મરણોત્તર/૩૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૨

સુરેશ જોષી

મારો આ દેહ પ્રાક્તન સ્મૃતિને ઉકેલી બેઠો છે. ઈશ્વરની અણકેળવાયેલી આંગળીની અસ્થિરતા ફરી દેહને ચંચળ કરી મૂકે છે. આદિકાળના એ ભેજ અને તેનું નિબિડ મિલન ફરીથી મારા દેહમાં ઘનીભૂત થઈ ઊઠે છે. શિશુ જેવી પૃથ્વીના આનન્દચિત્કાર જેવી ઝૂમતી આદિ અરણ્યોની શાખાઓ મારા દેહને હિંચોળી રહી છે. દેહને ખૂણે ખૂણે આ અરણ્યના પશુઓની ત્રાડ ગાજી ઊઠે છે. આખાય અંગને આકાશ તરફ ફંગોળતાં પર્વતોની એ ઉદ્ધત ઉત્તુંગતા મારા લોહીને ઉછાળે છે. નદીઓનાં કૌમાર્યને ભેદતા સમુદ્રનો કામાવેગ મારામાં છલકાઈ ઊઠે છે. ઓગણપચાસ મરુતો, અગ્નિ, વરુણ, પર્જન્ય – મારી કાયાના વિહારક્ષેત્રમાં એક સાથે વિહરી રહ્યાં છે. શરીરના કોષમાં ધાતુઓનું પ્રથમ સ્મિત ચમકી રહ્યું છે. સૂર્યના પ્રથમ સ્પર્શની ઉત્તપ્તતાનું ઘેન મારા દેહને ઉન્મત્ત કરી મૂકે છે. ચન્દ્રની માયાનો જુવાળ એને ભીંજવીને તરબોળ કરી મૂકે છે. એક સાથે કેટલાય વિદ્યાધરો કિન્નરો ગન્ધર્વોનાં નૃત્યસંગીત મારી શિરાઓમાં રણકી ઊઠે છે. યુદ્ધોની સ્મશાનભૂમિઓનો સૂનો હાહાકાર મારા કાનમાં ગાજી ઊઠે છે. વિશ્રમ્ભે કોઈ કુંજમાં વનદેવતાની છત્રછાયા હેઠળ કરેલો પ્રથમ ભીરુ પ્રણયનો ચકિત દૃષ્ટિપાત મારી આંખોમાં ચમકી ઊઠે છે. ગરુડની પાંખો મારા શરીરને ફૂટે છે. ઘડીભર એ ઊંડા કૂવાને તળિયે શીતળતા માણતું શાન્તિ અનુભવે છે, તો બીજી જ ક્ષણે એ વિશાળ મેદાનો પર થઈને વાતી લૂના જેવો ઉષ્ણ નિ:શ્વાસ નાખે છે. મારા હાથ અનેક વાર જોડાયેલા હાથની સ્મૃતિને યાદ કરીને ઉત્સુક થઈ ઊઠે છે. મહાનગરોના રાજમાર્ગો, રેલવે પ્લૅટફોર્મ, ઉદ્યાનો, સૂની શેરીઓ, ઝૂકેલા ઝરૂખાઓ, મીટ માંડી રહેલી બારીઓ – આ બધું વંટોળની જેમ ફરવા લાગે છે. એના વટાળે ચઢીને મરણ પણ ચક્રાકારે ઘૂમવા લાગે છે. બધું ધૂંધળું બની જાય છે. શરીરની સીમાઓ પણ જાણે ઊડું ઊડંુ થઈ રહે છે. ફરી જાણે આદિકાળના એ શૂન્યાવકાશમાં એકાકાર થઈ જવાની આશા બંધાય છે. ત્યાં એક હાથનો સ્પર્શ થતાં બધું એક ક્ષણમાં શમી જાય છે. દેહ વર્તમાનમાં આવીને સ્થિર થાય છે. ફરી હોઠ એનું રટણ શરૂ કરે છે: ‘મૃણાલ.’