માડી મને સાંભરે રે/માણેકમાની મમતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪.
માણેકમાની મમતા

બબલદાસ બી. ચાવડા

"ભઈ, વૉંચવા ઊઠ; ટૅંમ થઈ જ્યોં સઅ" સને ૧૯૩૭થી ૧૯૪૪ સતત સાત વર્ષ સુધી મારી માણેકમાનો આ અવાજ પરોઢિયે ચાર વગે સંભળાય જ. અવાજ સાંભળી હું ખાટલામાંથી ઊઠી જતો ને ઘરના મેડા ઉપરની બારીમાંથી મોઢું ધોઈને મોટા અવાજે વાંચવા બેસતો. ભોંયતળિયે વાંચવાનો અવાજ સંભળાયા પછી જ મા ઘંટીએ બેસતી ! ઘંટીનો ઘરર્‌...ઘરર્‌ અવાજ અને મારા વાંચવાનો અવાજ તાલબદ્ધ ચાલતો. મહોલ્લાની ડોશીઓ અવાજ સાંભળી જાગી જતી ને તેમના દીકરાની વહુઓને ઉદ્દેશીને બોલતી : ‘અલિયો, ઊઠો દળવા, બબો વાંચવા ઊઠ્યો સઅ્‌ !’ ટૅમ થઈ જ્યો સ્‌અ !’ મારા ઘર આગળની બીજી હરોળમાં મારા ‘ભા’ નરસિંહ માસ્તર રહેતા હતા. [ચાર દાયકા પહેલાં અમારી નાતમાં પિતાજીના મોટાભાઈને ‘ભા’ કહેતા ! હું મારા પિતાજીને ‘કાકા’ કહેતો ! !] ‘ભા’ મારો અવાજ સાંભળી જાગી જતા ને તેમના ઘરના મેડા ઉપરથી મોટા સાદે ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’નું પ્રભાતિયું લલકારતા ! આજથી ૪૮ વર્ષ પુરાણું આ છે ચિત્ર. મારા ‘ભા’ ગુજરાતી ત્રણ ચોપડીઓ ભણીને વતન વીસનગર શહેરની અંત્યજ શાળા’માં શિક્ષક તરીકે જોડાયા હતા. એ જમાનામાં હરિજનો માટે અલગ શાળાઓ હતી. વડોદરા રાજ્યમાં આવી શાળાઓ ‘અત્યંજ શાળા’ના નામે ઓળખાતી ! હું ‘બાળ શિક્ષક’ થાઉં તે દૃષ્ટિએ મારા ‘ભા’એ મારા કાકાને [પિતાજીને] સમજાવ્યું કે બાબો ભણવામાં હોશિયાર છે તેથી છઠ્ઠી ચોપડી સુધી ભણાવી તેને ‘બાળ શિક્ષક’માં ભરતી કરાવીએ.’ [એ સમયમાં ગુજરાતી છઠ્ઠા ધોરણમાં સારા માર્ક્‌સથી પાસ થનાર વિદ્યાર્થીને નાની ઉંમરનો બાધ રાખ્યા સિવાય ‘બાળ શિક્ષક’ તરીકે લેવામાં આવતા]. હું ગુજરાતી છઠ્ઠું ધોરણ ઘણા સારા માકર્સથી પાસ થયો પરંતુ મારી ઇચ્છા તો અંગ્રેજી ભણવાની હતી. તેથી વીસનગરની જી. ડી. હાઈસ્કૂલમાં તા. ૫–૪–૧૯૩૭ના રોજ જાતે દાખલ થઈ ગયો ! વાસનાં લોકો મારા પિતાજીને કહેતા : ‘બેચરકાકા, ઇંગરેજી ભણવું ભારે સ હોં ! બબાને ભણાવવો હોય તો પે’લથી એના ભણતરમાં ધ્યાન આલજો.’ મારી માતા લોકોની આવી વાતો સાંભળતી તેથી મારા અભ્યાસની ખુદ ચિંતા રાખતી અને મને પરોઢિયે ચાર વાગે વાંચવા ઉઠાડતી ! હું ઊંચા સાદે વાંચું તો જ તેને સંતોષ થતો. સમવસ્વક સ્રીઓ માને ટકોર કરતી : ‘અલી માણેક, તું બબાને ઊંઘવા દેસઅ્‌ કે નૈઈ ? જાંણઅ ઊઠીએ તાંણઅ તારો બબો વાંચતો જ હોય !’ મા હસીને જવાબ આપતી. ‘બળ્યું, હું થાય ? ઇંગરેજી ભણ સ ન્‌અ !’ [એ જમાનામાં હરિજનો માટે અંગ્રેજી] ભણવું નવાઈ જેવું હતું. અમારા વીસનગર, ખેરાળુ અને વિજાપુર તાલુકાઓની હરિજન જનતામાંથી હું સૌપ્રથમ ગ્રેજ્યુએટ થયો છું, જે આ વાતને સમર્થન આપે છે].

