મારી લોકયાત્રા/૧૭. મૌખિક સંપદાનું ઊંચું શિખર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૭.

મૌખિક સંપદાનું ઊંચું શિખર

અમારું મંડળ ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામ પાસેના ચાંગોદ ગામમાં દેવરાના રાતીજગામાં સહભાગી થવા જઈ રહ્યું હતું. ચાંગોદ પહોંચ્યા ત્યારે રાત થઈ હતી અને ભોપા સળગતાં તાપણાંમાં કોશથી ખોદી, હાથ નાખી દેવદેવીના પથ્થરના ‘પૂતળા’ કાઢવાની વિધિ કરતા હતા. ભોજન પછી પૂરું ગામ દેવરાના મંદિરે એકઠું થયું હતું. નાથાભાઈ ગમાર, ગુજરાભાઈ ગમાર અને વજાભાઈ ગમાર લોકસમુદાયમાં ભળી ગયા અને અલગ-અલગ મંડળીઓ રચી તંબૂર ૫૨ દેવરાનાં ભજનો ગાવા લાગ્યા. લોકસમુદાય ભજનના ઢાળ પર દેહના વિશેષ લયહિલ્લોળ સાથે નાચવા લાગ્યો.. મંદિરની બહાર આખું ગામ દેવરાનાં ગીતો ગાતું થિરકવા લાગ્યું. મહા માસમાં રાજસ્થાનના મોલોલા ગામમાંથી દેવરાના ભોપા ગુણકો (ગણપતિ), દેવરાંનો ઠાકોર, વાસુકિનાગ, અબાવ (અંબા), કાળકી ઇત્યાદિ મૃણમૂર્તિઓ (માટીની મૂર્તિઓ) પદયાત્રા કરીને લઈ આવ્યા હતા. મહા માસના છેલ્લા શનિવારનો રાતીજગો (જાગરણ) હતો. પૂરી રાત ભજનો અને દેવ-દેવીનાં નૃત્યગીતોનો દોર ચાલતો રહ્યો. રવિવારે બ્રાહ્મમુહૂર્તમાં મૂર્તિઓ સ્થાપતાં ભોપાના માથે ભિન્ન-ભિન્ન દેવ-દેવી ઊતર્યાં. ઝાલ૨ અને શંખઘોષ વચ્ચે લોકસમુદાયના હાકોટા-પડકારા શરૂ થયા અને ધૂણતા ભોપા પીઠ પર ભારે સાંકળો ઝીંકતા મૂર્તિઓ સ્થાપવા લાગ્યા. પ્રતિષ્ઠિત દેવ-દેવીઓ સન્મુખ પૂરા ગામનાં માનવી, વનસ્પતિ અને પ્રાણીજગતની સુખાકારી માગવા લાગ્યા. તેમના સાંનિધ્યમાં બેઠેલો હું વિચારવા લાગ્યો કે અમે તો મંદિરમાં જઈએ છીએ ત્યારે દેવ સન્મુખ વ્યક્તિગત સુખની જ કામના કરીએ છીએ. સૌની મંગલકામનાનો તો ખ્યાલ પણ આવતો નથી. અહીં તો ભોપા બોલી રહ્યા હતા, ‘થું પાવો૨-પરબતમા વૉય; ઑંણી સૂરતમા વૉય; પૉણ બત્તાંની પલી ક૨ઝે પગવૉન !” (“તું પથ્થર-પર્વતમાં હોય; આ મૂર્તિઓમાં હોય; પણ બધાંનું ભલું કરજે ભગવાન!”) ‘મૂરત’ સ્થાપના પછી ચૂરમાનું સામૂહિક ભોજન હતું. ચૂરમું બનાવવાની વિધિ ગામ-સમસ્ત ચાલતી રહી અને પ્રસાદરૂપે ટોપરાની શેષ લઈને અમે લોકસમુદાયથી અલગ થયા. મધ્યાહ્ને અમે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા તુંબરાજના ડુંગરની તળેટી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. માણેકનાથ એમનો ચોખ્ખો દેવ જ્યારે તુંબરાજ મેલો દેવ. માણેકનાથ માનવોનો દેવ તો તુંબરાજ માનવ ઉપરાંત પાલતુ પ્રાણીઓનો પણ દેવ. ગાય-ભેંશ કે બકરી બીમાર પડે, દૂધ ના દે, વિવાય નહીં કે ગાત્ર છાંડે તો તુંબરાજની માનતા(બાધા) માનવામાં આવે. સાજાં થયે દૂધમાં રાંધેલા ચોખા (ખીર) કે બકરાનો ભોગ ચડાવી બાધા પૂરી કરવામાં આવે. અમને ‘તુંબરાજ બાવસી'(બાવજી)નાં દર્શન કરવાની અભિલાષા જાગી. વસંત બેઠી હતી અને પહાડ પલાશ-પુષ્પો(કેસૂડાં)થી