માંડવીની પોળના મોર/ઈમારતનો અંશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઈમારતનો અંશ

હું સ્થપતિ તો છું નહીં, પણ અમુક ઈમારતો મને ખૂબ આકર્ષે. ભલે, એક જ વાર જોઈ હોય તોય યાદ કરું ને મનમાં આખું ચિત્ર ઊપસી આવે.. રાણપુરની નદીના સામે કિનારે આવેલા જીર્ણશીર્ણ ગઢ ઉપર તો લાંબી કવિતા પણ કરેલી. એવું જ કંઈક કોલકાતાની ઉત્તરે આવેલા, રવીન્દ્રનાથના જન્મસ્થળ ઠાકુરબારી, જોરાસાંકો વિશે. કોઈ વ્યક્તિની જેમ જ ઇમારતને પણ ચાહી શકાય એવી ખબર બહુ મોડેથી પડેલી. આવી જ બીજી કેટલીક ઈમારતો, જે વારંવાર મનમાં ઊગી આવે છે. સમજવાની કોશિશ કરું છું, ક્યાં કારણે આવી ઈમારતો મનનો કબજો લઈ લેતી હશે? વિચારું તો, એની આકર્ષક ભવ્યતા જેવાં સ્થૂળ કારણો મળી આવે કદાચ.પણ હું જાણું છું કે એમાં કોઈ ને કોઈ સંવેદનની આપઓળખ અને ઊર્મિઓનું અનુસંધાન હોય છે. જન્મે ભલે ગરીબ બ્રાહ્મણ હોઉં, પણ મન તો જલમ ધર્યાથી ઠાકુરનું જ મળ્યું છે. જરા ઊંડે ખાંખાંખોળાં કરું તો વિશાળ પ્રાંગણ અને ભવ્ય કમાનો ઘેરી વળે છે. સ્થળ-કાળ અને ઇતિહાસ દરેકનાં અલગ, પણ મનની ભૂમિ ઉપર તો બધું એકાકાર. સ્મૃતિમાત્રથી, આ બધી ઇમારતો અલગ અલગ કે એકસાથે ઊભી થાય છે ને હું ઈચ્છું ત્યારે એમાં નિરાવરોધ હરીફરી શકું છું. જોરાસાંકોમાં, કવિવરનો જન્મ થયો એ ઓરડે પહોંચતાં પહેલાં, સીડી ચઢો કે તરત સામે ચાલીને બોલાવતી રવીન્દ્રનાથની જે તસવીર છે, એ વિવળ કરી મૂકે છે મને. એમાં કવીન્દ્રની આંખમાં વિશેષણથી પર - જે ભીષણ વેદના છે એનો સામનો કરો એ પૂર્વે જ આંખ દરિયો બની જાય. એમના કપાળની કરચલીઓ કરાવે કાલાંતર. તમે એક કેન્દ્રી હો, તો પણ મહાલયની ભવ્યાતિ ભવ્ય ક્રમાનો તમને વર્તુળાકારે બ્રહ્માંડની સફર કરાવે. આ દેશનો મનીષી તમને એની પોતાની ભૂમિ ઉપર, ક્ષણ વાર ઊભા રહેવાની કે ટહેલવાની પરવાનગી આપે. કોઈ હાક સૂણે કે ન સૂણે, પણ તમને એકલા ચાલવાનો માર્ગ કંડારી આપે. રાણપુરના મહેલ વિશે હું કંઈ જ જાણતો નથી. પણ એની સ્મૃતિ, અનેકવાર એના રાજવીપદે મારો અભિષેક કરે છે, કપાળે કુંકુ માક્ષત તિલક કરે છે, મને કોઈના પ્રેમમાં પાડે છે, ઘાઘરાના ઘેર અને સાડીના સળની ઠસ્સાદાર ચાલમાં કે નિતંબપુર કેશ કલાપના લયમાં ડોલાવે છે, પરાક્રમની ત્રેવડ જગવે છે ને ખપી જવાની ખુમારી પણ આપે છે. આંખ સામે બધું પલકવારમાં રચાય છે ને એટલી જ ઝડપે ખંડિયેરમાં રૂપાંતરિત થતું રહે છે, રેતની વહેતી નદીની સાક્ષીએ. ઉદયપુરમાં બાગોરની હવેલી એટલે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરનું થાણું. પિછોલા તળાવ અને ગંગોરીઘાટ. દૂરથી જોઈએ તોય મન