મારી લોકયાત્રા/પરિશિષ્ટ ૩ : આદિવાસી અકાદમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-૩

આદિવાસી અકાદમી

આદિવાસી અકાદમી

ગણેશ દેવી મને વીસમી સદીના અંતિમ દશકમાં એમ.એસ. યુનિવર્સિટી- વડોદરાના કલાભવનમાં એક પરિસંવાદ નિમિત્તે મળેલા. દેખાવે અને રીતભાતે થોડાક યુરોપિયન લેખક જેવા લાગેલા. વાતવાતમાં હોઠમાંથી નરદમ અંગ્રેજી ઝરે. ક્યારેક મુખમાંથી હિન્દી લંગડાતી આવે. ગુજરાતી તો કંઠમાંથી હોઠ સુધી આવતાં જ સુકાવા માંડે. ગુજરાતી બોલવાનો આયાસ કરે પણ થોડીક ક્ષણોમાં હિન્દીમાં ભળી જાય અને અંગ્રેજી પાણીના રેલાની જેમ પુનઃ વહેવા લાગે. આદિવાસી ‘લોક’માં મારો પુનર્જન્મ થયો ત્યારે મેં પાકો નિર્ણય કરેલો કે આદિવાસી-સમાજ સાથે ઓતપ્રોત થવું હશે તો કૉલેજકાળમાં ભણેલી અંગ્રેજીને ઓગાળવી પડશે અને ચિત્તમાં વસેલા અંગ્રેજી શબ્દોના સંસ્કારોનો નાશ કરવો પડશે. તો જ લોકનું હૃદય સહજતાથી મારી સામે ખૂલશે-ખીલશે. કાયમ માટે ઘર કરી ગયેલી આ માન્યતાને લીધે આ વિદ્વાન અંગ્રેજીના ટેકા વિના બોલી શકે નહીં એટલે મને ત્રાસ થાય. પરિસંવાદ ગણેશ દેવીએ યોજ્યો હતો અને પૂર્ણાહુતિ સમયે ખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની નવલકથા પરથી બનેલી ‘હજાર ચૌરાસી કી માઁ' ફિલ્મ બતાવેલી. ફિલ્મ જોયા પછી મોડી રાત સુધી ઊંઘ આવેલી નહીં. મહાશ્વેતાદેવીના સાહિત્યમાં વ્યક્ત ‘આમ આદમી' સાથેની તીવ્ર સંવેદનાની કલાત્મક અભિવ્યક્તિનો પ્રથમ અનુભવ થયેલો. સવારે ગણેશ દેવીને મળ્યો ત્યારે લાગ્યું કે એમના હૃદયના કોઈ એક ખૂણે ‘આમ આદમી’ માટે સહાનુભૂતિ વસેલી છે. આથી મને ભીલ આદિવાસી મૌખિક સાહિત્યનાં મારાં ત્રણ પુસ્તકો ‘લીલા મોરિયા’, ‘ફૂલરાંની લાડી’ અને ‘અરવલ્લી પહાડની આસ્થા’ ભેટ આપવાનો ઉમળકો થઈ આવેલો. આ પુસ્તકોના અધ્યયન પછી ગણેશ દેવીને લાગેલું કે આદિવાસી-સમાજ તો પાતાળ, પૃથ્વી અને સ્વર્ગ જેટલો વિરાટ છે. આ પરિસંવાદમાં મને કવિ કાનજી પટેલનો પરિચય થયો હતો. પુનઃ ગણેશ દેવીએ છોટાઉદેપુર, તેજગઢ અને પાવી-જેતપુર ‘આદિવાસી’ને કેન્દ્રમાં રાખીને ત્રિદિવસીય પરિસંવાદ યોજેલો. ગુજરાત અને મહારાષ્ટ્રના વિદ્વાનો મુખ-પરંપરાના આદિવાસી સાહિત્યનું અર્થઘટન ક૨વા એકઠા થયેલા. હું મારા દ્વારા સંપાદિત ભીલ-લોકમહાકાવ્યોના નિદર્શન અર્થે ખેડબ્રહ્માનાં ગાયક સાધુ ભાઈ-બહેનોને તેડી લાવેલો. ભીલ સાધુએ લાલ કપડા પર સફેદ સામાના દાણા અને મકાઈના મોતી(કણ)થી મંડળની રચના કરી હતી. મંડળમાં નવલાખ તારા, ચાંદ-સૂરજ, વાસુકિનાગ, પાડો૨ ગાય, જળપગી ઘોડો, ૮૪ સાધુ, પાંચ પાંડવ, હનુમાન વગેરે પ્રતીક આકૃતિઓ રચી હતી. આરંભમાં મારે આ પ્રતીકોની દાર્શનિક ગ્રંથિઓ ઉકેલીને ભીલોના બીજ-માર્ગી પાટની સમજ આપવાની હતી. આ પછી ભીલ-સાધુ તંબૂર ૫૨ ભજનના ઢળ પર ‘ભારથ’ (મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા' (રામાયણ)ની પાંખડીઓ (પ્રસંગો) નૃત્ય સાથે ગાવાના હતા. છોટાઉદેપુરની કૉલેજમાં ખુલ્લો મંચ હતો અને પરિસંવાદ અંગ્રેજી બોલીમાં ચાલતો હતો. આ સમયે મારા વક્તવ્યમાં અંગ્રેજી માટેનો પૂર્વગ્રહ સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો, “આદિવાસી અને આદિવાસી-સાહિત્યની વાત અંગ્રેજી ભાષા-બોલીમાં! ખરો ખેલ રચાયો છે! આદિવાસી પાસે જવું હશે; એમને સમજવા હશે; એમના સાહિત્યને સમજવું હશે તો એમની ભાષા શીખીને એમની બોલીમાં બોલવું પડશે. તો જ આદિવાસી ખૂલશે; ખીલશે અને આપણે એમને સાચા રૂપમાં પામી શકીશું. અંગ્રેજી ભાષાના વ્યભિચારથી આદિવાસીની મહાન સંસ્કૃતિને