રવીન્દ્રપર્વ/૧૨૯. ખોલો ખોલો દ્વાર
૧૨૯. ખોલો ખોલો દ્વાર
ખોલો ખોલો, દ્વાર ખોલો. હવે મને બહાર ઊભી રાખશો નહીં. મને ઉત્તર આપો, ઉત્તર આપો. આ તરફ જુઓ, બન્ને હાથ પ્રસારીને આવો. કામકાજ પૂરાં થઈ ગયાં છે, સાંજનો તારો ઊગી ચૂક્યો છે. અસ્તસાગરની પાર પ્રકાશની હોડી ચાલી ગઈ છે. ઝારી ભરીને લઈને જલ આણ્યું છે? પવિત્ર રેશમી વસ્ત્ર સજ્યું છે? વેણી બાંધી છે? ફૂલ ચૂંટ્યાં છે? કળીઓની માળા ગૂંથી છે? ગાયો ગભાણમાં પાછી ફરી છે, પંખીઓ માળામાં આવી ગયાં છે. આખા જગતમાં જેટલા મારગ હતા તે બધા અન્ધકારમાં ખોવાઈ ગયા છે. (ગીત-પંચશતી)