ભરાઈ જાય. સહુ પ્રથમવાર અંદર જવાનું થયું ત્યારે રાજસ્થાનના કલ્ચરલ મિનિસ્ટર, કલ્ચરલ સેક્રેટરી અને બીજા અનેક મહાનુભાવો સાથે હતા. પણ, કોણ જાણે કેમ મને એમ લાગ્યું કે હું મારા પૂર્વજોને મળવા જઈ રહ્યો છું! જાણે આ હવેલીની આખી રચનાને મારા પગ યુગોથી જાણતા ન હોય એમ ફરી રહ્યા હતા. એક-બે વાર તો કાફલામાંથી છૂટ્ટો પડી ગયો. સાથેના અધિકારીઓ ખેંચી ગયા, પરંપરાગત સ્વાગત માટે. પણ, એ પૂર્વે દર-ઓ-દિવારે મારું સ્વાગત કરી લીધું હતું. ફરી એક વાર હું કાફલામાંથી ફારેગ થઈને જમણી બાજુની પરસાળ પકડું છું. મને ખબર નથી કે ક્યાં જઈ રહ્યો છું, પણ મારા પગ રોક્યા રોકાય એમ નથી. ધસી જાઉં છું વાયુવેગે એક પછી બીજી, બીજી પછી ત્રીજી એમ પરસાળો ને કમાનો પાર કરતો રહું છું. અચાનક કોઈ ધૂપની સુગંધ મને પોકારતી હોય એમ લાગે છે. હું ગંધ-સુગંધના રસ્તે હળવા વાયરાની ગતિએ પહોંચી જાઉં છું પરસાળની પેલે પારના થાનકે. મધ્યમ કદના મંદિરમાં, રાજવી ઠાઠને શોભે એવો અદ્ભુત શણગાર, બંને બાજુ ઊંચી કળાત્મક દીપધારિણીઓ. દીપ-ધૂપ ને અગરવાટની ઊર્ધ્વરેખ શિખાઓ. મુખ્ય નાયકનું પાઘ અને તોરાયુક્ત માત્ર મસ્તક! રોમેરોમ ધ્રુજારી અનુભવાય છે ને ઝળઝળિયાં આઘાં કરવાની ક્ષણે જ મારો ને એનો ચહેરો એક! ભારતની જ નહીં, દુનિયાની પણ સૌથી મોટી મસ્જિદ એટલે ભોપાલની તાજ-ઉલ-મસ્જિદ. અલગ અલગ તબક્કે ઊભી થતી રહેલી આ મસ્જિદ પૂરાં સો વર્ષ ખાઈ ગયેલી. લાલ પથ્થરમાંથી બનેલી આ મસ્જિદ માણસના અહંકારને ચૂરચૂર કરી નાંખે, એવું એનું કદ છે. હું ને બિન્દુ સાંજના સમયે એનાં ભવ્ય પગથિયાં ચઢેલાં. ચુમ્મોતેર ફૂટ ઊંચા દરવાજામાંથી અંદર પ્રવેશ્યાં ત્યારે નમાજ અદા કરવાની જગ્યા પાછળ સૂર્ય ડૂબી રહ્યો હતો. કબૂતરોનું એક ટોળું ઊડીને આમ આવે ને તેમ જાય. ગુંબજો અને કોઠાઓનો વિસ્તાર એટલો મોટો કે પાંખોનો ફફડાટ અનેકગણો થઈને તમારા કાને અથડાય. મસ્જિદની ભવ્યતા આપણને આભા કરી મૂકે. માથે રૂમાલ બાંધીને જેવા અમે મધ્યભાગમાં પહોંચ્યાં, બંનેના મનમાં એકસરખો જ ભાવ આવ્યો. ભવ્યતા પણ આત્મસાક્ષાત્કાર કરાવી શકે અને રમણીયતા અવર્ણીય આનંદ આપી જાય. જેનું જેવું મન એવી એની ઈબાદત, પરંતુ એક પળ એવી આવે જે આપણને એનો અંશ બનાવી દે. આવી ક્ષણે વાચા હણાઈ જાય ને અંદર-બહાર પ્રસરી રહે માત્ર મૌન. આટલા સમય પછી પણ ભવ્યતા અને દિવ્યતાનો ખ્યાલ સાકાર કરવાની ઈચ્છા જાગે, ત્યારે મનમાં આ મસ્જિદના મિનારાઓ ડોલવા લાગે છે. ઓગણએંશી કે એંશીની સાલમાં, હું અને કવિમિત્ર જગદીશ વ્યાસ પ્રથમ જ વાર સાહિત્યશિબિરમાં માઉન્ટ આબુ ગયેલા. સાંજના સમયે ફરવા નીકળેલા તે ચાલતાં