માડી મને સાંભરે રે/ઘેઘૂર વડલાની છાયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪.
ઘેઘુર વડલાની છાયા

પથિક પરમાર

મારી માનું નામ મૂળીબેન. એનો જન્મ ભાવનગર જિલ્લાના ઊંડવી નામના મુઠ્ઠી જેવડા ગામમાં ડાહ્યાભાઈ રાઠોડને ઘેર થયેલો. ક્યારે થયેલો એની એને ખબર નહોતી એટલે એનો જન્મદિવસ એણે ક્યારેય ઊજવ્યો નહોતો. ગામમાં કોઈ નિશાળ નહોતી એટલ ભણવાનું સુખ એને પ્રાપ્ત થયેલું નહીં. એનો જન્મ પછાત કોમમાં ન થયો હોત તો આજુબાજુના કોઈ ગામની શાળામાં ભણી શકી હોત, પરંતુ અસ્પૃશ્યતાના એ લોહીઝાણ દિવસોમાં અભણ અને ગરીબ મા-બાપને ઘેર જન્મેલી મારી મા શિક્ષણથી વંચિત રહેલી. મા દેખાવે બહુ રૂપાળી હતી, બગલાની પાંખ જેવી ધોળી. પણ કબૂતર જેવી ભોળી. એનાં લગ્ન તેર-ચૌદ વર્ષની ઉંમરે જ એના ગામની બાજુમાં આવેલા ભોજપરા નામના ગામમાં શામાભાઈ હીરાભાઈ પરમારના વચેટ પુત્ર ગીગાભાઈ સાથે વયેલાં. સગીરવયે પરણી ને પાંચ દીકરા અને પાંચ દીકરીઓને જન્મ આપનારી મા જાણે યુવાનીમાં પ્રવેશ્યા પહેલાં જ ઘરડી થઈ ગયેલી. પહેલા ખોળાની દીકરી અને છેલ્લા ખોળાના દીકરાને એકાદ-બે વર્ષની શિશુઅવસ્થામાં જ એણે હંમેશને માટે ગુમાવ્યાં. બાકીનાં આઠ સંતાનોમાં છઠ્ઠા નંબરની એક દીકરી પોલિયોનો ભોગ બની ને કાયમને માટે અપંગ બની ગઈ. દીકરીની અપંગતામાને, વીર માંગડાવાળાની છાતીમાં ખૂંચતી કરચની જેમ, આજીવન ખટકતી રહી. દાદા ગુજરી ગયેલા. દાદી અમારી સાથે રહેતાં. માએ દાદીની બહુ સેવા કરેલી. મારા બાપુ ભાવનગરની મહાલક્ષ્મી મિલમાં ટેપમેન તરીકે નોકરી કરે. ક્યારેક પહેલી પાળીમાં તો ક્યારેક બીજી કે ત્રીજી પાળીમાં નોકરીએ જવા ભોજપરાથી સાઇકલ લઈને નીકળી પડતા. એ વખતે ગામમાં કે ગામ તરફ જતા શહેરના રસ્તા પર વીજળી નહોતી. રાત્રિના સમયે જવા–આવવા માટે સાઇકલ પર દીવાબત્તી સળગાવી રાખવી પડતી. ભાવનગર આવ્યા પછી મારી મા પણ મારા બાપુ સાથે મિલના વાઇંડિંગ ખાતામાં નોકરીએ જવા લાગી. મારા બાપુ મિલમાંથી છૂટીને અખાડામાં વૉલીબોલ રમવા જતા. સાથે સાથે હોમગાર્ડ ની સેવા પણ બજાવે. એટલે ઘરની બધી જ ચિંતા માના શિરે રહેતી. મા હંમેશા પહેલી પાળીમાં નોકરી કરે. બાપુની પાળી બદલાય તો સમયસર ટિફિન મોકલી આપે. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પણ મા ભારે ચીવટવાળી, બધું કરકસરથી ચલાવે. સંતાનો ભૂખ્યાં ન રહે એનું બરોબર ધ્યાન રાખે. દીકરીઓ વાંચતાં-લખતાં શીખે એમ મા ઇચ્છતી, પણ એકેય દીકરી વાંચતાં લખતાં શીખી નહીં. એક દીકરી તો પાંચમું ધોરણ પાસ થઈ ગઈ તોય એને વાંચતાં લખતાં ન આવડ્યું. તેથી દીકરા સારી રીતે ભણે અને પગભર થાય એવી માની અભિલાષા બળૂકી હતી. મા દીકરાઓને ટકોર કર્યા કરે, ‘અલ્યા, રખડ્યા કરો મા. ભણો ભણો નૈં તો દિ નૈ વળે ને ખાળિયા ખોદવાનો