યાત્રા/અહો ગાંધી!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અહો ગાંધી!

અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા–ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?

પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!


૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