માડી મને સાંભરે રે/વીરડી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬.
વીરડી

ભી. ન. વણકર

ધોમધખતા ખરા બપોરે "હવાસિયાની ટેકરીઓ" પરની લૂ ઝરતી વૈશાખી ડમરીઓ દેહને દઝાડે છે. બળબળતી આગ વચાળે ઘટાદાર થોરની વાડમાં નાનકડું આંબાવાડિયું હિલ્લોળા ખાય છે. પોપટ અને કબૂતર જંપી ગયાં છે. ક્યારેક કેરી ટપાફ દઈને એકાંતને ઝબકોરે છે. ચોમેર ભયાનક વેરાન–રોઝ મારવા નીકળી પડેલા બંદૂકધારી મૂંજિયાના ઊંટ, તેતર–સસલાની પાછળ દોડતાં શિકારી ને પોમલાના ગધેડાઓનો ભૂંકાર....કાળજું કંપાવે છે. સૂરજ થોડોક માથા પરથી આથમણી દિશા તરફ ઢળી રહ્યો છે. "ખાટિયા" આંબાની ચોકમાં બેસી નાગાબાવાના નાળિયા તરફ જોઈ રહું છું. મકરોડના ઝાડ ઉપર ધજા ફરફરે છે...દૂર દૂર ઝાંખો આકાર દેખાય છે...ગાંડાતૂર ઝાંઝવાના દરિયામાં હિલ્લોળાતો હલેસાં મારતો, લાંબા પંથે ઝડપભેર ધસમસ દોડી આવતો આકાર...કાળી ટીલળીઓવાળો લાલ જેમી પહેરેલો ધક્‌ધકતી ધૂળના ઢગલા, ધોમધકતો તાપ ને લૂની ડમરીઓ–કશાયની પરવા કર્યા વિના. માથે ટોપલામાં ભાત, હાથમાં છાશનું ડોલચું, –મા છેક છીંડે આવી ચડે છે–ત્યાં સુધીની આ ક્ષણો માટે તો યુગે ય ઓછા ! લાડવા આંબા નીચે ટોપલો ઉતારી ભાત આપતાં મા કહે છે, "ભઈ, લે ખઈ લે." હું હડપ હડપ ખાવા લાગું ને મા ટગર ટગર જોયા કરે. શાં સ્વપ્નાં સેવતી હશે મા ?–મા વિશે લખવું ખૂબ મુશ્કેલ છે, મા તો જીવન સાથે જડાયેલી જીવંત ઘટના. ઉનાળામાં એક રાતે મેં ‘ટોઠા’ ખાઈને તાંસણું ફેક્યું હતું ને બદલામાં તરત જ ધડાક દઈને મારા ગાલને કાકાના હાથનો પ્રસાદ મળ્યો હતો. ત્યારે હું માના ખોળામાં સંતાઈ ગયેલો. બા-બાપુજીની આ જીવંત સ્મૃતિ બસ. નાની ઉંમરે પિતાજીની છાયા ગુમાવેલી એટલે થોડીક આછીપાતળી યાદ. બાપુજીને અમે સૌ ‘કાકા’ કહેતા અને લોકો ‘નથવાભા’ કહેતા. કાકા માથે નાની પાઘડી કાંસોવાળી અર્ધી બાંયની નાની આંગળી ને ટૂંકી પોતડી પહેરતા, ભૂરી આંખો ને ભૂરી મૂછો; ટૂંકી દડી ને મજબૂત બાંધો. ગંભીર ચહેરો ને નિર્દોષભાવ; ભલા ને હિંમતવાન હતા. માથે બેસાડી મોસાળ લઈ જતા કાકા, પાણીના કોશ ખેંચતાં વરત ઉપર બેસાડતા કાકા, સાંજે પાદરથી તેડી લઈ ઘેર લાવતા કાકા, રાતે ખોળામાં બેસાડી હસાવતા કાકા–નર્યા વાત્સલ્યની મૂર્તિ ! ૧૯૫૧ની સાલ. હું પહેલી ચોપડીમાં હતો, કાકા બીમાર થયા.. મા તેને ગાંડિયો તાવ કહેતી હતી. કોઈએ બળિયા કહ્યા ને કોઈએ માતાની ઓઝોટ કદી, પણ કાકા ફક્ત ૫ દિવસ બીમાર રહ્યા. ૨૫મી ફેબ્રુ. ને રવિવારનો દિવસ હતો. લગભગ બપોરના ત્રણેક હું મંદિરે, વડલા નીચે રમતો હતો કોઈકે બૂમ પાડી, ‘અલ્યા ભીખલા, તારા કાકા મરી ગયા.’ હું દોડતો ઘેર ગયો તો મા ભયંકર કલ્પાંત કરતી હતી. માનું હૈયાફાટ રુદન આજેય ભૂલી શકાતું નથી. મોટાભાઈ પંદરેક વર્ષના પોકેપોકે રડતા હતા. નાનો ભાઈ માંડ ચારેક વર્ષનો ને હું સાતેક વર્ષનો પણ રડ્યાની યાદ નથી – ઓછી સમજ અને અબુધ મન. આ કરુણ અને કમનસીબ ઘટના બાદ માને મેં ક્યારેક હસતાં જોયાં નથી. હરહંમેશ ગમગીન અને ચિંતાતુર. પિતાજીના અવસાન બાદ અમારું આખું કુટુંબ નિરાધાર બની ગયું હતું. પણ કાકાનું અધૂરું મૂકેલું ખેતીનું સાયજુ મા અને મોટાભાઈએ હિંમતપૂર્વક સંભાળી લીધું. મોટી બે બહેનો સાસરે, નાના કાકાની એક દીકરી અમારી સાથે, અમે ત્રણ ભાઈ – પુરુષોત્તમભાઈ, હું અને જોઈતારામ. પુરુષોત્તમભાઈને ઘરમાં સૌ ‘ભાઈ’ કહીને બોલાવતા. નાની ઉંમરે ‘ભાઈ’ આફત સામે અડીખમ ઊભા રહ્યા. કુટુંબના સૌથી વહાલા અને મોટા પુત્રને માથે કપરી પળો હતી. પણ મા જાગ્રત પહેરેગીર હતા. ને ભાઈ ભારે હિંમતવાન હતા. તેમ છતાં પિતાજીની હયાતી વિનાનું ઘર... કુટુંબની કરુણ અને કમનસીબ કથની જેવું હતું. કરુણામૂર્તિ વિધવા માએ અમારા માટે વસાવ્યું હતું વેદનાનું ઘર – એક માત્ર શ્રદ્ધા તે શ્રમ અને સુખ હતાં આંસુ. પિતાજીના અવસાન સમયે ઘર હતું એક ખંડનું મોટું ખોરડું. જેમાં રહેતાં હતાં એક સાથે – ભેંસ, બળદ, ઘાસ, માળિયે લાકડાં ને અમે સૌ. પણ ખોરડું ભૂતકાળની જાહોજલાલીનું પ્રતીક હતું. મા કહેતાં, "આ ઘરમાં હું આવી ત્યારે બબ્બે શાળ હતી, બે કાકા વણતાં ને દાદા સુંદરપુરથી સિત્તેર-એંશી ગાઉ દૂર છેક અમદાવાદ પગે ચાલીને સૂતર ખરીદી લાવતા. ગામના લોકો પરણતા ત્યારે સોનાના વેઢ-વાળિયાં નરસિંહ મછવડિયાના પહેરતા. દાદાની વારતાર ને પંચમાં પુછાતા, પણ દાદીમા ભારે – છાણ, પાણી, દયણું ને બે તાણા પતાવીએ પછી જ ઘેંસના હાંડલે અડવા દે." મા આ બધાં સંભારણાં રાતે સૂતી વખતે ખાટલામાં બેસી, છીંકણી ભરતાં ભરતાં