વારો આવસે’ પણ મારા સિવાયનો એનો એકેય દીકરો એસ. એસ. સી. સુધી ય ન પહોંચ્યો. આખા ઘરની જવાબદારી જાણે એકલી માને માથે હતી. ઘડીભરનો ય પોરો નહીં. બહેનો નાની હતી ત્યારે ઘરનું બધું યે કામ મા એકલા હાથે કરતી. મોડીરાત સુધી ઘરકામ કરે અનેક ક્યારેક તો ઊંઘે-ઊંઘે ત્યાં પરોઢ થઈ જતું. મા વહેલી સવારે ચાર વાગે જાગીને ઘરકામમાં પરોવાઈ જતી. સાત વાગ્યા પહેલાં સૌના માટે જમવાનું તૈયાર કરીને, ટિફિન લઈને મિલમાં પહોંચી જતી. મોડું થૈ જાય તો માને દોડવું પડતું. મિલમાંથી છૂટીને મા ઘરે આવતી ત્યારે થાકી ગયેલી દેખાતી તોય બધુંયે ઘરકામ ઘસડે જતી. ત્યારે ઘરમાં સગડી કે પ્રાયમસ નહોતો. માટીના ચૂલામાં લાકડાં સળગાવીને મા રાંધતી. ક્યારેક કેરોસીન વિનાય ચલાવી લેતી. કાગળના ડૂચા ચૂલામાં નાંખીને મા ઉંબાળ કરતી. ક્યારેક લાકડાં સળગતાં વાર લાગતી ને આખું ઘર ધુમાડાથી ભરાઈ જતું. મા ફૂંકણી લઈને ચૂલામાં ફૂંક મારતી ને ખાંસી ખાતાં ખાતાં એની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં. લાકડાંનો ખર્ચ માને પોષાતો નહીં. રજાના દિવસોમાં મા વહેલી સવારે જાગી જતી. ઘરકામ ઉકેલીને પાંચ–છ કિલોમીટર દૂર આવેલી નારીની કાંટમાંથી ભારા લઈ આવતી. માને ભારો લઈને આવતી હું જોતો ત્યારે મને થતું કે મા આવડો મોટો ભારો કેવી રીતે બાંધતી હશે ? કેવી રીતે માથે ચડાવતી હશે ? આટલે બધે દૂરથી માથે ઊંચકીને કેવી રીતે આવતી હશે ? રસ્તામાં કેટલા પોરા ખાતી હશે ? તરસ લાગે તો પાણી પીવાનું પામતી હશે કે નહીં ? પરંતુ મારા બધા પ્રશ્નો કુતૂહલમાં જ ઢબૂરાઈ જતા. માના હાથ-પગ ઉપરના લોહીના ડાઘા એને કાંટા વાગ્યાની ચાડી ખાતા. હું માને ભારા કાપતી જોઈ રહેતો ત્યારે મા કહેતી, ‘એલા આઘો રમ. કાંટા વાગી જાહે’ ને મા બાવળિયાના ઝરડા પર કુહાડી વીંઝતી. એના હાથમાં બલોયાં ઊંચાં–નીચાં થતા. તો વળી ક્યારેક માને છાણ વીણવા જતી અને છાણાં થાપતી હું નિહાળતો. મા અવારનવાર માટીનો ચૂલો રિપેર કરતી રેશનિંગનું અનાજ લેવા લાઇનમાં ઊભી રહેતી, સાફ કરીને દરણું દળાવવા જતી. ઊભાપગે બકાલું લઈ આવતી ને વખત મળે ગાભાઓ સાંધીને ગોંદડાં સીવતી. ગાભા–ગોદડાં ને કપડાં ધોવા આઘેના કારખાનેથી સાબુના પાણીનો હાંડો ભરી આવતી. મા ઘેઘૂર વડલા જેવી હતી. એની છાયામાં અમે મીઠપ અનુભવતા. મને મા ઉપર બહુ દયા આવતી. એક સાંધે ને તેર તૂટે એવું માનું જીવન હતું. મા બધા સામાજિક વ્યવહારો નિભાવતી. માનો નશો કૈં ઓર હતો. માને મોઢામાં ભાંગ ભરવાની ટેવ હતી. ભાંગની ડબી મા સાથે જ રાખતી. મા પહેલાં ભાંગ સૂંઘતી, પછી ચપટીક ભાંગ દાંત આગળ ભરી દેતી. માને ભાંગ સૂંઘવાની મજા આવતી. એને હસતાં મેં ભાગ્યે જ જોયેલી. બોલતી પણ બહુ ઓછું. જાણે મોઢામાં જીભ જ નહોતી. બધું મૂંગે મોઢે સહ્યે જતી. મિલ બંધ પડી ત્યારે ઘરની હાલત બહુ કફોડી થઈ ગયેલી. એ ગાળામાં માને બહુ વેઠવું પડેલું. બે ભાઈઓને અભ્યાસ છોડીને કામે વળગવું પડ્યું. મા એક ફેકટરીમાં ટીટી પીંજવાનું કામ કરીને પાંચ-સાત રૂપિયા રળી લેતી. પિતા સેન્ટિંગના કામે જતા ને અમે ઘરે અંબર ચરખો ચલાવતા. મા ગેમ તેમ કરીને ઘરનું ભરણપોષણ રોડવી લેતી જે જિંદગીનું ગાડું ગબડ્યે જતું. એમ મા વૃદ્ધ થતી જતી. પાંચેક વર્ષ પછી ફરી મિલ ચાલુ થઈ ત્યાં સુધીમાં તો મા સાવ નંખાઈ ગયેલી. એ પછી તો લગભગ બીમાર જેવી રહેવા લાગેલી. તોય મિલમાં જતી. ધીમે ધીમે ઘરની સ્થિતિ પૂર્વવત્‌ થઈ ગયેલી. એક બહેનને સાસરે વળાવી દીધેલી. મોટો ભાઈ, એની પત્ની અને બાળકો સાથે જુદો થઈ ગયેલો. ને માને માથે કામનો બોજો એવો ને એવો રહ્યો. મા મૂંઝાયેલી મૂંઝાયેલી રહેવા લાગી. જાણે મનમાં ને મનમાં ધૂંધવાયા કરતી. એના શરીરમાં કમજોરી વધવા માંડેલી ને એક દિવસે ન બનવાનું બની ગયું. ઉનાળાના એ દિવસોમાં અમે સૌ આંગણામાં સૂતા હતા. વહેલી સવારે મા ટેવાનુસાર રાંધવા ઊઠી ને ચક્કર આવતાં સળગતા પ્રાયમસ પર પડી. ચા ઢોળાઈ ગઈ હતી. એની ચીસો સાંભળીને સૌ સફાળા જાગી ગયા. આડોશી-પાડોશીઓ દોડી આવ્યા. માને ગોદડામાં વીંટીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી ને સવારનો સૂરજ ઊગે એ પહેલાં મા કાયમને માટે દુનિયા છોડીને ચાલી ગઈ. માના આઘાતમાં અવાક્‌ રહી ગયેલો હું બેભાન થઈ ગયેલો. જ્યારે હોશમાં આવ્યો ત્યારે માની દફનવિધી પતી ગઈ હતી. મને અંતિમ ઘડીએ માનું મુખ જોવા ન મળ્યું. ધીમે ધીમે માનો અભાવ મને સાહિત્યિક પ્રવૃત્તિ તરફ દોરી ગયો. માનું અવસાન થયું ત્યારે ટેક્‌નિકલ વિષયો સાથે આઠમા ધોરણમાં ભણતો હતો. માને મારી ઉપર બહુ જ ભરોસો હતો. મા કહેતી, ‘બેટા ! તું બૌ ડાયો છે. ઝાજું ભણજે ને હારી નોકરી કરજે’ હું ટેક્‌નિકલ અભ્યાસ છોડીને એમ.એ. સુધી ભણ્યો ને સરકારી સેવામાં જોડાયો, પણ મા એ જોવા હયાત નથી. જ્યારે જ્યારે માને સંભારું છું ત્યારે મારા સ્મૃતિફલક ઉપર માનો દયામણો ચહેરો તરવરી ઊઠે છે. હું જોઉં છું : માના ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે. આંખો ઊંડી ઊતરી ગઈ છે. આંખોની આજુબાજુનો ભાગ કાળો પડી ગયો છે. બેઉ ગાલમાં ખાડા પડી ગયા છે. મોઢામાં દાંત રહ્યા નથી. દૂબળી અને ફિક્કી પડી ગયેલી માને જોઈને મારી સંવેદના ખળભળી ઊઠે છે. હું ઉદાસ અને મૂક બની જાઉં છું. મને મારી ભીતરમાં ધરતીકંપના આંચકા અનુભવાય છે. ક્યારેક મને થાય છે. મા કદાચ સવર્ણલોકમાં જન્મી હોત તો એ અભણ ન હોત. તો એનાં લગ્ન સગીરવયે થયાં ન હોત. તો એણે જીવનભર મજૂરી કરી ન હોત. તો એ ભરયુવાનીમાં ઘરડી થૈ ગૈ ન હોત. તો એણે આટલાં બધાં સંતાનોને જન્મ આપ્યો ન હોત... તો કદાચ મારું અસ્તિત્વ જ ન હોત !