ભારેલો અગ્નિ/૨ : કલ્યાણીનો નિશ્ચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨ : કલ્યાણીનો નિશ્ચય

દિવસોના અખંડ ઉજાગરાએ અને કલ્યાણીના કુમળા હસ્તસ્પર્શે ગૌતમની આંખો બંધ કરી. નિદ્રા શબનો પણ તકિયો બનાવરાવે. ગૌતમે નિદ્રા ખોઈ હતી, અને રુદ્રદત્તના મૃત્યુએ તેના હૃદયને ચીરી નાખ્યું હતું. બળતી આંખે અને ચચરતા હૃદયે તે સૂતો. તેણે આંખો બંધ કરી. એ આંખો વારંવાર ઊઘડી જાત; પરંતુ કલ્યાણીના હાથ તેની આંખ ઉપરથી ખસતા ન હતા. કલ્યાણીનો હસ્તસ્પર્શ ચાલુ રાખવાની ગૌતમે માગણી કરી જ હોત. કારણ કે એથી એની આંખને, એના હૃદયને કુમળા વાતાવરણનું ભાન થતું હતું. પરતું કલ્યાણીને તે કહી શક્યો નહી. તેનામાં બોલવાની શક્તિ પણ રહી નહોતી. કલ્યાણીના હાથ ઉપર તેણે હાથ મૂક્યો અને ઊંડી નિદ્રામાં ડૂબકી મારી.

તે ક્યારે જાગ્યો તેનું તેને પૂરું ભાન રહ્યું નહિ. યુગયુગાન્તરની જાણે તેણે મુસાફરી કરી હોય એવા અથાગ ઊંડાણમાંથી તે તરી નીકળ્યો. તેને ગાઢ નિદ્રા આવી ગઈ હતી. આખો બપોર અને આખી રાત તે સતત ઊંઘતો જ રહ્યો. તેનું થાકેલું મન વિશ્રાંતિ પામતું એટલે ક્વચિત્ સ્વપ્ને પણ ચડી જતું અને જીવનમાં જ માણેલા રસ અનુભવતું. ગોરાઓને ભરી ભરી જતાં કંપની સરકારનાં વહાણો હિંદ બહારના દરિયામાં વહી જતાં દેખાતાં. ઘડીકમાં કંપની સરકારના બાકી રહેલા સૈન્ય સાથે તે યુદ્ધમાં રોકાતો. હિંદુઓના વિજયનો ઘોષ પણ તેણે જ કર્યો. દુશ્મનોને હણવાથી જ વિજય મળ્યો એમ ગર્વભરી વાણીમાં તે રુદ્રદત્ત આગળ બધા બનાવો વર્ણવતો. વિજયની ક્ષણે બહાદરુશાહ અને નાનાસાહેબ તલવાર ખેંચી સામસામે ઊભી રહ્યા. ગૌતમ અને સૈયદ તેમને છોડાવતાં ઘવાયા. ઘવાયલા ગૌતમ પાસે રુદ્રદત્ત આવી આશિષ સહ કલ્યાણીનો હાથ તેના હાથમાં મૂક્યો. અને ગૌતમ જાગી ઊઠયો. સ્વપ્નમાં જીવતું જગત જાગૃતમાં અદૃશ્ય થઈ ગયું હતું. ગૌતમને સમજાયું નહિ કે તે સ્વપ્ન જોતો હતો કે નક્કર દુનિયાને નિહાળતો હતો!

કલ્યાણી પાસે જ બેઠી હતી. રુદ્રદત્તે હમણાં જ શું તેની સાથે હસ્તમેળાપ નહોતો કરાવ્યો? કલ્યાણી શા માટે તેનો સ્પર્શ કરતી ન હતી? કેટલે વખતે બન્નેને એકાન્ત મળ્યું?

‘કલ્યાણી!’ ગૌતમે આંખ ખોલી પૂછયું.

‘કેમ? જાગ્યો?’ કલ્યાણીએ સામું પૂછયું.

‘એટલે?’

‘ગઈ કાલનો તું સૂઈ રહ્યો છે.’