પ્રજળી ઊઠ્યો હતો. ગૂગળનાં વૃક્ષો ૫૨ ગુંદ૨ ફૂટ્યો હતો અને પૂરો પહાડ મહેકી ઊઠ્યો હતો. સીધા ચઢાણનો વિકટ માર્ગ પસાર કરી શિખર પર પહોંચતાં જ નેત્રો આશ્ચર્યથી જ વિસ્ફારિત થઈ ગયાં. અસંખ્ય સફેદ ધ્વજાઓ અને હજારો માટીના ઘોડા વચ્ચે ઊભા પથ્થરોરૂપી તુંબરાજ શિખરના માથે વિરાજ્યા હતા. સીધા ચઢાણના કા૨ણે મોઢામાં શ્વાસ માતો નહોતો. ગૂગળના વૃક્ષ તળે તુંબરાજના સાંનિધ્યમાં બેસી પડ્યા. ભોગ ચડાવ્યાના લીધે અનેક પ્રાણીઓના રુધિરથી સ્થાનકની ભૂમિ કાળી પડી ગઈ હતી અને સૂર્યપ્રકાશમાં ચમકતી હતી. ભીખો તરાળ બોલ્યો, “ઝેતરા (જેટલા) કોરા (ઘોડા) હેં એતરાં (એટલાં) મૉનવીઓનું કૉમ થઉં હેં. તુંબરાઝ બાવસી ઝીવતો દેવ હેં.” લખાએ સ્પષ્ટતા કરી, “તુંબરાઝ ઑમ તો પારગી ગોતરનો દેવ હેં પૉણ હાસો દેવ હેં એતણ (એટલે) રાઝેથાંન નં ગુઝરાતના પૂરા પટાનાં મૉનવી ઑણા દેવન મૉનેં.” મેં નાથાભાઈને તંબૂર ૫૨ તુંબરાજનાં ભજન ગાવાનું કહ્યું. નાથાભાઈ મારું અજ્ઞાન જાહે૨ ક૨તા બોલ્યા, “તુંબરાઝનાં તો તંબૂરા પર પઝન નેં બોલૉય. પૉણ ગીતો ગવૉય.” મેં એક દૃષ્ટિ તુંબરાજના ઘોડા ૫૨ તો એક નજર મંડળી પર નાખી. સંખ્યાતીત ઘોડાની જેમ એમના હૃદયમાં અસંખ્ય ગીતોનાં ઝરણાં વહેતાં હતાં. મને નાથાભાઈ તુંબરાજના પહાડ જેવા લાગ્યા. ચોમાસામાં ફૂટતાં અસંખ્ય ઝરણાંની જેમ નાથાભાઈના ચિત્તમાં ગીતનાં-ભજનનાં અનેક ઝરણાં પર્વ-પ્રસંગ પ્રમાણે ફૂટતાં હતાં અને અનેક ગીત-વારતા મળી-ભળી તેમનું હૃદય ભજનવારતાના મહાસાગરમાં પરિણમતું હતું. ઋતુ પ્રમાણે તેમના હૃદયસાગરમાંથી ભારથ, રૉમ-સીતમા, હાલદે હોળંગી, સતિયો ખાતુ, સતિયો ચંદન, રાઠોરવારતા જેવાં મોંઘાં મોતી શબ્દો દ્વારા રૂપ ધરતાં હતાં. આ મોંઘાં મોતી ગુજરાતે અને દેશે પોતાની ભાષામાં જેટલાં પરખ્યાં એટલાં ખરાં પણ ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર, સાહિત્ય અકાદમી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલાકેન્દ્ર, દિલ્હી એ રાઠોરવારતા, રૉમસીતમાની વારતા અને ભારથને બરાબર પારખ્યાં અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં તથા ૨૩ ભારતીય ભાષાઓ અને મોઇજ ૨સીવાલાએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરવાની નેમ લીધી. ને નેમ પૂરી કરી. વાહક-ગાયકની આંતરિક લોકસંપદાનો અંદાજ લગાવતો હું ઊભો થઈને પ્રકૃતિનો વૈભવ નિહાળવા લાગ્યો. ઉત્તર-ઈશાન તરફ રાજસ્થાનમાં વિસ્તરેલા અરવલ્લી પહાડની એક પછી એક ઉત્તુંગ શિખરાવલીઓનાં દર્શન થતાં હતાં તો દક્ષિણ તરફ ગુજરાતમાં ફેલાયેલાં શિખરોનાં દર્શન થતાં હતાં. બંને રાજ્યોની સરહદ વચ્ચે દેશ અને દુનિયાનો મૌખિક સંપદાનો એક સમર્થ વાહક-ગાયક નાથાભાઈ સૌથી ઊંચું શિખર બની બેઠો હતો. મને તુંબરાજનાં દર્શનથી પણ અદકેરો આનંદ તેના ભીતરમાં વિરાજેલ મૌખિક વૈભવનાં દર્શનથી થતો હતો. અડધો દસકો નાથાભાઈના કંઠમાં