રચનાવલી/૭૦
◼
૭૦. સૂરજમુખીનું સ્વપ્ન (સૈયદ અબ્દુલ મલિક) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
સભ્યતા પહોંચી ન હોય એવા દૂરના ગ્રામીણ ક્ષેત્રમાં પણ સમાજ છે, એની પોતાની વ્યવસ્થા છે. સ્ત્રી અને પુરુષના સંપર્કો છે. પ્રેમ અને સંવેદન અંગેના કોઈ ને કોઈ ખ્યાલ છે. એક બાજુ ‘માનવીની ભવાઈ' કે 'મળેલા જીવ'માં કઠોર વાસ્તવિકતાની ધરતી પર ગુજરાતી નવલકથાકાર પન્નાલાલ પટેલ રોમૅન્ટિક પ્રેમનું સ્વપ્ન ઉતારવા મથે છે, તો બીજી બાજુ અસમિયા નવલકથાકાર સૈયદ અબ્દુલ મલિક રોમૅન્ટિક ભોંય પર વાસ્તવની કઠોરતાને વર્ણવવા પ્રયત્ન કરે છે. સૈયદ અબ્દુલ મલિક અસમિયા સાહિત્યના વિખ્યાત વાર્તાકાર અને નવલકથાકાર છે. ૧૯૧૯માં શિવસાગર જિલ્લામાં નહ૨નીમાં જન્મેલા સૈયદ અનુસ્નાતક અભ્યાસને અંતે અધ્યાપનના વ્યવસાયમાં ગોઠવાયેલા. એમણે ‘પરસમણિ’ (૧૯૪૬) જેવો વાર્તાસંગ્રહ, ‘અલ્હી ઘર' (૧૯૪૯) જેવું નાટક અને ‘બેદુઈન’ (૧૯૫૦) જેવો કાવ્યસંગ્રહ આપ્યાં છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ એમને પુરસ્કૃત કર્યા છે અને એમણે સૉવિયેટ લૅન્ડ નહેરુ પુરસ્કાર મેળવ્યો છે. સૈયદ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ‘સૂરજમુખીનું સ્વપ્ન' એમની જાણીતી નવલકથા છે. એમાં સ્ત્રીપુરુષના પ્રેમ અને વાસનાસંબંધની આસપાસ ઘૂમતી આ ગ્રામીણ કથામાં કોઈ છોછ વગર પુરુષ એના પ્રિયપાત્રની અંતે શોધ કરી, એને પ્રાપ્ત કરે છે, એનું બયાન છે. અસમિયા વિસ્તાર અનેએના કોઈ પ્રાન્તના નદીકાંઠાની પ્રકૃતિ વચ્ચે નાના નાના પ્રપંચો અને કાવાદાવામાં અટવાતી આ મુસ્લીમથા છેવટે એની જાણે કે દિશા શોધી લેતી સુખદ અંત પર અટકેલી છે. કથાનું કેન્દ્ર ધનસિરી નદીની પારનું ડાલિમ ગામ છે. હજી સભ્યતા ત્યાં પહોંચી નથી અને ગામનું જૂના ઢાંચામાં જીવન વહ્યું જાય છે. ગામની સમૃદ્ધિ અને તારાજી ધનસિરી નદી પર આધાર રાખે છે. ધનસિરી ક્યારેક કાલિમ ગામને ધનધાન્યથી ભર્યું ભર્યું કરી મૂકે છે અને ક્યારેક પૂરથી ખેતરો ડૂબાડી સર્વનાશ સર્જે છે. આમ છતાં નદીકાંઠે વસેલું આ ગામ ક્યારેય હિંમત હારતું નથી. ડાલિમ ગામમાં બાવીસ ત્રેવીસ વર્ષનો મહેનતુ યુવક ગુલચ છે. યુવાન ગુલચ સોળ સત્તર વર્ષની ચિનમાઈ નામની છોકરીને લઈને ભાગી જાય છે અને નેપાલીની ગોશાળામાં રાત ગાળે છે. ગામમાં છોકરીને ભગાવી જવી અને લગ્ન કરવા એ સામાન્ય વાત રહી છે. પણ સવાર પડતાં ચેનિમાઈનો કાકો સફિયત બંનેને પકડી પાડે છે. ગુલચના બાપને પણ આવી હરકત ગમતી નથી અને ગુલચને ઘરબહાર કાઢી મૂકે છે. ગુલચની મા ગુલચનો પક્ષ લેવા ગઈ, તો ગુલચની માને પણ ઘરબહાર કાઢી મૂકે છે. ગુલચના પિતાને ગુલચની મા ઉપરાંત વયમાં નાની બીજી પણ એક પત્ની હતી. ગુલચ અને એની મા અલગ રહેવા લાગે છે, એવામાં તારા નામની બીજી કોઈ છોકરી ગુલચના મનમાં વસી જાય છે. તારા એની