રમણીક અગ્રાવતની કવિતા/ડાકલું
૪૮. ડાકલું
ચાંદનીના ઊજળા પાલવમાં
ડાઘ જેમ ફેલાય
ઘુવડની હૂક
ચીબરીના ખિખિયાટાની સીડીએથી
ઊતરી પડે
પતરાં પર અડદના દાણા જેમ વેરાતો છમ્મકાર
ચુડેલની પીઠમાંથી ફેંકાતી લોહીછાંટ
બાજે ઘૂઘરી ડાકણોના પગે
વંતરીઓના ચગ્યા રાસના હિસિયાટા
સાંય સાંય વીંઝાતો પવન પછાડે દાંડી
ભૈરવની દુંદ પર
દિશાઓમાંથી વેરાય સિસકારા
આકળા ઝાડની ડાળ ડાળ કડેડાટીમાં ઊભી થાય
બાંધ્યા મોંનું રુદન વલોવાય
મેલા અવકાશનાં અફાટ વેરાનમાં