‘ગઈ કાલનો? ત્યારે એ બધું શું બન્યું?’ જે બન્યું તે રખે ને ખોટું પડે એવા ભયથી ગૌતમે પૂછયું.

‘તું કહે શું બન્યું તે. ઊંઘ સારી આવી, નહિ?’

‘જરા પાસે આવે તો કહું.’

‘આખી રાત તો હું પાસે બેસી રહી હતી.’ વધારે નજીક આવીને કલ્યાણી બોલી. ગૌતમની આશા ફળીભૂત થતી લાગી. તેણે એકાએક કલ્યાણીનો હાથ પકડયો અને કહ્યું :

‘જો તારો હાથ આમ મને ગુરુજીએ…’

‘ગુરુજી તો ગયા. એટલામાં ભૂલ્યો? ચિતા ઉપર તો આટલું રોયો હતો!’ કલ્યાણીએ હાથ છોડાવ્યા વગર કહ્યું.

જગત ઉપર પથરાયેલો મણિમય જાદુ એકાએક લુપ્ત થઈ ગયો. ગૌતમના હાથ શિથિલ બની ગયા. તેણે કલ્યાણીનો હસ્ત છોડી દીધો. કોઈ સત્ય દૃષ્ટિકોણ જડતાં પશ્ચાદ્ભૂમિકા આખી આપોઆપ ગોઠવાઈ જાય તેમ સઘળી સત્ય ઘટના ગૌતમના મનમાં સળંગ ગોઠવાઈ ગઈ. ગુરુનો વધ અટકાવવા ઉજાગરા વેઠી, થાક ખમી, દોડતા આવેલા શિષ્યે ગુરુના દેહનો અગ્નિસંસ્કાર જોયો. એ બધો પ્રસંગ તેની નજર આગળ જીવતો બની ગયો. તેના હૃદયમાં પાછો ચીરો પડયો. તેનાથી પુછાઈ ગયું :

‘ગુરુજી ગયા જ?’

‘હા; તેં બહુ વાર પૂછયું.’ કલ્યાણીએ કહ્યું.

‘મને ખરું નથી લાગતું.’

‘મને પણ ખરું નથી લાગતું. છતાં એ ખરું જ છે.’

‘ત્ર્યંબક ક્યાં ગયો?’

‘નદીએ સ્નાન કરવા.’

‘અત્યારે?’

‘અત્યારે એટલે? આ તો સવાર થયું છે. વળી તે ચિતાના દર્શન કરતો આવશે.’

‘સૈયદ ક્યાં છે?’

‘એ કાલ રાતના જ ચાલ્યા ગયા.’

‘ક્યાં? ટોકરાસ્વામી પાસે?’

‘ના. ઝાંસી તરફ ટોકરાસ્વામીની ના આવી ગઈ. ખંડેરાવ રેસીડેન્ટના કાબૂમાં છે.’

‘પાદરસાહેબ ક્યાં છે?’

‘સૈયદ એમને અને મેમસાહેબને ગોરી છાવણીમાં પહોંચાડી દેશે.’

‘મારે શું કરવું?’

‘તારી મરજીમાં આવે તેમ.’

‘સૈયદ શું કહી ગયા છે?’

‘ના. તું બધું જ જાણે છે એમ તેમણે કહ્યું હતું.’

ક્રાંતિકારીઓએ બધી કલ્પના કરી રાખી હતી. રુદ્રદત્ત બચશે અને ક્રાંતિનું સૂત્ર તેઓ હાથમાં લેશે એવી તેમને ખાતરી હતી. છતાં રુદ્રદત્ત એ સૂત્ર ન લે તો શું કરવું તેની યોજના ઘડાઈ ચૂકી હતી. પલટણોની ભૂલથી બધાય ભૂલ કરશે એટલું માત્ર તેમની કલ્પનામાં આવ્યું ન હતું. રુદ્રદત્ત ક્રાંતિ સાથે સંબંધમાં ન આવે તો મધ્યાપ્રાન્તની સરદારી ગૌતમે લેવી એવું ઠરી ચૂક્યું હતું. ગોરાઓની બધી જ છાવણીઓ ઘેરી લેવાની તેને સૂચના મળી હતી. અને મુંબઈ બાજુથી આવતા લશ્કરને અટકાવવાની યોજના તેણે કરવાની હતી. ખાનદેશ અને ગુજરાતને સળગાવવા માટે તેમ જ ગૌતમને સહાય આપવા માટે સૈયદની ગોઠવણ હતી.

સૈયદ ઝાંસી તરફ વળ્યા. બળવો ફાટી નીકળ્યો. યોજનાઓ અધૂરી રહી હતી. વિજયોનાં દૃશ્યો પાછળ શિથિલ સંયમમાંથી ઉદ્ભવતો પરાજય ગૌતમ સરખા ઘીટ સેનાનીને દેખાયા કરતો હતો. શું કરવું? કંપની સરકારને મળી જવું એ સહજ સરળ ઘટનાનો સ્વીકાર ગૌતમના મનમાં ક્ષણભર પણ આવે નહિ. કંપની તો જવી જ જોઈએ. એ તેનો દૃઢ નિશ્ચય હતો. ગુરુજી કહેતા હતા તેમ વગર હિંસાએ એ સિદ્ધ થાય તો?

પરંતુ તેની એને સમજ પડી નહિ. બળ વાપર્યા વગર પરદેશી સત્તા કેવી રીતે અદૃશ્ય થાય તેનો સ્પષ્ટ ખ્યાલ તેને આવ્યો ન હતો. ક્રાંતિમાંથી તત્કાળ ખસી જઈ પછીથી યોગ્ય સમયે પરિપક્વ યોજના તે ઘડે તો કેવું? પરંતુ એ વિચારમાં શું ભીરુતા ન હતી? એ વિચારમાં કૃતઘ્નતા શું ન હતી? જે ષડયંત્રનો તે વિભાગ હતો તે ષડયંત્રમાંથી નીકળી જતાં આખું યંત્ર હાલતુંચાલતું બંધ થઈ જાય! અપરિપક્વ પરિસ્થિતિને સુધારવાનો શું ધર્મ ન હતો? અણીશુદ્ધ સંપૂર્ણતા કઈ ક્રાંતિમાં હોય છે? અને નાનાસાહેબ, તાત્યાસાહેબ, લક્ષ્મીબાઈ, સૈયદ એ સહુને મૂકી કેમ ખસાય?

‘કેમ? શો વિચાર કરે છે?’ કલ્યાણીએ પૂછયું.

‘હિંદનું ભાગ્ય મને મૂંઝવે છે.’

‘અને તારું ભાગ્ય?’

‘મારું ભાગ્ય તો મેં ઉજાડી નાંખ્યું – નહિ, દેશના ભાગ્યમાં ભેળવી દીધું.’

‘મૂંઝવણનો ઉકેલ કર.’

‘નથી થતો. ઉકેલ કરનાર ગુરુ તો ગયા.’

‘હવે?’

‘હું એ જ વિચારું છું. મને ભય લાગે છે કે ક્રાંતિ નિષ્ફળ જશે.’

‘તું તેને સફળ કર.’

‘કલ્યાણી! આ તું બોલે છે? રુદ્રદત્તની પૌત્રી?’

‘રુદ્રદત્તનો શિષ્ય ક્રાંતિમાં જોડાય તો તેમની પૌત્રી ક્રાંતિનું નામ પણ ન દે? અને દાદાજીએ ક્યાં તને રોક્યો હતો?’

‘મને યુદ્ધનો અણગમો થતો જાય છે.’

‘કેમ?’

‘માત્ર દુશ્મનને મારવાથી રાજ્ય લેવાય? ગોરાઓની કતલમાંથી ગોરાઓની બુદ્ધિ આપણે મેળવી શકીશું?’

‘ભય તો નથી લાગતો ને?’

‘ભય? ગૌતમને ભય? હા, એક ભય છે. ક્રાંતિએ યોજેલી બધી કતલ નિષ્ફળ જશે.’

‘ત્યારે હવે તું શું કરીશ?’

‘બે માર્ગ. વચન પાળી દાવાનળમાં ઝંપલાવું; અગર…’

‘શું?’

‘નહિ કહું બીજો માર્ગ.’

‘મને પણ નહિ?’

‘તને જ નહિ!’

‘કારણ?’

