મારી લોકયાત્રા/પરિશિષ્ટ ૨ : લોકપ્રતિષ્ઠાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પરિશિષ્ટ-૨

લોકપ્રતિષ્ઠાન

ઓગણીસો એંશીના દાયકામાં જીવનમાં કંઈ કરી છૂટવાની ખેવના સાથે કેટલાક મિત્રો (ગણપત પરમાર, ડાહ્યાભાઈ પટેલ, રમણલાલ સુથાર, હીરુભાઈ જરીવાલા ઇત્યાદિ) સાથે ‘લોકસાગર ટ્રસ્ટ’ અને ‘લોકહીર ફાઉન્ડેશન' નામનાં બે જાહેર ટ્રસ્ટની સ્થાપના કરેલી પરંતુ અર્થાભાવને લીધે પ્રગતિ કરી શકેલાં નહીં નેવુંના દાયકામાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘દર્પણ અકાદમી’ અમદાવાદમાં ૧૦ વર્ષ સુધી ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા-દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં કર્મશીલ તરીકે ક્ષેત્રીય નિયામકના સ્થાન ૫૨ કાર્યરત રહેલો અને કેટલીક પરિણામદાયી સામાજિક પ્રવૃત્તિઓ કરેલી. તેની વાત આ પહેલાં કરેલી છે. આ સમય દરમિયાન સાથે રહીને શિવશંકર જોશી અને સૂર્યકાન્ત પંડ્યા જેવા પરોપકારી માણસોના માનસમાં સંસ્થા બનાવવાનાં બીજ વાવેલાં અને ‘ગુર્જરી આદિવાસી લોક-પ્રતિષ્ઠાન’ અને ‘નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન’ તરીકે ઊગી નીકળેલાં અને એમના સહયોગમાં કેટલીક મહત્ત્વની લોકસાહિત્ય અને લોકહિતની પ્રવૃત્તિઓ કરેલી. છેલ્લે વીસમી સદીના નેવુંના દસકાની મધ્યમાં ગણેશ દેવી જેવા સમર્થ માણસ સાથે ‘આદિવાસી અકાદમી'નું સપનું જોયેલું. એમના પ્રચંડ પુરુષાર્થથી એ સપનું સાકાર થયેલું. આ પછી એકવીસમી સદી(૨૦૦૨)ના આરંભથી આદિવાસી અકાદમીના માનદ નિયામકના સ્થાને રહી કર્મશીલ અને લોકવિદ્યાવિદ્ તરીકે કાર્યરત રહ્યો છું. અહીં આ ત્રણ સંસ્થા ગુર્જરી આદિવાસી લોકપ્રતિષ્ઠાન, નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન અને આદિવાસી અકાદમીની પૃષ્ઠભૂમિ સ્પષ્ટ કરવાનો ઉપક્રમ છે. ગુર્જરી આદિવાસી લોકપ્રતિષ્ઠાનઃ વીરચંદ પંચાલ અને હું હડાદની માધ્યમિક શાળામાં યુવાપ્રતિભાશોધ કાર્યક્રમમાં ૧૯૮૫માં મળેલા. કેટલાંક વર્ષોથી એક-બીજાનાં નામથી પરિચિત હતા પણ પ્રત્યક્ષ મળવાનું થયેલું નહીં. આદિવાસી લોકનૃત્યો-લોકગીતોના નિર્ણાયક રૂપે એક મંચ પર ભેગા થયેલા. ભોંયમાં દાટ્યા હોય તો વાંસના અંકુરની જેમ રાતોરાત બહાર આવે એવા તેઓ ઉત્સાહી. મેં મારા આરંભનાં બે પુસ્તકો ‘લીલા મોરિયા' અને ‘ફૂલરાંની લાડી' ભેટ રૂપે આપેલાં ત્યારે તો વરસતા વરસાદમાં વહેતા પવન સાથે ઘાસ ડોલવા લાગે એમ વી૨ચંદભાઈનો ‘આત્મો ખુસી હો ખલ્લાટા' મારવા લાગેલો અને મને સર્વોદય આશ્રમ, સણાલીમાં આવવાનું આમંત્રણ આપેલું. તેઓ રાજમણિ વિદ્યાલયના આચાર્ય અને સર્વોદય આશ્રમના કર્તાહર્તા હતા. વચ્ચે થોડાક માસનાં વહાણાં વાયેલાં અને મને એક દિવસ સણાલી જવાનો ઉમળકો થઈ આવેલો. ખેડબ્રહ્માથી જીપમાં બેસી મંડાલી ગામ ઊતરેલો. ત્યાંથી ૧ કિલોમીટર પશ્ચિમ દિશા તરફ ચાલીને સણાલી પહોંચવાનું હતું. સણાલી હું પહેલી વાર જઈ રહ્યો હતો. સણાલી નજીક આવતાં જ મન કિલ્લોલ કરવા લાગ્યું. ચારે બાજુ અરવલ્લી પહાડનાં શિખરોથી ઘેરાયેલું; કીડી-મંકોડી નદીના સંગમ સ્થળે સણાલી ગામની મધ્યમાં સર્વોદય આશ્રમનું શિક્ષણક્ષેત્ર આવેલું હતું. માધ્યમિક શિક્ષણ ઉપરાંત સમાજસેવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. શિક્ષણને સમાજથી અલગ કરીને ભણાવવામાં આવતું નહોતું. ગામ છૂટા-છૂટાં ખોલરાં(ઘ૨)માં ૭ કિલોમીટર વિસ્તર્યું હતું. ચારે બાજુ ધોધમાર પ્રકૃતિ વરસી રહી હતી. પ્રવેશદ્વાર નજીક પહોંચ્યો ત્યાં તો સામસામે અણી અડાડી ખુલ્લી તલવારોનાં તોરણ કરી બે પંક્તિમાં વિદ્યાર્થીઓ ઊભા હતા. આદિવાસી વિદ્યાર્થિનીઓ ભીલી બોલીમાં ‘હૉમેરા’(સ્વાગત)નાં ગીતો ગાઈ રહી હતી. બરાબર દરવાજે આવ્યો અને બંદૂકનું નિશાન પડ્યું. આશ્રમના દાતા રમણીકલાલ મહેતા અને એમનાં પત્ની સુશીલાબહેન તલવારોના તોરણ વચ્ચે પ્રવેશ્યાં. તેમની સાથે હું પણ જોડાઈ ગયો. ‘હૉમેરા'નાં ઢોલનૃત્યોની રમઝટ વચ્ચે આશ્રમની કન્યાઓએ ‘ખઝૂરિયાળા દીવલે (ખજૂરના પાનની જ્યોત જેવા દીવા) ઝોહારી', કંકુ-કેસરનાં ટીલાં કરી, ચોખલીએ વધાવી દાતાની સાથે મારાં પણ હૉમેરાં કર્યાં. માણસ- ભૂખ્યા વીરચંદભાઈએ દૃષ્ટિથી પોંખી છાતી સરસો ચાંપ્યો. આ સમયે મને શ્રીકૃષ્ણ અને સુદામાના સખ્યની ઘટના સાચી લાગેલી. અણધાર્યું દાતા ભેગું મારું પણ સ્વાગત થયું હતું અને આખો આશ્રમ આનંદથી નાચતો હતો. આવી મંગલમય ક્ષણોમાં અમે બંને એક-બીજાનાં હૃદયમાં વસી ગયા હતા. ત્યારથી આરંભી ૨૦૦૨માં વીરચંદભાઈ સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી ૧૭ વર્ષનો સમયખંડ સર્વોદય આશ્રમ, સણાલી મારી લોકસાહિત્ય અને સમાજસેવાની પ્રવૃત્તિઓનું કર્મક્ષેત્ર બની રહ્યો. આ આશ્રમમાં દાંતા અને