રાજા-રાણી/ચોથો પ્રવેશ1

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો પ્રવેશ

બીજો અંક


         સ્થળ : રાજમહેલ. વિક્રમદેવ, મંત્રી અને દેવદત્ત.

વિક્રમદેવ : પલાયન! બસ રાજ છોડીને પલાયન! આ રાજ્યનાં આટલાં સૈન્ય, આટલા દુર્ગ, આટલાં બંદીખાનાં, લોઢાની આટલી બેડીઓ, એ બધાંથી પણ એક પામર અબળાનું હૃદય ન બાંધી રખાયું? આનું નામ શું રાજા? આટલો જ શું એ રાજાનો મહિમા? ઓ! એ પ્રચંડ પ્રતાપ, સોનાના સૂના પિંજર સમો પડ્યો રહ્યો, એનાં મનુષ્યબળ કે અર્થ-બળ એળે ગયાં, ને અંદરનું નાનું પંખી ઊડી ગયું.
મંત્રી : અરેરે મહારાજ! કોઈ જલપ્રવાહનો બંધ તૂટે ને જેમ પાણી છૂટે, તેમ લોકનિન્દા ચોમેર ફાટી નીકળી છે.
વિક્રમદેવ : ચુપ કરો, મંત્રી. લોકનિન્દા, સદા બસ લોકનિન્દા! નવરાં મનુષ્યોની જીભ એ નિન્દાના ભારથી ભલે ને ખડી પડે! દિવસ અસ્ત થયે, ભલે ને કાદવના ખાડાઓમાંથી ધુમ્મસના ગોટા ઊઠે! એથી મારો અંધકાર હવે નથી વધવાનો. હા! લોકનિન્દા!
દેવદત્ત : મંત્રીજી, પરિપૂર્ણ સૂર્યની સામે કોણ નજર માંડી શકે! તેથી જ ગ્રહણને ટાણે મનુષ્યોનાં ટોળાં છૂટે, અને કંગાલ નયને એ રવિરાજની સામે જુઓ; કાળી મેશવાળા કાચના ટુકડાની અંદરથી આકાશના પ્રકાશને લોકો કાળો કરી નિહાળે. મહારાણી! ઓ માતૃદેવી! તમારે નસીબે શું આવું લખ્યું હતું? તમારું નામ શું આજ ધૂળમાં રોળાય? તમારું નામ તુચ્છ માનવીઓને મોંએ મોંએ રઝળે? આજે કેવો આ માઠો દિવસ! તોયે તમારાં સત-તેજ તો જેવાં ને તેવાં, માતા! આ બધા તો રસ્તાના કંગાલો.
વિક્રમદેવ : ત્રિવેદી ક્યાં ગયો? મંત્રી, બોલાવો એને. એની પૂરી વાત નથી સાંભળી, મારું ચિત્ત બીજે હતું.
મંત્રી : બોલાવી લાવું, મહારાજ.

[જાય છે.]

વિક્રમદેવ : હજુ સમય છે; શોધ મળે તો હજુયે પાછી વાળું. શોધ! હજુયે પાછી શોધ! સદાય શું જીવન આમ જ જવાનું? એને ઝલાવું નહીં, અને મારે શું એની પાછળ જ ભટકવું? રાજ્યનાં બધાં કામકાજ છોડી, હાથમાં પ્રેમની શૃંખલાઓ પહેરી, રમણીના એક ભાગેડુ હૃદયની શોધમાં જ મારે ભટક્યા કરવું? નાસી જા, ઓ નારી, દિવસરાત સદા નાસ્યા જ કરજે; આ પહોળી પૃથ્વીની અંદર, ઘરબાર વિનાની, સ્નેહ વિનાની, અને વિસામા વિનાની, તારી એક માત્ર છાયા લઈને તું નાસ્યા જ કરજે.

[ત્રિવેદી પ્રવેશ કરે છે.]


                           ચાલ્યો જા, કોણે તને બોલાવ્યો છે? વારે વારે એ રાણીની વાત સાંભળવા કોણ નવરું બેઠું છે, બેવકૂફ બ્રાહ્મણ!

