મરણોત્તર/૨૬
સુરેશ જોષી
ટોળે વળેલા વિષાદનાં ઝુંડ એના કાળા ગણગણાટથી મારા કાનને ભરી દે છે. દૂરનો સમુદ્રનો આભાસ એનાથી ઢંકાઈ ગયો છે. કદાચ આ ઝંુડ મારામાં ખીલી રહેલા પેલા ઘાની ગન્ધથી જ ખેંચાઈને આવ્યાં હોય એવું લાગે છે. પહેલાં તો મારા ઘા મારાથી જ છૂપા રહેતા. રાતે કોઈ વાર એકાદ સણકો છૂપી રીતે એની જાણ મને કરી જતો. પણ હવે તો એ પૂરબહારમાં ખીલે છે. એનો આ વિસ્તાર મને સંકોચે છે. હું મારા અસ્તિત્વને એક ખૂણે સંકોચાઈને લપાઈને રહું છું, પણ મરણની લાતાલાત મને જંપવા દેતી નથી. બધું તંગ છે, એની તાણ હું અનુભવું છું. ભંગુર કહેવાતા દેહનાં બન્ધનો કેવાં હઠીલાં હોય છે! પણ હું કશીક આશાનું તરણું ચાવતો બેસી રહું છું. એનો કશો સ્વાદ નથી. પણ કેવળ પશુની જેમ જડબાં હલાવ્યે રાખવાનું જાણે અનિવાર્ય થઈ પડ્યું છે.
હવા થંભી ગઈ છે. બારી પરથી ચન્દ્રનાં પગલાં ચાલી ગયાં છે. ઝરૂખાને બીજે છેડે અશોકની સિગારેટના ધુમાડાનાં ગૂંછળાં આછાં આછાં વરતાય છે. ઓરડામાંથી કોઈ ગાનારીનો ઠુમરીનો સ્વર સંભળાય છે. એ સ્વર મુજરો ભરતો, તીરછી નજર કરતો, રિસાતો, મનાઈ જવાની રાહ જોતો, આખરે બધાં નખરાં સમેટી લઈને થંભી જાય છે. વળી નવો અનુનય શરૂ થાય છે. આ અન્ધકારમાં કોઈ નિશાચરની જેમ એ સ્વર ફર્યા કરે છે. પછી એકલા પડી જવાનું ભાન થતાં ગભરાઈને આછો બનીને કોઈક દરમાં લપાઈ જાય છે.
મેધા પાસે આવીને પૂછે: ‘સુધીર ક્યાં છે?’ પણ એ પ્રશ્ન નથી, એક રટણ છે. એ ઉત્તર શોધતી નથી. હું જોઉં છું – એની કાયામાંથી પ્રમાદની ઘેરી ગન્ધ આવે છે. વનમાં કોઈ અજાણ્યું ફૂલ એની ઘેરી વાસથી આપણને મૂંઝવી નાખે તેવું એ છે. કદાચ એ પોતે પણ એનાથી અકળાતી હશે. એ પ્રશ્ન પૂછીને સ્થિર દૃષ્ટિએ સમુદ્ર તરફ જોઈ રહે છે. એ વિષાદના ઝુંડને મારા ઘાની ગન્ધ ન આવે તેની ચિન્તામાં છું. ત્યાં મને એકાએક યાદ આવે છે. મેં મારી સામે જ ઊભેલી મૃણાલને પૂછ્યું હતું: ‘તું ક્યાં છે. મૃણાલ?’