રવીન્દ્રપર્વ/૪૬. આહ્વાન
૪૬. આહ્વાન
ક્યાં છો તમે? બોલાવું હું, જરા સુણો, મારે પ્રયોજન
કેવળ તમારું સખા, હું તો નથી તમારું બન્ધન;
પથનું પાથેય મારા પ્રાણે. દુર્ગમે ચાલ્યા છો તમે
નીરસ નિષ્ઠુર પથે — ઉપવાસહિંસ્ર છે જે ભૂમિ
આતિથ્યવિહીન, ઉદ્ધત નિષેધદણ્ડ રાત્રિદિન
ઉદ્યત કરી એ રાખે ઊર્ધ્વભણી. ત્યહીં ક્લાન્તિહીન
દઈ શકું તમને એવો હું સાથ જે પ્રાણવેગે વહે
શુશ્રૂષાની પૂર્ણ શક્તિ પોતાના જ નિ:શંક અન્તરે
જેમ રુક્ષ રિક્તવૃક્ષ શૈલવક્ષ ભેદી અહરહ
દુર્દમ્ય નિર્ઝરની સેવાનો રાખે ઉત્કટ આગ્રહ
સુકાવા ના દિયે રસબિન્દુ જે નિર્દય સૂર્યતેજે
નીરસ પ્રસ્તરતલે દૃઢબલે ઢાળી દિયે છે જે
અક્ષય સમ્પદરાશિ. એની ગતિ સહાસ્ય ઉજ્જ્વલ
દુર્યોગે અપરાજિત, અવિચલ વીર્યનો આલમ્બ.
(મહુયા)