ તરફ લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. દેવલોકોએ પોતાની જીદ માટે કનસરાની હત્યા કરી અને નિર્દોષ પ્રજાજનોને દુકાળનો સામનો કરવાનો વારો આવ્યો. તેથી સહુ લોકો દેવોની વિરુદ્ધ થયા.

દેવસભામાં પણ હોહા થઈ ગઈ. નારણદેવ અને મહાદેવને સમગ્ર પરિસ્થિતિ માટે દોષ દેવામાં આવ્યો. દેવલોકોમાં પણ ચડભડ ચાલુ થઈ ગઈ. નારણદેવ સેંગળદીપીથી પાછા આવ્યા ન હતા. મહાદેવને લાગ્યું કે હવે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી છે. એમણે બધા દેવલોકોને જેલમાં પૂરી દીધા. દરેક દેવના હાથે અને પગે બેડીઓ પહેરાવી દીધી. એક ખાસ કાસદ સેંગળદીપી મોકલવામાં આવ્યો. નારણદેવને ખાસ સંદેશો મોકલવામાં આવ્યો.

નારણદેવને રાતે સપનું આવ્યું. બધા દેવલોકો જેલમાં દેખાયા. બધા દેવોને હાથે અને પગે બેડીઓ દેખાઈ. નારણદેવની ઊંઘ ઊડી ગઈ. સવાર થઈ અને કાસદ આવ્યો.

નારણદેવે હંમિત કરીને સન્યાદેવડીને કનસરીનો પત્તો પૂછ્યો. સન્યાદેવડી પણ સામાન્ય માણસની હાડમારી નજરે જોતી હતી.

‘નારણદેવ, તમે આ સારું કર્યું નથી. તમારા કારણે આ પૃથ્વી ઉપર દુકાળ પડ્યો છે. જાઓ. દ્વારકાના કિનારે જાઓ. કનસરી ત્યાં છે. હિમાઈદેવકોઠારીને સાથે લઈ જજો.’

નારણદેવે કાસદ સાથે સંદેશો મોકલ્યો કે કનસરી દ્વારકામાં છે અને એને લઈને હું આવું છું.

નારણદેવ અને હિમાઈ બન્ને દ્વારકા ગયાં. કનસરી દ્વારકામાં બાર કોટ રચીને દરિયાકિનારે પડી હતી. હિમાઈના માટે કોટનો દરવાજો ખૂલ્યો. નારણદેવને પેટે સરકીને દરવાજો પસાર કરવો પડ્યો.

કનસરી જાગી ગઈ. એને મરદની વાસ આવી. ‘હિમાઈ, તારી સાથે કોણ મરદ છે?’

નારણદેવ કયા મોઢે કનસરી સામે આવે? એમણે વિદૂષકનું રૂપ લીધું. ગાગર જેવું પેટ, ટોપલા જેવું માથું, દોરડી જેવા હાથપગ. નાચતાકૂદતા કનસરી સામે આવ્યા. કનસરી હસી પડી. નારણદેવ રડી પડ્યા.

‘કનસરીદેવી, મને માફ કરો. હું મારી કામગીરી માટે દિલગીર છું. મારા કારણે આખા જગતના લોકો ભૂખે મરે છે. તેનો દોષ મારા માથે આવે છે. મને માફ કરો. દુકાળ પાછો ખેંચો.’

કનસરીએ જે ભડકો જગાવવા ચાહ્યો હતો તે જાગી ગયો હતો. દેવોના કૃત્યને લોકોએ વખોડી કાઢ્યું હતું. દેવોની ભૂલોને કારણે નિર્દોષ લોકોની હેરાનગતિથી કનસરી પણ ચંિતિત હતી.

કનસરીએ વાદળદેવને બોલાવ્યા. અગાસીદેવ, પવનદેવ અને ભૂતે સાંવરાને બોલાવ્યા. ‘જાઓ, ગુમ કરેલું અનાજ પાછું લાવો. ગુમ કરેલું પાણી પાછું લાવો. ગાગરથી માંડીને સાગર સુધીનાં તળિયાં ભરી દો. જાઓ, વાદળદેવ, તમે વરસાદ વરસાવો. શીતળ કરો. ભૂતે સાંવરા, વાંઝિયામેણું ટાળો. જાઓ.’

બધા દેવોએ નમસ્કાર કર્યા. ગુમ થયેલું અનાજ પાછું આવ્યું. પાણી આવ્યું. પવન મંદ પડ્યો. વરસાદ વરસવા લાગ્યો. બધે આનંદ આનંદ થઈ ગયો.

કનસરીએ કહ્યું, ‘નારણદેવ, હિમાઈદેવકોઠારી, તમે જાઓ. હું પછી આવું છું.

કનસરી અદૃશ્ય થઈ ગઈ. સેંગળદીપીમાં જઈને પ્રગટ થઈ. સન્યાદેવડી કહે, ‘તને રાજપાટ આપું.’