ચાલતાં પહોંચી ગયા ટોડરોક પાસે. દેડકા આકારનો પહાડ. આપણી ઈમારતની વ્યાખ્યામાં એ ન આવે. કેમકે એ કુદરતે કોરેલું શિલ્પ છે. આતમને પંખી ગણીએ તો, એની બખોલોમાં અનેક પંખીઓ નિવાસ કરતાં હોવાને કારણે એને ઈમારત ગણવામાં હરકત ન આવવી જોઈએ. ઘણીવાર અમારામાં કુમતિનો પ્રકોપ જાગતો. કશો પણ વિચાર આવે એને અમલમાં મૂકતાં પહેલાં વિચારે એ બીજા! એ સુંદર રંગીન સાંજે અમને એમ થયું કે ચાલો કરીએ મેઢકારોહણ! અમે કંઈ પહાડખેડૂ તો હતા નહીં કે ચડવા ઊતરવાની યુક્તિ-પ્રયુક્તિઓ જાણીએ. ધીમે ધીમે ઉપર ચઢવાનું શરૂ કર્યું. આરોહણ સરળ લાગ્યું. પગમાં પહેરેલાં ચંપલ સરકે એની સાથેસાથે પગ પણ પકડ ગુમાવતા જાય. અચાનક જ અમને એકસાથે હૈયાફાળયુક્ત બોધ થયો અને પગ અટકી ગયા. એ પણ જ્ઞાન લાધ્યું કે સાંજ ઢળતી હતી એમ નહીં, ઢળી ચૂકી હતી! હવે ઊતરવું કેવી રીતે? ઊંધા ફરીને ઊતરીએ તો નીચે કશું ન દેખાય ને સીધા ઊતરવા જઈએ તો એક જ ક્ષણમાં નીચે જવાય પણ ક્યાં પહોંચાય તે તો ભગવાન જ જાણે! રોમરોમ ભય વ્યાપી વળ્યો. જરા સરખી હરકત કરીએ ને પગ લપસે. અવાજ કરીએ તોય નીચે સુધી ન પહોંચે. સાચી વાત તો એ હતી કે થોડો ઘણોય અવાજ નીકળે તો પણ, નીકળે ક્યાંથી? સાંજની ઠંડીમાંય અમે પરસેવે રેબઝેબ થઈ ગયેલા. નીચે નજર ગઈ તો પ્રવાસીઓનું ટોળું ભેગું થઈ ગયેલું. હવે અમને ગંભીરતા વધી ગયાની ખાતરી થઈ! કોણ જાણે ક્યાંથી અમારામાં ધીરજ આવી ગઈ. એકબીજા સાથે વાત થાય કે આંખમાં આંખ મેળવાય એવો સંભવ તો અમે જ રહેવા દીધો નહોતો. માત્ર આત્માના અવાજને અનુસરવાનું હતું. એકબીજાને જોઈ જોઈને, અનુકરણ કરી કરીને અવરોહણ શરૂ તો કર્યું, પણ અમને ખાતરી નહોતી કે નીચે બંને સાજાસમા મળીશું! કેટલો સમય ગયો એ યાદ નથી, પણ અમે નીચે ઊતર્યા ત્યારે અડધા જગતને હાશ થયેલી! મોત સામેની મેચ ડ્રો ગઈ એનો આનંદ લઈને અમે સાધનાભવન પહોંચ્યા ત્યારે રઘુવીરભાઈ અમને પોંખવા માટે તૈયાર જ હતા! અમૃતસરના હરમંદિર સાહેબ, સુવર્ણમંદિરમાં તો ગ્રંથસાહેબની જ પૂજા. ચારેબાજુ છલછલ થતા અમૃત સરોવરની વચ્ચે બેટ ઉપર આ મંદિર. આમ તો શ્વેત-ધવલ સંગેમરમરનું. પણ, છેલ્લા કેટલાક વખતથી સોને મઢવામાં આવ્યું છે. મને ગમતી વાત તો એ કે કોઈ ઈશ્વરની મૂર્તિને બદલે સર્વ ધર્મ સમભાવના પ્રતીકરૂપ ધર્મગ્રંથની જ પૂજા-અર્ચના. ગુરુબાની સાંભળતાં સાંભળતાં જ આપણે અંદરથી બદલાઈ જઈએ એનો ખ્યાલ પણ ન રહે. સોમનાથ મંદિરને તોડી- લૂંટીને જનારો મહંમદ ગઝની એની સાથે, હાથી ઉપર બાંધીને પ્રવેશદ્વારનાં ભવ્ય કળાત્મક કમાડ પણ લઈ ગયેલો. કહેવાય છે કે અમૃતસરથી પસાર થતી વખતે શિખ-સરદારોએ એને આંતર્યો ને