માડી મને સાંભરે રે/કોઠાજુધમાં આટલી આપદા....

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯.
કોઠજુધમાં આટલી આપદા અભેમાન ન્‌ નંઈ પડેલી ભૈ...

ડેનિયલ મેકવાન

બહાર પરસળમાં સારું એવું ટોળું ભેગું થઈ ગયું હતું. જેઠુ ડોશી ‘માર, મોતિયા માર ! મારીને ભાંગી નાખ હાડકાં’ની બૂમો પાડી રહ્યાં હતાં. સાથે મારી મા—જીવી—ને ટીપી રહ્યાં હતાં. મોતી મારી માને મરવા હાથ ઊંચો કરી રહ્યા હતા અને અમે બે ભાઈ-બહેન માના બન્ને પગે બાઝીને ‘ના મારો...મારી માને ના મારો...’ની બૂમો પાડતાં પાડતાં રડી રહ્યાં હતાં. ત્યારે મારી મા આવી પરિસ્થિતિમાં ય અમે બન્ને ભાઈ-બહેનને આશ્વાસન આપતી કહી રહી હતી, ‘અલ્યા તમે ના રડો લ્યાં છૈયાં...હજી તો હું બેઠી છું બારસામરથ’ અને વળતાં કહેતી ‘મને મારવાની તાકાત કોની છ, અને આ મોતિયો તો મારો છૈયા જેવો છ છૈયા જેવો. એને મેં ધવરાવવાનું જ બાકી મેલ્યું છ. એ મને શું કરવાનો હતો ?’ અને નિસાસો નાંખતા કહેતી : ‘તમારે મારાં છોકરાં રઝળાવવાં છ એ હું જાણું છું. પણ એમ છૈયાંને રસ્તા વચ્ચે રઝળાવીને હું બીજે નાતરે તો નૈ જ જવાની એ ખાતરી રાખજો હાં...’ સંયુક્ત કુટુંબમાં મારા પિતાના મરી ગયા બાદ મારી માની સ્થિતિ દયાજનક જ હતી. દિયર મોતી અને સાસુ જેઠુનો ત્રાસ અસહ્ય હતો. બીજાં સાસુ આમ તો મારી બાને કાંઈ બોલતાં નહીં. પણ આ બન્ને મા-દીકરાને ચઢાવી મૂકતાં. એની પાછળનું કારણ પણ જીવીને હેરાન કરી, અકળાવી મૂકી એ બીજે નાતરે જાય એ હતું અને એમ થાય તો બધી જ મિલકત મોતીને મળે એમ હતી. પણ જીવી એમ તે કાંઈ હારે એવી થોડી જ હતી ? એને ય એના દીકરા પાછળ જિંદગી કાઢી નાંખવી હતી. એના જીવતાંજીવ એનો દીકરો કોઈનો ય ઓશિયાળો ન બને એ એને જોવું હતું. પણ માનું કિસ્મત જ કોણ જાણે એવું તો કેવું વાંકું હતું કે એ પરણીને સાસરે આવી ત્યારથી જ એની માથે પનોતી બેઠી હતી. મારા પિતાની હયાતીમાંય એના આત્માને શાંતિ ન હતી, પછી મરણ બાદ તો ક્યાંથી હોય ? મારા બાપુ જીવતા ત્યારે પણ માને શાંતિ ન હતી. સવારથી માંડીને સાંજ સુધી તનતોડ મહેનત કરવી પડતી. સાંજના સાસુઓ પથારીમાં પોઢે ત્યારે એમની પગચંપી પણ એને જ કરવી પડતી. બાપુને સાંજના છેલ્લો હુક્કો પીને સૂવાની ટેવ. એટલે એ કામ પણ મારી માને કરવું પડતું ! ચલમમાં તમાકુ મૂકી એની ઉપર સળગાવેલો દેવતા ચઢાવી, હુક્કાને ધોઈ, નવું પાણી ભરી એ મારા બાપુને આપે. સાંજના મોતી રડે તો એને લઈને ફરવાનું પણ મારી માના કિસ્મતમાં. આખો દા’ડો એ મોતીને લઈને ફરેલી તો હોય જ અને બાકી હોય તે સાંજે પતાવવાનું. સગી સાસુની સેવા કરવાના માને કોડ હતા જ. પણ આ બે સાસુઓ તો ખરા અર્થમાં કાકીસાસુઓ હતી. વાત એમ હતી કે મારા દાદા—બાપુના બાપુ ગુજરી ગયેલા ત્યારે એમના કાકાએ જ તેમને ઉછેરીને મોટા કરેલા. બાપુની મા પણ એમની પાછળ એમની જિંદગી કાઢી નાખવા તૈયાર હતા. પોતાના છોકરાને છોડીને બીજી જગ્યાએ ઘર માંડવા એમનું મન તૈયાર ન હતું. પણ કહેવાતી આ સાસુઓએ – કાકી સાસુઓએ – એમને અહીં રહેવા જ ના દીધા એટલે ના છૂટકે જ મારા બાપુને નોધારા મૂકી એ બીજે નાતરે ગયેલાં. મારા બાપુનો એમના કાકાએ સગા દીકરાની જેમ જ ઉછેર કરેલો. મારા બાપુને જરાય કાકાપણું ના લાગે એમ એમનો ઉછેર કરેલો. આમેય એમને એમની પાછળ વંશ ચાલુ રાખવાની તમન્ના એટલે પહેલી પત્નીથી છોકરો ના થયો એટલે બીજા ને લાવેલા. એમને પણ શરૂઆતમાં બે દીકરીઓ થઈ. પહેલાંથી થયેલી એક દીકરી તો એમને હતી જ, તેમાં આ બેનો ઉમેરો થયો. પછી કાંઈ થયેલું નહીં, એટલે સ્વાભાવિક જ એમનો પ્રેમ મારા બાપુ તરફ વળેલો. એમાં વળી મારા દાદા – બાપુના બાપુ – ગુજરી ગયા એટલે એમને દત્તકપુત્ર તરીકે લઈ લેવામાં એમને કાંઈ વાંધો ન રહ્યો. મારા બાપુને આમ એમના કાકાનો ઘણો પ્રેમ મળેલો. બંને કાકીઓને આ કેમેય કરીને ગમે નહીં પણ એમનું કાંઈ ઘરમાં ચાલતું નહીં. એટલે એમને પણ દીકરા જેવો પ્રેમ દેખાડવો પડતો. મારા બાપુનું લગ્ન પણ એમણે જ કરાવેલું. એ અરસામાં મારી મા, જેવી સાસરે આવી એવો જ એક બનાવ બની ગયો. મારા બાપુની ઉંમર ત્યારે અઢારેકની આસપાસ હશે. એ અરસામાં જ કાકી જેઠુને પુત્રજન્મ થયો. પાછલી અવસ્થામાં દીકરો મળ્યાનું પુણ્ય કાંઈ જેવું તેવું તો ના જ કહેવાય. એનો આનંદ પણ કાંઈ ઓછો ન હતો. પણ એ આનંદ મારા બાપુના કાકાના કિસ્મતમાં ન હતો. આ દીકરો વર્ષનો ય ના થયો અને એ સ્વર્ગે સિધાવ્યા. અને બાપુને માથે સારા ય સંયુક્ત કુટુંબની જવાબદારી આવી પડી. ખરા અર્થમાં તો આ બધી જવાબદારી મારી માના માથા ઉપર જ આવી પડી હતી. એક તો ઉંમર નાની. ભર્યું ભાદર્યું ઘર. ત્રણ નણંદો અને બે સાસુઓ. સગા દિયર જેવો જ દિયર મોતી. એ બધાની ચાકરી કરવાની સાથે ખેતરના કામમાં મદદ કરવાની. ઉપરાંત ઢોર-ઢાંખરો રાખવાં અને સાચવવાનાં જુદાં ! હાથી જેવા બે બળદ, ત્રણ વઢિયારી ભેંસો ને ખેતરના આંટાફેરા. મારી બા કહેતી : "ભૈ, કૂકડો તો શું ઊઠે; એ પહેલાં મારે ઊઠવાનું ને સઘળા ઘરનું દૈણું દળવાનું. સાંજનું આથેલું દૂધ હોય એનું વલોણું કરવાનું. બાજરી, ચોખા અને દાળને છડવાનાં. ચોખા ખલાસ હોય તો ડાંગર છડવાની. દાળ ખલાસ હોય તો તુવર ભરડવાની, સાથે દિવેલમાં મો’વાની તો અલગ. તારા બાપાને નિત નવી દાળ ખાવાના ઓરતા, એટલે મગની દાળ સાથે અળદની દાળ પણ ભરડવાની અને એને તૈયાર રાખવાની. ભેંસો અને બળદ માટે ચૂલા ઉપર દાણ તૈયાર કરવાનું. એ તૈયાર થાય એટલે ઢોરોને મૂકવાનું. એ પતે કે તરત ભેંસોને દોહવાની. પાછું હીરાને (મોતીને) લઈને આમતેમ ફરવાનું. ઘરનાં બધાંની ચા બનાવવાની, કપ-રકાબી ધોવાનાં. એ બધું પતે ન પતે ત્યાં બપોરની રસોઈમાં ખૂંપી જવાનું. ખાધું ના ખાધું કરીને તારા બાપુનું ભાથું લઈને ખેતરે જવાનું. રાતની મોંકાણ તો પાછી ઊભી ને ઊભી જ." અને ધીરે રહીને લાંબો નિસાસો નાંખતાં કહેતી, "ભૈ, હું તો કહું છું કે કોઈને ય ભગવાન આવો અવતાર ન આલેશ." ઘરની નણંદોને તો કામનું કહેવાય જ કેમ ? કહે તો તુરંત બાપુ તાડૂકી ઊઠે, "તો તન શું મહૈણે ચઢાવવાની છ ? ઘરનું ગોલિયું કરવા તો તને લાયો છું. ના થતું હોય તો ઘર છોડીને જતી રે’ પણ મારાં ભૈબેન તારું કીધેલું કામ તો નૈં જ કરે." મારી માથી આ કેમેય સહેવાય નહીં. ઉંમર નાની. માથે મોટો બોજ અને મદદ કરનારું કોઈ નહીં, એટલે એ મનમાં ને મનમાં સમસમી રહે, પણ બોલાય કેવી રીતે ? બોલે તો માર એવો પડે કે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. એક વખત મોતીને વહેલી ભૂખ લાગેલી. મા કામથી પરવારી ન હતી. એટલે વહેલું ખાવાનું ક્યાંથી પતાવે એણે હઠ પકડી ને માને ગુસ્સો આવ્યો, "કોણ જાણે કોઈ નૈં ને તું જ ગામ વે’લો ભૂખ્યો થાછ. આવો ભૂખદમ અમારા ઘરમાં ચ્યાંથી પાક્યો ?" બાપુ ખેતરથી ઘેર આવેલા, હાથમાં બળદો હાંકવાની પરોણી. રસ્તામાં બળદે હેરાન કરેલા એટલે ગુસ્સામાં તો હતા જ. ત્યાં જ આ શબ્દો સાંભળ્યા. બાકી