પામી નહીં શકાય. તેમની પાસેથી લોકજ્ઞાન મેળવવા તેમની ભાષામાં ઉપાસના કરવી પડશે. પછી ભલે તેમની પાસેથી મેળવેલું જ્ઞાન વિશ્વને સમજાવવા અંગ્રેજીમાં બોલો લખો.” હું આ સમયે ગણેશ દેવીના મુખ ૫૨ના ભાવ પારખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આક્રોશ ભરેલી મારી વાણીથી ગણેશ દેવીના મુખ પર આવેશ પ્રગટ્યો નહોતો. અમી વરસાવતી એમની આંખો ઝીણું જોઈ રહી હતી અને ઊંડું તાકી રહી હતી. ભીલ સાધુએ અંકમાં તંબૂર મૂકી, ચિત્ત સાથે સ્વરોનું સંધાન સાધી ‘ભારથ’માંથી ‘વાસુકિ અને દ્રૌપદી'ની પાંખડી ઉપાડી. નાભિમાંથી પ્રગટતા સ્વરો વાતાવરણમાં વ્યાપવા લાગ્યા. રાગિયા નૃત્ય સાથે સહભાગી થવા લાગ્યા. ગતગંગા (સભા-સભાગંગા) મંત્રમુગ્ધ બની પ્રસંગને માણવા લાગી. ગુજરાભાઈ સાધુના શબ્દો સંગીતનું રૂપ લઈ પાંચ પાંડવો, દ્રૌપદી, કુંતી, રામ, સીતા, લક્ષ્મણનાં દર્શન કરાવવા લાગ્યા. અમર જ્યોત લઈને આવેલા હનુમાનના વેશ સાથે મહારાષ્ટ્રના વિદ્વાન આત્મારામ રાઠોડ અને ખેડબ્રહ્મા કૉલેજના આચાર્ય ઊજમભાઈ પટેલ મન મૂકીને નાચવા લાગ્યા. આદિકાળની દબાયેલી વાસના પ્રસ્તુત-કર્તા અને દર્શકનો ભેદ ભૂલી સમૂહમાં નૃત્ય રૂપે પ્રગટવા લાગી. નૃત્ય, નાટ્ય, કથા, સંગીત અને ચિત્રના પંચમ સંગમમાં દર્શકો સ્નાન કરવા લાગ્યા. લોકમહાકાવ્યોના પ્રસંગોનું મારા દ્વારા કરાયેલા રસદર્શન અને વિવેચનથી વિદ્વાનોને ખ્યાલ આવેલો કે આદિવાસીઓનાં મૌખિક મહાકાવ્યો રામાયણ- મહાભારત જેવાં લિખિત મહાકાવ્યો કરતાં ઘણીબધી બાબતોમાં ભિન્ન અને વિશિષ્ટ છે. સીતા અહીં રામના વર્તનથી આઘાત પામી ધરતીમાં સમાઈ જતી નથી પણ નગરજનોની હાજરીમાં પૂરા સન્માન સાથે ગૃહપ્રવેશ કરે છે. મહાકાવ્યમાં આદિવાસી-સમાજે સ્ત્રીને આપેલી સહજ સ્વતંત્રતાથી વિદ્વાનોને આશ્ચર્ય થયેલું. નમતા બપોરે છોટાઉદેપુર કૉલેજના મેદાનમાં આવેલી શિલા પર બેસી ‘આદિવાસી-સમાજ’ વિષય પર એક અવિધિસરની બેઠક યોજી અમે- ગણેશ દેવી, વીરચંદ પંચાલ, ઊજમ પટેલ અને હું ચર્ચા કરતા હતા. અમે આદિવાસી-સમાજમાં કામ પાડતી વેળાએ કઈ અને કેવા પ્રકારની સામાજિક- સાંસ્કૃતિક સમસ્યાઓ આવે એની માહિતી ગણેશ દેવીને આપતા હતા. આ સમયે મને ગણેશ દેવીની નેહ-નીતરતી આંખોમાં આદિવાસી દેખાયેલો. ગણેશ દેવીએ અમારી સન્મુખ એમના શેષ જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ કરેલો. આ સમયે મને મારા જીવનનાં અધૂરાં રહેલાં સપનાં આ માણસ થકી પૂરાં થશે એવી પ્રતીતિ થયેલી. ૧૯૯૬ના માર્ચમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સીમાવર્તી પ્રદેશ-સાપુતારાની ઊંચી ઉપત્યકાઓ ૫૨ ગણેશ દેવીના નિમંત્રણથી આદિવાસી-સમાજ-સંસ્કૃતિ સાથે જેમને નિસ્બત છે એવા ગુજરાત અને મહારાષ્ટ્રનાં સમાનધર્મા મિત્રોનું એક સ્નેહસંમેલન યોજાયું હતું. આ ભાવમિલનમાં જ્યોતિભાઈ ભટ્ટ, કાનજીભાઈ પટેલ, વિપુલ કાપડિયા, નીતા કાપડિયા, રવિકાન્ત જોશી, અરુણા જોશી, ભગવાનદાસ પટેલ, ભરત નાયક, ગીતા નાયક, સુરેખા દેવી, ત્રિદીપ સુહૃદ, સુભાષ ઈસાઈ, સુભાષ પાવરા, આત્મારામ રાઠોડ, ડાહ્યાભાઈ વાઢુ, અજય દાંડેકર વગેરે મિત્રો સહભાગી થયાં હતાં. આરંભમાં ભીલ-સાધુ-મંડળીએ ધૂળાના પાટની માંડણી કરી, ભીલ-સાહિત્ય પ્રસ્તુત કર્યું હતું. આ પછી પૂરો દિવસ આદિવાસી-ભાષાસાહિત્યને સંરક્ષવા એક સંસ્થાની સાથે એક સામયિક ચલાવવાની ચર્ચા ચાલેલી. મેં સામયિકના નામ માટે ‘ઢોલ’ સૂચવી સમજાવેલું કે ઢોલ એ જન્મથી આરંભી મૃત્યુ સુધીના જીવનના સંપૂર્ણ સંસ્કારો અને વ્યવહારોને અભિચાલિત કરતું વિશ્વના પ્રત્યેક આદિવાસી-સમાજનું