ખેડબ્રહ્મામાં વસતા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત ડાકણપ્રથા અને પરંપરિત વેરભાવનાને દૂર કરવા ૭ વર્ષ સુધી આદિવાસી કલાકારો સાથે કાર્યશાળાઓ યોજી ડાકણપ્રથાને દૂર કરવા સફળ થયા. ૧૯૮૬-૮૭માં પડેલા કારમા દુષ્કાળમાં ઢોરવાડા ચલાવી આ વિસ્તારનું મોંઘું પશુધન બચાવવા આશ્રમ પરિણામદાયી બન્યો. આ સ્થાને મહામાત્ર હસુ યાજ્ઞિક અને દલપત પઢિયારના સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગમાં ગુજરાતના લબ્ધ-પ્રતિષ્ઠિત લોકવિદ્યાવિદો અને સાહિત્યકારો આમંત્રી ભીલસમાજ સંલગ્ન ગુજરાતનાં પ્રથમ લોકમહાકાવ્યો અને લોકાખ્યાનોનું આદિવાસી કલાકારો દ્વારા નિદર્શન કરાવી ગંભી૨ સાહિત્યિક ચર્ચા-સત્રો યોજ્યાં. આ ચર્ચા-સત્રોમાંથી ડૉ. બળવંત જાની-સંપાદિત ‘વનસ્વર’ નામનું ભીલ મૌખિક લોકવિદ્યા-સાહિત્યની પ્રમુખ વિધાઓનો અભ્યાસ કરતું પુસ્તક નીપજી આવ્યું. અહીં આરંભ થતી ૨૧મી સદીની પૂર્વ સંધ્યાએ ગુજરાતની શતક વર્ષ પુરાણી પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદને જ્ઞાનસત્ર માટે આમંત્રી આદિવાસી સમાજને ગુજરાતી લિખિત સાહિત્ય અને પરિષદને આદિવાસી સંસ્કૃતિ અને મૌખિક સાહિત્યથી પરિચિત કરાવેલાં. આ જ સમયખંડમાં સર્વોદય આશ્રમના ‘વિસામો'(મહેમાનગૃહ)માં મને શિવશંક૨ ચૂનીલાલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈના અધ્યક્ષ શિવશંકરભાઈનો ભેટો થયેલો. દસકા પહેલાં તેઓ આ સંસ્થાના જ વિદ્યાર્થી હતા. આમ તો તેઓ નજીકના હડાદ ગામના વતની હોવાના નાતે અરવલ્લી પહાડનું સંતાન પણ તેમનો ઊજળો વાન, શ્વેત વસ્ત્રો અને ‘શિવશંક૨’ નામને લીધે મને હિમાલયની યાદ આવી ગયેલી. કર્મક્ષેત્ર મુંબઈ હોવા છતાં વતનના ‘લોક’ માટે કલ્યાણદાયક-શિવદાયક ભાવનાઓથી હૃદય ભર્યું-ભર્યું. બંને એકલા જ હતા. આથી રાત્રિ દરમિયાન આ વિસ્તારના સમૃદ્ધ ભીલ મૌખિક સાહિત્યની ચર્ચા ચાલેલી. સવારે મેં મારાં પુસ્તકો ‘રૉમ-સીતમાની વારતા’, ‘ભીલનું ભારથ', ‘રાઠોરવારતા' અને ‘ગુજરાંનો અરેલો' ભેટ આપેલાં. તેના અધ્યયનથી એમને હોળીના પર્વે જેમના ખભે ચડી ઢોલના ઢમકાર સાથે ‘મોરિયું’ નાચ્યા હતા એવા ભીલ-આદિવાસીઓના સત્ત્વશીલ સાહિત્યનો પરિચય થયો. વતનનું આ મૂલ્યવાન મૌખિક ભીલ-ગરાસિયા-સાહિત્યને ગુજરાત અને દેશને વધુ ને વધુ રૂબરૂ કરી આપવા એમણે મને, વીરચંદ પંચાલ અને નવજી ડાભીને સતત બે વર્ષ સુધી શોધવૃત્તિ આપી. તેના પરિપાક રૂપે મેં ‘ગોપીચંદ-ભરથરીની વારતા' પ્રસિદ્ધ કરી. વીરચંદ પંચાલે ‘સોખલા ગરાસિયાનાં હોળીગીતો’, ‘ગરાસિયા લોકોત્સવ : ગોર’, ‘સોખલા ગરાસિયાની વહી-વાર્તા’ અને ‘અરવલ્લીનાં ઔષધો અને લોકવૈદ્યો' જેવાં ચાર પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. નવજી ડાભીએ ‘અરવલ્લીના લોકદેવો’, ‘સોખલા ગરાસિયાના હગ અને દેવરો' અને ‘સોખલા ગરાસિયાનાં દિવાળી ગીતો અને વાતો' જેવાં સોખલા ગરાસિયા લોકજીવનને પ્રગટ કરતાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. પણ અમારું ગંતવ્ય શિવશંક૨ભાઈ જોશીના સહયોગમાં મધ્ય ગુજરાતની આદિવાસી અકાદમીની જેમ આદિવાસી-સંસ્કૃતિ, સમાજ અને વિકાસને કેન્દ્રમાં રાખીને ઉત્તર ગુજરાતમાં એક સંસ્થા સ્થાપવાનો હતો. આ સ્વપ્ન ધીમી-ધીમે મૂર્તરૂપ ધારણ કરી રહ્યું છે અને સને ૨૦૦૬થી અંબાજી મુકામે ‘ગુર્જરી આદિવાસી લોકપ્રતિષ્ઠાન' નામે એક ટ્રસ્ટ ચેરિટી કમિશનર ઑફિસમાં નોંધાવ્યું છે. અત્યારે હું સ્થાપક સભ્ય તરીકે કાર્ય૨ત છું. આ પ્રતિષ્ઠાન સ્થિર થયું છે અને સાહિત્ય-લોકસાહિત્ય તથા સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.

નયન-સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન : મેં સૂર્યકાન્તભાઈને બાલ્યાવસ્થામાં અલપઝલપ જોયેલા. પાંચ દાયકા પછી સૂર્યકાન્તભાઈએ 'જન્મભૂમિ'માં હરીન્દ્ર દવેએ લખેલો એક લેખ વાંચેલો. તેમાં મારા નામ સાથે મારા અને સૂર્યકાન્તભાઈના વતન જામળાનો ઉલ્લેખ હતો. પૂરા પાનામાં મારાં સંપાદિત પુસ્તકોનું અવલોકન લખેલું. આથી સાહિત્ય-રસવાંચ્છુ અને વતનપ્રેમી સૂર્યકાન્તભાઈને મને મળવાની તલપ તીવ્ર બની. નીલકંઠ હાઈસ્કૂલ, જામળાના તત્કાલીન આચાર્ય ડાહ્યાભાઈ પટેલને ફોન પર મારા વિશે પૃચ્છા કરી. જામળા ગયો ત્યારે ડાહ્યાભાઈએ સૂર્યકાન્તભાઈનાં સેવાભાવી કાર્યો વિશે માહિતી આપી અને તેમને મળવાની વાત કહી. આચાર્યશ્રીએ કરેલા તેઓના પરગજુ સ્વભાવના વર્ણનથી મને સૂર્યકાન્તભાઈમાં રસ જાગ્યો અને તેમને મળવાની અભિલાષા જાગી. વતનની બે વ્યક્તિઓએ વતન જામળામાં જ એકબીજાને મળવાની શોધ આદરી. વતનમાં જ આવ્યા હોઈએ અને આગળ-પાછળ નીકળી જઈએ અને થોડીક ક્ષણો માટે ચૂકી જઈએ. આમ બે વર્ષ સુધી એકબીજાને મળવાની સંતાકૂકડી રમતા રહ્યા. બે વર્ષ પછી