રચનાવલી/૧૦૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦૫. રણાંગણ (વિશ્રામ બેડેકર)


કેટલાક લેખકો બહુ લખે છે અને તરત ભુંસાઈ જાય છે. કેટલાક બહુ ઓછું લખે છે અને હંમેશ માટે સાહિત્યમાં જગા કરી જાય છે. સાહિત્યના ઇતિહાસમાં આવી વિરલ ઘટના ક્યારેક જ બનતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં માત્ર એક નવલકથા લખીને ગોવર્ધનરામ ત્રિપાઠીએ કાયમી સ્થાન ઊભું કર્યું, એટલું જ નહીં પણ પ્રથમ પંક્તિની નવલકથા સ્વરૂપનો એક માપદંડ ઊભો કર્યો. બરાબર એ જ રીતે મરાઠી સાહિત્યમાં માત્ર એક જ નવલકથા લખીને પ્રથમ પંક્તિની નવલકથાનો માપદંડ ઊભો કરનાર વિશ્રામ બેડેકર છે. વિશ્રામ બેડેકરે ૧૯૩૯માં ‘રણાંગણ’ નામની માત્ર એક નવલકથા રચી છે અને એ એક નવલકથા પર જ એમનો યશ આજ સુધી ટકેલો છે. એમણે ‘બ્રહ્મકુમારી' ‘નરો વા કુંજરો વા', ‘વાજે પાછલ આપુલે’ અને ‘ટિળક આણિ આગરકર' જેવાં ચારેક નાટક જરૂર આપ્યાં છે, પણ એક નવલકથા રચ્યા બાદ એમણે એમની શક્તિ ચલચિત્રક્ષેત્રે કેન્દ્રસ્થ કરી, ૧૯૦૬માં જન્મેલા વિશ્રામ બેડેકરની ‘રણાંગણ’ નવલકથા આજે પણ એના વિશિષ્ટ વિષયવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે. ‘રણાંગણ’ બીજા વિશ્વયુદ્ધ શરૂ થવાના અને શરૂ થયાના સમયગાળાને આવરી લે છે; અને સ્મરણકથા લેખે એ યુરોપની, યુદ્ધની, હિટલરના પેરિસ પરના આક્રમણની, યહૂદીઓના જાતિદ્વેષની ભૂમિકાને ઉપયોગમાં લઈને ચાલે છે. આપણે ત્યાં ગુજરાતીમાં ‘દર્શક’ની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાએ બીજા વિશ્વયુદ્ધ અને હિટલરના જર્મન આક્રમણની યુરોપકથાને રસપૂર્વક વણી છે અને ભારતીય યુવકનો યહૂદી નારી સાથેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. બરાબર એ જ રીતે ‘રણાંગણ’માં પણ મરાઠી ભાષી ભારતીય યુવક ચક્રધર અને જર્મની છોડીને ચીનના શાંગાઈ તરફ જતી યહૂદી યુવતી હાર્ટાના પ્રેમને વ્યક્ત કર્યો છે. ભારતીય યુવક અને યહૂદી યુવતીની કરુણાન્ત પ્રેમકથાનું ‘રણાંગણ’માં નિરૂપણ થયું છે. યુરોપમાં યુદ્ધ જાહેર થયું હતું અને જર્મનીમાં હિટલરે શરૂઆતમાં યહૂદીઓને દેશનિકાલ કરવાની જાહેરાત કરી હતી. યહૂદીઓ શક્ય હોય ત્યાં દેશ છોડી ભાગી જવા તૈયાર હતા. યહૂદીઓ સાથે જર્મનોએ જે રીતે વ્યવહાર કર્યો છે એનો માનવઇતિહાસમાં જોટો નથી. એમનાં ઘર છીનવી લીધાં, એમનાં ઘર બાળ્યાં, એમને માટે સાર્વજનિક જગાઓ બંધ કરી દીધી, એમની સંપત્તિ જપ્ત કરી દીધી. યહૂદીઓ સાથેનો કોઈપણ વ્યવહાર રાખવાની સખત મનાઈ ફરમાવાઈ હતી. આવી પરિસ્થિતિમાં યહૂદી યુવતી હાર્ટા અને જર્મન યુવક કાર્લ ફ્રાન્ઝ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવા છતાં એમને આખરી વિદાય લેવી પડે છે. એમનું બધું જ ખત્મ થઈ જાય છે. હાર્ટા ઘરડી મા સાથે જર્મની છોડે છે; પણ હાર્ટની સંવેદનશક્તિ હણાઈ ગઈ છે. આ જ જર્મન દેશ માટે હાર્ટાના પિતાએ યુદ્ધમાં પોતાના પ્રાણ અર્પણ કરેલા. હાર્ટને થાય છે ઃ ઘર ગયું, કાર્લ ગયો, જર્મન દેશ ગયો, હવે જીવવાથી શો ફાયદો? પણ એક જાહેર સ્નાનગૃહમાં આત્મહત્યા કરવા જતા હાર્ટાની નજર પોતાના સુંદર શરીર પર પડતાં એમ થાય છે કે પોતા પાસે બહુ મોટી સંપત્તિ છે. હાર્ટાને પોતાના અસ્તિત્વનું ભાન થાય છે. આવા સુન્દર શરીરનો