સજીવ લોકવાદ્ય છે. ઢોલ જગતના દરેક આદિવાસીને એક મંચ પર એકત્રિત કરતું; સુખ-દુઃખમાં સાથ આપતું અને લોહીના અણુ-અણુમાં વ્યાપ્ત પ્રભાવી વધુ છે. સામયિકનું ‘ઢોલ’ નામકરણ સૌને પસંદ પડ્યું હતું. સાપુતારાનો એક અર્થ સાપનો ઉતારો – સાપનો રાફડો થાય છે. આમ તો આદિવાસીભાષા-બોલીનું સામયિક ચલાવવું એ સાપના રાફડામાં હાથ નાખવા જેવું જોખમી હતું. છતાં અમે સામૂહિક રીતે રાફડામાં હાથ નાખવાનો નિશ્ચય કરેલો. આમ ભારતમાં શુદ્ધ આદિવાસી સામયિકનો આરંભ થયો. થોડાં જ વર્ષોમાં 'ઢોલ' બરાબર વાગ્યું અને એના અનેકવિધ સ્વરો ગુજરાતના સીમાડા વળોટી દેશમાં ફેલાઈ ગયા. આ સમયે મને પ્રતીતિ થઈ રહી હતી કે શિષ્ટ સાહિત્યનો એક સમર્થ ગ્રહ (સર્જક) કેન્દ્રમાંથી ખસી રહ્યો હતો અને આદિવાસી-સંસ્કૃતિ-સમાજ તરફ ધસી રહ્યો હતો. તા. ૨૮-૯-૧૯૯૬ના રોજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી - દિલ્હીના આમંત્રણથી Loka: The Other Voice - The Oral Epic of The Bhils કાર્યક્રમમાં ભીલ આદિવાસી કલાકારોને લઈને મારે અને ગણેશ દેવીને દિલ્હી રવીન્દ્ર ભવનમાં જવાનું થયું. ટ્રેનમાં સમયનો પૂરો અવકાશ હોવાથી ડૉ. દેવીના મનોજગતમાં પ્રવેશવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એમનું ચિત્ત આંતરિક ઐશ્વર્યથી ભર્યું-ભર્યું હતું. તેઓ એમ.એસ.યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસરની સર્વિસ છોડીને આદિવાસી સમાજને સમર્પિત થવાનાં સપનાં સેવી રહ્યા હતા. ઊંડાણમાં જઈને આદિવાસી વિકાસનાં કાર્ય કરવાની મહેચ્છા ધરાવતા હતા. ગણેશ દેવીનાં સપનાંમાં મારા જ જીવનકાર્યને વેગ મળવાનો હતો. છતાં મેં કહ્યું, “આદિવાસીઓ તો વર્ષોથી વિકસેલા જ છે. તેમનામાંથી માનવીય ગુણો લઈને આપણે વિકસવાનું છે. છતાં તમારે એ દિશામાં જવું જ હોય તો આદર્શોના ઘોડાપૂરને ઓસરવા દઈને ની૨ને નિર્મળ થવા દો, વિચારને પરિપક્વ થવા દો. આદિવાસી વિસ્તારોમાં અવારનવાર યાત્રા કરો. નક્કર વાસ્તવિક ધરતી પર આવીને નિર્ણય લો.” ‘લોક: બીજા સ્વર’ કાર્યક્રમથી રવીન્દ્ર ભવનમાં સ્થિત સાહિત્યના સર્જકોને પહેલી વાર ખ્યાલ આવ્યો કે આદિવાસીઓને પણ પોતાના જીવનદર્શનના આંતરિક સત્ત્વથી છલકાતાં સમૃદ્ધ મૌખિક મહાકાવ્યો હોય છે. કાર્યક્રમની સમાપ્તિ પછી ડૉ. દેવી બીજા એક કાર્યક્રમ નિમિત્તે આયલૅન્ડ ગયા અને અમે વતનમાં પાછા ફર્યા. આ પછી ડૉ. ગણેશ દેવીએ ૧૯૯૬માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીના Project On Indian Literature in Trible Languagesના સહારે એમ.એસ. યુનિવર્સિટીની માતબર પગાર આપતી દૂઝણી ગાય જેવી અંગ્રેજીના પ્રોફેસરની સર્વિસ છોડીને માત્ર રૂ. પ૦૦૦/- ના માનદેય ૫૨ જીવનનૈયાને મઝધારમાં વહેતી મૂકી દીધી. શિષ્ટ સાહિત્યના આ સર્જકે વતન તરફ વળી કહેવાતા અભિજાત સાહિત્યથી મહાભિનિષ્ક્રમણ કરી, કર્મશીલ બની ‘લોક' તરફ પ્રયાણ આદર્યું. ડૉ. ગણેશ દેવી દ્વારા લિખિત આફ્ટર એમ્નેસિયા (સ્મૃતિભ્રંશના પગલે પગલે) દ્વારા ગૌરવશાળી બનેલી કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ડૉ. ગણેશ દેવી દ્વારા સ્થાપિત ભાષા-સંશોધન-પ્રકાશન કેન્દ્ર વડોદરાને ‘ભારતીય સાહિત્ય, આદિવાસી ભાષાઓમાં' નામની યોજના સોંપી. સમગ્ર પ્રકલ્પના અધિકારી ગણેશ દેવી, સહયોગી અરુણા જોશી, હિસાબનીશ વિપુલ કાપડિયા અને ટાઇપિસ્ટ નીતા કાપડિયાએ ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૬થી પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવાનો આરંભ કર્યો. આ પ્રકલ્પનો ઉદ્દેશ ‘આદિવાસી-સાહિત્ય-ભૂમિકા’માં ગણેશ દેવીએ આ રીતે સ્પષ્ટ કર્યો છે : “ઘણી બધી ભારતીય ભાષાઓ જેમને પૂર્ણ રૂપમાં ભાષા હોવાની સ્વીકૃતિ પ્રાપ્ત નથી થઈ, જેને આપણે આજ સુધી ફક્ત ‘બોલી’ના રૂપે ઓળખીએ છીએ તેમાં ઘણીબધી બોલીઓ ‘આદિવાસી’ નામથી ઓળખવામાં આવતી જનજાતિઓની ભાષાઓ છે. લિપિબદ્ધ થવામાં વંચિત રહેલી એ બોલીઓ બોલવાવાળા જનસમૂહોની સંખ્યા નવ કરોડની છે. આદિવાસીઓની આ ભાષાઓમાં પ્રાચીન સમયથી મૌખિક રૂપમાં સાહિત્યની રચના થતી આવી છે, જેમાં વિપુલ ગીતો સિવાય કથાઓ અને મહાકાવ્યો પણ છે. ફક્ત ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકામાંથી ‘ભારથ’, ‘રૉમ-સીતમાની વારતા’, ‘રાઠોરવારતા’, ‘ગુજરાંનો અરેલો’ જેવાં ૪ મહાકાવ્યો અને ‘રૂપાંરૉણીની વારતા’, ‘તોળીરૉણીની વારતા' જેવાં ૨૧ લોકાખ્યાનો ડૉ. ભગવાનદાસ પટેલે સંપાદિત કર્યાં છે. છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં સાહિત્ય-જગતમાં દલિત સાહિત્ય, સ્ત્રીવાદી સાહિત્ય વગેરે સંવેદનોના નવા પ્રવાહોએ પોતાનું સ્થાન ઊભું કર્યું છે. આવા નવા પ્રવાહોમાં આદિવાસી ભાષાઓના સાહિત્યને સ્થાન આપવું એ ખાસ જરૂરી છે. કારણ કે લખાતી ન હોવા છતાંય ભારતની આદિવાસી-ભાષાઓમાં સાહિત્યકૃતિઓનો વિપુલ ભંડાર ભરેલો છે... આપણા મુખ્ય પ્રવાહના સાહિત્યનું આત્મભાન, તેમજ સાહિત્ય-ઇતિહાસનાં આધુનિક વલણો, આ બધી ભાષાઓના સાહિત્યની સમૃદ્ધિથી વંચિત રહેલાં છે; જ્યારે વાસ્તવમાં તો આપણી સાહિત્ય-પરંપરામાં મુખ્ય પ્રવાહનું સાહિત્ય અને આદિવાસી ભાષાઓના સાહિત્ય વચ્ચે ઘનિષ્ઠ સંબંધો રહેલા છે. આદિવાસી-ભાષાઓમાં મૌખિક પરંપરામાં રહેલ ઉપલબ્ધ એવા સાહિત્યનું દસ્તાવેજીકરણ કરી, એ સાહિત્ય-કૃતિઓ પ્રકાશિત કરવા, ‘ભારતીય જનજાતીય સાહિત્ય અને મૌખિક પરંપરા' પ્રકલ્પની રચના સાહિત્ય-અકાદમી, દિલ્હીએ કરી છે.” વિષયની સ્પષ્ટતા અને પુસ્તક સંપાદનના માર્ગદર્શન માટે આરંભનાં ત્રણ વર્ષોમાં આંધ્ર, ઓરિસ્સા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ગઢવાલ, નાગાલૅન્ડ, મિઝોરમ વગેરે ભારતનાં ભિન્ન-ભિન્ન રાજ્યોના લોકવિદ્યાવિદો, નૃવંશશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, સમાજશાસ્ત્રીઓ આદિ અલગ-અલગ વિદ્યાશાખાના સાતસો જેટલા તજ્જ્ઞોનો સંપર્ક કરી, બાવીસ જેટલા પરિસંવાદોનું આયોજન કરી, ઓગણપચાસ જેટલા વિદ્વાનોને જુદી-જુદી બોલી-ભાષા-લોકસાહિત્યની સંશોધિત હસ્તપ્રતો મોકલવાનું આમંત્રણ આપવામાં આવ્યું. તેમાંથી બાવીસ જેટલી હસ્તપ્રતો પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમય દરમિયાન ગણેશ દેવીએ વિચાર્યું હોત તો એક સત્ત્વશીલ પુસ્તક લખી શક્યા હોત. તેના સ્થાને બાવીસ વિદ્વાનોનાં બાવીસ પુસ્તકો પ્રસિદ્ધ કરી શક્યા. આથી દેશના ભિન્ન-ભિન્ન વિસ્તારોમાં ચાલતા લોકવિદ્યા (ફોકલોર)- વાચિક સાહિત્યના ક્ષેત્રકાર્ય આધારિત સંશોધનો અને પ્રવાહોનો ખ્યાલ આવ્યો અને સમગ્ર દેશના મૌખિક સાહિત્યનું માનચિત્ર સ્પષ્ટ થયું. આ સમયે પ્રગટ થયેલી કેટલીક નોંધપાત્ર કૃતિઓ (૧) કુંકણા કથાઓ, સંપાદકઃ ડાહ્યાભાઈ વાઢુ (ગુજરાતી) (૨) देहवाली साहित्य : चामुलाल राठवा (मराठी) (3) भीलों का भारत, डॉ. भगवानदास पटेल (૪) Garo Literature: Caroline Marak. (૫) गोरवट : आत्माराम राठोड (૬) गढ़वाली लोकगीत : गोविंद चातक વગેરે. ૧૯૯૮માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી - દિલ્હીના આમંત્રણથી Trible Oral Literature પરિસંવાદ માટે ડૉ. ગણેશ દેવી અને મારે બંગાળની વિદ્યાસાગર યુનિવર્સિટી, મેદનાપુર જવાનું બન્યું. સાથે ભજનસાહિત્યવિદ્ અને વાહક ડૉ. નિરંજન રાજ્યગુરુ, કવિ કાનજી પટેલ, મરાઠી લેખક લક્ષ્મણ ગાયકવાડ ઇત્યાદિ મિત્રો હતા. પરિસંવાદ સંપન્ન થયા પછી સંધ્યા સમયે ગણેશ દેવી અને હું આદિવાસી અકાદમીનાં સપનાં ચિત્તમાં ભરી યુનિવર્સિટીના અતિથિગૃહમાં રોકાયેલાં બંગાળી સાહિત્યનાં ખ્યાત લેખિકા અને કર્મશીલ મહાશ્વેતાદેવીને મળવા ગયા. સાથે તુલનાત્મક સાહિત્યના ખ્યાત બંગાળી લેખક અમિયાદેવ પણ હતા. ધ્યાનમુદ્રામાં કંઈક વિચારી રહેલાં મહાશ્વેતાદેવી પદ૨વથી સચેત થયાં. અમારા આગમનથી નેત્રોમાં આનંદ પ્રસર્યો. થોડીક ઔપચારિક વાતો પછી ગણેશ દેવીએ આદિવાસી અકાદમી સ્થાપવાની ભાવના વ્યક્ત કરી. મહાશ્વેતાદેવીના વૃદ્ધ મુખ પર અકથ્ય શાંતિ છવાઈ ગઈ. નેત્રો ઢળી ગયાં. થોડીક ક્ષણો પછી વિરલ મૌન તોડી બોલ્યાં, “ગણેશ તુઝે આદિવાસિયોં કા કામ કરના હૈ? ગણેશે દૃઢ નિશ્ચય સાથે હકારમાં માથું ધુણાવ્યું. મહાશ્વેતાદેવીના મુખમાંથી વેદની ઋચાની જેમ સહજ શબ્દો સરી પડ્યા, “તો જીવન દો! જીવન દોગે તો આદિવાસિયોં કા કામ હોગા!” મહાશ્વેતાદેવીજીના આ શબ્દો ગણેશના ચિત્તમાં વજ્રલેપ બની ગયા અને આદિવાસી અકાદમીની આજ સુધીની સામાજિક-સાંસ્કૃતિક અને સાહિત્યિક ગતિવિધિઓમાં પ્રેરક બની રહ્યા આ પછી ગણેશ દેવીનો પૂરો એક દસકો (૧૯૯૬થી ૨૦૦૬) ચૈતસિક અને શારીરિક – પ્રચંડ પુરુષાર્થનો રહ્યો છે. આ દસકામાં પોતાના જીવન-ધ્યેયને માટે ગણેશ દેવીએ સમયને પૂરેપૂરો શોષ્યો છે. જીવનને ક્ષણે-ક્ષણનો હિસાબ આપ્યો છે, અને ઘણાં ઊંચાં નિશાન સિદ્ધ કર્યાં છે. આ સમયખંડમાં તેમની ચેતનાના કેન્દ્રમાં મન-પ્રાણ-હૃદયમાં ‘આદિવાસી’ રહ્યો છે; વસ્યો છે. તેને સુધારવા કે ઉદ્ધાર કરવાના ઉદ્દેશથી નહીં, પણ આ મહાન સભ્યતામાંથી કંઈ ને કંઈ જીવનદાયક સત્ત્વ પ્રાપ્ત કરી સ્વયંને સંસ્કારવા માટે તેમનો આત્મા તલસતો રહ્યો છે. ગણેશ દેવીએ વડોદરામાં ‘આદિવાસી સમાજ અને વૈશ્વિકીકરણ’ વિષય ૫૨ યોજેલા પરિસંવાદ(તા. ૧૪-૩-૯૮)માં મહાશ્વેતાદેવી સહભાગી થયેલાં આ પ્રસંગે વડોદરાના નગરજનોએ તત્કાલીન મેયર રતિલાલ દેસાઈના હસ્તે મ્યુનિસિપલ કૉર્પોરેશન, વડોદરાના પ્રતીકવાળો ઍવૉર્ડ મહાશ્વેતાદેવીને અર્પણ કરી સન્માન કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહાશ્વેતાદેવીએ ઍવૉર્ડ હાથમાં લઈ જાહેરમાં કહ્યું હતું, “મુઝે ઍવૉર્ડ નહીં ચાહિયે. ગુજરાત મેં ભી આદિવાસી કો જીવન દેનેવાલે ઔર લોગ હૈ એવૉર્ડ ઉનકો દો!” આ પછી તેઓ એક વિશેષ અભિનિવેશ સાથે મારી પાસે દોડી આવ્યાં હતાં અને તેમને અર્પેલા ઍવૉર્ડથી મને વિભૂષિત કર્યો હતો. આ ૫રમ ધન્યતાની ક્ષણોએ મારાં નેત્રોમાં હર્ષનાં મોતી ઝળક્યાં હતાં અને જીવનનાં ૨૦ વર્ષ આદિવાસી અને સાહિત્યને આપ્યાં હતાં એ સાર્થક લાગ્યાં હતાં. સાંજે છારાનગર, અમદાવાદમાં ભાષા-કેન્દ્રના ગ્રંથાલયના ઉદ્ઘાટન માટે મહાશ્વેતાદેવીના વડપણ નીચે એક જાહેર સભા રાખી હતી. અહીં છારાસમાજના દક્ષિણ બજરંગે, રૉક્ષી બજરંગે, કલ્પના બજરંગે, જોશીલા, રતન કોડેકર જેવાં ગ્રૅજ્યુએટ અને ઍડવોકેટ કર્મશીલો સમાજસેવાની પ્રવૃત્તિઓ કરે છે. આમ છતાં આઝાદીની અડધી સદી પછી પણ સરકારી પોલીસતંત્ર છારાને ગુનેગાર જાતિ માનીને અત્યાચારો કરે છે એ હકીકત જાણી ભારે દુઃખ થયેલું. આ સમયે છારાનગરનાં યુવક-યુવતીઓએ ‘બૂધન’ નામનું નાટક ભજવી ‘બૂધન થિયેટર'નો પાયો નાખેલો. બંગાળની શબર આદિવાસી-જાતિના બૂધન નામના નિર્દોષ શ્રમજીવીની પોલીસે જેલમાં હત્યા કરેલી. મહાશ્વેતાદેવીએ હાઈકોર્ટમાં કેસ લડી પોલીસ અધિકારીને