કનસરી કહે, ‘મને રાજપાટ નથી જોઈતું.’

કનસરી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. રાજમાતા પાસે ગઈ. આંખમાં આંસુ હતાં. જ્યારથી કનસરીના પતિનું ખૂન થયું ત્યારથી રાજમાતા રડતાં રહ્યાં હતાં. એમની આંખોમાં સતત આંસુ હતાં. રાજમાતા કનસરીને ઓળખી શક્યાં નહીં.

કનસરી કહે, ‘મા, હું તારી કનસરી.’ માતાએ એને ગોદમાં લીધી. કનસરી નાના બાળકની જેમ ગોદમાં પડી રહી. પછી કનસરી કહે, ‘મારું કામ થયું. હવે હું મારા વરને, મારા કનસરાને જોવા જઉં.’

કનસરી વિષ્ણુ ભગવાન પાસે ગઈ. ત્યાંથી અમૃતકુંભમાંથી થોડું અમૃત લીધું. મોરપીંછ લીધું. પીલવાપેંઢાર ડુંગર પર જઈને ગુફાનું મોં ખોલ્યું. ત્યાં રાખેલા કનસરાના શરીર ઉપર અમૃત છાંટ્યું. તાળવામાં રહેલ જીવ ઊતરી આવ્યો. કનસરાને જીવતો કરી કનસરી મહાદેવ પાસે ગઈ.

મહાદેવ ઘરમાં ન હતા. કનસરી જેલખાને ગઈ. સર્વ દેવોની બેડી તોડાવી નાખી. બધા દેવોને મુક્ત કર્યા. દેવો આનંદમાં આવીને કનસરીનો જયજયકાર બોલાવવા લાગ્યા.

કનસરી મહાદેવને ત્યાં ગઈ. મહાદેવને ટાઢિયો તાવ ભરાયો. કનસરી મહાદેવના નાવણિયામાં કૂંપળ રૂપે પ્રગટ થઈ. કોઈ એને ઓળખી શક્યું નહીં.

બધા દેવો આવ્યા. બધા વૈદ્યો આવ્યા. મહાદેવનો તાવ ઊતરતો ન હતો. કૂંપળ રૂપે પ્રગટેલ કનસરીને કોઈ ઓળખી શક્યું નહીં.

પીલવાપેંઢાર ડુંગર ઉપર બાર પ્રકારના કુંકણા રહેતા હતા. એક સૈનિક ત્યાં કુંકણાને લેવા માટે ગયો. કુંકણો ઘરમાં ન હતો. કુંનબણ અનાજ ખાંડતી હતી. ‘મારા કુંકણાએ શું ગુનો કર્યો છે?’ કુંનબણ પૂછતી હતી.

કુંકણો આવ્યો. એને લઈને સૈનિક મહાદેવના ઘરે આવ્યો. કુંકણો કૂંપળરૂપે ઘટેલ કનસરીને ઓળખી ગયો. કનસરીએ કૂંપળમાંથી પ્રગટ થઈ કુંકણાને દર્શન આપ્યાં. કનસરી કર્તુકીદેવ પાસે ગઈ. કર્તુકીદેવે કનસરીના હાથપગ ભાંગી નાખ્યા. રથમાં દ્વારકા નાખી આવવાની સૈનિકોને સૂચના આપી.

કનસરી ઊભી થઈ. હાથપગ હતા તેવા થઈ ગયા.

‘મારું વાહન નંદી છે. હું નંદી ઉપર બેસીશ. હું રથમાં નહીં બેસું. હું હવે દ્વારકા જઉં છું.’

કનસરી દ્વારકા તરફ ચાલી. નંદી ઉપર બેસીને કનસરી ચાલી.

કાજળ જેવી રાત હતી. કાજળકાળી રાતે કનસરી બિલાડીના રૂપે સોનીને ત્યાં ગઈ. સોનીને સપનું આવ્યું. કનસરીએ સોનીને કહ્યું, ‘તાંબાની પાટ બનાવજે. ઉપર લાખ મૂકજે, એની ઉપર ચાંદીની વરખ લગાડી મારી મૂર્તિ ઘડજે.’

ત્યાંથી કુંકણાને ત્યાં ગઈ. કુંકણાને ત્યાં એણે કહ્યું, ‘હાથમાં લાકડી રાખી મહેનત મજૂરી કરજે. મારી પૂજા કરજે. અનાજના દરેક દાણામાં મારો વાસ છે. અનાજનો દરેક દાણો મારું રૂપ છે. એને બગાડતો નહીં, એને ફેંકતો નહીં. ભૂખ્યાની ભૂખ ભાંગજે. હું તને બરકત આપીશ.’

કનસરી નંદી ઉપર બેસીને દ્વારકા પહોંચી ગઈ.