રહેલી લોકસંપદા ધ્વનિમુદ્રિત કરવા ખેડવા ગામની યાત્રા કરેલી. આ સમયે ખ્યાલ આવેલો કે વાહકનું પરંપરા સાથેનું સાયુજ્ય ફક્ત સામાજિક-ધાર્મિક કથાનાં પાત્રો કે ચરિત્રો સાથે જ હોય છે એવું નથી, તેનાં પરંપરિત સંગીતનાં સાધનો સાથે પણ હોય છે. આ બાબતનો ખ્યાલ નાથાભાઈ ગમાર પાસેથી ‘ભીલોનું ભારથ’ ધ્વનિમુદ્રિત કરતો હતો ત્યારે આવેલો : ભાદરવા માસની એક ઢળતી સાંજે અમે બંને તેઓના આંગણે આવેલા લીમડા નીચે બેઠા હતા. તંબૂરને અંકમાં રાખી આત્મા સાથે સંધાન કરતા નાથાભાઈને મારાથી અઘટિત પ્રશ્ન પુછાઈ ગયોઃ “નાથાભાઈ, આ તંબૂરો મને આપશો?' વિક્ષેપ થવાથી સમાધિ તૂટી હોય તેમ તેઓએ આંખો ઉઘાડી. આંખોમાં રોષની આછી ટશરો ફેલાઈ. થોડીક ક્ષણોમાં પાછા સૌમ્ય બની ગયા. ઘૂંટાયેલી આર્દ્રતા સાથે નાથાભાઈના અંતરમાંથી ઉદ્ગારો સ૨વા લાગ્યા.. “પાઈ, ઑણો તબૂરો તો મા૨ બા હેં! (ભાઈ, આ તંબૂરો તો મારો બાપ છે!)” તેઓના ભીલી બોલીના વાક્પ્રવાહનું વિસ્તારભયને લીધે અહીં ભાષાંતર આપું છું. વાક્પ્રવાહ આગળ ચાલ્યો, “આ તંબૂરે હું અને મારા બાપુ ભજન બોલતા. મારું અને મારા બાપનું હૃદય એક થતું. શારદા કંઠમાં આવતી અને બંનેનાં હૃદયમાંથી ભજનો જન્મતાં. રામસીતા, પાંચ પાંડવો, સતિયો ચંદન અને હરિશ્ચંદ્ર રાજા બધા ચોખ્ખા દેખાતા. તેઓનાં દર્શન કરતા. આજે મારો બાપ તો નથી પણ મારા બાપે આપેલો આ તંબૂરો છે. આને જોવું છું અને મને બાપુની યાદ આવે છે. ભાઈ આ તંબૂરો તો સાક્ષાત્ (નખ્ખા) મારો બાપ છે! તને આ તંબૂરો નથી આપી શકતો.” મને લાગ્યું કે મેં અજાણે અઘટિત માગણી કરીને સાધુના આત્માનો અપરાધ કર્યો છે. સાથે-સાથે એનો પણ ખ્યાલ આવ્યો કે નિદર્શકનું-વાહકનું કંઠસ્થ સાહિત્ય માટે, પોતાની પેઢી સાથે પરંપરા સાથે કેવું આત્મિક –અનુસંધાન હોય છે. આ પરંપરાનું સંધાન જે-તે પ્રદેશમાં આવેલાં દેવ-દેવીઓનાં સ્થાનકો સાથે પણ હોય છે. નિર્જીવ લાગતાં આ સ્થાનકો લોકના જીવતરનાં મૂળાધાર હોય છે. આ સ્થાનકો સાથે લોકની પ્રગાઢ શ્રદ્ધા અવિનાભાવે જોડાયેલી હોય છે. માટે તો બાધા કે માનતા જેવા ધાર્મિક પ્રસંગોએ વાહકના હૃદયમાંથી જે-તે દેવ-દેવીના મહિમાભર્યાં સંખ્યાતીત ગીતો વિવિધ તર્જો-રાગો-ઢાળો સાથે લોકસમુદાય વચ્ચે આવિર્ભાવ પામે છે અને દુઃખમાં પણ લોકને જીવવાનું બળ આપે છે. અનેક વર્ષોથી વા૨સા રૂપે સંચિત-ધાર્મિક અને સામાજિક પરંપરા સાથે જોડાયેલા લોકમાનસની પ્રકૃતિ નોખી હોય છે અને તેની સાથે જોડાયેલા વાહકનો મિજાજ અને ખુમાર પણ નિરાળો હોય છે. એક અઠવાડિયાની પહાડી પંથની ખેપ પછી મારા એક અરેલા-ગાયકે મને રોકડું પરખાવ્યું હતું. “વાતના તો અમે તણી (ધણી-માલિક) હૈય (છીએ)! કેંવી વૉય તો સ કેઈએ; નયે કેઈએ !” (“કહેવી હોય તો જ કહીએ, ન પણ કહીએ”) છેવટે બીમારી સમયે તેની સેવા-શુશ્રૂષાથી એક માસ પછી તેનો પંડનો પટારો ખૂલ્યો હતો. અને હું ન્યાલ થયો હતો.

***