સજા કરાવી બૂધનની વિધવાને ન્યાય અપાવેલો. આ સત્ય ઘટનાનું છારા કલાકારોએ નાટ્ય રૂપાંતર કરી દર્શકો સમક્ષ ભજવી આદિવાસીઓ પર થતા અત્યાચારો અને યાતના સાક્ષાત્ કરેલાં ત્યારે હૃદય અકથ્ય ગ્લાનિથી ભરાઈ ગયેલું અને દુઃખ ભૂલવા મારા દ્વારા સંપાદિત પુસ્તકો છારાનગરના ગ્રંથાલયને ભેટ આપી મનોવ્યથા હળવી કરવાનો પ્રયત્ન કરેલો. ૨૦૦૨માં શિક્ષકની સર્વિસમાંથી નિવૃત્ત થયો ત્યારે શ્રી કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના જાહેર મંચ પર મહાશ્વેતાદેવીએ ‘ભગવાનદાસ યહ તેરે લિયે’ કહીને બંગાળી ભાષામાં એક ગીત ગાઈને મને અર્પણ કર્યું ત્યારે તેમના નિ:છળ હૃદયમાંથી પ્રગટેલું વાત્સલ્ય મને ભીંજવી ગયેલું અને એમનામાં ધર્મની માનાં દર્શન થયેલાં. મહાશ્વેતાદેવીના આશીર્વાદ મેળવી ગણેશ દેવીએ આદિવાસી અકાદમી માટે જમીન સંપાદિત ક૨વા કઠોર અનુષ્ઠાન આદરેલું. ફરતાં-ફરતાં તેજગઢ આવેલા. નગીન રાઠવાના ઘ૨ની ભીંત ૫૨ દોરેલી ‘પીઠોરો બાબો'ની ચિત્રાવલીનાં દર્શનથી ખુશ થયેલા. આ પછી તેજગઢની અવારનવાર યાત્રા કરીને દેશ- પરદેશના અનેક વિદ્વાનોને પીઠોરો બાબાનાં દર્શન કરાવેલાં. એક દિવસ ફરતા-ફરતા ગામની ઉત્તરે વહેતા વહેળા પાસે આવેલા. કિનારે આવેલા ઘેઘૂર મહુડાની છાયામાં આવેલી શિલા પર બેસી વિશ્રાંતિ પામેલા. ઉત્તરમાં આવેલું મેદાન અને કોરાજ પહાડની પ્રકૃતિનાં દર્શનથી મન સભર થયેલું અને તેજગઢ ગ્રામ-પંચાયતની આ જમીન આદિવાસી અકાદમી માટે સંપાદિત ક૨વાનું ગણેશજ્ઞાન થયેલું. એક દિવસે મને બોલાવીને આ મહુડાની છાયામાં બેસાડી મારી સાથે આ ગણેશજ્ઞાન વહેંચેલું. બંને જમીન પર સાથે ચાલી હ૨ખાયેલા અને ગણેશે આ જમીન સંપાદિત કરવા ‘અંગદ ચરણ' માંડેલો. બે વર્ષના પુરુષાર્થ પછી સરકારી રાહે અહીં જમીન સંપાદિત થયેલી ત્યારે સિંહના મુખમાંથી શિકાર મેળવ્યા ભારોભાર આનંદ થયેલો. ઊંડાણ તાકતી અને ઘણું જોતી ગણેશ દેવીની આંખો સામા માણસના આંતરિક સત્ત્વને જલદી પારખી જતી. આ સત્ત્વને સમાજ સામે લાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. એક દિવસે (૧૯૯૯) રાજ્યપાલશ્રી સુંદરસિંહ ભંડારીના વરદ હસ્તે આદિવાસી અકાદમીની જમીનનું ખાતમુહૂર્ત થયું હતું. આ શુભ પ્રસંગે ભાષા કેન્દ્ર - વડોદરાએ ગીતો-નૃત્યોથી થિરકતા વિશાળ આદિવાસી લોકસમુદાયના સાંનિધ્યમાં મને ‘ભીલી ભાષા-સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન' સન્માન-ચિહ્ન અર્પણ કરેલું. આ સમયે ૧૯૯૮માં મળેલા કેન્દ્રીય સાહિત્ય અકાદમી - દિલ્હીના ‘ભાષા સમ્માન’ ઍવૉર્ડ કરતાં પણ મને વિશેષ આનંદ થયેલો. આદિવાસી અકાદમીનું સપનું સાચું પડ્યા પછી ડૉ. ગણેશ દેવીએ ઉનાળાના ખરા બપોરે (મે, ૨૦૦૨) આપણા જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીના વડપણ નીચે ૮૦૦ ગામોમાં કાર્યરત ૫૦૦ આદિવાસી કર્મશીલોની સાક્ષીએ મને અકાદમીની દક્ષિણે આવેલા મહુડાના વૃક્ષ નીચે બેસાડેલો. આ ઉંમરે મારે બુદ્ધની જેમ પીપળાના વૃક્ષ નીચે બેસવું જોઈતું હતું પણ મહુડા નીચે બેસાડી આદિવાસી અકાદમીના માનદ નિયામકનો મુગટ માથે મૂકી મને યુવાન બનાવી ગણેશ દેવી હળવાફૂલ બની ગયેલા. આ પછી મારા માથે મૂકેલો મુગટ અડધો વહેંચીને મેં મારા યુવાન મિત્ર પ્રા. અર્જુન રાઠવાના માથે નાયબ નિયામક તરીકે મૂકેલો. આ દિવસથી મેં નિયામક તરીકે આદિવાસી અકાદમી ૫૨ કોઈ પણ પ્રકારનું નિયમન કર્યું નથી. આદિવાસી ઉપવનને સમાજવાદી જીવનરીતિ (જે એમના સમાજનું જીવનદર્શન છે) પ્રમાણે એની મેળે સામૂહિક રીતે વ્યાપક વિકાસની દિશામાં વધવા દીધું છે.

