મોહન પરમારની વાર્તાઓ/૮. નજર
રાધાને આજે ચેન નહોતું. માટીની દીવાલવાળા ઝૂંપડાના બાકોરામાંથી નદીની ચળકતી રેત પર એની નજર વારંવાર પડતી હતી. એક પળ તો નજર ગડથોલું ખાઈ ગઈ. સવારના કુમળા તડકામાં ચમકી રહેલી રેતનું કરકરાપણું નજરને વારંવાર વાગતું હતું; તોય નજર તો બાકોરા સોંસરવી રેતના કરકરાપણાને ભેદી નદીના જળ પર સવાર થઈ ગઈ. રાધા એકપળ તો ગમ ખાઈ ગઈ. નજરને ત્વરિત ગતિએ એણે પાછી ખેંચી લીધી. નજર ઝૂંપડામાં ચોમેર ખાંખાંખોળા કરવા લાગી. પાણિયારાના માટલા પર સહેજ ટાપલી મારીને ઝૂંપડાના રાચરચીલા પર એ સ્થિર થઈ. જર્જરિત થઈ ગયેલાં વાસણ-કૂસણ રાધાની નજરને ખૂંચ્યાં. એ લાકડાની પાટ પર બિછાવેલા ગાભા જેવા ગોદડા પર આંગળીઓ ફેરવવા લાગી. આંગળીઓ ગોદડામાં ઊંડે સુધી ખૂંતી ગઈ, ને જાણે એેને આંચકો આવ્યો. ઝપાટાબંધ પગલાં પાડતો એનો પતિ કરસન ફટાક કરતો એની સામે બેસી પડ્યો. રાધાની ઉદાસ આંખો સામે જોઈ એ બોલી પડ્યો, ‘તું હજી કામે ગઈ નથી?’ ‘ના.’ ‘કેમ?’ ‘જવાનું મન થતું નથી. થાય છે કે ક્યાંય ન જાઉં. બે ટૅ’મ તમારા માટે રાંધીને આ પાટ પર ટૂંટિયું વાળીને પડી રહું...’ કરસનને ફાળ પડી. એણે રાધાનો હાથ હાથમાં લીધો. ગળા પર હાથ મૂકી, તાવબાવ છે કે નહિ તે પણ તપાસી લીધું, એની આંખોમાં આંખો પરોવી પૂછી લીધું. ‘તું કાલ કામેથી આવી ત્યારની ઉદાસ ઉદાસ લાગી રહી છે. કાંઈક થયું છે?’ ‘ના, ના. મને શું થાય!’ રાધા ચમકી ગઈ. હજી કરસને એનો હાથ પકડી રાખ્યો હતો. કરસનની આંખોમાં હેત જોઈને એના હૃદયમાં શુંયનું શું થઈ ગયું. વેદના અમળાતી અમળાતી બહાર આવવા મથતી હતી. એકડેએકથી બધું કહી દેવા માટે એ સજ્જ થઈ. પણ બીજી ઘડીએ એનું મન વળાંક લઈ બેઠું : ‘બધું કહી દીધા પછી આવો આ મારા પર કદી ભરોસો કરશે ખરો! મારો રોયો આમેય વહેમનું ઘર છે. કોઈ પુરુષજાત સામે હસીને વાત કરું તેય એને પસંદ નથી. ના, ના, હું એને આ બધું જણાવીશ એટલે આવો આ મને હેતથી ઊંચકી લેશે નહિ...! આને કહીને મરવું છે? ઊલટાનું...’ એ વધુ વિચારી શકી નહિ. કરસને એનો હાથ છોડી દીધો. પછી કંઈક વહેમ પડ્યો હોય તેવી નજરે રાધા સામે તાકી રહ્યો. રાધા કરસનની નજરને જીરવી શકી નહિ. એ કરસનની સામે વધારે વાર બેસી પણ શકી નહિ. ‘હાય હાય હજુ કેટલું બધું કામ બાકી છે.’ એમ બોલીને એ ઘરમાં આઘીપાછી થવા લાગી. કરસન હજુ બેઠો હતો. એ રાધાની હરેક હાલચાલ પર નજર રાખીને આંખો ફેરવતો હતો. હવે આ કરસનની નજરથી બચવું કેમ? કહેવાય નહિ અને સહેવાય નહિ એવી સ્થિતિ સામે આવીને ઊભી હતી. કરસનની નજરથી બચવા સતત સતર્ક રહી. એને બીક એ વાતની હતી કે કરસન પોતાના ચહેરાના હાવભાવ જોઈને કદાચ... ને આમેય મારો આ ધણી ભારે કચીલો છે. પછી તો કચકચ કરી કરીને મારું જીવવું હરામ કરી મેલે. શું કરું? આમ તો વહેલો વહેલો ફૅક્ટરીએ જાય છે. આજે કેમ હજી આંહીથી જતો નથી... ઝૂંપડાની બહાર જઈને એ આંગણું વાળવા લાગી. એ દરમિયાન કરસનનો ભાઈબંધ લખમણ હાંફળોફાંફળો આવી ચડ્યો. ‘અલ્યા, હજી કેમ બેઠો છે ? ફેક્ટરીએ નથી આવવું!’ ‘ના.’ બહાર આંગણું વાળતાં વાળતાં રાધાના કાન તો ઘરમાં હતા. જેવી ‘ના’ પાડી કે ચમકી, ‘આ રોયાએ આજે શું કરવા ધાર્યું છે? કે પછી મારી ઉદાસીનું કારણ શોધવા એ ફેક્ટરીએ નહિ જાય કે શું? શું થશે? નક્કી આજ કાંઈક ધમાલ થવાની...’ થોડીવાર ઘરમાં ચૂપકીદી છવાઈ. રાધાએ સાવરણો પડતો મેલ્યો. ઘરમાં આવી એકધારુંં દીવાલને તાકી રહેલા કરસનની આંખો આગળ હાથ આઘોપાછો કરતાં લખમણ બોલ્યો : ‘આજે ક્યાંય જવાનું છે?’ ‘ના, અમથો.’ ‘પણ દા’ડો પાડવાની કાંય જરૂર ખરી...’ ‘આ તારી ભાભી બીમાર જેવી છે એને દવાખાને લઈ જવી છે.’ રાધાએ છાતી પર હાથ મૂકી દીધો. કરસને પોતાના માટે દિલસોજી વ્યક્ત કરી એથી રાધાને જરા સારું લાગ્યું, પણ વળતી પળે એને કરસનના આ દાવ પાછળ કશીક રમત જણાઈ. દિલ પર એણે પથ્થર મૂકી દીધો. મોં પર પરાણે હાસ્ય લાવી ખડખડાટ હસતાં હસતાં બોલી : ‘મને શું થયું છે?’ ‘કાલ સાંજના તું ઘરે આવી ત્યારથી તેને કસર જેવું નથી?’ ‘ના, ના. તમતમારે જાવ. હુંય હવે તો કામે જાઉં છું.’ રાધાને કડેધડે થયેલી ભાળીને કરસન જરા હળવો થયો. લખમણે કરસનનો હાથ પકડી ઊભો કર્યો. કરસન અચકાતા મને ઊભો થયો. લંઘાતા પગે બહાર નીકળતાં નીકળતાં એણે રાધા સામે જોઈ લીધું. રાધાના ચહેરા પર ઉદાસીનાં કોઈ ચિહ્નો ન જણાતાં એને રાહત થઈ. બંને ગયા. રાધાને ‘હાશ’ થઈ. પણ તરત જ એના ચહેરા પર હાસ્યની જગ્યાએ ઉદાસી આવીને બેસી ગઈ. બંને ગયા કે નહિ તે જોવા માટે એ ઝૂંપડાની બહાર નીકળી. ચોક સુધી બંનેની પીઠ દેખાઈ ત્યાં સુધી તાકતી રહી. પછી ઘરમાં આવી. માથામાં ખણવું નહોતું તોય વિનાકારણ ખણવા લાગી. અંદરથી કશુંક બહાર આવવા મથતું હતું. મનની હૈયાવરાળ બહાર કઈ રીતે કાઢવી? ક્યાં જાઉં? કોની આગળ આ બધું ઠાલવી દઉં? એણે ડામચિયાની પાસેની દીવાલના ગોખલામાં નજર નાખી. નાનકડો અરીસો પોતાના અસ્તિત્વની નોંધ લેવા માટે રાધાને લલચાવતો હતો. એ ઊભી થઈ. એને ખુદને ન સમજાયું કે પોતે શા માટે ઊભી થઈ છે! ગોખલા સામે ઊભી રહી; જરા વાંકી વળી; અરીસામાં જોયું. અરીસામાં એનો ચહેરો ઊપસી આવ્યો. રૂપાળી આંખોમાં બહારથી આવેલો પ્રકાશ અથડાયો. ચમકીને એણે આંખો ઉઘાડવાસ કરી. તેજીલી આંખો અને ચહેરાની નમણાશ, પોતે જ પોતાના રૂપ પર ઓવારી ગઈ. ‘બળ્યું. આ રૂપ જ મારું વેરી બની બેઠું.’ એ જરા સ્થિર થઈ. ચહેરાની એકેએક રેખાઓ જોઈ વળી. એને પોતાના રૂપની શરમ લાગી, તરત જ અરીસા સામેથી પોતાનો ચહેરો લઈ લીધો. વેરણછેરણ પડેલાં વાસણ- કૂસણ અભરાઈ પર વ્યવસ્થિત ગોઠવી એણે વળગણી પરથી સાડલો લીધો. સાડલાના ચળકતા પાલવમાં ઘડીભર અંજાઈને ભોંઠી પડી. ‘આ પહેરીશ તો...!’ મનમાં અનેક ગણતરીઓ ઊંધીચત્તી થઈ. એણે ચણિયામાં ખોસેલો સાડલાનો છેડો તરત જ પાછો ખેંચી લીધો. સાડલાને ગડી વાળી વળગણી પર નાખ્યો. વળગણીના છેડે લબડતા જૂના સાડલા તરફ હાથ લંબાવ્યો. એણે સાડલો પહેર્યો. છાતી સુધીનો ભાગ અરીસામાં જોઈ લીધો, જૂના સાડલામાં પણ એનું જોબનિયું હિલ્લોળા લેતું હતું. ‘ભાના દિયોરને આ જોબનિયું વહાલું લાગ્યું. નહિતર કડિયાકામે તો બીજી પંદર સ્ત્રીઓ કામે આવે છે. કોઈને નહિ, ને મને...’ એના મોં પર કટુતાનો ભાવ આવ્યો. મુઠ્ઠી વળાઈ ગઈ. મુઠ્ઠીમાં એ કંટરાટીને મસળવા લાગી. એમ કરતાં કરતાં એણે દાંત પીસ્યા. દાંતની વચ્ચે નાથી ડોસી પિસાતી હતી. મનમાં અણગમો એવો ઊછળ્યો કે નાથી ડોસીનું શીતળાનાં ચાઠાંવાળું વાંકુચૂંકું, આંખના ઉલાળા કરતું મોં મરડી નાખવાનું મન થયું. રાધાને ચટપટી ઊપડી. ઝૂંપડાંની પાછલી હરોળમાં રહેતી નાથીડોસીના ઘેર જઈ, ભારે ઉત્પાત કરવાનું મન થયું. ઉત્પાત? પોતાનાથી થઈ શકે? જ્યારે ઉત્પાત મચાવવાનો હતો ત્યારે તો કશુંય થઈ શક્યું નહિ, ને હવે? નાથીડોસી મારી હાળી મીંઢી નીકળી. કોઈને નહિ, ને મને જ સિમેન્ટરૂમમાં મોકલી. પાછી સાવ નિરાળી... જાણે કશું જ બન્યું નથી એમ ઊભેલી. એની અંદર કોઈ ભયાનક હસી પડ્યું. કંટરાટીને બદલે હવે એ નાથીડોસીને મુઠ્ઠીમાં ભીંસવા લાગી. તે દા’ડે આમ જ ભીંસી નાખત. સિમેન્ટના રૂમમાંથી થેલી ઊંચકીને પાછા આવતાં આવતાં રાધા બહુ ખિજાયેલી હતી, નાથી ડોસી પર... એ આવે તે પહેલાં તો કંટરાટી ડાહ્યોડમરો થઈ ચોપડા ઉથલાવતો હતો. એનાં કપડાં સિમેન્ટમાં રગદોળાયેલાં લાગતાં હતાં. થોડી થોડીવારે મોં ઊંચું કરીને સ્ત્રીઓના ટોળામાં જોઈ લેતો હતો. બધું હેમખેમ જણાતાં એની નજર રાધા સામે તીણું તીણું હસવા લાગેલી, રાધાએ તે જોયું, ને એનો ક્રોધ ઉછળ્યો. કંટરાટીની તીણી નજરને નખ વડે ખોતરી નાખવાનું મન થયેલું. એને નાથીડોસી પર ચીડ ચઢેલી. રાધાના મોં પર ક્રોધ જોઈ, હસી હસીને બેવડ વળી જતાં નાથી ડોસી બોલેલી : સિમેન્ટની થેલીઓ મૂઆએ પરસાળમાં શું કામ મૂકી હશે? જોને આ બચ્ચારી રાધાડીને થેલી ઊંચકીને લાવતાં લાવતાં કેવું વસમું થઈ પડ્યું.’ પછી વાંકી વળીને રાધાને ઉપર-નીચે આખે-આખી જોઈ હાયકારો થયો હોય તેમ – ‘હાય, હાય, આ તો ફાટેલી થેલી ઊંચકીને લાવી. આ પીઠ જોને સિમેન્ટ સિમેન્ટ થઈ ગઈ છે...’ એને હસતી ભાળીને ક્રોધમાં ધ્રૂજતી રાધાએ રીસમાં ને રીસમાં એના પગમાં જ થેલી પછાડી. સિમેન્ટ ઊડ્યો, ને રાધાના સાડલામાં ભરાણો. એ જોઈને પાછી નાથીડોસી બોલી પડી : ‘આખું ડિલ સિમેન્ટ સિમેન્ટ થઈ ગયું છે. જા, પેલા નળે જઈને ધોઈ આય...’ સાંજ સુધી રાધાનો ક્રોધ શાંત પડે તેવું વાતાવરણ નાથી ડોસી રચતી રહી. પણ એમ કંઈ મનનો રંજ જાય! ઘેર નીકળતી વખતેય નાથી ડોસી સામે રાધા ઘૂરકિયાં કરવા લાગી. નાથીડોસી ફાંગી આંખ કરી એને ચૂપ રહેવા જણાવતી હતી. રાધા લખોટીઓ જેવડી આંખો કાઢીને પોતાનો રોષ પ્રકટ કરતી હતી. નાથી ડોસીથી રહેવાયું નહિ. બીજી સ્ત્રીઓ જુએ તેમ રાધાને જરા દૂર લઈ જઈ તાલી આપતી હોય તેવું લટકુ કરી, કોઈ ન સાંભળે તેમ બોલી : ‘એમાં શું થઈ ગયું મારી બઈ! લૂગડાં ઝાટકી નાખ...’ રાધાને પગથી માથા સુધી ક્રોધની ધ્રુજારી ઊપડી. ડિલ પર એરુંં આભડ્યો હોય તેવી વેદના થઈ આવી નાથી ડોસીનું ગળું પકડવા હાથ ઊંચોય થયો, પણ તરત જ એણે ગુસ્સા પર કાબૂ મેળવી લીધો. સાંજે ઘેર આવી ત્યારે એ ધૂંધવાયેલી હતી. કરસન સામે કશું બોલ્યા વિના વહેલી વહેલી ઊંઘી ગઈ. પણ એમ કાંઈ ઊંઘ આવે? ન થવાનું થઈ ગયું હતું. એ કરસનની પીઠ પર તાકતાં બોલી પડેલી : ‘હું તને કહું તો તું બદલો લઈશ?’ પણ બીજી પળે થઈ આવ્યું : ‘આને કહેવાથી શું ફાયદો? હવે કશું જ ન વળે... મારું નસીબ જ ફૂટેલું છે ત્યાં...’ અંતરમાં એ વલવલી. પોતાનો વલવલાટ હવે ખુદને સાંભળ્યા સિવાય છૂટકો નહોતો. ક્રોધ જરા શમ્યો હતો, પણ મનમાં ઉકળાટ અકબંધ હતો. સાડલો પહેરીને તૈયાર થઈ. મનમાં કશીક ગોઠવણ પણ થઈ. ઝૂંપડાને તાળું મારી નીકળવાનું કરતી હતી ત્યાં કાશી થનગન થનગન કરતી એની સામે આવીને ઊભી રહી ગઈ. ‘ક્યાં જાય છે?’ ‘કામે ’ ‘તો કરસનભૈ ક્યાં ગયા? ‘ફૅક્ટરીમાં...’ ‘કેમ, વહેલાં વહેલાં?’ ‘તું મારું માથું ના ખા. જા, એમને જઈને પૂછી આવ!’ રાધાની આંખમાંથી અંગારા ખરવા લાગ્યા. કાશીએ રાધાને આ રીતે ગુસ્સામાં પ્રથમવાર જોઈ. રાધાની આંખોની લાલાશ કાશીને એક ક્ષણ તો ડરાવી ગઈ, પરન્તુ રાધાની એ ખાસ બહેનપણી હતી. એમ ડરી જાય તો કાશી શેની? પોતાની બાજુમાંથી નીકળવા મથતી રાધાને એ કમરથી પકડી ગલીપચી કરવા લાગી. બીજો કોઈ દિવસ હોત તો ગલીપચી સહન ન કરી શકતી રાધા કોઈ ને કોઈ રીતે કાશીની પકડમાંથી છૂટી ગઈ હોત, આ વખતે એ સ્થિર ઊભી રહી. કાશી ગલીપચી કરી કરીને થાકી. રાધાના ચહેરા પર ગુસ્સા સિવાય બીજા કોઈ ચિહ્નો ન વરતાતાં કાશી ખસિયાણી પડી ગઈ. એણે રાધાને છોડી દીધી. પછી તો એણે રાધાને રીઝવવા કશાય ઉધામા કર્યા નહિ, આ એકબાજુ ઊભી ઊભી રાધાની ચેષ્ટા જોવા લાગી. રાધાના ચહેરા પર હવે ગુસ્સાને ભલે ઉદાસી હરફર થઈ રહી હતી. રાધા આટલી બધી ઉદાસ તો ક્યારેય નહોતી. જ્યારે મળે ત્યારે ખિલખિલાટ હસતી રહેતી રાધા પર એ કયાં દુઃખનાં વાદળ ઘેરાયાં છે? કાશી અવઢવમાં પડી ગઈ. એ રાધાના અકળ વર્તનને કારણે અવઢવમાં મુકાઈ હતી, પણ રાધા હવે ક્યાં જવું તે કારણે અવઢવમાં મુકાઈ હતી. કડિયાકામે તો જવું જ નથી એવો એનો મક્કમ નિરધાર હતો. હવે કદીયે નાથીડોસી અને કંટરાટીનું મોં જોવું નહોતું. પણ એણે કરેલું અપકૃત્ય જતું કરવા એ રાજી નહોતી. ગમે તે રીતે એ કંટરાટીને પાઠ ભણાવવા માગતી હતી. એના ઝૂંપડાની આગળના ભાગમાં થોડાં પાકાં મકાનો હતાં. તેમાં રમણભાઈ રહેતા હતા, સામાજિક કાર્યકર. બધાને ઉપયોગી થાય તેવા. રમણભાઈને ફરિયાદ કરવા માટે એ તત્પર થઈ ઊઠી, પણ આ કાશી ક્યાં કેડો મૂકેે એવી છે? એ ચોકમાં આવી હોય તોય કાશી એની પાછળ પાછળ જ હતી. રાધાએ પાછા ફરીને જોયું. એ ઊભી રહી. એણે મારકણી આંખે કાશીને ઉધડી લીધી. ‘તારે શું છે? કેમ મારી પાછળ પડી છે?’ ‘તું અવળો અર્થ ના કર... અલી, તને શું થયું છે?’ ‘કાંઈ નહિ!’ કાશીએ હોઠ ભીડી દીધા. એણે કાશીની નિર્દોષ આંખોમાં જોયું. ઘડીભર તો કાશીને બાથ ભરાવી રડી લેવાનું મન થયું. પોતાની સઘળી વીતક ખાસ બહેનપણી આગળ રજૂ કરીને હળવા થઈ જવાનું મન થયું. એ કાશીને બધું જ કહી દેવા માટે સજ્જ પણ થઈ બેઠી; પણ મન ન માન્યું. બધું જાણ્યા પછી આ કાશી સખણી રહે તેવી નહોતી. પછી તો મારું આવી જ બને. એણે તરત જ ચહેરા પરથી ઉદાસી ખસેડી લીધી. મોં પર સહેજ સ્મિત ફરકાવીને એ બોલી : ‘કશું બન્યું નથી. અને જો કાંઈ હશે તો પહેલાં તને જાણ કરીશ જા!’ ‘એ તો મને ખબર છે. આ તો તને ગુસ્સે થયેલી ભાળીને મને શંકા ગઈ કે... બાકી...’ કાશી થોડા શબ્દો મનમાં બોલી. રાધાને એ સંભળાયા નહિ. ને આમેય કાશીના શબ્દો સાંભળવાની એણે કશી પરવા કરી નહિ. કાશી સામે હાથ હલાવીને એ ચાલવા લાગી, થોડે આઘે જઈને એણે પાછળ ફરી જોયું. કાશીને એ સારી પેઠે જાણતી હતી. મારી પાસેથી વાત કઢાવવા એ ગમે તે કરે એવી છે. એ તો પાછળ પાછળ આવેય ખરી. રમણભાઈને સત્વરે મળવા માટે એ તળેઉપર થઈ ઊઠી. મોડું થશે તો પાછા એ કામે જવા નીકળી પણ જાય... ને પોતાની મનની મનમાં રહી જાય. એને કાશી પર દાઝ ચડી. એ થોડી ચાલી, પાછી ઊભી રહી, હવે એને ખાતરી થઈ ગઈ હતી કે કાશી એની પાછળ આવતી નથી એટલે એ ઝડપથી ચાલીને ચોકની બહાર નીકળી. રમણભાઈ ઘેર જ હતા. રાધાને અચાનક આવેલી જોઈ એ વિસ્મય પામ્યા. કોઈ કામ હશે એમ એ ચૂપ રહ્યા. રમણભાઈની પત્ની જરા આઘીપાછી થઈ કે તરત જ રાધા પોતાની વીતક કહેવા માટે તૈયાર થઈ. પણ મોંઢામાંથી શબ્દો જ નીકળ્યા નહિ. રમણભાઈને આશ્ચર્ય થયું. એ રાધાની સ્થિતિ પારખીને બોલ્યા : ‘કાંઈ કામ હતું?’ ‘હા.’ રાધાએ ‘હા’ કહ્યું પણ ‘ના’માં ડોકું ધુણાવ્યું. ‘કાંઈ પૈસાની જરૂર છે?’ ‘ના.’ ‘તો?’ ‘તમે જે ગૃહઉદ્યોગમાં કામ કરો છો ત્યા કામે આવવું છે.’ રાધાને તો ફરિયાદ કરવી હતી, તેને બદલે ભળતું જ બોલી બેઠી, રમણભાઈ રાધાની મજબૂરી સમજી ગયા હોય તેમ બોલ્યા : ‘કડિયાકામમાં નથી ફાવતું?’ ‘ના.’ ‘તો આજથી જ અમારે ત્યાં આવી જાવ. હું શેઠને ભલામણ કરું છું. તું કલાકમાં આવી જા.’ જે કામ માટે એ ગઈ હતી, તે કામ ન થયું. સારું થયું. કડિયા કામે જવાનું તો ટળ્યું. એ ખુશ થઈને ઘર તરફ ચાલી. પણ સિમેન્ટમાં રગદોળાયેલા જોબનિયાની ફિક્કાશ એને સતાવી રહી હતી. બધી તાકાત નિચોવાઈ ગઈ હોય તેમ એના પગ લથડવા માંડ્યા. ઘર તરફ ફંટાયેલા પગ જુદી દિશામાં વળ્યા. રોડ પર એક પાનના ગલ્લા આગળ જુવાનિયાઓ ઠિઠિયારી કરતા હતા. રાધાને એ ન ગમ્યું. એ તરફ દૃષ્ટિ નાખ્યા વિના એ ઊંધું ઘાલીને ચાલી, તોય પાછળ એની પીઠ પર શબ્દો અથડાયા : ‘કહેવું પડે, ચીંથરે બાંધ્યું રતન... હા, હા, હા હા.. ’ હસવાનો અવાજ વાતાવરણમાં ગાજ્યો. ને રાધા આકળવિકળ થઈ ઊઠી. ચણિયાનો કાછડો મારી, પાનનો ગલ્લો ઉલાળી મૂકવાનું મન થયું. ‘હું શું કરું? ગમે ત્યાં મારાથી હરીફરી શકાતું નથી. ભગવાન તેં આવડું બધું રૂપ મને જ શું કામ આપ્યું? આપ્યું તો આપ્યું પણ ઝૂંપડામાં શું કામ નાખી? હવે તો ઠેરઠેર નજરો મને ભરખી ખાવા બેઠી છે. બંગલાઓમાં અવતાર આપ્યો હોત તો કોઈની નજરે જ ન ચડત...’ એ થોડી હતપ્રભ થઈ ગઈ. નદીના પટમાં એ ક્યારે આવી તેની પણ એને સરત ન રહી. પગ રેતમાં પડ્યા ત્યારે એને ભાન થયું. સવારનો કુમળો તડકોય એને તીખો તમતમતો લાગ્યો. તડકો ઊછળી ઊછળીને નદીની કરકરી રેતને ચમકાવતો હતો. રેત એનાં ચપલમાં ભરાઈને એના ગોરા ગલ જેવા પગ સાથે રમત કરવા લાગી. રાધાને પગમાં ગલીપચી થઈ. એણે ચંપલમાં ભરાયેલી રેતને ઉછાળી મેલતાં સણકો કર્યો. વળી પાછું મન પલટાયું, ‘મૂઈ, તુંય રહી જતી’તી... તારાથી થાય એટલી રમત મારા પગ સાથે કરી લે!’ એના પગ રેતમાં ઠબી ગયા. ઘડીભર તો એ હાલીયે નહિ કે ચાલીયે નહિ. નદીનાં ખળખળ વહેતાં જળ એની આંખોમાં સમાયાં. રાહત જેવું થયું. મનઅંતરમાં રહેલી વેદના પગ વાટે ચળકતી રેત સાથે ભળી, ને અનાયાસે રેતમાં બેસી પડી. નદી તરફ એકધારું એ જોઈ રહી. જળમાં સૂર્યનું પ્રતિબિંબ હલતું ભળાયું. એને એ ન ગમ્યું. હાલતા જળને ઘડીભર સ્થિર કરી દેવાનું મન થયું. એણે આજુબાજુ, આગળપાછળ, ઉપરનીચે બધે નજર ફેરવી લીધી. એનું મન કોચવાયું. એ હીબકે ચડી. ભરપૂર રડી લેવાનું મન થયું. સાવ હળવા થઈ જવું હતું. એનાં ડૂસકાં હવામાં ગાજ્યાં. નદીના જળમાંથી જાણે કશોક અવાજ આવતો હોય તેવું લાગ્યું. એણે કાન સરવા કર્યા. આ હું શું સાંભળી રહી છું? મને ઠપકો કોણ આપી રહ્યું છે? મારી પાસે પળપળનો હિસાબ કોણ માગી રહ્યું છે? શેનો હિસાબ? અરે, આ તો કોઈ મને ટપારી રહ્યું છે. ‘તું કંટરાટીને હવાલે શીદને થઈ?’ એ મોટેથી રડી પડી. ‘હું નિઃસહાય, હું લાચાર હતી...’ અંતરમાં ઘમસાણ મચ્યું. એણે તીણી ચીસ પાડી. મુઠ્ઠીઓમાં રેત લીધી. પછી વારાફરતી રેત ઉછાળતાં અનાયાસ એના મોંમાંથી શબ્દો સરી પડ્યા : ‘મારો રોયો મને ભોંયભેગી કરી બેઠો ત્યારે હું બૂમ પાડવા જતી હતી, પણ મારા મોંમાંથી અવાજ જ નીકળ્યો નહિ. હું ખૂબ ડરી ગઈ હતી. હું લાચાર બની તડફડતી રહી અને એ...’ રાધાની નજર સામે લાચારીની ક્ષણો અલપઝલપ થવા લાગી. એ છળી મરી. હથેળીઓમાં મોં છુપાવી દીધું. દેહને વલૂરીને પોતાનામાં પેઠેલું બધું ખોતરી ખોતરીને બહાર કાઢવાનું મન થયું. દિલમાં ભારે સૂગ ઊપડી હતી. કાલની રજેરજ વાત કોઈને કરીને હળવા થવું હતું; પણ કોની આગળ કરે. ‘રેતને કહું?’ રેત કાંઈ થોડી સાંભળવાની છે. એને કહું કે ન કહું, બધું સરખું છે. તો કોને કહું? કાશીને કે પછી કાંતાને! તખીમાને કે પછી કમળાભાભીને? આ બધાંને હું ઓળખું છું. હાથમાં વાત આવે પછી ઝાલ્યાં રેય એવાં નથી... આ તો ઘર પકડીને બેઠી રહી એમાં બધાં શાખ પૂરે છે. હમણાં ભટકતી હોત તો... પરણ્યાને એક વર્ષ જેવું થયું. બિચારા કરસને પણ ઘરની બહાર પગ મૂકવા દીધો નથી. ગામડે રહેતાં સાસુ-સસરાને પૈસા મોકલવાના ન હોત તો કશો વાંધો નહોતો. ફૅક્ટરીના પગારમાંથી પૂરું થતું નહોતું. કરસનની ના છતાં નાથી ડોસી સાથે કડિયાકામે જવા માંડી, ને આ રામાયણ થઈ. તો શું રૂપાળી બૈરીએ માત્ર ઘરમાં જ બેસી રહેવું? ઘરમાંથી નીકળી નથી ને મારા વા’લા નજરોથી વીંધી નાખે છે. નિશાળ આગળથી ક્યારેક નીકળ્યા હોઈએ તો મારા વા’લા માસ્તરોય આંખો મિચકારે છે. બધાને ક્યાં કહેવા જવું? મીં બધાનું શું બગાડ્યું છે તે બધા મારી પાછળ પડ્યા છે. બધાને આ શેનું ભૂત વળગ્યું છે? રૂપાળી અસ્ત્રીને જોઈ નથી, ને આંખો ચાર થાય છે... થોડી હલબલી ઊઠી. હાથમાં રેત લઈને ઊછાળવા લાગી. રેતની કરકરી કણીઓ એના હાથમાં વાગતી હતી. પણ મજા આવતી હતી. એણે રેતનો ઢગલો કર્યો. પછી ઘર જેવો આકાર બનાવવા ગઈ કે રેત સરકીને ભોંય પર પથરાઈ ગઈ. ‘હત્ તારી, તુંય મારો વેરણ થઈ?’ એણે ખળખળ વહેતી નદી તરફ જોયું. ‘હં, હવે કાંઈ વાંધો નથી.’ ક્યાંયથી હુંકારો ન આવ્યો. અંતરમાં વેદના વમળાવા લાગી. બધું જ કહી દેવા માટે એ ઊભી થઈ. નદીના પટમાં જરા વધારે આઘે સુધી ગઈ. ખળખળ વહેતા જળ પર દૃષ્ટિ પડી. ને નદીને કહેવા માટે ઊપડેલી જીભ અટકી ગઈ. ‘આ ખળખળ વહેતું જળ તો મારી વાતને અજાણી જગ્યાએ જઈને ઉલેચી નાખશે. પછી તો આખા જગતમાં...’ રાધાનું મન દુઃખી દુઃખી થઈ ગયું. ‘ના, મારે કોઈને કશું કહેવું નથી. હૃદયને ખૂણે આ વાત ધરબીને હવે જીવ્યા સિવાય છૂટકો નથી. હતાશ પગલે એ પાછી ફરી. ચંપલમાં ભરાતી જતી કરકરી રેતના અડપલાંય એને ન ગમ્યાં. ખાસો સમય વીત્યો હતો. ઘડીભર તો ક્યાંય હવે જવું જ નથી એવું થઈ આવ્યું. ઘરે જઈને ખાટલીમાં ગાભા જેવું ગોદડું પાથરી એમાં તૂટમૂટ પડી રહેવાનું મન થયું. એ ઘેર જવા જ જતી હતી ત્યાં રમણભાઈ યાદ આવ્યા. કદાચ એ રાહ પણ જોતા હોય... એના પગમાં બેવડી તાકાત આવી. હરણફાળ ભરતી હોય તેમ ચાલવા લાગી. આમેય રમણભાઈ જે ગૃહઉદ્યોગ કેન્દ્રમાં કામ કરતા હતા તે બહુ દૂર નહોતું. પંદરવીસ મિનિટમાં તો એ ગૃહઉદ્યોગના કેન્દ્રમાં પહોંચી ગઈ. ગૃહઉદ્યોગ કેન્દ્રનું વાતાવરણ જોઈ એ રાજીના રેડ થઈ ગઈ. ઘણીબધી સ્ત્રીઓ જુદા જુદા કામમાં રોકાયેલી હતી. સહુ ખંતપૂર્વક કામ કરતી હતી. રમણભાઈ જેવા થોડા પુરુષો સંસ્થાની કામગીરી સંભાળતા હતા. એય બિચ્ચારા પોતાના કામમાં ગળાડૂબ હતા. રમણભાઈએ રાધાને ઑફિસમાં બોલાવી. બેસવાનું કહીને એ ક્યાંક ચાલ્યા ગયા. થોડીવાર થઈ ને એક માણસ રાધાને જે રૂમમાં સ્ત્રીઓ કામ કરતી હતી ત્યાં લઈ ગયો. કોઈ ખાખરા બનાવતું હતું, કોઈ પાપડ વણતું હતું, કોઈ સીવણકામ તો કોઈ ભરતગૂંથણ. ભાતભાતનાં તોરણ... એ જોઈને રાધાને જાણે મનગમતું કામ મળ્યું હોય તેમ મનોમન નાચી ઊઠી. બધી સ્ત્રીઓની કામ કરવાની ઝડપને એ જોઈ રહી. એ હરખભેર બધાંની વચ્ચે બેસી પડી. પેલો માણસ ગયો. વળી હાંફતો હાંફતો પાછો આવ્યોઃ ‘શેઠ આવે છે.’ એમ કહી, એણે બધાંને ચેતવી દીધાં. એક મોટી ફાંદવાળો માણસ રૂમમાં પ્રવેશ્યો. સાથે રમણભાઈ પણ હતા. કોઈ જુએ નહિ તે રીતે રમણભાઈએ રાધા સામે આંગળી કરી. શેઠ ગૃહઉદ્યોગ કેન્દ્રનું ઉતાવળે કામ તપાસી રાધા પાસે આવ્યા. પોતાની નજરને રાધાના દેહ પર રમતી મેલી. રાધાના દેહ સાથે શેઠની નજરે ભારે રમત આદરી. શેઠની નજરની ધમાલ જોઈ રમણભાઈ ખડખડાટ હસી પડ્યા. રાધાનું મોં વિલાયું. રાધાએ શેઠની નજરને પોતાની નજર વડે પાછી ઠેલી દીધી. શેઠની નજર થોડી ખસિયાણી પડી ગઈ. પણ એની આદતના જોરે એ રાધાની નજર સાથે અથડાઈ, ને તણખા ઝર્યા. એમાંથી એક તણખો વાયુવેગે પોતાને ભરખી જવા માટે આવી રહ્યો હતો. રાધાએ આડો હાથ ધરી એને રોકી લીધો. થોડું દાઝી જવાયું. એનાથી ઊંહકારો નંખાઈ ગયો. ગરીબ ગાયની જેમ ગૃહઉદ્યોગની તમામ સ્ત્રીઓ પર નજર ખોડાઈ. નજર જરા તરડાઈ. એ તો ગોળ ગોળ ઘૂમરિયે ચડી. ઝડપથી રાધાએ એને વશમાં લઈ આંખોમાં સ્થિર કરી, પછી પવનવેગે છોડી મૂકી. નજર સડસડાટ કરતી કરસનની ફેક્ટરીમાં પેઠી. આછું સ્મિત કરી, કરસનના ગાલે અડપલાં કરતાં કરતાં ‘કાલથી બસ તમારી સાથે જ કામે આવું છું...’ એવું બબડી નજર પાછી વળી. પવનવેગે આવીને રાધાની આંખોમાં સ્થિર થઈ ગઈ. આંખો મસળતાં મસળતાં રાધા ફટાક કરતી ઊભી થઈ ગઈ. ગૃહઉદ્યોગ કેન્દ્રની બહાર નીકળી ત્યારે સાવ હળવીફૂલ જેવી હતી. હવે એનાં પગલાંમાં જોમ હતું. આ વખતે એ ક્યાંય ફંટાયાં નહિ. હવે એ ઘર તરફ જઈ રહી હતી..