અંગ્રેજી ફર્સ્ટ સ્ટેન્ડર્ડની ત્રિમાસિક પરીક્ષા હું પહેલા નંબરે પાસ થયો છું તે જાણી મા આનંદમાં આવી ગઈ ! તેણે મારા પિતાજી પાસે નાળિયેર મંગાવી [સરસ્વતી] માતાને વધેર્યું. મેં કહ્યું : ‘મા, આ તો ત્રણ માસિક પરીક્ષા છે. બાર માસિક પરિક્ષામાં પહેલા નંબરે પાસ થાઉં ત્યારે ખરુ ગણાય.’ માએ મમતાથી કહ્યું : ‘ભઈ [મને હંમેશાં ‘ભઈ’ કહેતી !] તું તાર્‌અ વૉંચવામાં ધ્યાન રાસ, સરસ્વતી માની મૅ’રથી હઉ હારાં વાનાં થહ.’ મારા પહેલા નંબરે પાસ થવાની પરંપરા અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી ચાલી ! તેથી દર વર્ષે ‘સરસ્વતી’ માને ખાંડનું પડીકું, ફૂલનો શેરો અને શ્રીફળ વધેરવાનું મારી ‘મા’ના નસીબે હોય જ ! જ્યારે હું હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે અસ્પૃશ્યતાના કારણે શાળામાં, રૂમના એક ખૂણામાં કંતાન નાખીને બેસતો. ત્રણ મહિના પછી ખેડા જિલ્લાના વસો ગામના શ્રી શંકરભાઈ પટેલ સાહેબ અમારા વર્ગશિક્ષક તરીકે આવ્યા. તેમના પ્રતાપે અને પ્રયાસે છ માસમાં તો હું સવર્ણ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ [પાટલી] ઉપર બેસતો થઈ ગયો ! પછી તો, વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ મારી સાથે ‘ભાઈબંધી’ પણ કરવા લાગ્યા ! અમાં સર્વશ્રી જયંત ભાઈ પારેખ, બાબુભાઈ મહારાજ, કૃષ્ણકાન્ત લીંબાચીઆ, મગનલાલ પ્રજાપતિ વગેરે છે. આજથી ૪૮ વર્ષ પહેલાં હરિજનો સામે સૂગ અને પૂરેપૂરી આભડછેટ હતી તે જમાનામાં આ મિત્રો હિંમત કરીને મારા ઘેર મળવા આવતા તેથી મા હર્ષઘેલી થઈ જતી ! મારા સવર્ણ મિત્રોને દૂરથી આવતા જોઈને કોઈ વખત, ઘરમાં સૂકવવા મૂકેલી મરેલા ઢોરના માંસની ‘કાંકણીઓ’ સગેવગે કરવા મા દોડધામ કરતી. ‘ભઈની આબરૂ જાય તે તેને કેમ ગમે ? રાત્રે ઘરમાં ‘ઑહ’ના [મરેલા ઢોરની ચરબીના] દીવા નીચે મને વાંચતો જોઈ બાબુભાઈ મહારાજ (નાગર બ્રાહ્મણનો દીકરો) તો હસી પડતો ને મારી માને કહેતો : ‘માજી દીવામાં આટલું બધું ઘી કેમ નાખો છો ?’ પ્રત્યુત્તરમાં તે થોડું હસી લેતી. મારી માતાની દૃઢ માન્યતા કે છોકરાંને સારું ખવડાવીએ તો વિદ્યા સારી આવે ! તેથી અમો ત્રણ ભાઈઓ અને એક બહેન [મોટાભાઈ કાળિદાસ, નાનાભાઈ મગનલાલ અને નાની મૂળીબેન માટે દર શિયાળે બદામપાક બનાવે ! ઘરમાં અઠવાડિયે બે વખત ઘેંસ પણ રંધાય જ ! જુવાર અને છાસનો ગરીબો માટેનો ખોરાક] ઘેંસમાં મલાઈનું ઘી અને ગૉળ મા મને અવશ્ય પીરસે ! કોઈ વાર ઘેંસમાં દૂધ પણ આપે. એ જમાનામાં, અમારા સમાજમાં અમારું ઘર ખાધેપીધે થોડું સુખી. પિતાજીનો ધંધો હોટલનો એટલે બે પૈસાની કમાણી ખરી ! મારા પ્રત્યે માતા જેવી જ પિતાની મમતા. હોટલના ધંધામાં દૂધ-મલાઈ દુકાનમાં હોય જ. પિતાજી મને રોજ સવારે ખાંડ નાંખીને પાશેર જેટલી મલાઈ ખાવા આપતા ! મારા જ્ઞાનમાં વધારો થાય તે ઉદ્દેશથી તેઓ અભણ હોવા છતાં, મારા માટે ત્રણ ત્રણ અખબારો [સયાજીવિજય, સંદેશ અને મુંબઈ સમાચાર] વાંચવા ખરીદતા. ઘરની આર્થિક સ્થિતિ જોતાં મારી મા બીજું કામ ન કરે તો પણ ચાલે; પરંતુ માણેકમાને કામ કર્યા વગર જપ ના થાય ! તે ઘણી વાર ખેતમજૂરીએ દોડી જતી. તે તુવેરની સીંગો વીણવા જાય, બાજરી વાઢવા જાય, બાજરી લણવા જાય અને કેટલીક વાર મને પણ કામ કરવા સાથે લેતી જાય. તદુપરાંત લાકડાં વીણવા, છાણ લેવા પણ દોડી જતી. આ કામમાં હું માતાને સાથ આપતો. મા મને કહેતી : ‘ભઈ, કૉમમાં નાનમ ના રાશીએ. કૉમ કરીએ તો શરીર ઠીક ર્‌અ !’ ૧૩ વર્ષની નાની ઉંમરે, સને ૧૯૩૯માં મેં એક કાવ્ય લખ્યું ને તેને છપાવીને પ્રસિદ્ધ કર્યું. આથી મા ખુશ થઈને વાસનાં બૈરાં સમક્ષ મારાં વખાણ કરતી : ‘જોયું નઅ્‌, મારા બબાએ એવું લખ્યું સઅ્‌ ! અંગ્રેજી પાંચમા ધોરણથી [સને ૧૯૪૨થી] મારું જાહેર જીવન શરૂ થયું. વીસનગરના ટાઉનહોલમાં યોજાયેલ કલાપ્રદર્શમાં મારાં ચિત્રો મુકાયાં ને પુરસ્કાર મળ્યો ! આ જ વર્ષમાં અમારી હાઇસ્કૂલમાં ‘ઐક્ય’ નામનું એક હસ્તલિખિત માસિક મારા તંત્રીપદે નીકળ્યું. ભારતને આઝાદ કરવાની ‘ક્વીટ ઇન્ડિયા’ ચળવળમાં વીસનગર શહેરના નાગરિકો સક્રિય હતા. વિદ્યાર્થીઓમાં હું, જયંતભાઈ પારેખ અને મારા અન્ય મિત્રોએ લોકજાગૃતિ માટે દરરોજ ભીંતપત્રિકા લખવી શરૂ કરી ! બાતમીના આધારે પોલીસો મને પકડવા મહોલ્લામાં આવતા ત્યારે મારી મા લાગણીવશ બનીને મને મેડા ઉપરના ડાગળાનાં [માળિયામાં] સંતાડી દેતી ! તેને ભય હતો કે પોલીસવાળા મને પકડીને માર મારશે. મારા ‘ભા’ પણ ફોજદારને અટ્ટમપટ્ટમ સમજાવી દેતા ! આથી જેલમાં જતાં હું બચ્યો ! તે વખતના ઉમિયાશંકર ફોજદારની ધાક પણ જબરી ! આઠ વર્ષની નાની ઉંમરે મારાં ‘બાળલગ્ન’ થયા હતાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં આવ્યો તે વખતે મારા આણાનો પ્રશ્ન ઊભો થયો. મા વિરોધ કરવા લાગી. હમણાં ભઈનું આંણું કરવું નહ. તેનું ભણતર બગડસ્‌. ‘મૅટરીક’ની પરીક્ષા પાસ થ્યા પસી આંણું કરસું !’ માના વિરોધ છતાં સામાજિક રિવાજ પ્રમાણે આણું લેવાયું. મારી પત્નીએ પણ હું ‘મૅટરીક’ પાસ થાઉં તેમાં રસ દાખવવા માંડ્યો. તે મારી માતાના દૈનિક કાર્યમાં મદદગાર થઈ પડી તેથી મને સંતોષ હતો. પહેલા પ્રયત્ને જ પરીક્ષા પાસ થતાં સૌ કુટુંબીજનો, મહોલ્લાના માણસો અને આજુબાજુ ગામોના સમાજના માણસો આનંદ વિભોર થઈ ગયા. સૌથી વધુ આનંદ મારી માતા માણેકમાને અને પત્ની મણિને હતો ! માતાની પ્રકૃતિ નરમ. ટંટો–કંકાસ તેને પસંદ નહિ. પિતાજી સ્વભાવે થોડા શાન્ત પરંતુ કોઈ વાર અન્યાયના પ્રસંગોએ ઉગ્ર બની જતા. એક બાબતની મારે ખાસ નોંધ લેવી રહી કે મેં મારાં માતાપિતાને કદી ઝઘડતાં જોયાં નથી. દીકરાઓ – દીકરી ઉપર તેઓ સરખું હેત રાખે. વારતહેવારે ઘરમાં સારું ખાવાનું બને જ તેમ છતાં જ્યારે જ્યારે મારા પિતાજીને મિષ્ટાન્ન ખાવાની ઇચ્છા થતી ત્યારે મારી માતાને કહેતા : ‘આજે દાદાની [ઝાંઝરકાના સવૈયાનાથની] માંનતા રાસી સઅ્‌ , મળીદો–કહાર રાંધજો.’ મારી માતા તેમનો ઇરાદો સમજી લેતીક ને ઠપકો આપતી : ‘તમ્‌ તમારઅ્‌ જે ખાવું હોય તે કો, હું રાંધનારી બૅઠી સું નઅ્‌ ! પણ દાદાને વચમાં ચ્યમ લાવો સો ? ખાવું તમારઅ્‌ ને નાંમ દાદાનું ?’ મૅટ્રીકની પરીક્ષા પાસ થયા પછી વધુક અભ્યાસાર્થે વડોદરાની કૉલેજમાં દાખલ થવાનો મેં નિર્ણય લીધો. વીસનગરથી દૂર દૂર આવેલા વડોદરા શહેરમાં દીકરો એકલો શું કરશે એ ખ્યાલથી મા ઘરમાં છાનું છાનું રડી લેતી ! ૧૯૪૪માં જે દિવસે વડોદરા જવા ટ્રેનમાં બેઠો તે દિવસે ‘મા’ની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. દીકરા પ્રત્યેના વાત્સલ્યનાં એ આંસુ આજે પણ હું ભૂલી શકતો નથી. ‘બરોડા કૉલેજ’માં બે વર્ષ ભણ્યો, વડોદરાના વસવાટ દરમ્યાન હું હરિજન છાત્રોના ‘વેલચંદ બૅન્કર આશ્રમ’માં રહેતો પણ આશ્રમમાં ખાવાપીવાની હાડમારી અને અભ્યાસની અપૂરતી સગવડથી મનબેચેન રહેતું. મને થયા કરતું કે અમારા વીસનગરમાં કૉલેજ હોત તો કેવું સારું ! બે વર્ષમાં જ આ અવસર સાંપડ્યો. માદરેવતન વીસનગરમાં કૉલેજ શરૂ થતાં હું ‘એમ.