અમને કહેતાં ને મનોમન બોલતાં, ‘હવે નથી રહી શાળો ને નથી રહ્યા વણનારા’ પછી ટપ ટપ રડી પડતાં. કાકાના અવસાન બાદ માની ઊંઘ હરામ હતી. અને આસું હાજર ! ઘરના રખોપા ખાતર કે પછી કુટુંબની ચિંતાઓ – રાતભર જાગે. મા વારંવાર કહેતાં, ‘સ્રીના અવતારે ઊંઘ કેવી ? એક આંખે જાગવું ને એક આંખે ઊંઘવું.’ શનિવારે તો ત્રણ વાગે જાગે અને જગાડે. "ભાઈ ભળભોંખરું થઈ ગયું." ભેંસ–બળદને ઘાસ નીરે, છાણ ભેગું કરે, દળણું દળીને રોટલા કરે, પછી ભેંસ દોહી ‘ભાઈ’ને જગાડે ! ‘ભઈ હણ્યો આથમી ગઈ’ ભાઈને ગોળ-ઘી રોટલો આપે, તે સમયે અમારા ઘરમાં ચા નહોતી બનતી. પણ સવારે ઘેંસમાં દૂધ અમને મળતું. ઘરમાં છાશ થતી, વલોણા વખતે મા સાથે હું નેતરાં પકડતો. મા સાથે છાશ વલોણાના પ્રસંગ આજે ય ચિત્તમાં ચિરંજીવ છે. મા કહેતી, ‘નેતરું ઢીલું મૂકો તોયે ગોળી ફૂટે ને નેતરું ખેંચી રાખો તોયે. માટે હાતે બરાબર ખેંચાવું જોઈએ અને વલોણું બરાબર ન કરો તો માખણ ઓછું ઊતરે. વલોણું જીવનમંથનનું પ્રતીક મને લાગ્યા કરતું. તાજી તાજી તાંસળું ભરી હું છાસ પીતો; નાનો ભાઈ માખણ, મોટાભાઈ ઘી ને ઘીની ખારાશ મા ખાતી. આમ રાત માથે લઈ જાગનાર મા, દિવસે ઘડીક પણ ન બેસે. વાસનાં લોકો કહેતા, "આ સાંમીમાના હાથ-પગ ચાલે છે તે તો જુઓ, થાકતાં જ નથી," મા કહેતાં, "હાલણા હાલે ત્યાં સુધી કામ તો કરવું જ પડે ને, કામચોર બનીએ તો ભગવાંન કદી સુખે ખાવા ન દે ?" જિંદગી પ્રત્યેની અથાગ શ્રદ્ધા તેના આ શબ્દોમાં હતી. ઘઉં વાઢવાનું ટાણું આવે ત્યારે મને સાથે લઈ જોડમાં બેસાડે. મા કહેતાં, "બેટા કામ કરીએ ચીપ બંધ ! કોઈના બેટા બનીએ પણ બાપડા ન બનીએ. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા." ઘરમાં ક્યારેય ગીતાના પાઠ નથી થયા, પણ મા હરેક કામમાં કુશળતાનાં અગ્રેસર અને આગ્રહી હતાં. માની જિંદગીમાં આ જ એક મૂડી હતી. પરિશ્રમ એમનો પ્રાણ હતો, નિરાંતે બેસી જીવવું તેમને ગમ્યું નથી. મા જેટલાં મહેનતુ તેટલાં જ હિંમતવાન હતાં, એક દિવસે કાકાનું નામ લઈ કોઈ દારૂડિયો રાતે પૈસા લેવા ઘેર આવેલો. પરંતુ માએ હિંમતથી આ દારૂડિયાને ધક્કો મારી, પાસે પડોશીના ઘરના પાયાના ખાડામાં ફેંકી દીધેલો. હંમેશાં તેઓ મુશ્કેલી સામે લડી લેતાં ને સખત મહેનત