મરણોત્તર/૨૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૮

સુરેશ જોષી

ઘરને રસ્તા સાથે એકાકાર થઈ જતું જોઈને હું બહાર નીકળી ગયો છું. ઘરમાં પડતાં પગલાંનો અવાજ અને રસ્તા પર પડતાં પગલાંનો અવાજ જુદો હોય છે. રસ્તા પરનાં પગલાં દિશા શોધે છે. એ પગલાંમાં લાંબે સુધી જવાની તત્પરતા હોય છે. એ પગલાંના લય અનેક પ્રકારના હોય છે. ઘરનાં પગલાં એક દીવાલથી બીજી દીવાલ સુધી જ જતાં હોય છે. બહુ બહુ તો એ ઊમરો ઓળંગે છે. બારી આગળ આવીને એ અટકે છે. એ પગલાં બીજાં પગલાંને છેદતાં નથી. કોઈ વાર એ પગલાંઓ એકબીજાને આધારે ચાલે છે. આથી એ પગલાંનો ભેગો સૂર સંગીત બની જાય છે.

પણ હવે તો ઘર પર રસ્તો ફરી વળ્યો છે. દીવાલો ખૂંધી બનીને ઝૂકી ગઈ છે. ઊમરા પર થઈને રસ્તો દોડી ગયો છે. દીવાલોના ઝૂકવા સાથે બારીઓ પણ પોતાની સીમારેખા ભૂંસી નાખીને રસ્તાની લંબાતી બે સમાન્તર રેખાઓમાં ખોવાઈ ગઈ છે. દીવાલ વચ્ચેના મૃદુ અને ગોરંભાતા અવાજો હવે રસ્તાના કોલાહલમાં નિરાશ્રિત બનીને સૌ કોઈની અડફેટે ચઢીને ક્યાંના ક્યાં ફેંકાઈ ગયા છે. અધીરાઈથી બારણું ખોલી અંદર પ્રવેશવું, બારીએ ઊભા રહી પ્રતીક્ષા કરવી, બારણું બંધ કરી એકાન્તને નિબિડ સહચારથી તસતસતું કરી નાખવું, આકાશની દખલગીરી છાપરાંથી રોકવી, સૂર્યચન્દ્રના પ્રવેશ પર નિયન્ત્રણ રાખવું – આ બધી માયામાંથી એકઝાટકે હું બહાર ફેંકાઈ ગયો છું. રેલવેના પાટાની જેમ હું ક્યાંય જતો નથી જાણે, છતાં દોડ્યા કરું છું.

આસ્ફાલ્ટના રસ્તાની નિષ્પ્રાણતા મારા પગનાં તળિયાંને પછડાયા કરે છે. મુલાયમ રેશમી ધૂળને ખોળે પગ પડતો નથી. જીભ કાઢીને હાંફતા રસ્તાઓની આંધળી દોડને હું વિવશ બનીને જોયા કરું છું. રસ્તાના વળાંક મારા મનમાં પ્રલોભન જગાડે છે. ત્યારે રખે ને હું છટકી જાઉં એવી ભીતિથી મરણ સાવધાન બનીને મને જોયા કરે છે, પેંતરો ભરીને એ બેઠું હોય છે. વળાંકો બધા જાણે મારામાં અમળાય છે, ગૂંચવાય છે. ને છતાં વળાંક આવે છે ત્યારે એ અર્ધવર્તુળને બીજે છેડે તારો આભાસ જોઈને પુછાઈ જાય છે: ‘કોણ, મૃણાલ?’