કમાડ ત્યાં જ મૂકીને ભાંગી છૂટવું પડેલું. એ બંને કમાડો આજે પણ સુવર્ણમંદિરના પાછળના ભાગે બહાદૂરીની સાખ પૂરતાં ઊભાં છે. એના કદને જોવા જતાં, આપોઆપ જ આપણું માથું ઊંચું થઈ જાય. જેમાં હું ભણતો એ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ હાઈસ્કૂલ પણ ગાંજી જાય એવી નથી. અંગ્રેજોના જમાનાનું સ્થાપત્ય. દૂરથી જ એની ભવ્યતા આકર્ષે. ચારેય બાજુ ફરી શકાય એવી, લાંબી પરસાળ અને ગોળ કમાનો. થડેલા પથ્થરનું બાંધકામ. નીચે અને ઉપર બે તો ભવ્ય સેન્ટ્રલહોલ. નીચેનામાં લેબોરેટરી અને ઉપરનો પ્રાર્થનાખંડ! હજીયે જ્યારે પણ ‘અસત્યો માંહેથી...’ ગાઉં છું ત્યારે આખીયે ઈમારત મારા ફફડતા હોઠની પિછવાઈ બનીને ઊભી રહી જાય છે. અમને આકર્ષતું એનું ખુલ્લાપણું. ચોક્સીસાહેબના ચહેરાની મક્કમતા, વસંતભાઈ દોશીસાહેબની ટોની ગ્રેગ જેટલી ઊંચાઈ, ડી.જે. મેરસાહેબનું ગણિત-વિજ્ઞાન ઉપરાંત અનેક વિષયોનું જ્ઞાન, દાદાસાહેબનું બોખું હાસ્ય, જે.ડી.દવેસાહેબનાં શ્વેત-ધવલ ધોતી-ઝભ્ભો અને કાળી ટોપી, આર. સી. મણિયારની આંતરિક ઊંચાઈ, એચ. એમ. ત્રિવેદીની વિદ્વત્તા, જોતાંવેંત જ પંડિત ઠેરવે એવું શાસ્ત્રીસાહેબનું વ્યક્તિત્વ, અનસૂયાબહેનનો માતૃભાષા સાથેનો અનુબંધ, પીટીવાળા રાણાસાહેબની ગામગજવતી વ્હિસલ અને ક્ષાત્રતેજભરી ચાલ, મધુભાઈ પંચોલીની મારકણી રમૂજો અને રંગરેખાના બાદશાહ સી.બી. શુક્લ વગેરે શિક્ષકોની ચેતનાને બાદ કરીએ તો પાછળ કશું જ ન બચે! કેમકે આ બધાં, અમુક અર્થમાં જોઈએ તો ભવ્ય ઈમારતના અંશો જ નહીં, પણ તીર્થ સ્થલ જેવાં હતાં. ગણાવવા બેસું તો વસી ગયેલી ઈમારતોનો પાર નથી. એ બધું કામ ગણકઋષિને સોંપીને ભીતરની વાત કરું. સમજણો થયો ત્યારથી, મારામાં કાયમી ધોરણે વિરહનો એક ભાવ ઘર કરી ગયો છે. સમયનાં બંધનને તોડી-ફગાવીને એ ભાવ હંમેશા મને પીડતો રહ્યો છે. સંસર્ગમાં આવેલી સામાન્ય વ્યક્તિઓ જ નહીં, ઈમારતો, તળાવો, પશુ-પંખીઓ, વૃક્ષો, વૃક્ષ જેવા વિવિધ ક્ષેત્રના દિગ્ગજ કળાકારો કોઈની પણ સાથે મારું અનુસંધાન પળવારમાં થઈ જાય. સ્થળ-કાળનું બંધન તો રેશમી વસ્ત્રની માફક ગમે તે પળે ખરી પડે ને મારો વિહાર સચરાચરમાં થતો રહે. પરિણામે, જે વ્યક્તિને મેં કદી જોઈ જ નથી એના ય પ્રેમમાં હું પડી શકું. એનો વિરહ અનુભવું એટલું જ નહીં પીડાઉં પણ ખરો! એવું જ આ ઈમારતોનું છે. જોઈ છે એનો અને નથી જોઈ એનો, અસ્તિત્વ ધરાવે છે એનો અને જેનું અસ્તિત્વ છે જ નહીં એનો પણ વિરહ મને સતાવે. સતાવે કહીએ તો ઓછું પડે. એમ કહીએ કે બોરબોર જેવડાં આંસુ પડાવે! કદાચ આ ચિરવિરહ જ મારી પાસે કવિતા નહીં લખાવતો હોય એની શી ખાતરી?