  • અત્યારે ૮૦૦ ગામોમાં કાર્યરત ૧૦૦૦ આદિવાસી કર્મશીલોએ એમનાં ગામોની વિકાસની વ્યાખ્યા એમણે જાતે ઘડી છે. સ્થળાંતર વિનાના, કુપોષણ વિનાના, નિરક્ષરતા વિનાના, શોષણ વિનાના, કર્જમુક્ત, આત્મનિર્ભર, પ્રકૃતિ-સંસ્કૃતિથી મંડિત સ્વસ્થ ગામની કલ્પના આદિવાસી યુવાનોની પોતાની છે, અને એને સાકાર કરવા છેલ્લાં ૫ વર્ષથી એમણે સામૂહિક રીતે પુરુષાર્થ આદર્યો છે.
  • વિકાસનું આ મહાઅભિયાન પરિણામલક્ષી બનાવવા આદિવાસી યુવાનોએ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સીમાવર્તી પ્રદેશમાં ૧૫ ગ્રામવિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે. આ ગ્રામવિકાસ કેન્દ્રોએ અત્યાર સુધી ૫૦૦ બચત મંડળો (ભંડોળ ૬ મિલિયન રૂપિયા), ૬૫ જળ મંડળીઓ, ૯૨ અનાજ બૅંકો, ૬૪ અવૈધિક શાળાઓ (૩,૦૦૦ બાળકોને પ્રાથમિક શિક્ષણ આપી સરકારી શાળાઓમાં દાખલ કર્યાં) અને ૧૦૦ ગ્રામ આરોગ્ય કેદ્રો (૩૧,૦૦૦ દર્દીઓએ દવાનો લાભ પ્રાપ્ત કર્યો છે) સ્થાપ્યાં છે.

પ્રત્યક્ષ જીવન સાથે જોડાયેલાં આ ગ્રામવિકાસ કેન્દ્રો એ અકાદમીનું હૃદય છે; એની અનેક પ્રવૃત્તિઓની ઊર્જા છે.

  • દેશના આદિવાસીઓને એક મંચ પર એકઠા કરવા અને અન્ય સમાજો સામે પોતાનું અસ્તિત્વ સ્થાપવા જુદી-જુદી ૧૧ આદિવાસી ભાષામાં પ્રગટ થતું ‘ઢોલ’ નામનું સામયિક આદિવાસી યુવાનો જ ચલાવે છે.
  • વિચરતી જાતિઓએ પોતાની સાંસ્કૃતિક ઓળખ ગુમાવી છે, એમને ઇતિહાસ આપી દેશના નાગરિક તરીકે પુનઃ સ્થાપવાનું કાર્ય ‘બૂધન’ નામનું સામયિક કરે છે.
  • ‘બોલ’ નામના બાલ સામયિકમાં ચિત્રરૂપે, કવિતારૂપે, વારતારૂપે બાળકોને જે રીતે બોલવું હોય એ રીતે બોલીને સર્જનાત્મક રીતે અભિવ્યક્ત થાય છે.
  • વાચા' સંગ્રહાલયમાં વાણી દ્વારા પૂરો આદિવાસી સમાજ વ્યક્ત થાય છે. તેને સંલગ્ન ‘કલાકાર કાર્યશાળા’માં નિરક્ષર આદિવાસી કલાકારો નૃત્ય, નાટ્ય, ગીત, સંગીત, કથા જેવી આંગિક અને મૌખિક લલિતકલા દ્વારા અભિવ્યક્ત થાય છે. આદિવાસી યુવાનો પોતાના પરંપરિત મૌખિક સાહિત્ય, ઇતિહાસ અને લોકશાન દ્વારા વિશ્વકોશની રચના કરી પોતાની ઓળખ અને અસ્મિતા પુનઃ સ્થાપવા મથી રહ્યા છે.
  • આ ઉપરાંત ગ્રંથાલયનાં ૨૦,૦૦૦ પુસ્તકો સાથે સાંસ્કૃતિક સંપત્તિના ૧,૦૦૦ ભૌતિક નમૂના, ૨,૦૦૦ ઑડિઓ કેસેટ (તેમાં આ સંશોધકની ૧,૫૦૦ કેસેટ) અને ૧૫૦ વીડિઓ કેસેટ (તેમાં આ સંશોધકની ૫૦ કેસેટ) પર અંકિત પોતાના મહામૂલા સાંસ્કૃતિક વારસાના જતન દ્વારા દેશ અને દુનિયાના વિદ્વાનોના આગામી સંશોધન માટે આધાર આપી રહ્યા છે. ‘ભીલોનું ભારથ’, ‘રાઠોરવારતા’, અને ‘રૉમસીતમાની વારતા' દેશના સીમાડા વળોટી ઑક્સફર્ડ યુનિવર્સિટીના દ્વારે પહોંચ્યાં છે. ગુજરાતને ગૌરવ અપાવતી રાષ્ટ્રની એકમાત્ર આદિવાસી અકાદમીમાં દેશ અને દુનિયાની યુનિવર્સિટીઓમાંથી આ વિષયના તજ્જ્ઞો સંશોધન અર્થે આવી રહ્યા છે.
