યાત્રા/તવ વરષણે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તવ વરષણે

ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા
પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે,
પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે,
કશું થાયે હૈયું તસતસતું તાજાં સ્વપનથી!

મને યે એવું કૈં થઈ જતું ઘણી વાર, સુમુખિ!
રહું કંપી, ભીતિ પ્રગટી પુલકે રોમ થથરે,
પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે,
ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા!

અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે
ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી
ખિલી છે તે જોવા ફુરસદ મળે તો, ડગ જરા
જજે દૈ આ બાજુ. કબુલ, અહીં છે કંટક ઘણા,

છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી
દિધી ઢાંકી જાડા હૃદય તણી મેં જાજમ વતી.

ઑક્ટોબર, ૧૯૩૮