માંડવીની પોળના મોર/મારા જીવનની ભૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારા જીવનની ભૂલ

એ વખતે હું ચોથા ધોરણમાં, અમારા ગામની ઊંચા ઓટલાવાળી નિશાળે ભણું. ભૂંગળા જેવી લાંબી રાખોડી ચડ્ડી. જાદવજી મેરાઈએ ચડ્ડી કરતાં ય ખિસ્સાં થોડાં લાંબાં રાખેલાં, તે ચાલું ત્યારે એના ખૂણા બહાર નીકળે! વાદળી રંગની પોપલિનનો બુશકોટ. બુશકોટની બાંય અને કોલર ઉપર ફેશન પ્રમાણેની કાળીધોળી તૂઈ. વારતહેવારે સફેદ ઝભ્ભો અને સુરવાળ પહેરું. લાંબા ઓડિયા વાળ, પગમાં હવાઈ કંપનીની અઢી રૂપિયાવાળી સ્લીપર. ખભે થેલી. થેલીમાં સરળ અંકગણિત, દેશી હિસાબ, ભારતી વાચનમાળા, સોમાલાલ શાહની ચિત્રપોથી, સીસા પેનોના ટુકડા, ઘસાયેલા રબ્બર, વચ્ચેથી તોડેલી ભારત પતરી, સૂર્યોદય કંપનીની પાટી અને ફૂટપટ્ટી, ખાતા ખાતાં બચી ગયેલી પેનના ટુકડા. નિશાળની દીવાલે કેટલીકને તો ઘસી ઘસીને અણી કાઢેલી. પથ્થરમાં પણ ઘીસી પાડી દીધેલી. પાછું માથામાં ધૂપેલ તેલ નાંખ્યું હોય એમાં વાળ ઉપર પેન ઘસીએ. આ ઉપરાંત બાકસની છાપો, તાજ અને કેવેન્ડર સિગારેટનાં ખોખાં, એમાં આવતાં ચમકતા ચાંદી જેવા કાગળ, છાપામાંથી કાપેલા ફોટા અને તે સિવાયની અનેક વસ્તુઓ જેને આજે આપણે કચરો કહીએ એ બધું જ મારા દફતરમાંથી એકસામટું મળી આવે! અમારા વર્ગમાં એક ભીખલો હતો. એના બાપાનું નામ માધાભાઈ. શિક્ષક હાજરી પૂરતી વખતે ‘ભીખા માધા’ એટલું બોલે એ પહેલાં આખી નિશાળ સાંભળે એમ ‘જયભારત’ એવી રાડ નાંખે. એનો હાથઊથલો ય ઘણો! અને માળો લોંઠકો ય એવો તે ગમ્મે તેની પદુડી કઢાવે! કોઈની પણ નવી પેન્સિલ પડાવી લે, કોઈ ન આપે તો દાંતમાં નાંખીને દાતણની જેમ ચાવવા માંડે. કટકા કરી નાંખે. નવીનકોર પાટીમાં કાંકરા ઘસીને આંકા પાડી દે, દફતર ઉપર પતરીથી છેકા મૂકે, કોઈની સાથે વાંધો પડે તો સાથળના મૂળમાં વળ દઈને ચોંટકા ભરે, બચકાં ભરી લે, જળોયાંસોંતી ઊભી પાટી મારે! કો’કને કમ્પાસનું ખૂણિયું મારે તો કોઈની ફૂટપટ્ટી તોડી નાંખે! પતરાની ફૂટપટ્ટી હોય તો બે ય હાથે વાળીને ઊલિયું બનાવી નાંખે! હાથીને ય સળી કરી આવે કે વડનાં વાંદરાં પાડી આવે એવો! હાલતાં ને ચાલતાં કોઈનું દફતર ઠેબે લેતો જાય, કારણ વિનાની મારામારી કરે. ઉંદરડાની જેમ એવું તો દોડે કે કોઈના ય હાથમાં ન આવે. દોડતો દોડતો એવી લોંકી ખાય તે પાછળ પડનારો ગડથોલું ખાઈને હેઠો પડે! ભીખલો ખી ખી ખી હસે! કોણ જાણે કેમ એને