નીલકંઠ હાઈસ્કૂલ, જામળાના આચાર્ય ડાહ્યાભાઈ પટેલના સેવાનિવૃત્તિ-સન્માન-સમારોહમાં બે દાઢીવાળી વ્યક્તિઓ એક જ મંચ પર ભેગી થઈ ગયેલી ત્યારથી જ ભેગી ભળી ગઈ. વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ એવા ભાવો બંનેનાં હૃદયમાં જાગેલા. સૂર્યકાન્તભાઈના પ્રથમ દર્શને મને હિન્દીના અલગારી મહાકવિ સૂર્યકાન્ત ત્રિપાઠી 'નિરાલા'ની યાદ આવેલી. દાઢીના સાદૃશ્યે આમ થયેલું. તે દિવસે મળ્યો એટલો સમય સાથે જ રહેલા. ઘણા હેત અને અધિકારથી મારા દ્વારા સંપાદિત પુસ્તકો માગેલાં. મને પુસ્તકો આપતાં અનહદ આનંદ થયેલો. મારા કાર્ય વિશેની માહિતી સિફતથી કઢાવેલી અને સૂર્યકાન્તભાઈએ આદિવાસી સંશોધન મહાયાત્રામાં સહભાગી થવાનું મનોમન નક્કી કરી લીધેલું. એક વર્ષની ફેલોશિપ આપીને, અરવલ્લી પહાડી પ્રદેશનો આદિવાસી-પરિવેશ સંશોધિત-સંકલિત કરવા સહભાગી થયેલા. સૂર્યકાન્તભાઈના ગાઢ સંપર્કમાં આવતો ગયો તેમ મને સમજાયું કે (દાઢીનું સાદૃશ્ય હોવા છતાં) પંડચા (સૂર્યકાન્ત ત્રિપાઠી, ‘નિરાલા') ત્રિપાઠીની માફક કવિ તો નહોતા પણ કવિતાના એક સારા ભાવક હતા. સ્વભાવે બંને અલગારી હતા. સાહિત્ય-સર્જનમાં નહીં પણ બંનેના જીવનમાં નિયતિએ કરુણ ઘટનાઓનું સાદૃશ્ય સર્જ્યું હતું. મનોહરાદેવીની માફક સૂર્યકાન્તભાઈ પંડ્યાનાં સહધર્મચારિણી આનંદીબહેન તા. ૨૯-૧૨-૧૯૯૯ના રોજ સૂર્યકાન્તભાઈને જીવનના અર્ધમાર્ગે છોડીને સ્વર્ગે સિધાવ્યાં હતાં. આનંદીબહેન અનેક દુઃખીજનોની માતા હતાં. તેણીએ મુંબઈ આવાસ 'પારુલકુંજ'ને સંતના આશ્રમમાં બદલી નાખ્યું હતું. આનંદીબહેનના જવાથી સૂર્યકાન્તભાઈના જીવનનો આનંદ જ ચાલ્યો ગયો. ‘मैमत्ता घुमत फिरे’ જેવી ભાઈની મનોદશા થઈ ગઈ. લગ્ન-સમારંભોમાં ભોજન લેવાનું છોડી દીધું. કુટુંબની બધી જવાબદારી ભાઈના શિરે હોવાથી હૃદયમાં જ અશ્રુમુખી સહચરીનો વિયોગ જીરવ્યા વિના છૂટકો નહોતો. નિયતિ આટલેથી અટકી નહીં. તેને લાગ્યું હશે કે સમર્થ પુરુષ જ કારમા ઘા જીરવી શકશે. ભાઈનાં બંને નયન જેવો તેમનો નાનો દીકરો નયન દક્ષિણ આફ્રિકાના માપુતો (મોઝામ્બિક) શહે૨માં શ્રીમતી ભાવનાબહેન હર્ષદભાઈ ગાંધીની ૧૧ વર્ષથી આર્થિક જવાબદારી નિભાવતો હતો. નયનભાઈમાં માતા-પિતાનો પરગજુ સ્વભાવ અને ધાર્મિક-આધ્યાત્મિક ભાવના વારસામાં ઊતરી હતી. માપુતો શહેરમાં ગુજરાતી સમાજ દ્વારા શિવાલય બનતું