યાત્રા/પ્રતિપદા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રતિપદા

અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને
થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના,
ઉતારો કે તારો નહિ ક્યહીં કિનારો નજરમાં,
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં.

ત્યહીં અંધારાનાં જલથી જગ ઉદ્ધાર કરવા
પ્રભુએ નાખીને ગલ શું શશીનો હોડી જગની
તણાતી રોકી, ને અતલ તમના સાગર થકી
કિનારે પ્હોંચાડી જ્યહીં વિલસતી પૂનમ હતી.

પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું?
ખિલેલી જ્યોત્સ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી,
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.

તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી,
અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા!

મે, ૧૯૩૮