એન. કૉલેજ’માં દાખલ થઈ ગયો. વડોદરામાં દલિત વિદ્યાર્થીઓની હાડમારી જોઈ મનોમન નક્કી કરેલું કે મને મોકો મળશે તો વતનમાં એક છાત્રાલય ઊભું કરીશ ! આ વિચાર સાકાર કરવા દિલ તલસી રહ્યું હતું તેથી કૉલેજના અભ્યાસની સાથે સને ૧૯૪૬માં વીસનગર–ખેરાળુ તાલુકાના હરિજન વિદ્યાર્થીઓનું એક ‘વિદ્યાર્થી મંડળ’ ઊભું કર્યું ને બીજા જ વર્ષે ૧૯૪૭માં હરિજન છાત્રાલય પણ શરૂ કર્યું. વિદ્યાર્થી અવસ્થામાં, મારી સામાજિક પ્રવૃત્તિનાં આ રીતે મંડાણ થયાં. માના સ્નેહથી અને પિતાજીના સહકારથી આ પ્રવૃત્તિઓ કરી શક્યો છું. આજે ૧૯૮૫માં અમારા આ ‘સયાજી વિદ્યાર્થી આશ્રમ’ને ૩૮ વર્ષ પૂરાં થાય છે ત્યારે ભૂતકાળની સ્મૃતિઓમાં ખવાઈ જાઉં છું. સ્વાભાવિક રીતે જાહેર પ્રવૃત્તિઓમાં પડેલાઓને ઘેર સમાજના માણસો, મિત્રો અને કાર્યકારોની અવરજવર રહેવાની જ ! હું આમાંથી મુક્ત ન હતો. "ચા પીવાવાળાઓને ચા અને જમવાવાળાઓને જમવાનું આપતાં માને કદી કંટાળો આવતો ન હતો. ઊલટું મારી સામાજિક પ્રવૃત્તિથી મા ગૌરવ અનુભવતી. મારી માએ જિંદગીમાં ફોટો પડાવેલો નહિ. ‘મા’ની સ્મૃતિ તાજી રહે અને અમારાં બાળકો પણ ‘દાદીનો ચહેરો’ જોઈ શકે તે ઉદ્દેશથી ફોટો પડાવવા હું આગ્રહ કરતો પરંતુ તે સ્પષ્ટ ના પાડતી ! જિંદગીની છેલ્લી અવસ્થામાં તા. ૬–૫–૫૨ના રોજ માણેકમા મારે ત્યાં અમદાવાદ આવેલાં ત્યારે હું તેમને લઈને ગાંધીરોડ ઉપરથી પસાર થતો હતો. સામે જ એક ફોટો સ્ટુડિયો હતો. માને મેં કહ્યું : "મા હેંડ, આ ઘરમાં મારા એક ઓળખીતા છે તેને મળી આવીએ." મારી યુક્તિ મા પારખી શકી નહિ. ફોટોગ્રાફરને મેં ખાનગીમાં સમજાવી દીધું ને ‘મા’નો ફોટો ઝડપાઈ ગયો. જીવનના કાયમના સંભારણા તરીકે સ્વર્ગસ્થ માનો ફોટો આજે ઘરની દીવાલને શોભાવી રહ્યો છે. "માણેકમાની મમતા"નાં વિવિધ રેખાચિત્રો દોરવા રંગ અને પીંછી ઓછાં પડે ! આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય બસ જોયા જ કરીએ તેમ માનો ફોટો જોઈને મારા માનસપટ ઉપર ભૂતકાળનાં દૃશ્યો સ્વયંભૂ અંકિત થાય છે, જાણે માથી છબિને બસ જોયા જ કરું ! જોયા જ કરું ! ! માએ પડાવેલી ટેવને કારણે આજે ૬૧મા વર્ષે પણ સવારે ચાર વાગે મારી આંખ ઊઘડી જાય છે ને લેખનવાચન પ્રવૃત્તિ શરૂ કરી દઉં છું. હું વાંચવા ઊઠ્યો છું કે નહિ તેની તકેદારી રાખતો માનો આત્મા આજે પણ મારી ‘ચોકી’ કરી રહ્યો છે ને "ભાઈ, વાંચવા ઊઠ, ટૅમ થઈ જ્યો સઅ્‌" વહેલી સવારે માના અવાજનો આ પ્રતિઘોષ સાંભળતો હું વિચારસાગરમાં ડૂબી જાઉ છું.