રમણીક સોમેશ્વરની કવિતા/ધગધગતું રણ મળ્યું
૪૦. ધગધગતું રણ મળ્યું
ધગધગતું રણ મળ્યું
ચડી ઊંટની પીઠ ઉપર આકાશ આંખમાં ભર્યું
અમને ધગધગતું રણ મળ્યું
કેમ કરીને આપું ઓળખ
અમે રેતના ઢૂવા
વણઝારાની પોઠ માગતી
રણની વચ્ચે કૂવા
સૂકા ઘાસની સળી જેમ આ જીવતર આખું સર્યું
અમને ધગધગતું રણ મળ્યું
મળ્યા દિવસના તાપ
રાતનું ટાઢોળું, સન્નાટો
પ્રલંબ રેતીના પટ વચ્ચે
ક્યાં મારગ, ક્યાં ફાંટો
દરિયો આખો માગ્યો, ત્યારે બુંદ એક ઝરમર્યું
અમને ધગધગતું રણ મળ્યું