હતું. નયનભાઈ, ભાવનાબહેન અને હર્ષદભાઈ શિવાલય-નિર્માણકાર્યમાં પૂરેપૂરાં સહભાગી. શિવ-પાર્વતીની મૂર્તિઓની પ્રતિષ્ઠામાં સહભાગી થવા દેશમાંથી સૂર્યકાન્તભાઈ જવાના હતા. તા. ૨૭-૩-૨૦૦૨ના રોજ નયનભાઈ દક્ષિણ આફ્રિકાની ગરમીથી ત્રસ્ત શિવાલય-નિર્માણકાર્યના કાર્યકરોને શીતળ જળ પીવા રેફ્રિજરેટર દાન કરવા જતા હતા અને માર્ગમાં જ ગાડીએ પલટી ખાધી. નયનભાઈ ભજનવારતા 'લાલુ અરિદા'ના ચરિત્રનાયક હરિદાસની માફક કૈલાસપુરી સિધાવ્યા. હરિદાસનો આત્મિક રસ આધ્યાત્મિક હતો. નયનનો આત્મિક રસ પણ આધ્યાત્મિક હતો. શિવનાં સ્વદેહે દર્શન કરીને હરિદાસે પુત્ર-લાલસા છોડી દીધી હતી. નયનભાઈ મોટી ઉંમરે પણ લગ્નબંધનમાં બંધાયા નહોતા અને શિવાલયના નિર્માણમાં સહભાગી થતાં તેમનો આત્મા શિવમય બની કૈલાસવાસી થયો હતો. સ્વધર્મ નિભાવવા કટારથી નિજના એકના એક સંતાન કેલૈયાનાં અંગો કાપતા સગાળશા શેઠની સ્થિતપ્રજ્ઞતાથી કુટુંબને અને મિત્રોને આશ્વાસન આપતા સૂર્યકાન્તભાઈ હૃદયને શારી નાખતા બે કારમા ઘાને જીરવી ગયા. પત્ની અને યુવાન પુત્રના વિયોગનું વૃંદાવન ઘનીભૂત વાદળની માફક અમીવર્ષણ કરતું નયન-સૂર્યકાન્ત-આનંદીબહેનના આત્માનું ઐક્ય બની, ‘નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન'નું રૂપ ધારણ કરી અક્ષય તૃતીયા (તા. ૪-૫-૨૦૦૩) ના શુભ દિને આ લખનાર ઉપરાંત ડાહ્યાભાઈ પટેલ, રમણભાઈ સુથાર, અંજનાબહેન જોશી, મહેશકુમાર જોશી, ભરતકુમાર પંડ્યા, કિરીટકુમાર રાવલના સહયોગથી પ્રગટ્યું. અમારા આ વામનસ્વરૂપ નયનસૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાને ભાષા-સાહિત્ય, સંસ્કૃતિ-સમાજ-ક્ષેત્રે ૨૦૦૩થી ૨૦૦૬ના સમયખંડમાં મહત્ત્વનાં ચરણ માંડ્યાં છે. તેમાંથી નોંધનીય ચાર પ્રકાશનો આ પ્રમાણે છેઃ ૧. ભીલ ભજનવારતા: લાલુ અરિદા - ડૉ. ભગવાનદાસ પટેલ 2. The Trible Literature of Gujarat Ed. by Bhagvandas Patel by Hasu Yagnik. ૩. આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી - ડૉ. ભગવાનદાસ પટેલ, (કે.કે.બિરલા ફાઉન્ડેશન – દિલ્હીની રાષ્ટ્રીય ફેલોશિપ અંતર્ગત થયેલું કાર્ય.) ૪. મારી લોકયાત્રા – ડૉ. ભગવાનદાસ પટેલ (લેખકના લોકજીવનના અનુભવો) આ ઉપરાંત લોકપ્રતિષ્ઠાન આદિવાસી વિસ્તાર અને અન્ય સમાજમાં લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓમાં કાર્યરત હતું.

***