મરણોત્તર/૨૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૯

સુરેશ જોષી

ગોપી વાચાળ છે. મારો હાથ હાથમાં લઈને એ કમ્પી ઊઠતી નથી. અનેક હાથનો એના હાથને સ્પર્શ થયેલો છે. પણ એની આંગળીઓ સાવધ છે. પરોવાઈ ગયેલી આંગળીઓને ક્યારે અળગી કરી લેવી તે એ જાણે છે. હસતાં હસતાં જ એ આ કરી શકે છે. મારો હાથ હાથમાં લઈને એ પ્રભાત પહેલાંના પાતળા અન્ધકારમાં કશુંક જોવા મથે છે. પછી મારા હાથની રેખાઓને એ આંગળીથી ઓળખવા મથતી હોય તેવો ઢોંગ કરે છે. હસતી હસતી કહે છે: ‘તારા આગલા જન્મોની વાત મને ખબર છે. તું ગણિકાના ઘરનો પોપટ હતો. જે ગણિકાના ઘરમાં આવે તેને તું કર્કશ અવાજે આવકારતો. અર્ધી આંખ બંધ કરીને તું નાચમુજરા જોતો, ઉશ્કેરાઈને પિંજરાના સળિયાને ચાંચ મારતો, કોઈ વાર નિરાશ થયેલી થાકેલી એ ગણિકા તને પિંજરાની બહાર કાઢીને એની હથેળી પર બેસાડતી, તારી જોડે વાત કરતી, આંસુ સારીને બળતરા કાઢતી. એક દિવસ ગણિકાએ પોપટને કહ્યું, ‘મારી આંખો ફોડી નાખ. તારી ચાંચ શું એટલું નહીં કરી શકે?’ પોપટે દયા લાવીને ગણિકાની આંખો ફોડી નાખી. બીજે દિવસે ગણિકાના યારે આવીને આ જોયું. પોપટ ગણિકાના ખભે જ બેઠો હતો. ગુસ્સામાં એ યારે પોપટની ડોક મરડી નાંખી. પછી બીજો અવતાર થયો. ગણિકા બની રૂપરૂપના અવતાર જેવી કન્યા અને તું બન્યો બ્રાહ્મણનો પુત્ર. બંને દૂર છતાં સપનામાં એકબીજાને દેખાય. કન્યા યુવાનોને જુએ, દૃષ્ટિમાં દૃષ્ટિ માંડે, જે શોધે તે ન જડે ને નિરાશ થાય; યુવક બધે ફરે ને શોધે. પૂર્વજન્મની પેલી ઝંખના છૂપી છૂપી પીડે છે. ત્યાં કન્યાનો લગ્નકાળ વીતી જવા લાગ્યો. વ્હાલસોયાં માતપિતાએ તેને પરણાવી. દેવકુંવર જેવો વર છે, મહેલ જેવું ઘર છે. પણ કન્યાને ચેન નથી, આ બાજુ પેલો બ્રાહ્મણ યુવક પણ પરણી ગયો છે. પેલી પૂર્વજન્મની સ્મૃતિ હજી સળવળ્યા કરે છે. એને નથી ચેન દિવસે કે નથી ચેન રાતે. બન્ને ઉન્મના થઈને જીવે છે. એક દિવસ બંને ભેગાં થઈ ગયાં, દૃષ્ટિ મળી, તાર સંધાયા. પણ આ તો કળિજુગ. સંસારની જંજાળ. બન્ધન છેદે શી રીતે? ખૂબ રહેંસાયા, અકાળે મરણશરણ થયાં. પછી વળી નવો જન્મ. આ જન્મે તો તું શોધીને પામી ગયો છે ને? કે હજી શોધ ચાલુ છે?’ હું કશું બોલતો નથી. એ એનું મોઢું મારા કાન પાસે લાવીને કહે છે: ‘નામ કહું? મૃણાલ.’