બીજા બધાંને રંજાડવામાં અનેરો આનંદ મળતો. આ ભીખલાએ એક દિવસ કોઈ પણ જાતના કારણ વિના મારા નવા ને નવા કમ્પાસ બોક્સમાંથી બધી વસ્તુઓ નિશાળનાં નળિયાં ઉપર ફેંકી દીધી. બે અણિયાળું પરિકર છાપરાના મોતિયા સાથે ભટકાઈને પાછું પડ્યું. એની આંખ બચી ગઈ, પણ કપાળમાં વાગ્યું! એટલે એનો બધો ગુસ્સો મારા ઉપર ઠાલવવા, કમ્પાસ બોક્સને જમીન પર મૂકીને એના પર કૂદકા માર્યાં. વર્ગ શિક્ષક પૂનમભાઈની નજર પડે એ પહેલાં તો ચપ્પટ પતરું કરી મૂક્યું! પછી હેંહેહેં એવું હસ્યો! મને એટલો બધો ગુસ્સો આવી ગયો કે શરીરનાં રૂવાડાં ઊભાં થઈ ગયાં. મુઠ્ઠી વાળીને એક ઘુસ્તો દઈ દેવાનું મન થયું, પણ એની શારીરિક તાકાત સામે મારી હિંમત ન ચાલી પણ, કોણ જાણે ક્યાંથી મારાથી એવું વિચારાઈ ગયું કે- ‘આ હાળો આ ટણપીનો મરી જાય તો હારું! કાયમનું હખ થઈ જાય!’ એ દિવસ શનિવાર હતો એટલે નિશાળ બાર વાગ્યે છૂટી ગયેલી. મેં આવીને ખાધું અને તરત હાથમાં ‘ટારઝનનાં પરાક્રમો’ ચોપડી લઈને પતરાની ઓયડી ઉપર થઈને લીમડે ચડ્યો. લગભગ બે વાગ્યાના સુમારે ભીખલો આવીને મને કહે, ‘ચાલ વાડીયે!” ‘મારે નથી આવવું તારી ભેગું! હું તારી હાર્યે નથી બોલતો!’ ‘નો બોલ્ય તો કંઈ નહીં, પણ હેઠો તો આવ્ય. એક વસ્તુ બતાડું!’ મને થયું કે જો હું નીચે નહીં આવું તો આ પાણાવાળી કરશે. એટલે ચોપડી ઓયડીના છાપરે મૂકીને નીચે ઊતર્યો! મેં કહ્યું- ‘બતાવ વસ્તુ!’ એની પાસે કંઈ બતાવવા જેવું તો હતું નહીં, એટલે એક બાજુથી ચડ્ડી ઊંચી કરીને એની પપૂડી બતાવી! કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી ગઈ તે મેં એની પપૂડી પકડીને સ્ક્રૂ ચડાવતો હોય એમ મયડી નાંખી! એને અંદાજ નહોતો કે હું આવું કરીશ. એકદમ ઢીલો પડી ગયો ને કહે, ‘હાલ્યને ભઈબંધ...એમ કરીને એણે મારા ખભા ઉપર હાથ મૂક્યો. એક ક્ષણ તો મને થયું કે જઉં એની સાથે વાડીયે. પહેલાં ય અમે ઘણી વાર ગયેલા. તાજાં તાજાં ગાજર ખાવાની મજા! પણ પછી મને વિચાર આવ્યો કે આ પપૂડીનો બદલો લેવા, એ હાળો મને કૂવામાં તો નહીં નાંખી દે! એટલે મેં તો ચોખ્ખી જ ના પાડી દીધી ને માથેથી એક ગાળ દીધી- ‘રાંડના નથી આવવું તારી હાર્યે!’ ‘ભઈબંધ હવે એવું નંઈ કરું લે બસ? કીધું અટુલ્યે કીધું બસ! માના હમ! ભગવાનના હમ બસ!’ એમ કરીને એણે પોતાના હાથની વેંત લાંબી કરી. અંગૂઠો મોઢામાં રાખીને ટચલી આંગળી લાંબી કરી અને મને બુચ્ચા કરવા કહ્યું! મેં બુચ્ચા તો ન કરી પણ બીજી મણ એકની હોફાવી... સાંજ પડતાં તો દેકારો થયો. સીમમાં હતાં એટલાં બધાં માણસો ભીખલાની વાડીયે ભેગાં થઈ ગયાં હતાં. કોઈ કહેતું હતું કે નાની એવી ખાટલીને રાશ્યું બાંધીને ઉતારો તો ઈને ઈમાં હુવડાવી દેવાય! કૂવામાં બે તરવૈયા આમથી તેમ લોકી ખાતા હતા. ભીખલાનો રબ્બર જેવો દેહ માંડ માંડ ખાટલીમાં નાખ્યો. બહાર ઊભેલા બધાએ ખાટલી ખેંચી લીધી. ઠેકડા મારતો મારતો ગયેલો ભીખલો ખાટલીએ ચડીને ઘેર આવ્યો! આખું ગામ એક જ ઘરમાં ભેગું થઈ ગયું હતું. કોઈને કંઈ કામે, બે ડગલાં ચાલવું હોય તો ય પગ મૂકવાની જગ્યા રહી નહોતી. ઘરની વચોવચ ફળિયામાં મૂકેલી ખાટલી પર, ભીખો સૂતો હતો. હવાની લહેરખી આવે ત્યારે એના વાળ સ્હેજસાજ ફરફરી ઊઠતા. માધાબાપાને અને ગામના એકોએક માણસને ખાતરી થઈ ગઈ હતી કે પંડ્યમાં પ્રાણ નથી. પણ, એની મા જીવતીને હજી એમ જ કે હમણાં મોરછા ઊતરી જશે અને ભીખલો બેઠો થાયે. ‘સ્વામિનારાયણબાપા. સ્વામિનારાયણબાપા.....’ એમણે તો ધ્રૂજતા દેહે રટણ ચાલુ કરી દીધું. કોઈનામાં એવી હિંમત નહોતી કે એની મા પાસે જઈને સાચી વાત કહે! જાણતાં છતાં લોકોએ તોડ કાઢ્યો : ‘એલા કો’ક સુરેન્દ્રનગર જાવ ને તાત્કાળી.... દાકતર પાટડિયા સા’બ્યને તેડી આવો!’ જીવતીને લાગ્યું કે પાટડિયા સા’બ આવશ્યે કે તરત મારો દીકરો બેઠો થાશ્યે! બે કલાકે લેમ્બ્રેટા ઉપર પાટડિયા સાહેબ આવ્યા. માણસોએ મારગ કરી દીધો. નહીં નહીં તોય બસોએક માણસ હતું. પણ જરાય અવાજ નહીં. એકાબીજાના શ્વાસ સંભળાય એવી શાંતિ પથરાઈ ગઈ હતી. પાટડિયા સાહેબે નાડ હાથમાં લીધી. પછી બેય કાનમાં નળી ગોઠવી ને સ્ટેથોસ્કોપનો ત્રીજો છેડો ભીખાની છાતી પર મૂક્યો. જેમને ખાતરી હતી એય બેએક ક્ષણ આશામાં આવી ગયાં. તરત જ ડોકટરે કાનમાંથી નળી કાઢી અને સંકેલી. બેગમાં મૂકતાં મૂકતાં કહે, ‘ઘણું મોડું થઈ ગયું છે! હવે આમાં કાંઈ ન થાય! તરત સારવાર મળી હોત તો...’ આ શબ્દની સાથે જ રોકકળ અને છાતી કૂટવાનું શરૂ થઈ ગયું! હું તરત જ મારા ઘરે આવી ગયો! બાએ હાંકોટો કર્યો : ‘તને યાં જાવાનું કોણે કીધું હતું?’ મને થયું કે જો હું એની સાથે ગયો હોત તો કદાચ આ ઘટના ન બની હોત! એ કેમ કરતાં કૂવામાં પડી ગયો હશે એની કોઈને ય ખબર પડી નથી. પણ, કાયમને માટે ભીખલો ગયો! હજી પણ મને મારું એ વાક્ય ચેન લેવા દેતું નથી- ‘આ હાળો આ ટણપીનો મરી જાય તો હારું! કાયમનું હખ થઈ જાય!’