‘કારણ એ જ કે…’

‘શું આમ કરે છે? મારા સમ મને એ ન કહે તો.’

‘સમ ન દઈશ. બીજો માર્ગ તારી આસપાસ ફરે છે.’

‘મારે શું છે?’

‘તારે કાંઈ નથી. મારે માટે માર્ગ છે.’

‘મને કહે તો હું પણ ઉકેલમાં સહાયક થાઉં.’

ગૌતમ ક્ષણભર થોભ્યો. તેણે ચારે પાસ જોયું. નાનકડી ધર્મશાળાની ખુલ્લી જગ્યામાં ગૌતમ અને કલ્યાણી બે એકલાં જ હતાં. સહેજ દૂર નદીકિનારે ત્ર્યંબક રુદ્રદત્તના ચિતાસ્થાન પાસે બેઠો હતો.

‘હાં, કલ્યાણી! કહે મને સ્પષ્ટ જવાબ આપીશ?’ ગૌતમે એકાએક પૂછયું.

‘મેં સ્પષ્ટ જવાબો તને ક્યારનાયે આપ્યા છે.’ કલ્યાણી બોલી.

‘હું ફરી પૂછું છું. છેલ્લું જ પૂછું છું.’

‘ભલે. હું સ્પષ્ટ ઉત્તર આપીશ.’

‘ત્ર્યંબકને તું ચાહી શકીશ?’

‘હું એને ચાહું છું જ.’

‘અને પરણી શકીશ?’

‘ના.’

‘કેમ?’

‘પરણીશ તારી જ સાથે.’

‘ક્યારે?’

‘તું શસ્ત્ર મૂકીશ ત્યારે.’

‘હું એ જ માર્ગનો વિચાર કરતો હતો. શસ્ત્ર લઈને મૃત્યુ ને ભેટું કે શસ્ત્ર મૂકી તને?’

‘મૃત્યુનો ભય હોય તો મને ભેટી શકીશ નહિ.’

‘હું શસ્ત્ર છોડીશ તે મૃત્યુના ભયથી નહિ. મૃત્યુ એટલી વાર નજરે જોયું છે કે તેમાં સ્વપ્ને પણ ભય લાગતો નથી.’

‘ત્યારે તું શા માટે શસ્ત્ર છોડે છે?’

‘તારું ભવિષ્ય મને ભય પમાડે છે.’

‘કેમ?’

‘ત્ર્યંબક સાથે તું પરણીશ નહિ. અને હું મૃત્યુને ભેટીશ તો…?’

‘તો મારું શું થશે એમ?’

‘હા.’

‘તેથી તું નઃશસ્ત્ર બનવા માગે છે?’

‘વિચારું છું.’

‘મારી દયા ખાઈને તું શસ્ત્ર છોડીશ તો હું તને પરણવાની નથી.’

‘ત્યારે?’

‘વિજયી બનીને શસ્ત્ર ફેંકી દે.’

‘હં.’

‘અથવા ગુરુજી માગતા હતા તેવું શસ્ત્રથીયે ચડિયાતું કોઈ અહિંસક શસ્ત્ર શોધીને શસ્ત્ર બાજુએ મૂક. પછી આવ. હું તે ક્ષણે તારી બની જઈશ.’

ગૌતમ કલ્યાણી સામે જોઈ રહ્યો. કલ્યાણી માર્દવની મૂર્તિ હતી, અને છતાંયે તે વિદ્યુત સરખી તેજીલી હતી. તેનું પ્રકાશિત પ્રફુલ્લ માર્દવ સર્વદા તેની તીક્ષ્ણતાને ઢાંકી રાખતું હતું. છતાં વિદ્યુતપ્રભા કોઈ કોઈ વાર એ માર્દવને ભેદી નાખતી ગૌતમે નિહાળી હતી. અને એ જ શું કલ્યાણીનું મહાઆકર્ષણ ન હતું? વર્ષોથી તે કલ્યાણીના સંસર્ગમાં રહ્યો હતો. કલ્યાણી સદાય આકર્ષક છતાં અસ્પર્શ્ય હતી. તે પ્રિયતમને પણ દૂર રાખતી હતી. સ્ત્રીસ્પર્શ સોંઘો થાય એટલે તેનું આકર્ષણ પણ ઓસરી જાય.