શું રહે ? બળદને હાંકવાની પરોણી લઈને એ મારી માને ફરી વળ્યા. સટાસટ્‌, સટાસટ્‌, સટાસટ્‌, પરોણી બાને ક્યાં વાગે છે એ જાણવાની કે જોવાનીય એમને દરકાર ન હતી. એ મારતા જાય અને કહેતા જાય, "નીકળ્ય મારા ઘરમાંથી, શું સમજછ તારા મનમાં ? અબી ને અબી નીકળી જા મારા ઘરમાંથી. તારા મનમાં એમ છે કે મોતિયાનું કોઈ નથી ? હજી તો એના બાપ જેવો હું બેઠો છું." એ વખતે એ રિસાઈને પિયર ચાલી ગયેલી. પોસ પોસ આંસુ પાડતાં પોતાનાં માતપિતાને એણે કહેલું, "તમને કોઈ ના મળ્યું તે મને કસાઈને ઘેર મોકલી ? કોઈ ભિખારીને દીધી હોત તોય ભીખ માંગીને દન કાઢત. પણ આવી હાલત તો ના થાત ને ?" મા-બાપ શાંત સ્વભાવનાં. ગરીબડી ગાય જેવાં કહીયે તો ય ચાલે. ભગવાનમાં એમને ઘણી શ્રદ્ધા. એ કહેતાં "જો બોન ! ઉપરવાળામાં જ વશ્વા રાખીને જીવવાનું ને દા’ડા ટૂંકા કરવાના. અન માણહના કરમમાં હરહંમેશ સખ થોડું જ લખેલું હોય છ ? સખ અને દઃખ આલ્યા કરે એ તો" સાથે આધ્યાત્મિકતાનું રસપાન કરાવતાં હોય એમ કહેતાં "આખર આપણે તો રામનાં રમકડાં. એ રાખ એમ જ રે’વાનું." બાનું ચાલ્યું હોત તો એ ફરીથી સાસરે ન ગઈ હોત. પણ એનાં મા-બાપ તો "એ જ ઘર ને એ જ વર"નું રટણ લઈને બેઠાં હતાં. સુખેદુઃખે પણ એ જ ઘરમાં રહેવાનું આશ્વાસન આપતાં હતાં અને સૌ સારાંવાનાં થૈ ને રહેશે એમ કહેતાં હતાં. પણ બાના જીવનમાં ખરાબ વાનાં લખ્યાં હશે તે અધવચ્ચે જ મારા બાપુ સ્વર્ગે સિધાવ્યા અને મારાં માના કિસ્મતમાં કાળો અંધકાર વ્યાપી ગયો. ત્યારે મારી બાની ઉંમર છવ્વીસેકથી વધારે નહીં હોય. નાની ઉંમરે લગ્ન, ઘરમાં કોઈનો સથવારો નહીં. સવારથી તે સાંજ સુધી વેઠ વેઠ અને વેઠ. નણંદ–દિયરની ખડે પગે સેવા કરવી. એમાં ચાર બાળકોનો જન્મ થવો. (જેમાંથી બે મૃત્યુ થયાં) યુવાનીને વટાવે ન વટાવે ત્યાં તો લલાટે વૈધવ્યનો ચાંદલો થવો એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. મારા બાપુની બીમારી પણ એવી જ ચાલી હતી કે એમાં ઘણુંબધું ગુમાવવું પડ્યું હતું. બે બળદ, ગાડું, ભેંસો અને પાંચ વીઘાં જેટલી જમીન વેચી નાંખવી પડી હતી. આટલી મિલકત વેચવા છતાં પણ એ ન જ બચ્યા. ઉપરાંત બાકીની મિલકતમાં મને ભાગિયો બનાવતા ગયા. એ જેઠુ દાદીથી કેમેય સહન થતું ન હતું. ઘરમાં મોભી જેવું કોઈ બચ્યું ન હતું. મોભ જેવા દાદા અને બાપુ અધવચ્ચે જ ઊપડી ગયા હતા. ઘરમાં હવે હતાં ય કોણ કોણ જણ ? એ બે મા–દીકરો અને અમે ત્રણ જણ. ફોઈઓ ત એમના ઘરે હતી. તો ય ઝઘડા તો પતતા ન હતા. માને જુદા નીકળવાનો કે બીજે જવાનો ઇરાદો ન હતો પણ ડોશી જંપવા દેતાં ન હતાં. એ આખો દિવસ કામ કરીને આવે અને સાંજે અમે એને પગે ભૂસ્યાંડાંસ બાઝી પડીએ. દાદીના અને કાકાના ત્રાસનાં વીતક સંભળાવીએ અને આંખમાંથી આંસુ ટપકાવીએ. અમને રડતાં જોઈ માનો પિત્તો જાય. સાસુને સંભળાવતાં એ કહે, "તમારે દિલ છે કે પથ્થર ? આ છોકરાંની તમને જરીકે ય દયા નથી આવતી ? તમારા ભરુસે એમને મેલીને હું કામ કરવા જાઉં છું, કાળી મજૂરી કરું છું, મારાં છૈયાં માટે, અને ના સે’વાતું હોય તો આલી દો જુદું ઘર. તૈણમાંથી એક જ ઘર મારે જોઈએ. બાચીની મિલકત તમારા છૈયાને આપી." અને લાંબો નિસાસો નાખતાં કહેતી, "છૈયાંની આંતરડી કકળાવશો ને તો તમારું ધનોતપનોત નીકળી જશે..." પણ એની અસર ડોશી ઉપર કાંઈ જ ન થતી. મારી માથી આ સહ્યું જતું ન હતું. અને ઝઘડા બંધ થતા ન હતા. માએ રહેવા અલગ ઘરની માંગણી કરી