કરતાં. પરંતુ અતિ લાગણીને કારણે મા જિંદગીક પ્રત્યે વેદનાની ઉદાસીનતા ઘૂંટ્યા કરતાં. મા સાસરે આવેલાં એ સમયની સહિયરો સાથે જીવેલાં તે – લાડુમા નાથીમા અને ધૂળીકાકી. તેમની સાથે છીંકણીના ઘૂંટ ભરતાં ભરતાં રડી લેતાં – ભૂતકાળનાં સંભારણાં લઈ લઈને ! આજે ય અવશેષ જેવાં નાથીમા કહે છે, "સાંમી તો સાંમી હતી. આજે એવાં મનખ ના મળે." મા અભણ અને અંધશ્રદ્ધાળુ. કહેતા, "કુટુંબમાં ભણવાનું પળતું નથી. દાદાએ ફૂવાને બોલાવી કુટુંબના બધા પુરુષોને ભણાવ્યા હતા પણ આજે કો હયાત નથી. તમે ભણવા માંડ્યા ને તમારા ‘કાકા’ એ મરી ગયા." પણ મોટાભાઈ દૂરદર્શી હતા. કહેતા, "હું ભણું તો ઘર બેઠું રહે એટલે હું ભલે ના ભણું પણ બે નાનાઓને ભણાવું." માના ચિત્તમાં અંધશ્રદ્ધા ઘર કરી બેઠેલી હોવા છતાં ભાઈ અડગ હતા. ઘરના જૂના ચોપડાઓમાં દાદાએ લખેલા દસ્તાવેજ અને કાકાની સહીઓ તેમના વિકાસ માટે પૂરતું હતું. શાળામાં હંમેશ પ્રથમ રહેનાર મોટાભાઈ માની અંધશ્રદ્ધા સામે સફળ થયા. આજે મા નથી પણ ઘરમાં કોઈ અભણ નથી. એટલું જ નહિ, બે ભાઈઓમાં એક એમ. એ. એલએલ.બી. ને બીજો બી.ઈ. (સિવિલ). કુટુંબનું ભરણપોષણ અને મોટા ઘરની જવાબદારીઓથી ‘મા’ થાકી ગયાં હતાં. છતાં તેમની મહેચ્છાઓ અધૂરી રહી ન જાય તેની ચિંતા કર્યા કરતાં. છેલ્લી બીમારી પૂર્વે કહ્યા કરતાં, ‘મને બેઠાં મારા ભીખાને પરણાવી દેવો છે.’ પણ શી ખબર તેમાં તેમના મરણનો સંકેત હશે ! બેની નહિ પણ મને વચેટની ચિંતા છે. આ ચિંતામાં કયાં કારણ હશે તે મને ખબર નથી. પણ મા મને માવડિયો કહેતાં. હા જ્યારે ને જ્યાં મા બેઠેલી હોય ત્યારે હું ખોળામાં લપાઈ જતો. ક્યારેક ગામમાં ઢોલ વાગતો સાંભળી હું માને કહેતો, "મા કોની જાન આવે છે ?" "તારી." "તો હું સંતાઈ જાઉં." કહી હું ખોળામાં સંતાઈ જતો. "મા મારા લગ્નનાં ગાંણાં ગા ને ?" "વાગે નગારાંની કોર ભમર તારી જાનમાં રે..." "ના, ના એ નહીં બીજું—" "ભમરા વિવાતી ઘર કેમ જાણીએ..." —ને ગાતાં ગાતાં મા રડી પડે. માના કંઠમાં ગુંજન હતું–આનંદ અને વેદનાનું. એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં શોકનાં આંસુ દડકતાં. જીવનેની કરુણતા અને કઠણાઈ બધુંય માની આજુબાજુ ઘૂમરાતું હતું. હું મૂકભાવે જોયા કરતો. મનમાં કશુંક ઘૂંટાયા કરતું – કદાચ, કવિતાની આ જ પાઠશાળા હશે મારા માટે. ૨૩મા વર્ષે મને પરણાવી મા લીવરની બીમારીમાં પડ્યાં. ડૉક્ટરોએ કહ્યું, ‘દર્દી જીવે છે તેનું આશ્ચર્ય ! માએ જિંદગીમાં ખૂબ દુઃખ વેઠ્યું હતું, તો યે જીવવાની જિજીવિષા હતી. ‘મારા છોકરાઓનું શું થશે ?’ બસ એ જ ચિંતાથી. માની જરૂર હતી, પણ તેમનું દુઃખ સહ્યું જાય તેમ નહોતું. મરણપથારીએ પડ્યાં પડ્યાં મા કહેતાં, "ચાર-પાંચ પેઢી પહેલાં વડવાઓ મછાવાથી સુંદરપુર આવીને રહ્યા, પણ પાઘડી તો એની એ જ રહી." ભાઈભાભી રાત-દિવસ સારવારમાં અને અમે બે નાના ભાઈઓ અભ્યાસ અર્થે અમદાવાદમાં. પણ માના અંતિમ દિવસોમાં હું ઘેર હતો. ૧૯૬૫ના સપ્ટેમ્બરની ૨૬મી તારીખનો બુધવાર ! બપોરના ત્રણ – જિંદગીમાં ફરી બીજો દિવસ આવ્યો. બપોરે સૌ જમી પરવાર્યા. માએ કહ્યું, ‘જમ્યા’ ? ‘હા.’ "ભઈ ક્યાં જ્યો ?" ‘બહાર’ ‘ભાઈનું ધ્યાન રાખજો.’ થોડીક ક્ષણોમાં માની આંખો બદલાઈ ગઈ. સમય પૂરો થયો હતો એવાં ચિહ્નો જણાયાં. "મા, મા." બે વખત બોલાવ્યાં, એક ચમચી પાણીની મોંમાં રેડી. પણ હવે માનું અસ્તિત્વ વિલોપાઈ રહ્યું હતું. મા હવે નથી. એમ માની આંખો પર મેં હાથ મૂક્યો. ને માનો જીવનદીપ બૂઝાઈ ગયો સદાને માટે; ભાઈ આવ્યા ને પોકેપોક રડ્યા. પણ હું રડી શક્યો નહિ – સભાનપણે. આ એ સમય હતો કે અમે સૌ આ લોકમાં ને બા-બાપુજી પરલોકમાં. મા કોઈની મરતી નથી. પણ હા, આજે મા નથી. માની સ્મૃતિ છે. મને કહેવા દો, મારી મા કવિ નહોતી, પણ કરુણામય જિંદગીમાં કવિતા જીવી ગઈ. વેદના ને વિષાદ; શ્રમ અને સમજ; આંસુ ને ઉજાગરો – જિંદગીથી આ અમીરાત મેં મેળવી છે મા પાસેથી. એને શબ્દોમાં ઉતારું છું ત્યારે લોકો તેને કવિતા કહે છે. આ લખું છું ત્યારે આંસુનાં તોરણો યાદની પાંપણે ફરકે છે. ખરા બપોરે, ‘હવાસિયા’ની ટેકરીઓ પરની લૂ ઝરતી વૈશાખી ડમરીઓથી લહેરાતા આંબાવાડિયામાં ખાટિયા આંબા ઉપર ચઢી દૂર દૂર નાગાબાવાના નાળિયા તરફ જાઉં છું; ધોમધખતા તાપમાં ધૂળનો દરિયો ડહોળતી, માથે ટોપલામાં ભાત, ને હાથમાં છાશનું ડોલચું લઈ, કાળી ટીલખી વાળી લાલ જેમી પહેરી આવે છે— જિંદગીના વેરાનમાં વીરડી બનીને એક માત્ર માની યાદ ! —ને હજુ મકરોડના ઝાડ ઉપર નાગાબાવાની લાલ ધજા ફરફરે છે આજે ય !