રચનાવલી/૨૧૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧૭. સાધારણોનું ગીત (પાબ્લો નેરુદા)


‘કવિતા તો બ્રેડ જેવી છે અસાધારણ અને અકલ્પ્ય વિશાળ માનવપરિવારના સાક્ષરોથી માંડી કોશિયા સુધીના દરેક દ્વારા એનો સહભોગ થવો જોઈએ. હું કબૂલ કરું છું કે સરલ લખવું એ મારે માટે કઠિનમાં કઠિન કાર્ય છે.’- ગાંધીજીની જેમ આ રીતે સર્વસાધારણ મનુષ્યને તાકીને કહેનારો અને લખનારો કોઈ કવિ વીસમી સદીમાં થયો હોય અને બધા જ ચંદનમહેલમાં મહાલનારા આધુનિક કવિઓની સામે થયો હોય તો તે જગતનો એક જ કવિ છે અને તે છે પાબ્લો નેરુદા, પશ્ચિમના સાહિત્યની સામે આજે જ્યારે દેશીવાદનો ઊહાપોહ ઊઠ્યો છે અને સમાજથી વિમુખ શુદ્ધ સાહિત્યની સામે આજે જ્યારે સાહિત્યને સામાજિક કાર્ય ભેળવવામાં આવી રહ્યું છે ત્યારે આ કવિને યાદ કરવો જ પડે. પાબ્લો નેરુદા ગરજીને કહેતા કે મારે બધી જ વસ્તુને ‘હેન્ડલ' જોઈએ – પછી એ કપ હોય કે પછી એ કોઈ ઓજાર હોય. ઉપયોગિતા વગરની કોઈ વસ્તુ પાબ્લોને ન ખપે, સાહિત્ય પણ ન ખપે. સાહિત્યને પણ સામાજિક ઉપયોગ માટે વાપરતા પાબ્લો ખચકાયો નથી. લેટિન અમેરિકાના ચીલી રાજ્યના સ્પેનિશ ભાષાનો આ કવિ જેમ જેમ એની આસપાસનું જગત બદલાતું રહ્યું તેમ તેમ પોતાની કવિતાને પણ બદલતો રહ્યો છે. દરેક વખતે એ પોતાની જૂની લખવાની રીતને છોડીને નવી લખવાની રીતને આગળ ધરતો રહ્યો છે. આ કવિએ પોતાની કારકિર્દીનો આરંભ તો પ્રેમકાવ્યોથી કરેલો. એણે ઉઘાડા શૃંગારના દેહને ઉપસાવતાં પ્રેમકાવ્યો લખ્યાં પછી બર્મા રંગૂન રાજદૂત તરીકે મુકાતા એકલો પડી ગયો. આથી ધૂંધળાં સ્વપ્ન જેવાં કાવ્યો લખ્યાં, પછી નિરાશા અને હતાશા સાથે મૃત્યુકાવ્યો લખ્યાં, આ પછી કવિને લાગ્યું કે નિરાશા અને મૃત્યુનાં કાવ્યો લખીને પોતે લોકોનો દ્રોહ કરી રહ્યો છે અને એવું વિચારી લોકોની પીડાને અંકે કરવા માંડી. કવિએ કહ્યું કે, ‘દરેકની બધી જ પીડા મને આપો અને હું એને આશામાં પલટી નાંખીશ.’ લોકોને માટે લોકો સુધી પહોંચવા માટે લોકતરફી સાહિત્યની ખેવના સાથે આ કવિએ એક મોટુંમસ મહાકાવ્ય લખ્યું. એનું નામ છે ‘સાધારણોનું ગીત’ (કેન્ટો જનરલ) અમેરિકાને ગાતું આ મહાકાવ્ય પાંચસો પાનામાં પથરાયેલું છે. એમાં ૨૦,૦૦૦ જેટલાં પદો, ૩૨૦ કાવ્યોમાં સમાવવામાં આવ્યાં છે. એમાં મુખ્ય ૧૫ પ્રકરણો છે. યુરોપથી છુટા પડેલા અમેરિકાના નવા જગતમાં ન્યાય માટે સંઘર્ષ ખેડતા અને પ્રગતિ તેમજ વિકાસને નામે આર્થિક સામ્રાજ્યવાદી વલણો વચ્ચે સપડાયેલા મનુષ્યની એમાં કથા છે. ૧૯૫૦માં બહાર પડેલું આ મહાકાવ્ય રાજકીય કારણસર કેટલોક સમય પોતાના જ દેશમાં - ચીલીમાં જ પ્રતિબંધિત રહ્યું. કવિએ એમાં અમેરિકાના ભૂતકાળની સંસ્કૃતિથી શરૂ કરી વર્તમાન રાજકારણ સુધીના પથરાટને વર્ણવ્યો છે. એમાં કવિએ અમેરિકાના વિજેતાઓનો, અમેરિકાના અનામી યોદ્ધાઓનો, એના સરમુખત્યારોનો તેમજ પીડાતી પ્રજાના પ્રતિનિધિઓનો અવાજ ઊંચક્યો છે. એમ કહો કે અનેક અવાજ દાખલ કર્યા છે. નેરુદા વારંવાર એમાં કથા કહેનારને બદલ્યા કરે છે. એટલે મહાકાવ્યમાં ઘણા બધા અવાજો એકઠા થતા જોવાય છે. કટોકટીની સ્પર્ધામાંથી જન્મેલા ઇતિહાસને પાબ્લો રજૂ કરવા માંગે છે. ચીલીમાં રહીને, સ્પેનમાં રહીને અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે રહીને જે પોતાનો સામ્યવાદી રાજકારણનો અભિગમ ઊભો થયો છે એને કવિ વ્યક્ત કરે છે, એ રીતે આ અમેરિકાનું વિશિષ્ટ આશાવાદી મહાકાવ્ય છે. જૂના જગત પર નવા જગતનો વિજય, મૃત્યુ પર જીવનનો વિજયનો એનો વિષય છે, યુરોપ મૃત્યુના ગર્તામાં જઈ યુદ્ધને અંતે ઉદાસ પોતાની અંદર ઊતરતું જતું હતું ત્યારે અમેરિકા નવા જીવનને ઊંબરે ઊભું હતું. યુરોપની સફરે જઈ પાબ્લોએ પહેલીવાર ચીલીનો, હિસ્પેનિક જગતનો, લેટિન કે સ્પેનિશ અમેરિકાનો મિજાજ એમાં ઝીલ્યો છે. આ મહાકાવ્યમાં બીજું પ્રકરણ ‘માચ્યુપિચ્યુ’ પરનું છે અને એના બાર જેટલા વિભાગો છે. દેશવટો ભોગવીને ૧૯૪૩માં નેરુદા જ્યારે ચીલી પાછો ફરતો ત્યારે પેરુમાં આવેલા ૭૦૦૦ ફૂટ ઊંચા ‘માચ્યુપિચ્યુ’ શિખરો સુધી નેરુદાએ પ્રવાસ કરેલો. આ પ્રવાસના સંસ્કારોમાંથી આ પ્રકરણ રચાયું છે અને તે આ મહાકાવ્યનું ઊંચામાં ઊંચું શિખર છે. આ શિખર પર અમેરિકાની મૂળ રહેવાસી પ્રજા ઈન્કાનું બહુ પહેલાં લુપ્ત થયેલું નગર છે. પાબ્લો એ નગર સાથે પોતાની જાતને જોડે છે અને વિસરાયેલા નગરવાસીઓની યાતના દ્વારા પોતે પ્રગટ થવા ચાહે છે. પાબ્લો નેરુદા કહે છે : ‘મને મૌન આપો, પાણી આપો, આશા આપો, સંઘર્ષ આપો, લોઢું આપો,જ્વાલામુખીઓ આપો, લોહચુંબકોની જેમ ભલે વળગે શરીરો પર મારા શરીરને. આવો, જલદી આવો, મારી શિરાઓમાં, મારા મુખમાં, મારી ભાષા બનીને બોલો, મારું લોહી બનીને બોલો.’ શરૂમાં બાઇબલની જેવી સત્તાવાચક ભાષાથી શરૂ થયેલું આ મહાકાવ્ય પ્રજાની સાથે અંગત વાતચીતમાં ઊતરતું હોય એમ સંવાદવાચક બનીને ઊભું રહે છે. કવિ ઉચ્ચારે છે કે, ‘જે બધા મૃત્યુમાં પોઢી ગયા છે હું એ બધાનો સગો છું. હું લોક છું.’ આ મહાકાવ્ય કલાત્મક પ્રચારનું છે. એમાં વાચન કરતા રજૂઆત વધારે છે એ સાહિત્યિક છે એથી વધુ નાટ્યાત્મક છે ચલચિત્ર જેવી એની અસર છે. આ ચલચિત્ર વાચકના મનમાં ચાલે છે. દરેક વાચક એ વાંચતો હોય મહાકાવ્ય અને અનુભવતો હોય નાટક એવું લાગ્યા વગર રહેતું નથી. પાબ્લોએ રહસ્યની, ભાવોની અને અલંકારોની તરકીબો દ્વારા પાંચસો પાના સુધી વાચકને જકડી રાખવાનો યત્ન કર્યો છે. સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી, સામાન્ય માણસને પહોંચતુ કરવા લખાયેલું આ, એક રીતે જોઈએ તો, અસામાન્ય મહાકાવ્ય છે.