માશી કપાહી સાથે રહે છે. કપાહી એક કરતાં વધુ પુરુષોને સેવે છે અને ગુલચને જોતાં કપાહીનું મન પણ ગુલચમાં ગૂંચવાય છે. ગુલચ ઘેર આવે છે તો તારા અને કપાહી બંને ગુલચનું સ્વાગત કરે છે. ગુલચના જીવનમાં એક સાથે બે ઘટના બને છે, જેને એ જીવનની સાધારણ ઘટના સમજે છે. એકવાર તારા એના મામાને ત્યાં ગઈ હતી અને કપાહી ઘેર એકલી હતી ત્યારે કપાહીના આગ્રહથી અને આક્રમણથી ગુલચ કપાહી સાથે શરીરસંબંધ બાંધે છે. બીજી એકવાર બપોરે ગુલચ પહોંચે છે ત્યારે તારા એકલી હોય છે. તારા ગુલચને બહુ મહેનત કરવાની ના પાડી ગુલચને જિદપૂર્વક પચીસ રૂપિયા આપે છે. ગુલચે ધનસિરી નદીને પેલે પાર પડતર જમીન હતી એને ખેતી લાયક બનાવી હતી. દિવસ રાતની કાળી મહેનત પછી ખેતરમાંથી એને સોનું મળવા માંડ્યું હતું. તારા એને વધુ મહેનત કરી શરીરને ઘસી નાખવાની ના પાડે છે. આ બાજુ કપાહીએ જાળ બિછાવી. ગુલચ સાથે પરણીને એ ઠરીઠામ થવા ઇચ્છતી હતી. ગુલચ અને તારા એકબીજાને ચાહતા હતાં, એની એને જાણ હતી પણ ચતુરાઈપૂર્વક એણે બાજી ગોઠવી. ગુલચ જ્યારે બધી તૈયારી સાથે તારાને પરણવા તૈયાર થયો ત્યારે ગુલચે કરેલી ગોઠવણ મુજબ તારાને બદલે કપાહી પોતે જાતને છૂપાવીને ગુલચ પાસે પહોંચી ગઈ. ગુલચની જાણ બહાર તારાને બદલે ગુલચે કપાહી સાથે નિકાહ પઢી લીધી. બીજી બાજુ કપાહીએ ગામના સરપંચ સફિયતને ત્યાં મસ્જિદના કામે તારાને મોકલી હતી. ત્યાં તારાને ખબર પડે છે કે એની મરજી વિરુદ્ધ સફિયતના કાણાકૂબડા અને બદસૂરત નાના દીકરા જોડે બળજબરીથી નિકાહ પઢાવી લેવાની તૈયારી ચાલે છે. તારા સચેત થઈ જાય છે અને ત્યાંથી નાસી છૂટે છે. એ સીધી ગુલચને મળે છે. કપાહીએ ફરીને નવો ઘાટ ઘડવા માંડ્યો. કપાહીએ તીખર નામના એક યુવક સાથે તારાને વળગાડીતારાથી છૂટવા માગે છે અને ગુલચની નજરથી એ દૂર થાય તેમ ઇચ્છે છે. ગુલચને આનોં ગંધ આવે છે. કપાહીના અન્ય પુરુષો સાથેના સંબંધો ચાલુ હતા. ગુલચને એની જાણ થતાં ઊભી થયેલી પરિસ્થિતિમાં ગુલચ કપાહીને ઘરમાંથી તગડી મૂકે છે. ગુલચ અને તારાનું સુખદ જીવન શરૂ થાય છે. પહેલેથી એકબીજાને ચાહતાં ગુલચ અને તારા કપાહીને કારણે તબાહીમાં પહોંચી ગયા હતાં. હવે એમને કળ વળી છે. કપાહી ચાલી ગઈ છે. ગુલચની છાતી પર માથું મૂકીને સૂતેલી તારાને ગુલચ કહે છે : ‘હવે તને મારી છાતી પરથી કોઈપણ છિનવીને લઈ જઈ શકે તેમ નથી.’ અને પછી ઉમેરે છે ‘પૂર આવ્યું છે. આ સાલ ખેતી નકામી થઈ ગઈ છે. બધું ચાલ્યું ગયું. જવા દે. તું છે ને! તું જ મારું સર્વસ્વ છે. પૂર આવ્યું છે પણ આપણું ઘર વહી જવાનું નથી. આપણું ઘર બહુ ઊંચે છે.’ સભ્યતાથી દૂરના લગભગ મુક્ત સમાજમાં પણ સ્ત્રીપુરુષના વાસનાસંબંધોમાંથી વિકસતો અને ઓળખી કઢાતો પ્રેમસંબંધ આ કથાના આધાર તરીકે રહ્યો છે. આ આસમિયા ગ્રામકથા કઠોર વાસ્તવિકતા છતાં સ્ત્રીપુરુષને જ્વલ્લે થતી એવી પ્રતીતિ પ