માણસાઈના દીવા/૨. દાજી મુસલમાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. દાજી મુસલમાન

રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, “આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા કાઢી આપેલા." આ કિસ્સો આગલાં પાનાંમાં ‘કોણ ચોર! કોણ શાહુકાર!' એ વાતમાં આપેલ છે. પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું : ખાવું ન ભાવ્યું : ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, ‘કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો! વળતે દિવસે પણ લાંઘણ ચાલુ : સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી : ફોજદારને રુશ્વતના રૂ. ૪૦ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું : પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવા સ્વીકાર્યું : અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઈ કરી!