તો ડોશી કહે, "તારું વળી અંઈ છ જ શું ? પડી રે’વું હોય તો પડી’રે નીકર..." દુઃખથી પિડાતી, ત્રસ્ત થતી, કંટાળતી, હેરાન થતી સ્રીઓ માટે સ્વર્ગસમું કોઈ સ્થાન હોય તો પિયર જ, અને માની જિંદગીમાં તો ઉગતી યુવાનીમાં જ દુઃખના ડુંગરા તૂટી પડ્યા હતા. એટલે એ પણ આખરે ક્યાં જાય ? અને એને આવી પરિસ્થિતિમાં એક મા-બાપના સહારા વગર કઈ હૂંફ કે આશ્વાસન હતું ? અને એક દિવસ અમને લઈને એ એના પિયર બોરીયાવી ચાલી ગઈ. નાના-નાની માટે આ કાંઈ નવું કે પહેલું આગમન ગણાતું જ ન હતું દીકરીનું. જમાઈ હતા ત્યારે ય દીકરીની હૈયા-હોળી સળગતી હતી અને મર્યા પછી તો ઓર સળગી હતી. પણ માને મન એમનું સાંત્વન પ્રેમનું હતું. લાગણીનું હતું. લોહીનું હતું. આ મા-બાપની ઇચ્છાને વશ થઈને જ એણે મારા બાપ જોડે ઘર બાંધ્યું હતું અને એમના મરણ બાદ પણ એ ઘર છોડવાની એની તૈયારી ન હતી. ઊલટાની અમ બાળકોને જોઈને એને ઓર હૂંફ મળી હતી. "છૈયાં તો કાલે મોટાં થઈ જશે પછી મારે ચિંતાય શી" ભગવાન પરના ભરોસે અને મા-બાપના સંસ્કારે પણ એને સારો સધિયારો પૂરો પાડ્યો હતો. મારી માએ એનાં મા-બાપનું વર્તન જુદું જ ભાળ્યું. દીકરીને સાંત્વન આપવાની જગ્યાએ એના અંધકારમય ભાવિએ એમને ખળભળાવી મૂક્યાં હતાં. દીકરીને અને એનાં છોકરાંને જોતાં એમણે પોક જ મૂકી. નિસાસો નાંખતાં એ કહે, "અરેરે ભગવાન ! કોઈનાય નહીં ને મારી દીકરીના માથે જ આ વયે કારમો ઘા ? એના કપાળે જ વૈધવ્યનો ચાંદલો ? કેમ કરીને જીવશે મારી છોકરી..." પણ માનામાં કોઈ ઓર હિંમત આવી હતી. પહેલાં કરતાં અત્યારનું એનું વર્તનેય જુદું હતું. એન એમને વારતાં કહેતી, "વાંક કોયનોય નથી ભૈ. જે વાંક હોય એ મારો અને મારા કિસ્મતનો. એમાં તમે ય શું કરવાના, ને ઉપરવાળો ય શું કરવાનો ?" સાથે બાપને નાનપણની વાત યાદ દેવડાવતાં આમ કહેતી, "અને તમે તો મને નાનપણમાં ફરીને ઘેર આવું ત્યારે ‘વાઘ આયો, મારો વાઘ આયો’ એમ કહેતા હતા ને ! તે મારે હવે તો દનિયામાં વાઘ થૈને રે’વું છ." ‘પણ બેટા ! તારી આ નાની ઉંમર, ઊગતી જવાની, એમાં વળી રંડાપો અને સાથે નાનાં આ છોકરાં અને સામે પા દોરંગી દુનિયાં અને હળાહળ કળિયુગ ! કંઈ કે’તાં કંઈ ને તારો પગ લપસ્યો...તો તો અમાર વખ ઘોળવાનો જ વારો આવે કે બીજું કાંઈ ?...’ ડોસા ગમગીન વદને કહેતા. ‘જુઓ બાપ ! આપ હારા તો જગ હારું.’ મારી બા કહેતી. વળતાં ખુન્નસમાં આમ બોલતી ‘અને વખત આયે જીવલી જીભ કરડીને મરી જશે પણ તમારી આબરૂને એબ આવે એવું નૈ થવા દે, હમજ્યા ? મને દનિયાની નથી પડી. એને પોં’ચી વળવાનું મારા કાંડામાં બળ છ–અને હૈયું સાબદું છ–તમે થોડો સહારો આલો એટલે પત્યું. પછી તો દનિયાં છ ને હું ય છું.’ દીકરી જીવીની આ હિંમત જોઈ મથુર ડોસો મોંમાં આગળાં નાંખી દેતા. તો નાનપણની અકડાઈ, અલ્લડપણું અને દિલની મજબૂતાઈ જોઈ હરખા ડોસી પણ અચંબામાં પડી જતાં. એમના જનમારામાં એમણે આવી હિંમતવાળી રંડાયેલી સ્રી જોઈ જ નો’તી. એટલે એમણે બન્નેએ જીવીને પ્રેમથી આસરો તો આપ્યો પણ સાથે સાથે જો એ અહીં જ રહેવા માંગતી હોય તો પોતાનું બીજું ઘર પણ આપી દેવાની તૈયારી રાખી. પણ જીવી જેનું નામ, એ બાપના ગામમાં પડી રહેવાનું કેમ કબૂલે ? એણે કહ્યું : ‘જુઓ બાપુ ! તમારી લાખ વાતે તૈયારી હોય તો પણ હું અહીં ઝાઝું રે’વા માંગતી નથી, ચકલાશીએ અમારાં તૈણ ઘર છ. એમાંથી એક અલાવો એટલે પત્યું. હું ને મારાં છૈયાં એમાં પડી રે’શું. મારે તો મારા છૈયાના ગામમાં અને ઘરમાં સામી પાટિએ પડીને રે’વું છ. તમે એટલું કરી આલો બાપા. પછી તો હું છું, જેઠુ ડોશી છ ને પછી તો છો ને આખું મલક સામે પડે !...