ગૌતમની દૃષ્ટિ ખસતી ન હતી. કલ્યાણી આછું હસી. રુદ્રદત્તની ચિતા હજી પૂરી શીતળ બની ન હતી; પ્રિયતમને તે પોતાનાથી દૂર ડહસેલતી હતી; તોય તે હસી.

‘મને પહેલી વાર જુએ છે?’ હસતાં હસતાં કલ્યાણીએ પૂછયું.

‘ના, તને ઘણી વાર જોઈ.’

‘ત્યારે આમ ટગર ટગર શું જોયા કરે છે?’

‘તને જ્યારે જોઉં છું ત્યારે તને પહેલી વાર જ જોતો હોઉં એમ લાગે છે.’

‘હું બહુ સુંદર છું?’

‘હું સૈનિક-જડ. મને સૌંદર્યની શી પરખ?’

‘ત્યારે મોં સામે કેમ જોયા કરે છે?’

‘એ મુખ વીસરાતું નથી – એનું કારણ હું શોધું છું.’

‘બહુ થયું. હવે રસિક ન બનીશ. જો ત્ર્યંબક આવે છે.’

‘જો. ભરયુદ્ધમાં પણ હું તને ભાળું છું અને મૃત્યુની ભયંકરતા મટી જાય છે. ભરએકાંતમાં હું ભમું છું, ત્યાંયે તને ભાળતાં એ એકાંતનો વિષાદ ઓછો થઈ જાય છે. નિરાશાને તળિયે ઊતરું છું. ત્યારે તારું જ એ મુખ મને તરતો રાખે છે. કહે, એ મુખ મન ભરીને જોવા દઈશ?’

‘જા. જા. મને શરમાવીશ નહિ.’

‘મુખ જોઈને હું વધારે માગીશ. મને ભય લાગે છે કે હું તને…’

‘બસ; હવે ત્ર્યંબકની પાવડી સંભળાય છે.’

‘ઠીક, મારી માગણી અધૂરી જ રાખવી ઠીક છે. પણ કલ્યાણી! એક વાત પૂછવાની રહી ગઈ.’

‘આજે તારી વાતનો પાર જ નથી આવતો. પૂછી લે.’

‘મૃત્યુ પામીશ પછી તું કોઈ સાથે પરણીશ કે નહિ?’

‘હા.’

‘કોની સાથે? એટલું કહે. અને હું સુખેથી ચાલ્યો જાઉં.’

‘તું કશી સલાહ આપી શકીશ?’

‘હું તો ત્ર્યંબક તરફ જ આંગળી ચીંધું છું.’

‘ત્યારે હવે આટલું જાણી લે – છેલ્લવેલ્લું જાણી લે.’

‘કહે.’

‘તું મૃત્યુ પામીશ તો હું તારા શબ સાથે લગ્ન કરીશ.’

ગૌતમ અડધો ઊભો થઈ ગયો. તેની આંખો ફાટી ગઈ. કલ્યાણી સ્થિર દૃષ્ટિએ – સહજ સ્મિતભરી દૃષ્ટિએ – ગૌતમનું આશ્ચર્ય જોઈ રહી હતી. ગૌતમ કલ્યાણીને જોઈ જ રહ્યો. કલ્યાણીનાં દર્શનમાં તે ઊંડો ઊતરી ગયો. જાણે સમાધિસ્થ યોગી. એક હૃદયનો ધબકારો તેને સજીવન બનાવી રહ્યો હતો.

કલ્યાણીએ પાસે પડેલા કમંડલમાંથી પાણી હાથમાં લીધું અને ગૌતમના મુખ ઉપર છાંટયું. ગૌતમે દૃષ્ટિ હલાવી અને પોતાની પાછળ રહેલા આકાશને સંબોધતો કલ્યાણીનો બોલ તેણે સાંભળ્યો :

‘એ તો હું ગૌતમની ઘેલછા ઉતારતી હતી.’

ગૌતમે પાછળ જોયું. ત્ર્યંબક ક્યારનો ઊભો હોય એમ તેને લાગ્યું.