  • આદિવાસી અકાદમીએ દેશ અને દુનિયાના વિદ્વાનોને આમંત્રી આદિવાસી સંસ્કૃતિ-સમાજ, સાહિત્ય-કલા, ઇતિહાસ, લોકજ્ઞાન, ખેતી, ગ્રામ વિકાસ વગેરે વિષયો પર ૨૦૦ પરિસંવાદ યોજ્યા છે. મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી, દિલ્હીના સહયોગથી અકાદમી એમ.એ., એમ.ફિલ. અને પીએચ. ડી.ના અભ્યાસક્રમ ચલાવે છે.
  • કાનજી પટેલ, વિક્રમ ચૌધરી અને ડાહ્યાભાઈ વાઢુના સંયોજનમાં દર વર્ષે કલશ્વરી (ઉત્તર ગુજરાત), પદમ ડુંગરી અને સાપુતારા (દક્ષિણ ગુજરાત)માં આદિવાસીઓ લોકમેળા યોજી વિશાળ માનવસમુદાય વચ્ચે નૃત્યો, ગીતો, મહાકાવ્યો, નાટ્યો જેવી પરંપરિત લોકસંપદા પ્રસ્તુત કરી અન્ય સમાજ સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી સ્વશક્તિ સાથે સામૂહિકરૂપે પ્રગટી દેશને બળવાન બનાવવા આગળ આવી રહ્યા છે. (આ માહિતી હું આદિવાસી અકાદમીનો નિયામક હતો તે સમયની છે.)

આરંભનાં બે વર્ષ, મૂર્તરૂપ આપવાના તુમુલ સંઘર્ષ સમયે આદિવાસી અકાદમી ગણેશ દેવીની હતી. ત્યાર પછી સ્થિર જળમાં અકાદમીના નાવનું સુકાન મને અને આદિવાસી યુવાનોને સોંપ્યું. અને આદિવાસીઓએ ‘સર્વ દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત કરવા' સર્વ માટે અકાદમીનાં દ્વાર ખોલી દીધાં. આથી ‘વાચા’ સંગ્રહાલયને ચારે દિશાએ બારીઓ છે પણ બંધ કરવાનાં કમાડ નથી.

આદિવાસી અકાદમીનું જીવનદર્શન

આદિવાસી અકાદમીના જીવનદર્શનના કેન્દ્રમાં ‘આદિવાસી સમાજજીવન’ રહ્યું છે. અકાદમી તેને પોતાનાં મૂળિયાં-પરંપરાથી અલગ કર્યા વિના તેના પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં તેનું લોકજ્ઞાન અને જીવનપદ્ધતિને સુરક્ષિત રાખી, આધુનિક વૈશ્વિક જ્ઞાન અને જીવનરીતિઓને તપાસી, સમાજને યોગ્ય લાગે તો વિનિયોગ કરી વિકસાવવા – સદા વર્ધમાન રાખવા માગે છે અને વિશ્વને એક નવું વૈકલ્પિક જીવનદર્શન – જીવનરીતિ આપવા ઇચ્છે છે. જેના આધારે આ જીવન છે એ પૃથ્વીને તંદુરસ્ત રાખવાનું જ્ઞાન આદિવાસી પાસે છે. માનવથી પૃથ્વી-પ્રકૃતિ અને વ્યક્તિથી સમાજ અગત્યનો છે- એ જીવનદર્શન આદિવાસીનું છે. પશ્ચિમની જીવનરીતિ અને જીવનદર્શન પ્રમાણે જીવન બનાવનારાં તત્ત્વો – પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશના નિર્મમ નાશને જ વિકાસનું નામ આપવામાં આવી રહ્યું છે. પશ્ચિમની આ વૈયક્તિક લોભની ઘેલછા ‘વૈશ્વિકીકરણ’ અને ‘ઉદારીકરણ’ના સોહામણા નામે વિશ્વના ખૂણેખૂણામાં પ્રવેશી વનસંપત્તિ અને જળસ્રોતોને શોષી, બજારમાં કિંમત ઊભી કરી પૃથ્વીને રણમાં પલટી રહી છે. આવા કપરા સંજોગોમાં પૃથ્વી-પ્રકૃતિનું જતન કરતું, સૌનું મંગળ ઇચ્છતું, જરૂર પૂરતું જ કુદરતી સ્રોતનો ઉપયોગ કરતું, સામાજિક સ્તર-ભેદ વિનાનું સમતાવાદી આદિવાસી સમાજજીવન જ વૈયક્તિક વિઘાતક મૂલ્યોથી ઘેરાયેલા વિશ્વને વૈકલ્પિક જીવનરીતિ આપી શકશે. વૈયક્તિક ઉપભોગવાદથી ત્રસ્ત માનવજાત આદિવાસી પરંપરિત વિદ્યા-જ્ઞાન-જીવનરીતિ – જીવનદર્શનનો આશ્રય લઈને પોતાના નવા સમતાવાદી - ભાવવાદી સમાજનું નિર્માણ કરી શકશે. તેથી, અત્યારે તો એકમાત્ર જીવનદાયિની આદિવાસી સભ્યતા જ વિશ્વનું આશ્વાસન છે. આ અર્થમાં અકાદમી વિશ્વના કોઈ પણ માનવની છે; આદિવાસી અકાદમી આપણી છે; આપણા સૌની છે.

સ૨નામું આદિવાસી અકાદમી, તેજગઢ, જિ, તા. છોટાઉદેપુર, (ગુજરાત)

***