હંધાય ને પો’ચી વળેશ. દુનિયાની સામે પડીને એ ખુમારીથી જીવન વિતાવે ન વિતાવે ત્યાં તો એક જબરદસ્ત બનાવ બની ગયો અને માના પગ નીચેની જમીન જાણે કે સરકવા લાગી. હું માંદો પડ્યો અને માના હોશકોશ ઊડી ગયા. મને સખ્ત તાવ આવે; અનાજ-પાણી લેવાય નહીં. પથારીમાંથી ઉઠાય નહીં અને આંખો તો ખૂલે શાની ? મા મારી પથારી પાસે બેસી રહે. શરીર ઉપર બેસતી માખીઓ ઉડાડે અને નિરંતર રડ્યા કરે. મથુર ડોસા પથારી પાસે મને જોવા આવે તો એ બાવરી બની એમને બાઝી પડે ‘બાપા ! ગમે તેમ કરો પણ મારા છૈયાને બચાવી લ્યો. મારો જાન લઈ લ્યો પણ એને તો બચાવી લ્યો, બાપા ! બાપ, એ મરશે તો હું નૈં જીવું હોં બાપા ! બાપા હું મારો જાન કાઢી નાખેશ. એ નૈં જીવે તો મારે પછી જીવીને ય શું કામ છ બાપા !’ એ દિવસોમાં તો એ ગાંડી બની ગયેલી. ખાવાનું ખાય નહીં. પાણી પીવે નહીં અને ટગર ટગર મારા મોં સામે જોયા કરે. એનો લાલ ક્યારે આંખ ઉઘાડે અને એના જીવમાં જીવ આવે એની એ રાહ જુએ. એની ચિંતા તો કાંઈક જુદી જ હતી. સસરો અને કાકો–સસરો અકાળે મરી ગયા હતા. પતિનો પણ એ જ રીતે અકાળે સ્વર્ગવાસ થયો હતો. હવે એકનો એક દીકરો કે જેની પાછળ એ પોતાની ઊગતી જુવાની કાઢી નાંખવા તત્પર થઈ હતી એ પણ જતો રહે તો પછી દુનિયામાં એનું રહે કોણ ? અને એક ભવમાં બે ભવ કરવા એને પસંદ ન હતા. એના કરતાં તો મોત એને વધુ પસંદ હતું. આવી પરિસ્થિતિમાં મથુર ડોસાના શબ્દો એના અંતરમાં ઠંડકનો લેપ કરતા, ‘તું નાહકની ચંત્યા કર છ બેટા ! જો તારા લાલને કાંઈ જ થવાનું નથી. અન માંદગી એટલે માંદગી એ વે’લી મટ ને થોડી મોડી ય મટ. પણ એથી કાંઈ અંતરની હામ થોડી ગુમાવી દેવાય ? મારી મા કહેતી ‘બેટા, બરાબર અરાડ દા’ડે તે આંખ ખોલેલી અને મારા મોઢાએ પણ એટલા દા’ડા બાદ અન્નનો કણ જોયેલો. કોઠાજુધમાં જેટલી આપદા અભેમાનને નૈં પડેલી એટલી મને પડેલી બેટા !’ એકાદેક વર્ષ રહ્યાં હોઈશું બોરીયાવીમાં અમે. પણ એ સમય દરમ્યાન પણ એ શાંતિથી પગ વાળીને બેઠી નથી. ડોસા એ સમયમાં વણાટનું કામ કરતા. ત્યારે ય એ એમને બધી રીતે મદદરૂપ થતી. તાણો નાંખવો, પાણ બાંધવું, ઉપર કૂચડો ફેરવવો, પાણને કાંજી પાવી. અરે ! વખત આવ્યે શાળ પર વણવા પણ બેસી જતી અને બાપ જ્યારે ફેરી કરવા જાય ત્યારે એમનું પોટલું પણ એ જ બાંધી આપતી. આ સમયમાં ડોસાએ ચકલાશીમાં સારા એવા ફેરા ખાઈ જીવીને અલાયદું ઘર અપાવ્યું. સાથ અમને મૂકવા ઘરે પણ આવ્યા. મારી માને હવે શાંતિ થઈ. ઝઘડાનો હવે ભો નો’તો. મારામારીની ચિંતા ન હતી. પણ નિત્યક્રમમાં કાંઈ ફેરફાર થયો ન હતો. પહેલાંની માફક જ વહેલાં ઊઠવું, દળવું, ચા બનાવી બાળકોને પાવી, કૂવે જઈ પાણી ખેંચી લાવવું, ભરવું, બધાંનું ખાવાનું બનાવી લેવું અને આઠ વાગતાં પહેલાં તો મહોલ્લામાંથી મજૂરોને એકઠા કરી તમાકુની ખળીએ જવું. અને ખળી પણ ચકલાશીમાં ન હતી. એ તો હતી ઠેઠ બે ગાઉ દૂર પોતાના પિયર બોરીઆવીમાં. આઠ-દશ મજૂરો લઈ એ દરરોજ ચાલતાં ચાલતાં બોરીઆવી જાય. શરૂઆતમાં તો એ મને દરરોજ એના ખભે બેસાડીને લઈ જાય અને સાંજના એ રીતે ઘરે પાછી લાવે. સાથવાળાં અન્ય અને ખાસ કરીને તો અંબા આ બાબતનો વિરોધ કરે. કહે ‘જીવીકાચી, આ લાડ પાછલી જિંદગીમાં ભારે પડશે હોં કે.’ પણ મારી મા એને ન ગણકારે પણ ધીરે રહીને કહે એમ થાયેય ખરું ભૈ, સન્સકારમાં ફેર પડે તો એમે ય થાય. પણ કાલ કોણે જોઈ છ. માર તો એનાં લાડ–કોડ પૂરા કરવાના પછી એના સમયનું એ જાણ.’ એ સમયની ખળીની મજૂરી ઘણી ભારે. માણસને થકવી નાંખે. સેરંટાની વાસથી માથું ચઢી જાય. ઊલટી થાય અને તાવ પણ ચઢી વાગે. માએ કોઈ દિવસ આની ચિંતા કરી નથી કે કામમાં પાછીપાની કરી નથી. સાંજના સાત વાગે એ છૂટે એવી જ મારતે ઘોડે ઘરે આવે, સાંજનું ખાવાનું બનાવે. પાણી ગરમ કરે. એ નહાય સાથે અમને નવડાવે, પછી અમને જમાડે અને એ જમે, અને પથારી કરી અમોને સુવડાવી પણ દે. સૂતાં સૂતાં પાછી રાજારાણીની વાતો પણ સંભળાવે. અમને ખુશ કરીને એ ખુશ થાય અને દુઃખ ભૂલે. વાતો માંડવામાં એની તોલે કોઈપણ ન આવે. ભક્ત ધ્રુવ અને પ્રહ્‌લાદની વાતો એવી રીતે કહે કે આપણે બસ એ સાંભળ્યા જ કરીએ. શ્રવણની વાત કહે અને એની આંખોમાંથી શ્રાવણ–ભાદરવો વરસે. વળી વીર વિક્રમને તો એ ભૂલે જ શાની ? શરૂઆતમાં વાતનો દોર હોંશે હોંશે હાથમાં લ્યે. ધીરે ધીરે વાતનો દોર લંબાવે પણ કરુણ પ્રસંગ આવતાં એની આંખો ચૂવા માંડે. એ રડે સાથે અમને પણ રડાવે પણ વાતનો દોર ન વછોડે. મીરાંબાઈનાં ભજનો એના મોઢે. તો નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં તો એના મોઢેથી સુકાય જ નહીં. વહેલી સવારે એકાદ પ્રભાતિયું આપમેળે જ એના મુખમાંથી આગવી ઢબે અને હલકે નીકળી જાય.

‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તો યે મન અભેમાન ન આણે રે’...

વહેલા ઊઠનારા ‘પેલી જીવી વગર ઘા નૈ, એના વગર કોને આવું સરસ ગાતાં આવડ છ’ એમ કહે અને હરખાય. તો તિરસ્કાર કરનારું ય હોય. એ વળી આમ કહે, ‘નવરી છ તે સવારના પોરમાં રાગડા તાણ છ. બૈરી માણહને તો વળી આવું પોહાય ખરું ?’ તમાકુની ખળીમાં પણ બપોરના ટાણે એ કોયલની માફક ટહુકી ઊઠે. રિસેસ પડી હોય, જમી પરવારીને બધાં આંબાના ઝાડ નીચે કોથળા ઉપર આડાં પડ્યાં હોય ત્યારે એ ગીત છેડે. આગવી ઢબે અને આગવી રીતે.

‘સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં.
ટાળ્યાં તે કોઈનાં નવ ટાળે રઘુનાથનાં જડિયાં...સુખદુઃખ.’

કોણ જાણે કરુણરસ એના જીવતરમાં, એના શરીરમાં, એના અણુએ અણુમાં એના રક્ત–માંસમાં, એના શ્વાસોચ્છ્‌વાસમાં, એના હલનચલનમાં એવો તો ભળી ગયો હતો કે એનાથી જુદા પડવું એને કેમેય ન ગમતું. માનો કે એ કરુણાની જ ઘડાઈ ગઈ હતી. આનાથી એના જીવનમાં એક નવું જ પરિમાણ ઊભું થયું, અને એ એનું અલગારીપણું. સાધુપણાની એક જુદા જ પ્રકારની ભાવના એના અંતરમાં આકાર લેતી થઈ. આને લઈને દુન્યવી બાબતોમાં, દુનિયાના મોજશોખમાં, આનંદ-પ્રમોદમાં એને પહેલેથિ જ નફરત ઊભી થઈ. એ ભલી એનું કામ ભલું, એનાં છોકરાં, એની વાતો. એ ક્યારેક એવું તો બોલતી કે ભલભલા વિચારમાં પડી જાય. કોઈકને તો શંકા ય જાય કે આવી આ સાધ્વી થઈ જવાની છે કે શું ? અને વાતે ય સાચી જ હતી. એ ઘણીયે વાર બોલે ત્યારે આમ બોલતી, ‘બળ્યો આ સંસાર ને બળી આ માયા. એક નવટાંક પેટના ખાડાને પૂરવા જ આ બધી (દુન્યવી) જધામણ કરવાની ને ?’ આમ તો એ દરરોજ બોરીઆવી કામ ઉપર જાય. પણ ચોમાસામાં એ રસ્તે પાણી ભરાઈ જતાં જવાનું માંડી વાળે. આવે વખતે એ સેમમાં માટી નાખવા જાય કે ડાંગર રોપવા જાય. એમાં ય આ લાલ તો સાથે જ હોય ને ? એને થોડો ય વછૂટો મેલાય ? વરસાદ પડતો હોય, હું ગુન ગુન ગાતો હોઉં અને આમ તેમ ઠેકડા ભરતો હોઉં અને મારી મા જીવ તાળવે ચોંટાડી ડાંગર રોપતાં રોપતાં ય બૂમો પાડતી આમ કહે, ‘એ...