રચનાવલી/૭૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૧. આ પદુમણિ (અમૂલ્ય બરુઆ)



૭૧. આ પદુમણિ (અમૂલ્ય બરુઆ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



જાણીતો ફ્રેન્ચ ફિલસૂફ મોન્તેસ્ક્યૂ કહે છે કે તમે પર્સિયન હોત અને પર્સિયન સંજોગોમાં ઊછર્યા હોત અને તમે જે ઇચ્છયું હોત એ જો તમે પેરેસિયન હોત અને પેરીસમાં ઊછર્યા હોત તો એવું ન ઇચ્છત. એટલે કે જુદું ઇચ્છત. પ્રજાનો ઉછેર એની ભૂમિ, એની માટી, એની આબોહવા અને એની સામાજિક આર્થિક રાજકીય સ્થિતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ઇતિહાસની જેમ ભૂગોળ પણ મનુષ્યના ચારિત્ર્યને ઘડે છે; મનુષ્યને વિશિષ્ટ બનાવે છે. આથી જ નવલકથાકાર ઘણીવાર ઇતિહાસને કે ઇતિહાસના કોઈ એક સમયના ખંડને લઈને ક્થા રચે છે તેમ ઘણીવાર ભૂગોળ અને ભૂગોળના એક ખંડને લઈને કથા રચે છે. કહોને કે ભૂગોળના એક ખંડને જ ઘણીવાર નાયક બનાવે છે. નવલકથાનો આવો પ્રયોગ અસમિયા ભાષાના નવલકથાકાર અમૂલ્ય બરુઆની નવલકથા ‘આ પદુમણિ'માં જોવા મળે છે. આ નવલકથામાં આસામનું એક ગામ ‘પદુમણિ'ની કથા છે. એમાં મનુષ્ય પાત્રો તરીકે ઘણા આવે છે પણ મનુષ્યો દ્વારા વાત તો પઘુમણિ ગામની કહેવાય છે. અને તેથી જ ‘આ પદુમણિ' એવા ગામના પરિચય દ્વારા ગામલોકનો પરિચય થવા પામે છે. ૧૯૧૨માં જોરહાટમાં જન્મેલા અમૂલ્ય બ્રુરુઆએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. પરંતુ ૧૬ ઑગસ્ટ ૧૯૪૯ના મુસ્લિમ લીગના આંદોલનમાં એમની હત્યા કરવામાં આવેલી અને તેથી એમનું અકાળ મૃત્યુ થયેલું. આમ છતાં અસમિયા ભાષાની નવી કવિતાનો પહેલો આરંભ એમણે કર્યો છે. જગત અને સમાજની વિષમતા વિરુદ્ધ વિદ્રોહનો સૂર એમણે પ્રગટ કર્યો છે. એ જ રીતે ‘આ પદુમણિ' જેવી નવલકથામાં પણ ગામના સરલ અને સહજ જીવનની પડછે એની બદલાતી રેખાઓને એમણે ઝીણવટથી ઝાલી છે. પદુમણિ ગામમાં એક તળાવ છે, પણ તળાવનું પાણી કોઈ પીતું નથી. લોકો તળાવની દક્ષિણ દિશામાં વહેતી લુઈત નદીનાં પાણી પીએ છે. લુઈત નદીના ઘાટ પર બે ત્રણ નાવ બંધાયેલી રહે છે. ક્યારેક કંપની સરકારનું જહાજ આવી ઘાટ પર રોકાય છે. પણ આ ગામના બધા જ લોકો લગભગ માછીમારો છે. માછલીઓ પકડીને જીવનનો નિર્વાહ કરતાં મોટાભાગના માછીમાર લોકોની કથામાં લેખકે ફુલબરનું પાત્ર ગોઠવ્યું છે. અને એના દ્વારા પદુમણિ ગામને લેખકે ઉપસાવ્યું છે. પદુમણિમાં નદીને કિનારે ફુલબરનું ઘર છે. અને ઘરમાં પોતે અને ઘરડી મા રહે છે. વારસામાં પિતા તરફથી એને ફાટેલી જાળ અને તૂટેલી ઝૂંપડી મળ્યાં છે. પણ એ માછીમાર છે અને એને માછીમારીનું કામ ગમે છે. નદી એને પસંદ છે અને એનાં પાણી એ ખૂંદ્યા કરે છે. પુનારામ એનો સાથી છે. ફુલબરને ગામની કન્યા બિહુલી ગમી ગઈ છે. બંનેને આકર્ષણ છે પણ ઝાઝી વાત બંનેએ ક્યારેય કરી નથી. પુનારામની સાથે નાવ લઈ જઈને માછલીઓ લાવી એ ખરીદનાર ભોકાન્દને આપ્યા કરે છે. ગામમાં વરસાદના પૂરમાં શીમળાનું ઝાડ તણાઈ જાય તો પણ એ ઘટના બની કહેવાય. એમાં તો તિહુકર જેવો માણસ કહે છે કે ‘જલદેવતા તાણી ગયા. હવે હું ગામમાં નહીં રહું' ફુલબરને આ બધા વચ્ચે નાવ અને જાળનાં સાંસાં છે. નવી જાળ લેવા એને છેક તિનટિયા ગામે જવું પડે છે. વળી, માજુલીમાં રહેતા ચકનનો અને એની સુંદર પત્ની કલિમીની પણ ફુલબરને પરિચય છે. ઘાસ અને પાંદડાંમાંથી જાતજાતની વસ્તુઓ બંને જણ બનાવે છે. ફુલબર બિહુલીને ત્યાં આવતો જતો રહે છે અને એકવાર રાતે અને ત્યાં રોકાઈ પણ જાય છે. બિહુલીને ઉઠાડવાનું એને મન થાય છે પણ એ ત્યાંથી નીકળી જાય છે. એને થાય છે કે ‘આ તે કેવી તરસ છે?’ ફુલબર સંવેદનશીલ માણસ છે. એ જ રીતે એ જ્યારે બહેનબનેવીને મળવા શેલમારી રાજ્યની સીમા સુધી નાવમાં પહોંચી જાય છે, ત્યારે બેનબનેવીની ગેરહાજરીમાં બેનની નણંદ તર્ગેને એકલી જોતાં એ ઘેર કામ છે કહીને ચાલી નીકળે છે. આ ઉપરાંત ફુલબરનો સાથી પુનારામ વાત લાવે છે કે પદુમણિના ઘાટ પર કંપનીનું જહાજ આવવાનું છે અને પદુમણિનો ઘાટ મોટો બનાવવાનો છે અને મજૂરી મળવાની છે, ત્યારે ફુલબરને એ સાંભળીને સારું નથી લાગતું. બહારના લોકો આવીને ગામમાં ભીડ કરશે એવી એને ચિંતા છે. બીજી બાજુ એને એની પણ ચિંતા થઈ કે બિહુલીએ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું છે. બિહુલીને કાપડનો ટુકડો ભેટ આપવા છતાં બિહુલીએ જ્યારે આનંદ પ્રગટ ન કર્યો ત્યારે એને થયું કે બિહુલી બદલાઈ રહી છે. આ જ અરસામાં પુનારામના કહેવાથી પુનારામ સાથે રાતને સમયે માછલાં પકડવાં જતાં એમની નાવ બીજી નાવ સાથે ભટકાઈ જાય છે અને ફુલબર પોલિસના હાથમાં પડતો માંડ માંડ બચી જાય છે. આ પછી એકાએક કલિમીના પતિ ચૂકનનું મરણ થાય છે અને ફુલબર કલિની પાસે આવે છે. બીજી બાજુ બિહુલી મિલના માલિકના દીકરા જોડે અને અન્ય જુવાનિયા જોડે વેશ્યાવૃત્તિને માર્ગે ચઢી છે, એની ફુલબરને જાણ થાય છે. ફુલબરને થાય છે કે બિહુલીને ધન જોઈએ છે મન નહીં. અને પોતે તો મહાદરિદ્ર છે. મૃત ચકનની પત્ની કલિમી ફુલબરને બહુ સૂચક રીતે પોતાની બહેન બગીની વાત કરે છે અને જણાવે છે કે કોઈ બંગાળી મોહનદેવ નામના શખ્સ સાથે ભાગી ગઈ છે. ફુલબર એના સૂચનને સમજી જાય છે અને બંને એકબીજાની નજીક આવે છે. ત્યાં તો, ગામમાં જહાજ આવીને ઘાટ પર રોકાય છે. જહાજનું નામ છે ‘મોર્નિંગ'. કેટલાક લોક કૌતુક ખાતર જહાજમાં ચઢીને બધું જોઈ આવે છે. ગામનો વેપારી દુકાનો માંડે છે અને નદીકિનારે બીજા પણ આ તકનો લાભ લઈ દુકાનો કરે છે. પણ જહાજ આવીને જવા લાગ્યું. એ ક્યાં જવાનું છે એની ગામ લોકને ખબર નથી. કોઈને એ જાણવાની ઇચ્છા પણ નથી. એ લોકો એટલું જ કહી શકે કે એક જહાજ ચાલી ગયું. ફુલબરે આ ચહલપહલ દરમ્યાન પુનારામ આગળ દિલ ખોલ્યું. કહ્યું કે એ બિહુલીને બેહદ ચાહે છે પણ સાથે સાથે એ પણ જણાવ્યું કે જ્યારથી એ મિલમાં જવા લાગી છે ત્યારથી એ બદલાઈ ગઈ છે. એને ફક્ત પૈસા જોઈએ છે અને પોતે એક માત્ર સાધારણ ગરીબ માછીમાર છે. પુનારામને દુઃખ થાય છે. છેવટે યોજના કરી હતી તે પ્રમાણે ફુલબર અને કલિમી ગામમાંથી ભાગી જાય છે. બંને બહેન બનેવીને ત્યાં રહેવા શેલમારીમાં જતાં રહે છે. એમનો કિસ્સો ચર્ચાનો વિષય બને છે. પણ પ૬મણિ ગામનું આકર્ષણ એવું છે કે ફુલબર પહુમણિ ગામને વિસારી શકતો નથી. એને થાય છે કે પોતાના ગામ પમણિથી એ દૂર નહીં રહી શકે. હવે પદુમણિ ગામ ખાસ્સું બદલાઈ ગયું છે. નવાં ગોદામો અને નવાં ક્વાટર્સ થયાં છે અને બધા નોકરીમાં ગોઠવાઈ ગયા છે. ફુલબરને નોકરી નથી. પણ એ ધરતી મરામતમાં લાગી જાય છે. પુનારામ દ્વારા બિહુલીની બેહાલીના સમાચાર મળે છે પણ ફુલબર નાવ લઈને નીકળી પડે છે. એ મા વિશે, કલિમી વિશે જ વિચારી રહ્યો છે અને એના કંઠમાંથી કોઈ ગીત વહેતું થાય છે. બદલાતા સંજોગોની સાથે બદલાતા માણસોથી બદલાતી ગામની તાસીરને રજૂ કરતી આ નવલકથા એની પૂર્વ ભારતીય જીવનશૈલીનો અનોખો સ્વાદ આપે છે.