મરણોત્તર/૨૭
સુરેશ જોષી
ચન્દ્ર ઢળી ગયો છે. અન્ધકારમાં મારો પડછાયો સંકેલાઈ ગયો છે. હવા એના સ્પર્શથી મારા શરીરની રૂપરેખા મને ઓળખાવ્યા કરે છે. હું મારા મોઢા પર હાથ ફેરવું છું. નદીઓ અને પર્વતો બતાવતા કોઈ ભૌગોલિક નકશામાં હોય છે તેવી રેખાઓનો સ્પર્શ મને થાય છે. ઊપસેલાં હાડકાં વચ્ચેના ઊંડા બનેલા ખાડાના પોલાણમાં આંગળીઓ સરી પડે છે. એ પોલાણમાંથી એ કશું લઈને બહાર આવતી નથી. લુચ્ચું મરણ હસે છે. આ પોલાણોમાં એનો પડઘો ગાજે છે. મારી આંગળીનાં ટેરવાં પર દીર્ઘ કાલના અનેક સ્પર્શોનો ઇતિહાસ વણભુંસાયેલો પડ્યો છે. એ ટેરવાંઓ વાચાળ બનીને એ બધો ઇતિહાસ ઉકેલવા જાય તે પહેલાં જ હું હાથ પાછા ખેંચી લઉં છું. પણ કોઈ અત્યન્ત નાના પંખીની જેમ મારાં ટેરવાં પાંખો ફફડાવ્યા જ કરે છે. મારા વ્યક્તિત્વની બહાર ચાલી જઈને સ્પર્શની નિકટતાના સન્ધિસ્થાને મિલનો રચવાનું કામ ટેરવાંઓનું છે. હવે કેવળ પોતામાં સંકેલાઈ ગૂંચળું વળીને એ દીર્ઘ કાળથી પડી રહ્યા છે. એ ટેરવાં સ્પર્શના જે સંકેતો લાવતા તેને ઓળખનારી ચેતના મરણના ભાર નીચે કચડાઈ ગઈ છે. થોડી જ ક્ષણમાં મારા મોઢાના સ્પર્શની જે સંજ્ઞા અલપઝલપ પ્રાપ્ત થયેલી તે ભુંસાઈ જાય છે. વળી આ અન્ધકારમાં નિશ્ચિહ્ન છતાં કેવળ વજનને લીધે હોવાપણું ટકાવી રાખીને હું ઊભો રહું છું.
પ્રભાત તરફ ઢળતી રાતનો પ્રહર કંઈક હળવો બને છે. અન્ધકાર કંઈક પાતળો પડવા માંડે છે. આવે વખતે મરણનો ઉત્પાત વધી જાય છે. આવે વખતે એ જાણે રૂંધાઈને તરફડવા માંડે છે. પહેલાં તો ઘણી વાર આવી ક્ષણે જ એની જોડે યુદ્ધ માંડીને એને પરાસ્ત કરીને હાંકી કાઢવા જેટલો મારામાં ઉત્સાહ હતો પણ એના ગયા પછી એને સ્થાને જે નવું પોલાણ ઉદ્ભવે તેને ભરી દેવા જેવું મારી પાસે શું છે? એવું કશું જડ્યું નથી તેથી જ તો એ યુદ્ધ કરવાના ઉત્સાહને મેં ઢબૂરી દીધો છે. મરણ આ જાણે છે તેથી ખંધું હસે છે. પણ કોઈક વાર અકર્મણ્યતા અને નિરાશાના ભારની નીચેથી સહેજ બહાર નીકળીને હું પ્રતીક્ષાપૂર્વક મીટ માંડીને પૂછી ઊઠું છું: ‘તું મારી સભરતા ન બની શકે, મૃણાલ?’