એ બાજુ આઘો ના જતો...એ તાં તો ઊંડા પાણી છ ભૈ...એ પેલા બાવળના કાંટા વાગશે ભૈ...’ એ કામ તો કરતી જ હોય પણ જીવ તો મારી તરફ જ ધ્યાન આપતો હોય. આમ તો હં વહાલો એટલે મારે તો નહીં જ પણ ઘણીવાર ચીમકી આપે ‘જો ભૈ, તું વા’લો ખરો પણ અચેત થા કે બરાન થા એ મને ના પાલવ,’ અને ધીરે રહીને કહે ‘હોનાની કટારી ભેટમાં રખાય ભૈ, કે પેટમાં ના ખોહાય.’ એવામાં જ એક બનાવ બની ગયો. લવજી નામનો ચમારનો એક છોકરો, એ ય એની માનો રાંડીરાંડનો એકનો એક છોકરો. એને મેં મારેલો. મા સાંજે કામ પરથી ઘેર આવેલી ત્યારે આ ફરિયાદ એના કાને અથડાઈ. એ ગુસ્સે થઈ મને શોધવા લાગી. સાથે મારા નામની બૂમો પાડતી જાય પણ બંદા શાના દેખાય કે હાજર થાય ? હું તો સંતાઈ ગયેલો એક વાડામાં. એની બૂમો સાંભળું, સાથે મલકાઉં પણ બોલું નહીં. મનમાં એમ ‘જોઉં તો ખરો મા મને શોધી કાઢે છે કે નૈં ?’ એ આખો મહોલ્લો ખૂંદી વળી. દેવળ બાજુ અમે છોકરાં સાંજના રમવા જઈએ. એ ત્યાં પણ જઈ આવી. એ થાકેલી હતી, કંટાળેલી હતી, ત્યાં મારા નામની મોંકાણ મંડાઈ હતી. એવામાં કોઈએ ચાડી ખાધી કે ‘એ તો એ રહ્યો પેલા જેઠા ભૈના વાડામાં...એ બેઠો સંતાઈને છાનોમાનો...’ બસ ! થઈ રહ્યું. કાંસકીના છોડની લાંબી સોટી ભાંગી, એને હાથથી નાનાં નાનાં ડાળખાં તોડી નાંખી ધીમે રહીને પેલા વાડામાં આવી પહોંચી. સટાસટ્‌ સટાસટ્‌ સટાસટ્‌ લીલી સોટી મારા સારા ય શરીર પર ફળી વળી. હું અમળાતો આમતેમ વાંકો વળતો, બે હાથ જોડી સલામ કરતો અને રડતાં રડતાં બૂમો પાડતો ‘ઓ...બાપા...રે...મરી...ગયો...રે...’ વચ્ચે વિનવતાં કહેતો ‘હવે તોફાન નૈં કરું લી મા...કોઈનેય નૈ મારું લી મા...’ એમ કહેતો–કરતો હું ઘરે ભાગ્યો. એ દિવસે હું જે રડ્યો છું, જે રડ્યો છું કે ન પૂછો વાત. સોળ પડેલા જોતો જાઉં, ઉપર હાથ ફેરવતો જાઉં અને હિબકાં લેતો જાઉં. લવજીની માને આશ્વાસન આપી, બીજી આડીઅવળી વાતો કરી, જ્યારે એ ઘેર પાછી વળી ત્યારે એનો લાડકો ખૂણામાં પડ્યો પડ્યો હિબકાં ખાઈ રહ્યો હતો. પહેલાં તો એણે મને છાંનો રાખવા માથે હાથ ફેરવ્યો, મનાવ્યો, તોફાન ન કરવાનું પણ કહ્યું. પણ જ્યારે હાથ, પગ અને બરડા ઉપર પડેલા સોળ ઉપર એનો હાથ ફર્યો અને એ સોળ એણે જોયા ત્યારે એની આંખો ય ચૂઈ પડી. આંસુ ખાળ્યાં કેમેય ના ખળ્યાં. એ હાથ ફેરવતી જાય, રડતી જાય અને બબડતી જાય, ‘આટલો બધો માર પડ્યો મારા લાડલાને અને મેં મૂર્ખીએ એને આટલો બધો માર્યો ?’ સાથે જ એ એના હાથો વડે એના ગાલ ઉપર લપડાકો મારવા લાગી અને મને બાઝી પડી. હું ય રડવાનું બંધ રાખી માને ગળે બાઝી પડ્યો. એ રાતે એણે મને ખાટલી ઢાળી આપીને સુવાડ્યો અને એ આખી રાત જમીન ઉપર પાસાં ફેરવતી રહી અને રડતી રહી. હું તો ઘસઘસાટ ઊંઘી જ ગયો. મને તો ખબરેય ય ન હતી કે એનો પસ્તાવો આટલો બધો હતો. મારી પાછળ માની આખી જિંદગી ખર્ચાઈ ગઈ. હું ગામડામાં રહ્યો ત્યાં લગી એણે મને દુઃખ ન પડવા દીધું પણ જેવો શહેરમાં નોકરી માટે આવ્યો, એવી મુશ્કેલીઓ ચાલુ થઈ. રહેવાને ઘર નહીં, ખાવાનાં ઠેકાણાં નહીં. ને નોકરીનો મેળ પડે નહીં. મા આવું બધું સાંભળે ત્યારે એની આંતરડી કકળે. એ શેર શેરના નિસાસા નાખે અને મને નોકરી ન કરવાનું કહી પાછો ઘેર બોલાવે. કહે : ‘રેવા દે એ તારી નોકરી ને આવતો રે’ પાછો બાપના ગામમાં. આપણાં પેટ ભરાય એટલું કામ તો અહીં મળી રે‘વાનું,’ વળી ધીરે રહીને કહે ‘ઉપરવાળાએ દાંત આલ્યા છ તે ચાવણું ય આલશે જ...