ત્રિવેદી : હે...એ મધુસૂદન!

[ચાલવા જાય છે.]

વિક્રમદેવ : ઊભો રહે, ઊભો રહે; બે વાતો પૂછી લઉં. બોલ, એની આંખોમાં આંસુ હતાં?
ત્રિવેદી : ચિંતા કરો મા, બાપુ, આંસુ નહોતાં.
વિક્રમદેવ : આંસુ નહોતાં? ઓ ભાઈ, તો ખોટેખોટું બનાવીને બોલ, કે આંસુ હતાં. બસ, કરુણાર્દ્ર, નાનકડા બે જ ખોટા શબ્દો બોલ કે ‘આંસુ હતાં’, પણ રે બુઢ્ઢા બ્રાહ્મણ, તું ભાળે છે જ ક્યાં? કેમ કરીને જાણ્યું કે એની આંખે આંસુ નહોતાં? વધુ નહીં, બસ, એક જ બિન્દુ હશે. નહીં? તો નેત્રોને ખૂણે જરા ઝળઝળિયાં હશે. નહીં? તો રુંધાયલા, કમ્પતા કંઠમાં ગળગળી વાણી હશે. એ પણ નહીં? સાચું બોલ, રે, ખોટેખોટું બનાવીને બોલ! રે બોલીશ મા, બોલીશ મા, ચાલ્યો જા.
ત્રિવેદી : હે...એ હરિ! સાચો એક તું!

[જાય છે.]

વિક્રમદેવ : અંતર્યામી દેવતા! તમે સાક્ષી છો; જીવનમાં, બસ, એક જ અપરાધ: તે એના પરનો પ્રેમ. મારું પુણ્ય ગયું, સ્વર્ગ લુટાયું, રાજ્ય પણ જવા બેઠું, આખરે એ પણ ગઈ. તો હવે, પ્રભુ, મને મારો ક્ષત્રિયધર્મ પાછો દે, મારો રાજધર્મ પાછો દે; મારા પુરુષ-પ્રાણને આ વિશ્વ સંગ્રામમાં છૂટો મૂકી દે! હા! ક્યાં કર્મક્ષેત્ર! ક્યાં માનવ-પ્રવાહ! ક્યાં જીવન-મરણ! માનવજાતનાં એ અવિરામ સુખદુઃખ ક્યાં! સંપદ્-વિપદ્ ક્યાં! આશાના તરંગો ક્યાં!

[મંત્રી આવે છે.]

મંત્રી : મહારાજ, રાણીજીની શોધમાં ઘોડેસવારો ચોમેર દોડાવ્યા છે.
વિક્રમદેવ : રે, પાછા બોલાવો, એને પાછા બોલાવો! આજ મારું સ્વપ્ન ઊડી ગયું છે; એને તમારા ઘોડેસવારો ક્યાંથી શોધી કાઢશે? ચાલો, સેના સજ્જ કરો, હું યુદ્ધે ચડીશ, દ્રોહીઓને નસાડીશ.
મંત્રી : જેવી આજ્ઞા, પ્રભુ!

[જાય છે.]

વિક્રમદેવ : દેવદત્ત, શા માટે મોં નીચું ઢાળ્યું છે? ખબરદાર, આશ્વાસનના પામર શબ્દો કાઢીશ ના. આજે તો જાણે મારા આત્માને મેલીને ચોર ચાલ્યો ગયો છે. એ ચોરાયેલો આત્મા આજે પાછો જડ્યો છે. આજે તો, સખા, આનંદનો દિવસ છે. આવો ભેટીએ.

[ભેટે છે.]

                  ના, ના, બંધુ! જૂઠી વાત! ઘોર વાદળની અંદર આ તો પ્રકાશનો માયાવી ચમકારો. જાણે વળી પાછું એ ચમકારામાંથી વજ્ર છૂટે છે, મારા મર્મને વીંધે છે. તે કરતાં તો, આવો, એકવાર એ હૃદયના મેઘાડમ્બરમાંથી આંસુધારાઓ વરસાવી લઈએ. વાદળ વિંખાઈ જશે. }}