રવીન્દ્રપર્વ/૬. રમકડાંની મુક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રમકડાંની મુક્તિ

 એક હતાં મણિબહેન.
ને એક હતી એમની જાપાની પૂતળી —
 એમની સાથે એમને ઘરે જ રહે.
 નામ એનું હાનાસાન.
 એ જાપાની ચણિયો પહેરે —
આછો લીલો રંગ, ઉપર સોનેરી રંગનાં ફૂલ ભરેલાં.
 એને માટે વર પણ શોધી કાઢ્યો હતો
 વિલાયતના હાટમાંથી.
તે જમાનાના રાજપુત્રની જેમ એ કમરે તલવાર બાંધે,
 માથાના મુકુટ પર પીંછાંની કલગી ખોસે.
 કાલે થશે ગ્રહશાન્તિ, પરમ દિવસે લગન.

 સાંજ પડી.
 હાનાસાન પલંગમાં સૂતી છે.
 વીજળીનો દીવો બળે છે.
ત્યાં ક્યાંકથી આવી ચઢ્યું એક ચામાચિડિયું,
 ગોળ ગોળ ઘૂમતું જાય ને ઊડતું જાય,
 સાથે ભમે એની છાયા.
 હાનાસાને એને સાદ દીધો,
‘ચામાચિડિયા, ઓ મારા ભાઈ ચામાચિડિયા, મને
 ઉડાવીને લઈ જાઓને વાદળોના દેશમાં.
 હું જન્મી છું રમકડું થઈને, —
 જ્યાં રમતોનું સ્વર્ગ રહ્યું છે.
 ત્યાં મને લઈ જાઓ
 મુક્તિની રમત રમવા.’

મણિબહેન આવીને જુએ છે તો પલંગમાં હાનાસાન નથી.
 ક્યાં ગઈ? ક્યાં ગઈ?
હવે આંગણાની પાસે એક વડનું ઝાડ,
 ત્યાં વાસ કરે છે દેડકાભાઈ;
એ કહે, ‘હું જાણું છું
 ચામાચિડિયાભાઈ
એને લઈને ઊડી ગયા છે.’
મણિ કહે, ‘તો મારા ભાઈ, દેડકાભાઈ
 મનેય ત્યાં લઈ જાઓ ને,
 હું એને પાછી લઈ આવું.’
દેડકાભાઈએ તો પાંખ ફફડાવી,
 મણિબહેને આખી રાત ઊડ્યા જ કર્યું.
સવાર થઈ ત્યાં આવ્યો ચિત્રકૂટગિરિ,
 અહીં જ છે વાદળોનો વાસ.
મણિએ સાદ દીધો, ‘હાનાસાન, ઓ હાનાસાન!
 ક્યાં છે તું?
 તારા વિના મારી રમત અધૂરી પડી રહી.’

 ત્યાં નીલું વાદળું આવીને કહે,
 ‘માણસને તે કાંઈ રમતાં આવડે?
 એ તો જેની સાથે રમે તેને માત્ર જકડીને બાંધી રાખે.’
મણિ કહે, ‘ત્યારે તમારી રમત કેવી હોય છે?’
 કાળું વાદળું પાસે સરી આવ્યું,
 એ ચળકચળક હસે,
 ઘર્ ઘર્ ઘર્ અવાજે બોલે.
એ કહે, ‘આ જુઓ ને, હાનાસાન અહીં
 વિખેરાઈ ગઈ છે અનેક થઈને,
 એ મુક્તિ પામી છે અનેક રંગે,
 અનેક આકૃતિએ,
 અનેક દિશાએ,
 પવને પવને,
 પ્રકાશે પ્રકાશે.’
મણિ કહે, ‘દેડકાભાઈ,
 આ બાજુ આપણે ઘરે તો લગન ઠર્યાં છે,
 વર આવશે તેને કહીશું શું?’
 દેડકાભાઈ હસીને કહે,
 ‘આ ચામાચિડિયાભાઈ છે ને,
 વરનેય આ પાર ઉડાવી લાવશે.
 લગનની રમત પણ
 સૂર્યાસ્તના શૂન્યે આવી
 ભળી જશે સાંજના વાદળમાં.’
મણિ રડતી રડતી કહે, ‘ત્યારે
 આખરે બાકી રહેશે માત્ર રડવાની જ રમત?’
દેડકાભાઈ કહે, ‘મણિબહેન,
 આ રાત તો થશે પૂરી,
ને કાલે સવારે વરસાદમાં ન્હાઈને ખીલેલાં
 માલતીનાદ્વ ફૂલમાં
એ રમતનેય કોઈ નહીં ઓળખે.’

(પુનશ્ચ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