ચ્યાં જવાનો છ એ ય.’ પણ દીકરાને એકલી પેટની જ થોડી પડી હતી ? એને તો એના લાંબા જીવનની પડી હતી. સુખી જીવનની પડી હતી. જે આપદા વેઠવી પડી હતી એમાંથી છુટકારો મેળવવાની પડી હતી. એમાંથી એના દીકરાએ છુટકારો મેળવ્યો ય ખરો. અમદાવાદમાં આવી એ એની રીતે આગળ વધ્યો. નોકરી મેળવી અને પોતાનું કહેવાય એવું નાનું ચાલીમાં મકાન પણ મેળવ્યું. પોતાની મેળે એ પરણ્યો અને વહુ ય લાવ્યો, અને ત્યાં જ નવી મુસીબતો આવીને ઊભી. લગ્ન પહેલાં મા પોતે જ મને રાંધીને આપતી. સાથે ઘરનું કામકાજ કરતી પણ પત્નીના આવ્યા બાદ કોણુ જાણે કેમ એને કોઈ પોતાનું હરીફ જ જાણે સામે આવીને ન ઊભું હોય એમ લાગ્યું. એથી બન્નેને બને જ નહીં અને જે કાંઈ બને એ ઓછું જ બને. મારા ઘરમાં બે સંસ્કૃતિઓ જાણે કે આમને સામને આવીને ઊભી હતી. એક ગ્રામ્ય સંસ્કૃતિ, જેમાં પ્રેમ, ભાવ, લાગણી અને હેત ભરપેટે ભર્યાં પડ્યાં હતાં. બીજી શહેરી સંસ્કૃતિ જેમાં ન્યાય ખાતર ઝઘડો તો શું પણ કોર્ટે ચઢવું હોય તો તેની ય એને પરવા ન હતી. બીજી બાબતે પણ એમનામાં ઝઘડો હતો, સ્વતંત્રતાનો ! બા વરસોની સ્વતંત્ર રહી હતી. એણે એના જીવનમાં કોઈની પણ સાડાબારી રાખી ન હતી. તો પત્ની માટે પણ એમ જ હતું. એને ય આધુનિક જમાનાને અનુરૂપ સ્વાતંત્ર્ય જોઈતું હતું. અધૂરામાં મારી માને એની વહુ પાસેથી પોતે વેઠેલા દુઃખનો જાણે કે બદલો લેવો હતો અને બને છે ય એવું કે જે વહુએ એના વખતમાં સાસુઓનું, સમાજનું દુઃખ સહન કર્યું હોય છે એ પોતે સાસુ બનતાં એનો એવો જ બદલો આવનારી વહુ પાસે માંગે છે. સમય બદલાય છે એ એની જાણ બહાર જ રહી જાય છે. આ વહુ તો વળી એવી હતી કે એ મફતમાં પોતાપણું ગુમાવે એમ ન હતી. એ કહેતી "દુઃખ તો તમે તમારા દીકરા ખાતર વેઠ્યું છે, તો તમારી હેરાનગતિ એ વેઠે. હું શા માટે વેઠું ? શા તમારી જોહુંકમી હું સ્વીકારું ? તમારાં ખોટાં વેણ શા માટે હું સાંભળું ?" આમાં મા એની હાર જોતી અને એનો ગુસ્સો ઓર વધી જતો. જિંદગીભર એ ભલભલી પરિસ્થિતિને પહોંચી વળી છે અને આથમણા ટાણે એને કોઈ આવું સંભળાવી જાય અને એય ઘરની વહુ સંભળાવી જાય એ એનાથી કેમ સહન થાય ? ઘરમાં ચલણ કોનું હોય ? વહુનું કે સાસુનું ? અને એટલે જ એ બરાડી ઊઠતી : ‘તારા બાપે આલી આલી ન શું ઊંઘું વાળી દીધું છ તે આટલી ઊંચી ન ઊંચી રે’છ’ ને ધીરે રહીને કહેતી ‘મારું બોલ્યું હંભળાતું ના હોય તો જતી રે’ તારા બાપના ઘેર’ તો વહુ સામે સંભળાવતી ‘હું કાંઈ મફતમાં ઘરમાં ઘૂસી નથી ગઈ તે ઘર છોડીને ચાલી જાઉં. જવું હોય તો તમે જાવ, હું કેમ જાઉં ?’ શબ્દો બાણનું કામ કરી જતા. માનું કાળજું અને શરીર સુદ્ધાં એનાથી વીંધાઈ જતું. એનાથી ઢુંકવો મુકાઈ જતો. કહેતી : ‘મારાથી હવે નૈં રે’વાય ભૈ આ ઘેર. હું તો આ ચાલી મારા ગામડાને ઘેર. હું ન’તી જાણતી કે મારા આ હાલ થશે’ અને સ્વગત બબડતી. અત્યાર લગણ તો મન એમ હતું કે મન રંડાપો નથી આયો. હવે લાગ છ ક રૈ રૈ ન ક રંડાપો આયો.’ અને દીકરો ય શું કરે ? કોની બાજુ બોલે ? તો ય એ વહુને વિનવે. મનાવે. ન માને તો ધોલ-ધપાટ કરે પણ પેલી હોળી તો સળગતી જ રહે. આમ માના ઓરતા અધૂરા જ રહ્યા છે. એને તો એમ હતું કે દીકરો પરણશે, સુંદર મઢમ જેવી વહુ લાવશે, એની સેવા કરશે, એનો હુકમ માથે ચઢાવશે, એને અછોઅછો વાનાં કરશે, એનો પડ્યો બોલ માથે ચઢાવશે...પણ...પણ