નાશ કરવો એ ગાંડપણ છે એવું એને સમજાયું. અને છેવટે, મા સાથે હાર્ટા શાંગાઈ જવા એક સ્ટીમર પર ચઢે છે. સુન્દર યુરોપ ‘રણાંગણ' બની ગયો હોવાથી અશાંત અને દુઃખી થઈને ભારતીય યુવાન ચક્રધર પણ ભારત આવવા એ જ સ્ટીમર પર ચઢે છે. સ્ટીમરમાં સો સવાસો પ્રવાસીઓમાં અનેક વર્ગો, અનેક જાતિઓ અને અનેક દેશોના લોક હતા. સ્ટીમરના થોડા દિવસના પ્રવાસ દરમ્યાન હાર્ટા ચક્રધરના પરિચયમાં આવે છે. ચક્રધર ઉમા નામની સ્ત્રીને લાગણીભરભર ચાહતો હતો. પણ એ બીજે પરણી જતાં સ્ત્રી, પ્રેમ અને લગ્ન વગેરે બાબતમાં ચક્રધર બેપરવાહ બની ગયો હતો. હાર્ટા એના જીવનમાં પહેલી સ્ત્રી નહોતી. અનેક સ્ત્રીઓ સાથેનો સહવાસ એણે પ્રેમ વગર ભોગવ્યો હતો. પણ હાર્ટાના પરિચયે એને પૂરેપૂરો બદલી નાખ્યો. ચક્રધરે જ્યારે હાર્ટા પાસેથી એના પ્રેમી કાર્લનું નામ સાંભળ્યું, ત્યારે થોડીવાર એ દૂર થઈ ગયો. એણે વિચાર્યું કે જો ‘હું એને પ્રેમ નથી કરતો તો પછી કાર્લનું નામ સાંભળીને મારા મનમાં એકાએક આ દૂરત્વ કેમ ઊભું થયું?' સામે, હાર્ટએ પણ દર્શાવ્યું કે મન જીવંત છે. તરસ લાગે છે. ભૂખ પણ. તો પછી ઉપવાસ શા સારું? એકવાર કાર્લ મારું સર્વસ્વ હતો. એનું સ્મરણ અત્યારે પણ છે. તેમ છતાં આજે હું કહું છું કે હું સંપૂર્ણ તમારી છું, એમાં કોઈ અર્થ છે. ચક્રધરના મનમાં પોતાની પ્રેમિકા ઉમાનું ચિત્ર ખડું થયું. પહેલા પ્રેમને દબાવવા જતાં સ્ત્રીમન પરત્વે ચક્રધરને પહેલીવાર અનુકંપા થઈ. હાર્ટા નિઃસંકોચ ચક્રધરને કહે છે કે હું કોઈથી શા માટે ડરું? જીવનનું આ અસીમ સુખ જ્યારે સામે છે ત્યારે સંકોચથી એને શા માટે ખોઈ નાખું? ના, બિલકુલ નહીં, આવવા દો બધાને. હું બધાને કહીશ હું ક્યારેય સુખી નહોતી, દુ:ખની ચરમ સીમા મેં જોઈ છે. હવે સુખની ક્ષણ મળી રહી છે, એને પણ જીવી રહી છું. ચક્રધરને માટે પણ પ્રેમ હવે કેવળ ખેલ નહોતો રહ્યો. હાર્ટા અને ચક્રધરને ખબર હતી કે એમનું લગ્ન અસંભવિત બન્યું છે. જર્મની સામે બ્રિટને યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એટલે સ્ટીમર મુંબઈના બારામાં પ્રવેશી હોવા છતાં હાર્યા ત્યાં ઊતરી શકે તેમ નથી. જર્મન પાસપોટવાળાઓને માટે ભારતપ્રવેશ બંધ થઈ ગયો હતો, છેલ્લે ભયંકર વાસ્તવિકતા હાર્ટાના શબ્દમાં ઊભી થાય છે. કાલ સુધી આપણે બધા સ્નેહી હતા. આજે શત્રુ બની ગયા. દશ દિવસો સુધી પ્રેમના ખેલ ખેલ્યા સમુદ્રના આંગણમાં. આજે બધું જ રણાંગણ થઈ ગયું. યુરોપમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. હું જર્મન દેશથી નીકળી તો ખરી, પરંતુ હું યુદ્ધથી નીકળી? કે પછી યુદ્ધમાં રખડી પડી? જર્મનીમાં હોત તો હવાઈ હૂમલાઓમાં મરી ગઈ હોત. એક જ વાર મરતી. હવે તારા વિયોગમાં ક્ષણેક્ષણ યાતનાઓ ભોગવી રહી છું. અંતે મુંબઈની એમ્પાયર હૉટેલમાં ચક્રધરને ખબર પડે છે કે હાર્ટાએ હોંગકોંગના સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરી છે. હાર્ટાના શબ્દોમાં કહેવું હોય તો કહેવાય કે ઈશુની નજર પડતાં જલનું મધમાં પરિવર્તન થયું હતું, તેમ આ નવલકથામાં ચક્રધરના સ્વીકાર સાથે હાર્ટાના અવરુદ્ધ મલિન જલમાં આશાની લાલાશ પ્રવેશી છે. હાર્ટાના અને ચક્રધરના પરિવર્તન સાથે પ્રેમનું નવું માપ ઊભી કરતી આ નવલકથા ૬૦ વર્ષ બાદ પણ કાલગ્રસ્ત નથી બની.