યાત્રા/અમોને તું દેખે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમોને તું દેખે
(સૉનેટયુગ્મ)

[૧]

અમોને તું દેખે સ્મિતમુકુલિતા દૃષ્ટિકિરણે –
પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે
વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે–
ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને.

હશે કેવા તારા હૃદયજલભંડાર ગરવા?
કશાં તેજો, શાં શાં બલ, પરમ શા ગૂઢ અનલ?
મહા ઊંડાં ઘેરાં જલ પર સ્ફુરે વીચિ મૃદુલ,
સ્ફુરે તેવી તારી દ્યુતિ અહીં દૃગે મંજુલરવા.

ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી,
ક્યહીં રુદ્રે વજ્ર શિખર ગિરિનાં વીંધી વળતી,
અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી,
અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી.

ભલે ને તું ધારે કુસુમ મહીં વા અગ્નિશયને,
બધે તારાં, માડી, અમૃત વરસે સૌમ્ય નયને.

૨૪ મે, ૧૯૪૩

[૨]

કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે,
અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે,
જ્યહીં કૈં કાર્પણ્યો, અસિત દુરિતો કૈં સમસમે,
ત્યહીં શું જોવાને તવ મુખ ઝુકે નિત્ય ઝરૂખે?

નથી સૌદર્યોનાં સમિધ, ઋતનાં ના ધૃત છતાં,
કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે,
અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે,
સરે ગૂઢાગારે અમ જ્યહીં કદી ના દૃગ જતાં.

લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં?
ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં!
ત્યહીં તારાં વજ્રી નયનશર સંબોધિ રચતાં,
વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં.

સ્ફુરે જે કૈં તારા પ્રતિ અમ ઉરે અંકુર કુણા,
ત્યહીં છત્રચ્છાયા રચતી તવ શું નેત્રકરુણા?


૨૪ મે, ૧૯૪૩